mariyam dhupli

Inspirational Children

4  

mariyam dhupli

Inspirational Children

મોટી રકમ

મોટી રકમ

17 mins
530


ખેતી કરી રહેલા મારાં પરસેવાવાળા શરીર જોડે મેં એક નજર ખેતરનાં ખૂણે નાખી. જ્યોર્જ દર રવિવારની જેમ રજાનાં દિવસે મારી મદદ કરવા ખેતરે આવ્યો હતો. આમ તો સાત વર્ષનાં મારાં દીકરાનાં નાનકડા હાથ પાસે બહુ અપેક્ષા હું રાખતો નહીં. એને કામ કરવાનો અનુભવ મળે એ હેતુસર હું એને રજાનાં દિવસે મારી જોડે ખેતરે લઈ આવતો. પણ એનાં તરફની મારી અપેક્ષા મારા બાદ એ ખેતરને સંભાળવાની તો ન જ હતી. હાડમારી સિવાય જીવનમાં કશું ન નિહાળેલી મારી આંખોનું એકમાત્ર સ્વપ્ન હતું. મારાં દીકરા જ્યોર્જનું હાડમારી વિનાનું ભવિષ્ય. એનાં જન્મ પછી મેં મારી મહેનત અને કામનાં કલાકો બમણા કરી નાખ્યા હતાં. જ્યોર્જનાં ભણતરમાં કશી કમી ન રહી જાય એ માટે દરેક કમી હસતા ચહેરે સહી લેવાનું મેં જાતને વચન આપ્યું હતું. મારી પત્ની મેરીજૅન પણ મારાં સ્વપ્નને સાકાર કરવા ખભેથી ખભો મેળવી રહી હતી. 

અમારું જીવન તો 'એક સાંધતા તેર તૂટે' સમું ઘસડાતું પછડાતું પસાર થઈ ગયું હતું. જીવનએ અમારી કસોટી લેવામાં કશું બાકી રાખ્યું ન હતું. અમે બધુંજ જોઈ ચૂક્યા હતાં. ભોજન વિનાનાં દિવસો , વીજળી વિનાની રાત્રિઓ અને દુકાળનાં કાળજું પીગાળી નાખતા જીવન વર્ષો. પરંતુ અમારા દીકરા જ્યોર્જને આમાંથી કશું ન જોવું પડે એ માટે અમારું દંપતી સીમા પર સજ્જ લશ્કર જેમ આપત્તિઓ સામે દરરોજ બંડ પોકારતું લક્ષયબદ્ધ આગળ વધી રહ્યું હતું. માર્ગ ઘણો મુશ્કેલ હતો. પરંતુ અમારા ઈરાદાઓની મક્કમતા સામે એ મુશ્કેલીઓનો પણ પરસેવો છૂટી પડતો. 

એક દિવસ પહેલા મારી મુલાકાત ફાધર વેલેસ જોડે થઈ હતી. તેઓ અમારી ગામની એકની એક પ્રાથમિકશાળાની બધીજ જવાબદારી સંભાળતા હતાં. તેઓ આચાર્યનું પદ અતિ ખંત અને પ્રમાણિકતાથી નિભાવતા. જ્યોર્જના શિક્ષણ અને અભ્યાસ અંગે જયારે મેં પૂછપરછ કરી ત્યારે એક પિતાને ગર્વ થઈ આવે એવો ઉત્તર મને મળ્યો હતો. 

" જ્યોર્જ ખુબજ મહેનતુ અને ધગશવાળો વિદ્યાર્થી છે. ઘરકામથી લઈ પુસ્તકો સુધી દરેક બાબતમાં એનું શિસ્ત અને નિયમિતતા પડઘાઈ છે. ફક્ત ભણવામાં જ નહીં એ રમતગમતમાં પણ ઘણો સક્રિય છે. એ ખૂબજ સરસ ફૂટબોલ રમે છે. એ શાળાની ફૂટબોલ ટીમનો કેપ્ટ્ન છે. મને એનાથી ઘણી આશા છે. એ એકદિવસ આપણું અને આપણા ગામનું નામ જરૂર રોશન કરશે. "

જ્યોર્જ મારી જોડેજ હતો. ફાધર વેલેસનાં શબ્દો સાંભળી મારાં ચહેરા ઉપર એક પહોળું ગર્વસભર સ્મિત વેરાઈ ગયું હતું. મારો હાથ પ્રેમથી જ્યોર્જનાં માથે ફરી વળ્યો હતો. જ્યોર્જએ મારી આંખોમાં નિહાળ્યું હતું. એ આંખોમાં સંતોષ હતો છતાં ચહેરાનાં સ્મિતમાં કશું ખૂટી રહ્યું હતું. 

ખેતરનાં ખૂણે ઉભો ખેતરની માટી નિહાળી રહેલ જ્યોર્જનો ચહેરો આજે પણ એવોજ ફિક્કો હતો. એની આંખોમાં નિયમિત પ્રસરતો ચળકાટ અદ્રશ્ય હતો. સામાન્ય રીતે અહીંથી ત્યાં કોઈને કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતા એના હાથ શાંત , સ્થિર પગ જોડે તાલમેલ સાધતા એકજ સ્થળે જડાયાં હતાં. 

હંમેશા હસતો અને અખૂટ વાત કરતો મારો દીકરો જ્યોર્જ અંતિમ એક અઠવાડિયાથી આવોજ ગૂમસૂમ રહેતો હતો. મેરીજૅનએ પણ મને રાત્રે એકાંતમાં આજ વાત જણાવી હતી. ખેતર પર જ નહીં ઘરમાં પણ એ આમજ ખોવાયેલો રહેતા હતો. ફક્ત ' હા ' અને ' ના ' માં જવાબ આપતો. ખપ પૂરતું બોલતો. ભીંત ઉપર એણે જાતે ચોંટાડેલી તસ્વીરોને એકીધારે નિહાળ્યા કરતો. 

