Amit Chauhan

Comedy

4  

Amit Chauhan

Comedy

મયંકભાઈનું મંગળ મિશન

મયંકભાઈનું મંગળ મિશન

7 mins
210


મયંકભાઈ ઘરમાં દાખલ થયા અને ડાઈનિંગ ટેબલ પાસેની ખુરશી ઉપર બેઠા. એમણે જોયું કે ટેબલ ઉપરની એક થાળીમાં ખમણ મૂકેલા હતાં. તેઓ બોલી ઊઠ્યા,"વાહ રમા ! આજે તો તે મારી ફેવરિટ આઈટમ બનાવી છે."

કિચનમાં કામ કરતા રમાબેને કહ્યું,"ભલે, પણ પહેલા એ જણાવો કે ક્યાં ગયા હતાં ?"

 "સોસાયટીના દરવાજે હતો. દેવાન્ગ જોડે બેઠો'તો."જ્યારથી રિટાયર્ડ થયા છો ત્યારથી તમને મજા જ પડી ગઈ છે; ખરું ને !"

"મજા તો પડે જ ને. પહેલાં તો સવાર થાય કે તરત જ જોબ પર જવા માટેની તૈયારી કરવી પડતી હતી. અને રાત્રે ઘેર આવું એટલે નાહીધોઈને જમી લેવાનુંં ને પછી સીધા પથારીભેગું થવાનુંં."

મૂળ વાત પર આવવા માટે રમાબેને પૂછ્યું,"શું કેતા'તા દેવાન્ગ ભાઈ ?"

"તેણે એક સરસ સમાચાર જણાવ્યા. તને એ સમાચાર અંગે ખબર છે ?"

"કયા સમાચાર ?"

"અમેરિકાવાળાઓએ તાજેતરમાં જ મંગળ ઉપર રોવર મોકલ્યું છે."

"હા, ખબર છે. છાપામાં મને વાંચવા મળ્યું હતુંં."

"હું વિચારું છું કે જો ત્યાં પ્રવાસ કરવાનું શક્ય બને તો મજા પડી જાય ! સાચ્ચે જ. દર વર્ષે આપણે કોઈ ને કોઈ ઠેકાણે પ્રવાસ કરીએ જ છીએ ને….મંગળ ઉપર પણ લટાર મારતા આવીશું. મારી વાત બરોબર છે ને ?"

"નથી બરોબર. આપણા માટે ત્યાં જવું લગભગ અશક્ય છે. આ તે કંઈ બદરીનાથ -કેદારનાથની જાત્રા થોડી છે કે સિટ બુક કરાવીને પહોંચી જવાય !"

"તું જો તો ખરી રમા, હું કંઈક તો કરી બતાવીશ."

"ભલે. પહેલા થાળીમાંના ખમણ ચાખી જુઓ અને કહો કે કેવા લાગે છે !"

મયંક ભાઈએ એ પ્રમાણે કર્યું. એ પછી કહેવા લાગ્યા,"સરસ ...ટેસ્ટી લાગે છે. બધી જ વસ્તુઓ માફકસરની છે."

એ પછી રમાબેન મયંક ભાઈ પાસે બેઠા. જાણી લઈએ કે મયંકભાઈના મનમાં હજી પણ મંગળ ગ્રહ પર રોવર મોકલ્યાની વાત રમ્યા કરે છે. તેમણે પૂછયું,"રમા, પેપરની થપ્પી ક્યાં મૂકી છે ?"

"કપડાં મૂકીએ છીએ એ કબાટમાં"

મયંકભાઈ કબાટ તરફ ગયા. 

"કહું છું આ પૃથ્વી ઉપર આટલી સરસ રીતે રહેવા મળે છે તો પછી મંગળ પર જવાની શી જરૂર છે ? "

"મારે કે તારે; ત્યાં રહેવા ક્યાં જવું છે ! જો ત્યાં માનવજીવન શક્ય બને તો એટલિસ્ટ જાત્રા તો કરી શકાય ને !"

આવું કહેતા મયંક ભાઈએ પેપરની થપ્પીમાંના પેપર વારાફરતી જોવા માંડ્યા. એવું કરતાં કરતાં કોઈ એક પેપર ઉપર એમની નજર સ્થિર થઈ. જે સમાચારની શોધમાં હતાં તે સમાચાર તેમને જડી ગયા. સમાચાર વાંચતા તેમને જાણવા મળ્યું કે મંગળ ઉપર મોકલવામાં આવેલું રોવર ત્યાં દસ વર્ષ રહેશે. ડૉ. સ્વાતિ મોહનના નામથી પણ તેઓ પરિચિત થયા. 