એની ઉદાસી અને હતાશા પાછળનું કારણ હું કળી ચૂક્યો હતું. એ ઉદાસી અને હતાશાનાં બીજ એ દિવસે રોપાયા હતા જયારે એ મારી જોડે શહેર ગયો હતો. એક અઠવાડિયા પહેલા મારે શાકભાજીનું વિતરણ કરવા શહેર જવાનું હતું. જ્યોર્જને અનુભવ અને કંઈક શીખવા મળે એ હેતુસર ફાધર વેલેસને જાણ કરી એક દિવસ માટે શાળામાંથી રજા લઈ હું એને મારી જોડે શહેર લઈ ગયો હતો. 

જ્યોર્જ ખૂબજ ખુશ હતો. પહેલીવાર કોઈ મોટા શહેરને આટલી નજીકથી જોવાનો એને અવસર મળ્યો હતો. એ પહોળા રસ્તાઓ , આકાશને સ્પર્શતી ગગનચુંબી ઈમારતો , મોટી વિશાળ કદની દુકાનો , વાહનવ્યવહારનાં ભાતભાતનાં માધ્યમો , સુઘડ ઈસ્ત્રી કરીને પહેરાયેલા લોકોનાં મોંઘા વસ્ત્રો. એની નાનકડી આંખો અચંભા અને આશ્ચર્યથી ડઘાઈ વિસ્તારમાં પહોળી થઈ ગઈ હતી. જાણે કે કોઈ જુદાજ ગ્રહ ઉપર એ પહોંચી ગયો હતો. એ નવી દુનિયા નિહાળવાનો ઉત્સાહ એનાં ઉછળતા કૂદતાં શરીરમાં સ્પષ્ટ ડોકાતો હતો. શાકભાજીનાં વિતરણનો અનુભવ તો એને મળી જ રહ્યો હતો. સાથે સાથે નવા પ્રકારનું જીવન , નવા લોકો , નવી રહેણીકરણી , નવું વાતાવરણ જોવાનો અનુભવ અતિરિક્ત મળી રહ્યો હતો. એક દિવસ શાળાનાં શિક્ષણથી વંચિત રહી જવા અંગે મારા મનની પૃષ્ઠભૂમિમાં ઉઠી રહેલો આછો અફસોસ એ નિહાળી સંપૂર્ણ ઓગળી ગયો હતો. શાળાનું શિક્ષણ માહિતી પૂરી પાડે જયારે પ્રવાસ દ્વારા મળતું શિક્ષણ અનુભવ પૂરો પાડે. વ્યક્તિનાં વિકાસ માટે એ બન્નેનું સંતુલન ખૂબજ જરૂરી હોય છે. મારાં બાળકને એ બન્ને મળી રહે એજ મારો ધ્યેય હતો. 

એ ધ્યેય પૂર્ણ થતાં નિહાળી મન ઘણું સંતુષ્ટ હતું. મેરીજૅન એ મુસાફરી માટે ટિફિન આપ્યું હતું. મોટા શહેરોમાં જમવાનું મોંઘુ પડે અને ઉપરથી એનો પતિ અને દીકરો બહારનું જમે એ એને જરાયે ન ગમે. પરિવારનાં સ્વાસ્થ્યને લઈને એ ઘણી તકેદારી રાખતી. હું ટ્રકમાં મારી ડરાયવિંગ સીટ ઉપર બેઠો જમી રહ્યો હતો. જ્યોર્જ ટ્રકનાં પાછળનાં હિસ્સા તરફ બેઠો શહેરનાં દર્શન કરતો જમી રહ્યો હતો. મારું જમણ પૂરું થતા હું એને પાણી આપવા નીચે ઉતર્યો. જ્યોર્જ ટ્રકમાં ન હતો. મારો જીવ વલોવાયો. આમ મને કાંઈ પણ કહ્યા વિના એ ક્યાં જતો રહ્યો ? એક તો નવું શહેર અને અજાણી ભીડ. શહેરનું વાતાવરણ અમારાં મુઠ્ઠીભર ગામનાં વાતાવરણ જેવું સુરક્ષિત ક્યાંથી ? 

મારો સાત વર્ષનો દીકરો એ ભીડમાં કશે....

ના...ના....

મારું હૃદય એક ધબકાર છોડી ગયું. હું ચારે તરફ હાંફળો ફાંફળો દોડી રહ્યો. ભીડને ચીરતો હું 'જ્યોર્જ' નામની પોકાર કરતો દરેક દિશામાં ચિંતાતુર એની શોધ કરી રહ્યો. મેં એને ટ્રકનાં પાછળનાં હિસ્સામાં જવાની પરવાનગી આપી જ શા માટે ? એને મારી નજીક આંખોની સામે રાખવો જોઈતો હતો. હું ખુદ પર મનોમન ક્રોધિત થતો જ્યોર્જની ઝલક પામવા ગાંડાની માફક દોડાદોડી કરી રહ્યો. મેરીજૅનને જાણ થઈ તો મારી બેદરકારી બદલ એ મને કદી માફ ન કરશે. એ વિચારેજ ગળામાં ડૂમો બાઝ્યો. આંખો ટપ ટપ કરતી વહેવા ઈચ્છતીજ હતી કે હું નિહાળેલ દ્રશ્યથી સ્તબ્ધ થયો. જ્યોર્જ મારી નજરની સામે હતો. એને નિહાળતાંજ જાણે મને નવું જીવન મળ્યું. મેં મનોમન ઈશ્વરનો આભાર માન્યો. 