"આ તો ઈન્ડિયન છે. સરસ. મંગળ પર જવાનો મારો મેળ પડી જશે !"તેઓ મનોમન ગણગણવા લાગ્યા. રમા બેનને જાણે ખબર પડી ગઈ હોય એમ પૂછવા લાગ્યા, "કેમ આટલા બધા ઉત્સાહિત થઈ ગયા ?"

"રમા, સમાચાર વાંચતા જાણવાં મળ્યું કે રોવરના સફળતાપૂર્વકના લેન્ડીંગ પાછળ જો કોઈએ મહત્વની ભૂમિકા ભજવી હોય તો તે સ્વાતિ મોહન છે. અને મારા ઉત્સાહિત થવા પાછળનુંં કારણ એ છે કે તેઓ ઈન્ડિયન છે."

 "સારી વાત કહેવાય. અલબત્ત અત્યારે તો ઊંઘી જાવ."

એ પછી મયંકભાઈ પથારીમાં આડા પડ્યા. એકાદ કલાક થયો હશે ને એમને સપનુંં આવ્યું. તેઓ ટી.વી. સામે બેઠા હતાં. એમને ન્યૂઝ સંભળાય રહ્યા હતાં: મૂળ ભારતના પરંતુ અમેરિકામાં વસવાટ કરતા ડૉ. સ્વાતિ મોહન; આવતીકાલે હોટલ વિરામ ખાતે આવશે.

લગભગ અડધા કલાક સુધી તેઓ સપનાની દુનિયામાં ખોવાયેલા રહ્યા. એ પછી જ્યારે તેમની આંખો ખૂલવા પામી ત્યારે તેમણે જોયું કે ટી.વી. તો બંધ હતુંં. રમાબેન સૂતા હતાં. તેમને ખલેલ ન પહોંચે એ રીતે તેમણે પથારીમાં લંબાવ્યુ. સમય પસાર થતો ગયો અને સવાર પડી. તેમણે આંખો ખોલી. બ્રશ કર્યું અને કિચનમાં આવ્યા. રમાબેન ચ્હા બનાવી રહ્યા હતાં. 

 "રમા, રાત્રે મને એક સપનુંં આવ્યું હતુંં. ટી.વી. પર સમાચાર હતાં કે ડૉ. સ્વાતિ મોહન આજે અમદાવાદ આવનાર છે."મયંકભાઈએ કહ્યું. 

"મયંક, એ સપનુંં હતું. દિવસે જેવા વિચારોનું સેવન કરીએ, રાત્રે એવા સપના આવે ! અને સપનુંં સાચું પડ્યું હોવાની વાત; મેં આજ લગી સાંભળી નથી."

પેપરવાળો આવી ગયો હશે કહેતા; મયંકભાઈ ઘરના મુખ્ય દરવાજે આવી પહોચ્યા. તેમણે જોયું કે ભોંયતળિયે પેપર પડેલું હતું. તેઓ પેપર હાથમાં લેતા વાંચવા લાગ્યા. તેમણે જોયું કે સપનામાં સાંભળવા મળેલી વાત સાચી હતી. પેપરના ત્રીજા પાને લખવામાં આવ્યું હતુંં: આજ રોજ બપોરના બાર વાગ્યે; હોટલ વિરામ ખાતે નાસાના સાયન્ટીસ્ટ સ્વાતિ મોહનનું આગમન. 

 તેઓ પેપર લઈને રમાબેન પાસે પહોંચ્યા. એ પછી તેઓ કહેવા લાગ્યા,"રમા, જોયું; મને રાત્રે જે સપનુંં આવ્યું હતુંં ને તે સાચું પડ્યું."એમણે રમાબેન સમક્ષ સમાચારનુંં વાંચન કર્યું. 

"હું અગિયાર વાગ્યે રવાના થાઉં છું. જમવાનું વહેલું બનાવી દે જે."

એ પછી રમાબેને જમવાનુંં બનાવવાની તૈયારી કરવા માંડી. 

રમાબહેનની વાત કરીએ તો કહેવું પડે કે એમને દરરોજ સમાચારપત્રો વાંચવાની ટેવ. બપોરના સમયે થોડો સમય વાંચન પાછલ ન ફાલવે તો તેમને ચેન ન પડે. 