જ્યોર્જની નજર રમતગમતનાં સાધનો વેચતી શહેરની ખૂબજ પ્રખ્યાત, વિશાળ દુકાનનાં કાચ ઉપર જડાઈ ચૂકી હતી. એ કાચની અંદર એ સંપૂર્ણ ખોવાઈ ગયો હતો. આજુબાજુથી પસાર થઈ રહેલી ભીડ જાણે એનાં માટે અસ્તિત્વ જ ધરાવતી ન હતી. સમય અને કાળ એનાં માટે સ્થગિત થઈ પડ્યા હતાં. એ એકજ ક્ષણ ઉપર એ થંભી ગયો હતો. ટગર ટગર એકજ દિશામાં હલનચલન વિનાનાં શરીર જોડે એ મૂર્તિ સમો સ્થિર ઉભો હતો. આંખોની પાંપણ પણ પલકારો મારવા તૈયાર ન હતી. જેની ઉપર એ નિર્દોષ આંખો આમ ચુંબક સમી ચોંટી હતી એને હું પહેલા નિહાળી ચૂક્યો હતો. આમ પ્રત્યક્ષ ,જીવંત નહીં. પરંતુ નિર્જીવ તસ્વીરમાં. જ્યોર્જએ ઘરની ભીંત ઉપર ઘણી તસવીરો ચોંટાડી હતી. ફાધર વેલેસ જયોર્જના વાંચન ના શોખને પ્રોત્સાહિત કરવા એને સમાચારપત્ર નિયમિત વાંચવા આપતા. એમાંથી રમતગમતનાં સમાચાર વાળું પાનું એ ફાધર વેલેસની અનુમતિ લઈ ઘરે લઈ આવતો. એમાંથી એ પોતાનાં ગમતા ખેલાડીની દરેક તસ્વીર ધ્યાન દઈ કાપતો અને પછી એને ભીંત ઉપર સુશોભિત કરતો. મારાં ઘરની ભીંત જાણે એનાં ગમતાં ફૂટબોલના ખેલાડી એલેક્ઝાન્ડરની તસ્વીરોનું સંગ્રહાલય બની ચૂકી હતી. 

જ્યોર્જ એલેક્ઝાન્ડરનો ખૂબજ મોટો ચાહક હતો. એ એની અભિપ્રેરણા હતો. જયારે જૂઓ ત્યારે એ એલેક્ઝાન્ડરની વાતો જ કરતો રહેતો. મને તો એ રમતમાં બહુ રુચિ હતી નહીં. રસ - રુચિ વિકસાવવા જીવન તરફથી મોકળાશ જ ક્યાં મળી હતી ? પણ જ્યોર્જને એ મોકળાશ મળી રહે એનું હું ધ્યાન ધરતો. બાળપણથી જ એને ફૂટબોલ રમવું બહુ ગમતું. દરેક ક્રિસમસ ઉપર અમે એને ફૂટબોલ જ ભેટમાં આપતાં . ફાધર વેલેસ બાળકોનાં સર્વાંગી વિકાસ માટે શાળામાં રમતગમતને પણ એટલુંજ પ્રાધાન્ય આપતાં. એમનાં સાથ સહકારથી જ્યોર્જને એની ગમતી રમતનું પ્રાથમિક શિક્ષણ શાળામાં મળી રહ્યું હતું. ટૂંક સમયમાંજ ફૂટબોલમાં એ ખૂબજ પારંગત થઈ ગયો હતો. બધા મિત્રો એ એને 'એલેક્ઝાન્ડર' નામ આપ્યું હતું. એ દિવસે તો એ દોડતો ભાગતો ઘરે આવ્યો હતો. જાણે આખું વિશ્વ જીતીને આવ્યો હોય એવો ચળકાટ એની આંખોમાં ઝળહળી રહ્યો હતો. 

" આજે મેં એલેક્ઝેન્ડર જેમ જ હેટ્રિક કરી. ત્રણ ત્રણ ગોલ. એક જ કતારમાં. "

ભીંત ઉપરથી એલેક્ઝેન્ડરની તસ્વીર પણ એને ગર્વથી નિહાળી રહી હતી. એલેક્ઝેન્ડર એનાં માટે એની ગમતી રમતનાં વિશ્વનો ઈશ્વર હતો. એ એલેક્ઝેન્ડરની સાધના કરતો હતો. એને મોટા થઈ એલેક્ઝેન્ડર જેવો પ્રતિભાશાળી ફૂટબોલર બનવું હતું. 

મને એ વિશ્વ વિશે કોઈ ઊંડી માહિતી ન હતી. હું ફક્ત એટલું જાણતો હતો કે એલેક્ઝેન્ડર મારાં દીકરાનાં જીવનનો સૌથી મોટો આનંદસ્ત્રોત હતો અને એને આનંદિત, ઉત્સાહિત અને અભિપ્રેરિત નિહાળતાં હું અને મેરીજૅન પણ એટલાંજ ઉત્સાહિત અને આનંદિત રહેતા. 

અમીરોને પોષાય એવી એ મોંઘીઘાટ દુકાનનાં કાચમાંથી દ્રશ્યમાન જ્યોર્જની ઉંમરના પ્રતીકાત્મક પૂતળા ઉપર શણગારીને સજ્જ કરાયેલું એ ટીશર્ટ અને એની ઉપરની દરેક છાપ ,અક્ષરો અને ક્રમાંક આબેહૂબ ઘરની ભીંત ઉપર સજ્જ એલેકઝાન્ડરની તસ્વીરોમાં પહેરાયેલ ટીશર્ટની નકલ દર્શાવી રહ્યું હતું. મારું અક્ષરજ્ઞાન એ અક્ષરો કે ક્રમાંક વાંચવા અસમર્થ ભલે હતું. પણ એ એલેઝાન્ડરની ટીમનું નામ અને એનો પોતાનો ખેલાડી ક્રમાંક દર્શાવતા હતાં એટલું સામાન્ય જ્ઞાન હું ચોક્કસ ધરાવતો હતો. 

આ વિશ્વથી દૂર પોતાનાં વિશ્વમાં ખોવાઈ ચૂકેલા જ્યોર્જનાં ખભે મેં હળવેથી હાથ મૂક્યો હતો. એ કેવો ચોંકી ઉઠ્યો હતો ! જાણે મહેનતે ચણેલા રેતનાં મહેલને કોઈએ એકજ લાતમાં વેરવિખેર કરી મૂક્યું હોય ! મારાં મનમાં અપરાધભાવ છલકાઈ ઉઠ્યો. એનાં સ્વપ્નવિશ્વમાંથી હું એને બળજબરીએ બહાર ખેંચી લાવ્યો હતો. પણ હું લાચાર હતો. વાસ્તવિક જગત અમારી રાહ જોતું બેઠું હતું. ઘરે પરત થવાનો સમય થઈ ગયો હતો. જ્યોર્જએ કદાચ એ અપરાધભાવ મારી આંખોમાં વાંચી લીધો હતો. મારું મન વધુ ન દુભાઈ એ હેતુસર પોતાનાં ચહેરા ઉપર એક ફિક્કું નકલી સ્મિત એણે વેરી મૂક્યું. 

" જઈએ ? "

અંતરમન અત્યંત સામાન્ય હોય એવો ડોળ રચતો એ ટ્રકની દિશામાં દોડતો ભાગી છૂટ્યો હતો. પણ એનું મન એ કાચ ઉપર પાછળ છોડી ગયો હતો. 

ટીશર્ટ ઉપર મારી નજર ધ્યાનથી ફરી વળી. હું દુકાનની અંદર પ્રવેશી ગયો. મારાં વસ્ત્રો, મારાં જોડા, મારું પરસેવાથી લથપથ શરીર કશું પણ ન એ દુકાનની પ્રતિભા જોડે, ન અંદર હાજર કામ કરતાં લોકો કે ખરીદી કરવા આવેલા ગ્રાહકો જોડે મેળ ખાઈ રહ્યું હતું. બધી નજરમાં અન્ય ગ્રહ ઉપરથી આવી ચઢેલા કોઈ વિચિત્ર જીવને નિહાળી રહ્યા હોય એવી અણગમાની લાગણીઓ સ્ફૂરી રહી હતી. હિંમત ભેગી કરી આખરે ટીશર્ટની કિંમત એકજ શ્વાસે મેં પૂછી લીધી. સામે તરફથી જણાવવામાં આવેલા આંકડા થકી મારી આંખોનાં ભમર શોકથી ઉપર તરફ ઉછળી પડ્યા. હૃદય જોરથી ધડકી ઉઠ્યું. દુકાનમાં હાજર ઠંડી ઠંડી હવા વચ્ચે મારાં શરીરમાં પરસેવાનાં રેલા છૂટી પડ્યા.

એક ટીશર્ટની આટલી ઊંચી કિંમત ? 

આટલી કિંમતમાં તો.....ન જાણે કેટલા વિકલ્પો મારાં મગજ ઉપર હાવી થવા લાગ્યા. કિંમત જણાવવા બદલ શાબ્દિક આભાર વ્યક્ત કરતો હું શીઘ્ર દુકાનની બહાર તરફ ધસી આવ્યો. બહાર તરફનું સામાન્ય તાપમાન શરીરને અડક્યું કે મારાં જીવમાં જીવ આવ્યો. જ્યોર્જ ટ્રકમાં મારી રાહ જોઈ રહ્યો હતો. હું તરતજ ડરાયવિંગ સીટ ઉપર ગોઠવાયો અને મારી ટ્રક પહાડી વિસ્તાર તરફ સ્થાપિત નાનકડા ગ્રામ્યવિસ્તારમાં અમારી રાહ જોઈ રહેલ સંઘર્ષમય જીવન તરફ અમને દોરી રહી. 

આખે રસ્તે જ્યોર્જ કશું બોલ્યો નહીં. પરંતુ એની આંખો કેટલું બધું બોલી રહી હતી ! એ આંખોમાં મારાં પ્રત્યે કોઈ ઘૃણા ન હતી. એણે એ ટીશર્ટ સંબંધી એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો. હાઈવેનાં રસ્તા ઉપર સ્થિર એની આંખો એનાં મનોમંથનને જાતે જ આશ્વાસન આપી રહી હતી. પિતા પાસે કઈ માંગણી કરી શકાય અને અને કઈ માંગણી ન કરી શકાય એ એનું મન ખૂબજ નાની વયમાં સમજતું થઈ ગયું હતું. સંઘર્ષ બાળકને ઝડપથી પરિપક્વતાનો સ્પર્શ કરાવી આપે છે. મારો જ્યોર્જ પણ આટલી નાની વયે પરિપક્વ થઈ ગયો હતો. એ વાતનો સંતોષ કરવો કે સમય પહેલાંજ ઘોંટાઈ રહેલાં એનાં બાળપણનાં ગળા અંગે શોક મનાવવો એ મારું પિતૃ હૃદય નક્કી કરી શક્યું નહીં. 

શહેરથી ઘરે પરત થયેલો જ્યોર્જ એક જૂદો જયોર્જ હતો. ભીંત ઉપર એલેક્ઝેન્ડરને નિહાળતી એની મૌન દ્રષ્ટિમાં મને કાચમાંથી દેખાઈ રહેલું પેલું કિંમતી ટીશર્ટ સ્પષ્ટ પ્રતિબિંબ પાડતું દેખાઈ રહ્યું હતું. મેરીજૅન પણ એ બાળહૃદયની ઉદાસી અને મનદુઃખ અનુભવી રહી હતી. ખેતરનાં ખૂણેથી મને જ્યોર્જની એ મૌન આંખો અને એમાં દફનાવી દીધેલી એની ઈચ્છાની કબર સાફ દેખાઈ રહી હતી. 