ખેર, એમણે વહેલાસર શાક અને રોટલી બનાવી દીધાં. એ પછી મયંક ભાઈને પોકાર પાડી. જમવાનુંં સમયસર તૈયાર થઈ ગયુ હોય તેઓ ખુશ જણાતા હતાં. રોટલીના ટુકડા સાથે સ્વાદિષ્ટ શાક જેવું મયંક ભાઈના મુખમાં ગયુ કે રમાબેન કહેવા લાગ્યા,"માસ્ક પહેરવાનું ભૂલતા નહીંં. અને હા, એ પણ જાણી લેવા દો કે કઈ રીતે જવાના છો ! મોટરસાયકલ લઈને જશો ?"

"હા"

"ના લઈ જશો. બીઆરટીએસની બસમાં જજો."

 જાણી લઈએ કે બીઆરટીએસનું બસ સ્ટોપ ; રમાબેનના ઘેરથી પંદર મિનિટના અંતરે આવેલું હતું. મતલબ કે એમના ઘેરથી સ્ટોપ પર પહોંચતાં પંદર મિનિટ જેટલો સમય લાગે. 

મયંક ભાઈ; રમાબેનની સલાહનું પાલન કરતા રવાના થયા. 

 "વિરામવાલા બેસી જશો" મયંકભાઈના કાને શબ્દો પડ્યા. બસમાં ચઢી ગયા બાદ તેઓ પોતાના ડ્રેસિંગ મામલે વિચારવા લાગ્યા. એમણે વ્હાઈટ રંગનું શર્ટ પહેર્યું હતુંં. અને નીચે સ્કાઈ બ્લૂ રંગનુંં પેન્ટ. કેટલા વાગ્યા છે એ જોવા માટે તેમણે ખિસ્સામાનો ફોન કાઢ્યો. તેમણે જોયું કે સાડા અગિયાર થવા આવ્યા હતાં. એ દરમિયાન એમને "જય શ્રી કૃષ્ણ"સંભળાયુ. "કોણ બોલ્યું" કહેતા મયંકભાઈએ આસપાસ નજર દોડાવી. પરિચિત ડ્રાઈવર આયનામાં જોતાં મલકી રહ્યા હતાં. 

"જય શ્રી કૃષ્ણ"

"મયંક ભાઈ ; ક્યાં ઉપાડ્યું ?

"વિરામ જવું છે...દલપતભાઈ."

"આજે કોઈ પ્રોગ્રામ- બોગ્રામ છે કે શું ?"

"સ્વાતિજી આવે છે ને…."

"પેલા જ બેન હશે…..મંગળ પર રોવર મોકલવાવાલા !"દલપતભાઈ મનોમન વિચારવા લાગ્યા. એ પછી તેઓ કહેવા લાગ્યા,"મંગળ પર રહેવાનું પોસિબલ બને તો સારુ. ત્યાં જવાની કેવી મજા આવે નહીં ? ! મયંક ભાઈ ,જો એ શક્ય બન્યું ને તો હું જ પહેલા ત્યાં પહોંચી જવાનો છુ. એ પછી તો અમારા સાયબને પણ કહી દઉ કે ઉપર બીઆરટીસપની બસુ દોડાવે !"

"અરે વાહ ! જોરદાર વાત કરી તમે….દલપતભાઈ !"

ખેર, થોડીવાર બાદ એમને જે સ્ટોપ કે સ્ટેન્ડ આગળ ઉતરવાનું હતુંં તે સ્ટોપ આવી ગયું. બસમાંથી ઊતર્યા બાદ તેઓ ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા તેઓ હોટલ વિરામ ખાતે આવી પહોંચ્યા. અહીં એમને માણસોની ભીડ જોવા મળી. તેમણે જોયું કે આ ભીડમાં શહેરના કેટલાય અગ્રણીઓ અને મિડિયાકર્મીઓ હાજર હતાં. અલબત્ત સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરાવડાવવામા આવી રહ્યું હતું. એમણે તરત જ પોતાનો માસ્ક વ્યવસ્થિત કર્યો. અને એ પછી આગળ વધ્યા. જાણી લઈએ કે સ્વાતિ મોહન આવી ગયા હતાં. થોડી ક્ષણોમા કાર્યક્રમ શરૂ થવાનો હતો. ભીડ મધ્યેથી પસાર થતા થતા તેઓ આગળ વધ્યા. અને સભાખંડમાં આવી પહોંચ્યા. ગણતરીની સેકંડોમાં કાર્યક્રમ આરંભાયો.