ખેતરેથી પરત થઈ જ્યોર્જ એની દિનચર્યામાં વ્યસ્ત હતો. એણે બીજે દિવસે શાળાએ જવા માટે પોતાનું દફ્તર તૈયાર કરી લીધું હતું. ઘરકામ કરી નાખ્યું હતું. રાત્રિનું જમણ ઈશ્વરનો આભાર માની જમી લીધું હતું. મેરીજૅન જે પણ આપે એ હોંશે હોંશે જમી લેતો. આ નહીં ભાવે , પેલું નહીં જમીશ જેવા નખરા એ નિર્દોષ ભૂખને પોષાય ખરી ? આખા દિવસની દોડધામ બાદ પથારીમાંથી એની નજર એલેક્ઝેન્ડરની તસ્વીરને એકીટશે નિહાળતાં નિહાળતાં ક્યારે મીંચાઈ ગઈ એની એ માસુમ બાળજગતને જાણ પણ ન થઈ.

હું અને મેરીજૅન ઊંઘવા પહેલા દરરોજ અમારાં કાચા ઘરનાં આગળના ખુલ્લા ભાગ તરફ નિરાંતે બેસતા. આખો દિવસ પોતપોતાની ફરજોમાં વ્યસ્ત અમારાં યુગલને એકમેક જોડે સમય પસાર કરવાનો અવસર હાથ ન લાગતો. એટલે રાત્રે જ્યોર્જનાં પોઢી ગયા પછી અમે તાપણું કરી એકાદ કલાક જોડે બેસતા. એ એક કલાક કે સાઠેક મિનિટમાં અમે અમારાં આખા દિવસની દિનચર્યા , અનુભવો કે મનમાં ધરબાયેલી ઈચ્છાઓ , મંતવ્યો કે લાગણીઓની ખુલ્લા હ્રદયે વહેંચણી કરતાં. જીવનની યાત્રા ક્યાં સુધી પહોંચી છે અને હજી ક્યાં સુધી પહોંચાડવી છે એ અંગે મનમાં ઉઠતાં ભાવ , ભય અને આશા નિરાશાઓને એકમેક આગળ ઠાલવી હૈયું હળવું કરી નાખતાં. 

એ ઠંડી રાત્રે તાપણું થકી ઉષ્મા મેળવતાં મેં મારાં હૈયાનો ભાવ મેરીજૅન આગળ અભિવ્યક્ત કર્યો. 

" મારે જ્યોર્જ માટે પેલું ટીશર્ટ ખરીદવું છે. "

મારાં વાક્યથી વીજળીનો જોરદાર ઝાટકો લાગ્યો હોય એમ મેરીજૅન મને ફાટી આંખે નિહાળી રહી. 

" આટલી મોટી રકમ ક્યાંથી લાવીશું ? આ વખતે વરસાદ પણ આવવાનું નામ લઈ રહ્યો નથી. ખર્ચાઓ એમના એમ માથે ઉભા છે. ક્રિસમસ પણ થોડાજ સમયમાં બારણે ટકોરા દેશે. "

મેરીજૅનની નજરોમાં વિચારોનો થાક ઢળી પડ્યો. એનો એકેએક શબ્દ સાચો હતો. મારી ભારે નજર હળવેથી મારાં કાચા ઘર પર ચારે દિશાથી ફરી રહી. એની જર્જરિત દશા નિહાળી એક ઊંડો નિસાસો હવામાં સરી પડ્યો. 

થોડી ક્ષણોનાં મૌન પછી હૈયું ફરી જોમ ભેગો કરવા માંડ્યું. 

" જ્યોર્જ તો આપણને ઈશ્વરે આપેલ ફરિસ્તો છે. એ બિચારો આપણા સંઘર્ષમાં ઘસાઈ રહ્યો છે. એનું હૃદય તો હંમેશા સંતુષ્ટ રહે છે. આજ સુધી એણે કદી કોઈ માંગણી કરી છે ? આપણે જેટલું આપીએ , જેવું આપીએ એમાં જ ખુશ રહે છે. ક્રિસમસમાં આપણે જે ભેટ આપીએ એને હસતા મુખે સ્વીકારી લે છે. કદી એ ભેટની સરખામણી મિત્રોને મળેલી ભેટ જોડે કરતો નથી. આપણી દરેક આશાઓનો ભાર હોંશે હોંશે ઉપાડી લે છે. અભ્યાસ મન લગાવીને કરે છે. રમતગમતમાં પણ અગ્રણી રહે છે. ખૂબજ ખંત કરે છે. ફાધર વેલેસ તો એનાં વખાણ કરતા થાકતા નથી. એ જો આપણી ખુશી માટે સતત પરિશ્રમ કરતો રહે છે તો શું હું એક પિતા તરીકે એની માનસિક જરૂરિયાતો પૂરી કરવા પરિશ્રમ ન કરું ? "

મેરીજૅન વિચારમાં ઊંડે ઉતરી. મારાં પ્રશ્નનો થોડો વિચાર કર્યા પછી એણે ઉત્તર વાળ્યો. 

" પણ એ ટીશર્ટ એની ઈચ્છા છે, જરૂરિયાત નથી. અને મનમાં ઉઠતી ઈચ્છાઓ આપણને પોષાય ? "

તાપણાં ઉપર મારો હાથ ઉનો ઉનો અનુભવાયો. 

" ઈચ્છા ?" એ શબ્દ મને નડ્યો એટલે પ્રશ્ન સ્વરૂપે બહાર ઉભરાઈ આવ્યો. 

" જ્યોર્જએ ટીશર્ટ માટે માંગણી કરીજ ક્યાં ? એક શબ્દ પણ એનાં માસુમ મોઢામાંથી બહાર નીકળ્યો નથી. એની પસંદગી એણે જાતેજ મનનાં અંધકારમાં ધકેલી નાખી. શબ્દો થકી બહાર નીકળતી ફરિયાદ એટલી તકલીફ આપતી નથી જેટલી હૈયે ધરબાયેલી વણકહેલી ફરિયાદો. એ અંદરોઅંદર ગૂંગળાઈ રહ્યો છે. આપણી પાસે કશું એવું જે આપણે એને આપવા સક્ષમ ન હોઈએ એને માંગવુંજ નથી. આપણું સ્વમાન ન હણાય એ માટે એ બધું અંદરોઅંદર સહન કરી રહ્યો છે. "

તાપણામાંથી ઉડી રહેલા તણખાંઓમાં મેરીજૅનની આંખોમાં વ્યાપેલું ભેજ પ્રતિબિંબ પાડી રહ્યું હતું. એ તદ્દન નિઃશબ્દ હતી. દીકરાંનાં મનને પડખું ન આપી શકવાની લાચારી એક માં માટે અસહ્ય હોય છે. એ ફક્ત સાંભળી રહી હતી. 

" હું નક્કી કરી ચૂક્યો છું. મારે એ ટીશર્ટ એનાં માટે ખરીદવું છે. હું જાણું છું એ મોટી રકમ આપણી આર્થિક પરિસ્થિતિ માટે અત્યંત મોટો પડકાર બનશે. પણ હું તૈયાર છું. એ પડકારનો સામનો કરવા. મારાં બાળકનાં ચહેરા ઉપર ખુશી લઈ આવવા હું મારાથી બનતું બધુજ કરી છૂટીશ. તું મારો સાથ આપીશ ? " 

મેરીજૅનની નજર મારી નજરમાં ભળી. ભેજવાળું સ્મિત મૌન હામી પૂરાવી રહ્યું.

એ રાત્રીએ જાતને આપેલું વચન નિભાવવા અમે બન્નેએ બાંય ચઢાવી લીધી હતી. જીવનનાં સતત ચાલી રહેલા સંઘર્ષની પડખે એક નાના કદનું વધારાનું સંઘર્ષ શરૂ થઈ ચૂક્યું હતું. જ્યોર્જને કશી જાણ ન થાય એ અંગે અમે દરેક તકેદારી સેવી હતી. અચાનકથી પોતાનું સ્વપ્ન હાથમાં આવશે ત્યારે એ નિર્દોષ ચહેરા ઉપર છવાઈ જનારા આશ્ચર્ય અને આનંદના સંમિશ્રિત ભાવ નિહાળવા અમે અત્યંત આતુર હતાં. 

પણ એ વિચાર જેટલો મધુર અને સરળ હતો એને સત્યમાં પરિવર્તન કરવાનો માર્ગ એટલોજ કઠિન અને અઘરો. એ કપરા માર્ગ ઉપર હું અને મેરીજૅન હાથમાં હાથ મેળવી નીકળી પડ્યા હતાં. 

પૈસાની બચત કરવા પૈસા હાથમાં હોવા જોઈએ. ખાતર ખરીદવા માટે અને ખેતરનાં અન્ય ઉપરાછાપરી ખર્ચાઓ માટે ઉછીની રકમ લઈ આવ્યો હતો. એ રકમ પરત મેળવવા માણસો આંટા માર્યા કરતાં. 

કઠોર પરિશ્રમને કારણે મેરીજૅનનાં હાથનાં હાડકામાં તડ પડી હતી. ગામડામાં એ દવાઓ ઉપલબ્ધ ન હતી. જો સમયસર દવાઓ ન લેવામાં આવે તો શસ્ત્રક્રિયાની કટોકટી સર્જાય શકે. તબીબે આપેલી માહિતીથી હું ડરી ગયો હતો. એટલે તાબાતોડ શહેરથી એ દવાઓ લઈ આવ્યો હતો. 

આ ફક્ત એક ઉદાહરણ છે. પૈસાની બચત કરવાનો નિર્ણય લીધો અને જીવનને એની જાણ થઈ ગઈ. ક્યાં ક્યાંથી કેવા કેવા ખર્ચાઓ નીકળી આવ્યા !

ઉછીની રકમ પરત કરતાં મહિનાઓ નીકળી ગયા. મેરીજૅનનો ઈલાજ પણ લાંબો ચાલ્યો. વરસાદ પણ એજ સમયે રિસાઈને બેઠો હતો. 

નિર્ધારિત સમય ઉપર અમારું લક્ષ્ય સિદ્ધ ન થઈ શક્યું.

 ' નિર્ધારિત ' અમારાં જીવનમાં કશું કરીજ ક્યાં શકાય ? છતાં અમે હાર ન માની. જ્યોર્જની ખુશી માટે અમે સતત ઝૂઝતા રહ્યાં. હૈયામાં વિશ્વાસ અને આશને મરવા ન દીધા. આગળ વધતા રહ્યા. નાની નાની બચત અહીંથી ત્યાં જ્યાં શક્ય હોય કરતાં રહ્યા. ઘણું બધું છોડવું પડ્યું. ઘણું બધું જતું કરવું પડ્યું. ઘણી વસ્તુઓ વિના નિભાવવું પડ્યું. એક ખુશી સાકાર કરવા ઘણી મૌન ઈચ્છાઓનું મનમાંજ ગળું ઘોંટી દીધું. જ્યોર્જને એની કશી જાણ થઈ શકી નહીં. 

આખરે લાંબી રાહનો અંત આવ્યો. એ મોટી રકમ ભેગી થઈ ગઈ. જીવન બીજી કોઈ ચતુર ચાલ ચાલે એ પહેલાં હું શહેર જવા ઉપડ્યો. વહેલી સવારે નીકળી પડ્યો. જેથી જ્યોર્જને ખબર ન પડે. એ ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. એની બંધ નિર્દોષ આંખો ન જાણે કેટલા સ્વપ્નો જોઈ રહી હતી ! એમાંથી એક તો આજે સાકાર થઈ જશે એ વિચારે જ મન પ્રસન્ન થઈ ઉઠ્યું. ભીંત ઉપર એલેક્ઝેન્ડર અને એણે પહેરેલ ટીશર્ટને હું સ્મિત જોડે નિહાળી રહ્યો. એની પડખે જ્યોર્જએ હાથ દ્વારા તૈયાર કરેલ એલેક્ઝેન્ડરનું ચિત્ર અને એની અંદર રંગકામ પામેલ એજ નામ અને ક્રમાંક વાળું ટીશર્ટ મારાં મન પર ટકોરા પાડી રહ્યું. મેરીજૅનનો હાથ મારાં ખભે અડક્યો. લાંબી યાત્રા માટે એણે જમવાનો ડબ્બો તૈયાર કર્યો હતો. અમારી બન્નેની આંખોએ મૌન સંતોષની વહેંચણી કરી. આ ઘડી માટે બન્ને એ ઘણો લાંબો સંઘર્ષ અને અતિ લાંબું ધીરજ પાર કર્યું હતું. 