જેવી ઔપચારિકતા પૂર્ણ થઈ કે ડૉ. સ્વાતિ મોહને પોતાનુંં વક્તવ્ય આરંભ્યું. મંગળની સપાટી ઉપર; રોવરનું લેન્ડીંગ સફળતાપૂર્વક કેવી રીતે થઈ શક્યું એની વાત એમણે મુદાસર માંડી. મયંક ભાઈએ આખા વક્તવ્યને શાંતિપૂર્વક સાંભળ્યુ. આમ આદમીથી માંડીને મિડિયાકર્મીઓના મનમાં અનેક સવાલો ઉદભવ્યા. સ્વાતિજીની જમણે-ડાબે અંગરક્ષકો તૈનાત હતાં. કોઈ એકદમ નજીક ન આવે એ માટે પેલા અંગરક્ષકો જાગૃત હતાં. તેમણે ધસી આવેલી ભીડને સંબોધતા કહ્યું,"દરેકને પોતાના સવાલનો જવાબ મળશે. મહેરબાની કરીને શાંતિ જાળવો." એ પછી સહુ દો ગજ કી દૂરી રાખીને સવાલો પૂછવા લાગ્યા. 

સવાલ પૂછું કે ન પૂછું એ અંગે મયંકભાઈના મનમાં કશ્મકશ ચાલતી રહી. પૂરતી હિંમત એકઠી કર્યા બાદ તેમણે પૂછયું,"હવે ફરી ક્યારે મંગળ પર જવાનુંં થશે ?" તેમણે આવો સવાલ પૂછ્યો એ પૂર્વે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડિયાના પ્રતિનિધિઓએ કેટલાક સવાલો પૂછી લીધા હતાં. મયંક ભાઈનો સવાલ સાંભળતા જ સ્વાતિજીને આશ્ચર્ય અનુભવાયું. જોકે એમણે શાંતિપૂર્વક; મયંક ભાઈના સવાલનો જવાબ આપતા કહ્યું,"સર, તમારી ક્યાંક ભૂલ થાય છે ! અમે લોકો મંગળની સપાટી ઉપર નહોતા ગયા. અમે તો કેવળ રોવર મોકલ્યું હતુંં. આ રોવર ત્યાં દસ વર્ષ સુધી રહેશે અને માનવજીવન શક્ય છે કે કેમ તેની તપાસ કરશે."

થોડી વાર બાદ તેમણે ઉમેર્યું, "મારી સમેત મારી ટીમના સભ્યો અમેરિકા ખાતેથી તેનું કંટ્રોલિન્ગ કરીએ છીએ."

સ્વાતિજીનો ખુલાસો સાંભળતાની સાથે જ મયંક ભાઈને આંખે અંધારા આવવા લાગ્યા. તેઓ ભોંય પર પડ્યા. સભાખંડમાં હાહાકાર મચી જવા પામ્યો. એવામાં એક માણસ પાણી લઈને આવ્યો. તેમને પાણી પીવડાવવામાં આવ્યું. જેવા તેઓ ભાનમાં આવ્યા કે એમણે સ્વાતિજીનો આભાર માન્યો. 

એ પછી તેઓ ઘેર આવવા માટે રવાના થયા. ઘેર આવતા સુધીમાં ચાર વાગી ગયા. ડૉરબેલ રણક્યો. રમાબેને દરવાજો ખોલ્યો. 

ઘરમાં દાખલ થયા બાદ મયંક ભાઈ ડાયનિન્ગ ટેબલ પાસેની ખુરશીમાં બેઠા. 

"શું થયું ?" રમાબેન પૂછવા લાગ્યા. 

 "એ લોકો મંગળ પર નહોતા ગયા !"

 "શું વાત કરો છો તમે….પેપરમાં તો લખ્યું છે !"

"મારી વાત તો સાંભળ. એ લોકોએ કેવલ રોવરને જ ત્યાં મોકલ્યું હતું. હવે ખ્યાલ આવ્યો ?"

"અરે રે…...એવું !"

"હા, એ લોકો તો નાસાની લેબમાં રહીને જ તેનુંં સંચાલન કરતા હતાં."

મયંક ભાઈની ઉદાસી દૂર કરવા માટે રમાબને એક યુકિત અજમાવી. તેઓ કહેવા લાગ્યા, "કશો વાંધો નહીં. હવે મંગળ પર જવાની વાત પડતી મૂકો. ચ્હા પીવાનો સમય થવા આવ્યો છે એટલે ચ્હા બનાવું. ચ્હા પીવો અને નાસ્તો કરો."

ચ્હા થઈ જતાં બંને જણ ચ્હા પીવા લાગ્યા. ચ્હા પીતાં પીતાં મયંક ભાઈએ પૂછ્યું,"રમા, આજે સાંજે શું છે સ્પેશ્યલ આઈટમમાં ?"

રમાબેન ચ્હા પીતાં પીતાં મલકવા લાગ્યા. 


Rate this content
Log in

Similar gujarati story from Comedy