ગર્વસભર નજરે મેરીજૅન દ્વારા વિદાય મળી અને હું ટ્રક લઈ ઉત્સાહ સભર શહેર તરફ ઉપડી પડ્યો. શાકભાજીનું વિતરણ કરતાં અર્ધો દિવસ નીકળી ગયો. મારું જમણ ટ્રકમાં લઈ હું આખરે મંઝીલ ઉપર પહોંચ્યો. 

આ વખતે શહેરની એ પ્રખ્યાત વિશાળ દુકાનની અંદર પ્રવેશતાં મને પ્રથમ વખત જેવી લગુતાગ્રંથી ન અનુભવાઈ. આંખોમાં વિશ્વાસ અને અંતરમાં સ્વમાન છલકાઈ રહ્યું હતું. પૂતળાં ઉપર સજ્જ એ ટીશર્ટ જાણે મહિનાઓથી મારી રાહ જોઈ રહ્યું હતું. આ વખતે એ પારદર્શક કાચની જગ્યાએ દુકાનની અત્યંત પાછળ તરફનાં ભાગમાં એકતરફ ખૂણામાં મૂકી દેવાયું હતું. મારાં ખરબચડાં હાથ ટીશર્ટને સ્પર્શયાં જ કે દુકાનમાં કામ કરતો યુવાન મારી પડખે આવીને ઉભો રહી ગયો. મને એ ટીશર્ટની કિંમત જણાવી એણે એક નજર મારાં વસ્ત્રો ઉપર ફેરવી. જોડે લાવેલ મોટી રકમ મેં ખિસ્સામાંથી બહાર કાઢી કે એણે દુકાનની જમણી તરફ કિંમત વસુલવા ગોઠવેલ બેઠક તરફ ઈશારો કર્યો. હું પૈસા લઈ એ બેઠક તરફ આગળ વધી ગયો. પાછળથી એ યુવાન ટીશર્ટ લઈ બેઠક નજીક પહોંચ્યો. બેઠક ઉપર હાજર માલિકે મારી રસીદ તૈયાર કરી નાખી. એનાં ઉપર છપાયેલું લખાણ હું વાંચવા સમર્થ ન હતો. એ વાત મારાં દેખાવ ઉપરથીજ તારવી ગયેલા માલિકે રસીદ ઉપર છપાયેલી ચેતવણી શબ્દ સ્વરૂપે મોટા અવાજમાં જાહેર કરી. 

" એકવાર વેચેલો માલ પરત લેવામાં આવશે નહીં. "

મેં દુકાનનાં નિયમને સ્વીકારતાં નમ્રતા પૂર્વક ડોકું હલાવ્યું. આખરે ટીશર્ટ મારાં હાથમાં આવ્યું. દુકાનની કોથળી દુકાન જેવીજ ભવ્ય હતી. એ કોથળી જયોર્જનાં હાથમાં નિહાળવાં મારું તનમન અતિ ઉત્સાહિત થઈ ઉઠ્યું. દુકાનમાંથી બહાર નીકળી રહેલાં મારાં પગને જાણે પાંખો ફૂટી હતી. 

મારો ટ્રક પણ હાઈવે ઉપર દર વખત જેમ દોડવાની જગ્યાએ ઉડી રહ્યો હતો. આખા રસ્તે જ્યોર્જનો ચહેરો મારી આંખો આગળ તરી રહ્યો હતો. ટીશર્ટ નિહાળી એની શી પ્રતિક્રિયા હશે એ જાણવાની તત્પરતા પરાકાષ્ઠાએ પહોંચી હતી. એક એક ઘડી પસાર કરવી અસહ્ય થઈ પડી હતી. 

આખરે ટ્રક ગામની સીમામાં પહોંચ્યું. મારાં હૈયાંનો ધબકાર બેવડાઈ ચૂક્યો હતો. ટ્રકમાંથી ઉતરી મેં સંભાળીને ટીશર્ટવાળી ભવ્ય કોથળી હાથમાં થામી લીધી. મારાં ચહેરા ઉપર પ્રસન્નતા વિખરાઈ વળી. જ્યોર્જ ઘરેજ હતો. અંદર તરફથી જ્યોર્જ અને મેરીજૅનનાં વાર્તાલાપનો અવાજ સંભળાઈ રહ્યો હતો. 

હું ચોર ડગલે ઘરની અંદર તરફ આગળ વધ્યો. ધીમે ધીમે આગળ વધતાં બન્નેનો વાર્તાલાપ વધું સ્પષ્ટ સંભળાવા લાગ્યો. અંદર તરફનું દ્રશ્ય આંખ ઉપર પડતાં જ મને એક જોરદાર આંચકો લાગ્યો. મારાં પગ શોકથી થંભી ગયા. મારી હાજરીથી અજાણ મેરીજૅન જ્યોર્જને વિમાસણમાં હેરતપૂર્ણ અવાજમાં પૂછી રહી હતી. 

" અરે... રે..... આ શું કરી રહ્યો છે ? "

ભીંત ઉપરથી એલેક્ઝેન્ડરની દરેક તસવીર કચરા સમી ભોંય ભેગી થઈ હતી. જાતે રંગકામ કરેલ એલેક્ઝેન્ડરનું ચિત્ર એનાં ટીશર્ટ સહિત જ્યોર્જએ ઉખાડી ભોંય ભેગી થયેલી તસવીરો તરફ ફેંક્યું. ફાધર વેલેસની અનુમતિ જોડે લઈ આવેલ સમાચારપત્રમાંથી કાપેલી એક મોટી તસવીર એણે ભીંત ઉપર ચોંટાડવાની શરૂઆત કરી. એ વિશાળ તસવીર ઉપર મારી નજર ફાંટી આંખે સ્થિર થઈ. એલેક્ઝેન્ડરનાં શરીર ઉપર એક નવું ટીશર્ટ હતું. જુદોજ રંગ. અલગ ભાત. નવોજ ક્રમાંક. તસવીર ચોંટાડતાં ચોંટાડતાં જ એણે માં વડે પૂછાયેલા વિસ્મિત પ્રશ્નનો તાર્કિક ઉત્તર આપ્યો. 

" હવે આ બધું નકામું થઈ ગયું છે. "

મેરીજૅનની નજર જ્યોર્જ દ્વારા ભોંયભેગી થયેલી તસવીરો અને એનાં હાથે રંગાયેલ ચિત્ર ઉપર ભગ્ન હૃદયે ફરી વળી. 

" બહું મોટી રકમ ચૂકવી એને અન્ય ક્લબ દ્વારા ખરીદી લેવામાં આવ્યો છે. હવે એ આ નવી ક્લબ માટે રમશે અને આ નવાં રંગનું, નવાં ક્રમાંકનું ટીશર્ટ પહેરશે. " 

જ્યોર્જનાં ઉત્સાહસભર શબ્દો સાંભળી મારાં હાથમાંની ભવ્ય કોથળી ભોંય ભેગી થઈ ગઈ. એ કોથળીનાં અવાજથી આકર્ષાય મેરીજૅન અને જ્યોર્જ મને નિહાળી શકે એ પહેલાંજ મારાં ડગલાં ઉતાવળે ખેતર ભળી ઉપડી પડ્યાં. 

હાંફતા શ્વાસ વડે હું ખેતરની વચોવચ ઉભો રહી ગયો. મારી હતાશ દ્રષ્ટિ રોપાયેલાં બીજ અને ચારે તરફ ફેલાયેલાં ખાતર પર ફરી વળી. મારાથી બનતું હું બધુંજ કરી ચૂક્યો હતો. પણ આ વરસાદ ક્યારે વરસવાનો ? એક રિસાયેલી નજર આભ તરફ ઉઠી અને એક ખારી બુંદ આંખનાં ખૂણે છલકી ઉઠી. 

" ડૅડી...ડૅડી......"

પાછળ તરફથી જ્યોર્જનો અવાજ ખેતરની દરેક દિશામાં પડઘાઈ ઉઠ્યો. હું ધીમે રહી પાછળ ફર્યો. મારાં ખરીદીને લાવેલ ટીશર્ટમાં એ ઢીંગલા જેવો જચી રહ્યો હતો. જાણે કે એનાં ગમતાં ખેલાડી એલેક્ઝેન્ડરની એક નાની આવૃત્તિ. 

મારી નજીક પહોંચતાજ એ મને ઉત્સાહથી વીંટળાઈ વળ્યો. 

" થેંક્યુ ડૅડી. આઈ લવ યુ. "

હું વિસ્મિત નજરે એનાં ચહેરા ઉપરની અપાર પ્રસન્નતા નિહાળી રહ્યો. મારાં મનની મૂંઝવણ બહાર આવ્યા વિના રહી ન શકી. 

" પણ હવે તો આ ટીશર્ટ નકામું છે ને ? "

એની તારા જેવી ચળકતી બે આંખોમાં કૃતજ્ઞતા અને સંતોષ ભેગાં મળી પ્રકાશ પાથરી રહ્યા હતાં. 

" એ તો એલેક્ઝેન્ડર માટે. હું તો એનો ફેન છું. મારાં માટે તો આ એક યાદગાર નિશાની છે. થોડાં સમયમાં આ ટીશર્ટ કશે નહીં મળશે. પણ હું એને સાચવીને રાખીશ. મારાં માટે એ બહું મુલ્યવાન છે. એલેક્ઝેન્ડરની જૂની ક્લબ જોડેની ઐતિહાસિક સ્મૃતિ ! "

મારી આંખોમાં ખુશી જોવા જ્યોર્જેએ પોતાની ખુશીને એક નવો દ્રષ્ટિકોણ આપી દીધો. મારો હાથ ગર્વથી એનાં માથા ઉપર ફરી વળ્યો. એ દિવસે મારાં સાત વર્ષનાં દીકરાએ મને જીવનનો ઘણો મોટો પાઠ શીખવી દીધો. 

લાખ હાડમારી પછી ખુશી આપણા હાથમાં આવે કે દુનિયા ખુશીની વ્યાખ્યાંજ બદલી નાખશે. સતત, હર ક્ષણ બદલાતી રહેતી આ દુનિયામાં જો સાચે જ ખુશ રહેવું હોય તો આપણી ખુશીની વ્યાખ્યા આપણે જાતેજ નિર્ધારિત કરવી પડે. 

મેં એક આભાર વ્યક્ત કરતી નજર આભ તરફ માંડી અને વાદળોમાં ગડગડાટ થયો. અચાનકથી આખું વાતાવરણ બદલાઈ ગયું. ઝરમર વરસી ઉઠેલા વરસાદે મને અને જ્યોર્જને ભીંજવી મૂક્યા. મેં જ્યોર્જનો હાથ વહાલથી પકડી લીધો. પોતાનાં ગમતાં ટીશર્ટમાં સજ્જ ખુશીનાં ઠેકડાં લગાવતો જ્યોર્જ મારો હાથ પકડી ઘર તરફ ઉપડી પડ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational