મોર્નિંગ વોક
મોર્નિંગ વોક
મિત્રો. લાંબા સમયના વિરામ લીધો આ વખતે આપ લોકોની સમક્ષ કોઈક રચના લઈ ને આવવામાં. અને થોડું જરૂરી પણ લાગ્યું કારણ કે કોઈક વાર વિરામ લીધા પછીની ગતિ વધુ તેજ હોય છે. .ખેર, મુદ્દા ઉપર આવું. આ વિરામ હજી થોડો વધુ લંબાત પરંતુ ઘટના એવી ઘટી કે પરત કલમ ને હાથમાં પકડવી જ પડી.
આમ તો હું મારા વ્યક્તિગત જીવનમાં વ્યાયામ કે રોજ સવારે ચાલવા નો કે દોડવા નો આગ્રહ જરૂર રાખું છું, પણ કોઈક વાર શું થાય કે મન ને પણ આળસ લેવાનો જન્મસિદ્ધ અધિકાર છે, તો ઊઠવામાં થોડું મોડું થાય તો ઉપરોક્ત પ્રક્રિયા ને પણ વિરામ આપી દઉં છું, પરંતુ આ વાત અમારા ધર્મપત્ની નથી સમઝતા. શું છે કે ઘડિયાળ નો એલાર્મ તો મૂક્યો જ હોય પરંતુ તે વાગે એટલે તરત જ બંધ કરી દેવાનો, એવું હું કોઈક વાર કરી લઉં. પણ જ્યારે પોતાનું ભાગ્ય જ તમારી સામે રણશિંગુ ફૂંકવા બેઠું હોય ત્યાં કોઈ શું કરે, બાપલા ?
આજે સવારે કંઈક આવું જ થયું. એલાર્મ એ તેની ફરજ રાબેતા મુજબ બજાવી અને સ્વાભાવિક છે જો એલાર્મ તેની ફરજ બજાવે તો મારે પણ મારી ફરજ બજાવી જોઈએ, એવું વિચારી ને આપણે તો પ્રેમ થી એલાર્મ બંધ કરી દીધો. આત્મસંતોષ ખાતર બારી નો પડદો સહેજ ખસાડી ને જોયું તો સોસાયટીના રસ્તા ભીના હતા. લાગતું હતું કે મોડી રાત્રે વરસાદ પડ્યો હશે. ચાલો. હરખનો માર્યો હું ફરી પાછો હજી મારી "વ્યાસ" પીઠ ઉપર ભગવાન વિષ્ણુ મુદ્રામા આવું તે પહેલાં જ. "ઊભો થા...એલાર્મ મૂકવાના નાટક શું કરે છે ? અડધો કલાક તો અડધો કલાક, પણ ચાલવા તો તું જા જ". સવારના પહોરમાં પત્ની રૂપી તોપમાંથી અગનગોળો છૂટ્યો. .મારા પાછલા લેખોમાં પણ હું જાહેર અને કબૂલ કરી જ ચૂક્યો છું કે હું (કહ્યાગરો કંથ નહીં) આજ્ઞાકારી પતિ છું, એટલે આ વિષય ઉપર વાચક મિત્રો એ મારી સાથે કોઈ વાદ વિવાદ કરવો નહીં. હું ફરી પાછો મગજ વગર ના માણસની જેમ પથારીમાં થી ઊભો થઈ ગયો. પણ ત્યાં જ મગજ ના એક ખૂણે ઘંટડી વાગી અને મને યાદ દેવડાવ્યું કે વરસાદ પડી ગયો છે અને રસ્તાઓ ભીના છે. મનમાં થોડી હિંમત નો સંચાર થયો અને હું કંઈક "સામો" જવાબ આપવા માટે સજ્જ થયો. "અરે, હું તો ઉઠી જ ગયો હતો પણ જોયું તો ખબર પડી કે વરસાદ પડી ગયો છે અને રસ્તા ભીના છે, તેથી થયું કે આજે થોડો વિરામ લઈ લઉં". મારી જાત ઉપર ઘણો ગર્વ થયો આટલું બોલવા બદલ અને હું કોઈક જીત મેળવેલા સૈનિક ની માફક છાતી પહોળી કરી ને ઉભો રહ્યો. પણ સામે દુશ્મન ની છાવણી પણ એમ હાર માને એવી નહોતી (દરેક ગોરધનો ની દુશ્મન છાવણી મજબૂત જ હોય છે. તે સર્વની જાણ ખાતર). ..."રસ્તા ભીના છે તો શું થયું? તારે ક્યાં ઉઘાડા પગે જવું છે? બહાના ના કાઢીશ. અને આપણે ત્યાં પાણી કોઈ દિવસ ભરાતા નથી, એટલે તને વાંધો નહીં આવે. હવે વધારે લમણા ઝીંક કર્યા વગર ઉપડો"..શ્રીમતીજી નો વટહુકમ બહાર પડ્યો. .મારી વિજય પતાકા થોડી જ ક્ષણોમાં જમીનદોસ્ત થઈ ગઈ. હવે ગયા સિવાય બીજો કોઈ છૂટકો જ નહોતો. જરૂરી વાઘાં પહેરી ને હું ડાઘુ જેવું મોઢું કરી ને નીકળી પડ્યો.
રસ્તા સારા એવા ભીના હતા. એવું લાગતું હતું કે હજી બે ત્રણ કલાક પહેલાં જ વરસાદ પડ્યો હશે. તેમ છતાં રસ્તા ઉપર ચાલવાંછુક લોકોની અવરજવર હતી...મારી માફક જ બીજા ગોરધનો નીકળ્યા હશે તેવો સંતોષ માની ને હું આગળ નીકળ્યો. જો કે ચાલવામાં સ્ત્રીવર્ગ પણ હતો જ. કદાચ એ લોકો એટલા માટે નીકળ્યા હશે કે તેમનો ગોરધન ચાલવા ને બહાને ક્યાંક બાંકડે આસન જમાવીને તો નથી બેઠો ને. ખેર, મારે શું ? અમારો વિસ્તાર આમ તો ઘણો જ સારો અને ત્યાં ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારના ઘરો આવેલા છે. એટલે રસ્તા પણ મહદઅંશે સારા કહી શકાય એવા છે. રસ્તામાં અમુક રોજિંદા ચાલવાવાળા મળી ગયા. કેમ છો કેમ નહીં ની આપલે કરી ને હું પરેડમાં ચાલતો હોઉં તેમ ચાલી રહ્યો હતો. વાતાવરણમાં થોડી ઠંડક પણ હતી એટલે ચાલવામાં અનુકૂળતા હતી. બધા ચાલવા વાળા ગોરધન સ્પોર્ટ્સ જૂતા, જર્સી અને ટ્રેક પેન્ટમાં સજ્જ થઈ ને જાણે એક જ દિવસમાં ૧૦ કિલો વજન ઓછું કરવાનું હોય તેમ હાંફતા હાંફતા લગભગ દોડી જ રહ્યા હતા. સ્ત્રી વર્ગ પણ જાણે એક જ ભાવનાથી ચાલી રહ્યો હતો કે જેવા ચાલી ને ઘરે પહોંચશે તો ત્યાં કોઈ ફિલ્મ નો નિર્દેશક તેમની રાહ જોઈ \ને જ ઊભો હશે. દરેક ના મનમા પોતે દીપિકા પાદુકોણથી પણ ચડિયાતી છે તેવા વિચારો (ભ્રમ) સાથે રસ્તા ઉપર ખાડા પાડતા પાડતા ચાલી રહ્યા હતા. હું આ બધું નિરીક્ષણ કરતો કરતો ચાલી રહ્યો હતો, અને ત્યાં જ અચાનક મારો પગ એક ખાબોચિયામા પડ્યો અને ત્યાં નાનો ખાડો પણ હતો અને મારું સંતુલન ના રહ્યું અને હું થયો ધબાય નમઃ રીતસર ગોઠણભેર પડ્યો ખાબોચિયામા. ટી શર્ટ આખું ભીનું અને કાદવ વાળા પાણીથી ભરાઈ ગયું. રસ્તે ચાલતા અમુક લોકો ઊભાં રહી ગયા. ઘણી જ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયો હું. મનોમન શ્રીમતીજી ને ધીરેથી ભાંડતો ભાંડતો ઊભા થવાની કોશિષ કરી રહ્યો હતો (મનમાં પણ ધીરે થી શ્રીમતીજી ને ભાંડવા પડે છે કારણ કે હું મનમાં પણ જે બોલું છું તે તેમને સંભળાઈ જાય છે, અને આવું અનેક વાર થયું છે). હું ઊભા થવાની નિષ્ફળ કોશિષ કરી જ રહ્યો હતો ત્યાં. "લાવો, તમને મદદ કરું?"...મારા કાનમાં જાણે કોઈ એ તાજા મધ ના ટીપાં નહીં પરંતુ મધ ના ડબ્લે ડબલા નાખ્યા હોય તેવો મીઠો ઉપરાંત મધુરો સ્વર મારા કાનને સ્પર્શી ગયો. હું ક્ષણવાર માટે મારો ક્ષોભ વીસરી ગયો અને આંખો ઊંચી કરી ને જોયું તો એક અતિ જાજરમાન અને ખરેખર સુંદર કહી શકાય તેવી મહિલા હાથ લંબાવી ને ઊભી હતી. મારા મુખ ઉપર અનાયાસ જ નિર્દોષ (નફ્ફટ) સ્મિત ઉભરી આવ્યું...હું મનોમન જે શ્રીમતીજી ને ભાંડતો હતો તે હવે બંધ કરી ને મને ચાલવા મોકલવાના તેમના નિર્ણય ને બિરદાવવા લાગ્યો. હું હજી ખાબોચિયામા જ બિરાજમાન હતો. અને સાચું કહું તો ઉઠવાની ઈચ્છા પણ નહોતી થતી. પેલી સ્વરૂપવાન મહિલા એ ફરી પાછું કાનમાં મધ રેડ્યું. "વાગ્યું નથી ને ? લાવો તમને ઊભા કરું. " મારે ઊભા થવાની કોઈ ઉતાવળ હતી જ નહીં...મારે માટે તો સમયચક્ર રોકાઈ ગયું હતું. .આજે અજાણે જ મારામાં "જેઠાલાલ" નો આત્મા પ્રવેશી ગયો હતો, અને સમક્ષ પણ "બબીતા" જેવી જ સ્વરૂપવાન મહિલા મદદનો હાથ લઈ ને ઊભી હતી. તે મહિલા ના મારે જવાબ તો આપવો જોઈએ તેવું વિચારી ને હું બોલવા માટે મથ્યો, પરંતુ જીભ પણ બેવફાઈ ઉપર ઉતરી આવી. મોઢાં ની અંદર જ જીભ તરફડીયા મારી ને બેસી ગઈ પણ શબ્દો નીકળવાનું નામ જ નહોતા લેતા. ખૂબ મથામણ પછી શબ્દો ગોઠવાયા અને માંડ માંડ નીકળ્યા. ."ઓહ. નો નો... થેંકસ... આઈ એમ ફાઈન. સો સ્વીટ ઓફ યુ" નર્યો બફાટ થયો..."કાઈન્ડ" ની જગ્યા એ "સ્વીટ" નીકળી ગયું. સાલું, જે મગજમાં હોય તે જીભ ઉપર આવે જ. .અને પાછું મને તે મહિલા એ ગુજરાતી ભાષામા પૂછ્યું હતું અને હું દોઢ ડાહ્યા ની જેમ અંગ્રેજી છાંટવા લાગી ગયો. પેલી મહિલા ને મારા અંગ્રેજીથી સંતોષ નહીં થયો હોય તેવું લાગ્યું. "અરે. કઈં વાંધો નહીં. .લાવો હાથ તમારો. કદાચ તમને ઊભા થવામા તકલીફ પડશે, હું તમને ઊભા થવામા મદદ કરું"...મહિલા મધ ના ગેલન ઉપર ગેલન ઠાલવી રહી હતી. (જો કાન ને પણ મધુપ્રમેહ નો રોગ લાગુ પડતો હોય તો હું કદાચ તેનો પહેલો દર્દી હોઈશ) કોણ કહે છે કે દુનિયામા પરોપકારી મનુષ્યો નથી રહ્યા ? મારી સમક્ષ જ એક પરોપકાર નું ગોડાઉન ઊભું હતું. પેલી મહિલા ના અતિ આગ્રહ ને વશ (વશીભૂત) થઈ ને મારો હાથ તે મહિલા ને આપ્યો અને ક્યારે પણ ઊભું ના થવું હોય તેવી રીતે ઊભો થયો. હજી તો હું ભાનમા નહોતો આવ્યો. . એ મહિલા નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી ને તેમનું શુભનામ પૂછીશ તેવો વિચાર આવ્યો જ હતો ત્યાં આ હું શું જોઈ રહ્યો છું ? (લેખ ની શરૂઆતમા જ મેં જેમ જણાવ્યું તેમ મારું ભાગ્ય જ જ્યારે મારી ખુદ ની સમક્ષ રણશિંગુ ફૂંકી ને બેઠું હોય ત્યાં કોઈ શું કરે?). "શું થયું? કેવી રીતે પડ્યો?". .અવાજ કંઈક જાણીતો લાગ્યો. .રોજ સાંભળતો હોઉં એવું લાગ્યું. .કાનમા ભેગું થયેલું મધ નું પળવારમાં બાષ્પીભવન થઈ ગયું. એ જે અવાજ જાણીતો લાગતો હતો તે મારા શ્રીમતીજી નો હતો. .સૈનિકો જીતની ખુશી મનાવી રહ્યા હોય અને ત્યાંજ અચાનક દુશ્મન બંદૂક લઈ ને તમારી સમક્ષ ઊભો થઈ જાય અને તમારી શું હાલત થાય. ઠીક તેવી જ હાલત મારી થઈ. મને મારી આંખ ઉપર વિશ્વાસ ના બેઠો...ડોળા ચકળવકળ થવા લાગ્યા. આંખની કીકીઓ ગોળ ગોળ ફરવા લાગી (સમજો ને કે હું જ ગોળ ગોળ ફરવા લાગ્યો) મુખ ઉપર પરાણે હાસ્ય લાવવાનો નિરર્થક પ્રયાસ આદર્યો...એવું થયું કે ખાબોચિયામાં ફરી પાછો ગરી જાઉં. પણ પરિસ્થિતિ (સમસ્યા) નો સામનો તો કરવો જ રહ્યો. મોઢાંમાં ના શબ્દો પણ બીક ના માર્યા ભાગી ગયા. મારું મોઢું શબ્દોવિહોણુ થઈ ગયું. આખી બારાખડી ભૂલી ગયો. યેનકેન પ્રકારે ગાય વાગોળે એમ મોઢાં ને હલાવતાં હલાવતાં શબ્દો ભેગા કર્યા..."અરે...તું કેમ અહીં ?". સત્યાનાશ. સવાલ નીકળ્યો તો નીકળ્યો પણ કેવો ખોટો નીકળ્યો. આ સવાલ તો મારે મનમા પૂછવાનો હતો તેને બદલે મોઢાંમા આવી ગયો. એકદમ વેધક નજરથી મારા શ્રીમતીજી એ પહેલાં તે મહિલા સમક્ષ જોયું અને પછી મારી સામે જોઈ ને "કેમ. મારે અહીં નહોતું આવવાનું ? બહુ નબળાઈ આવી ગઈ છે ને કઈં ? જ્યાં ને ત્યાં પડી જાય છે ?" એક સાથે ૧૦૦ મિગ - ૨૧ યુદ્ધ વિમાનમાંથી બોમ્બ વર્ષા થઈ અને આ બધા બોમ્બ મારા ઉપર જ પડ્યા. કામચલાઉ અંધાપો આવી ગયો મને...એક ઈંચ દૂર નું દેખાવાનું બંધ થઈ ગયું...મગજ બહેર મારી ગયું...૫૦ વર્ષ નો હું અચાનક ૫ વર્ષ ના અણસમજુ બાળક જેવો થઈ ગયો...પરીકથા અચાનક યુદ્ધકથામા પરિવર્તિત થઈ ગઈ. "ના રે ના. આ તો ખાલી પડી ગયો. ખબર જ ના પડી કેવી રીતે પડી ગયો ? પણ સારું છે હવે. વાગ્યું નથી. .આ ભાઈ ઊભા રહી ગયા અને મદદ કરી"...મહામહેનતે શબ્દો મોઢાંમાંથી ફંગોળાયા અને એમાં પણ ભયંકર ગરબડ. "આ ભાઈ નથી...બેન છે"...શ્રીમતીજીનો પોઈન્ટ બ્લેન્ક વાર. વીંધાઈ ગયો હું. વિચાર કરો કેવો ખોફ હશે મારા શ્રીમતીજી નો. .સ્ત્રી અને પુરુષ નો તફાવત પણ ભૂલી ગયો. .બાકી રહી ગયું હતું તે મારા શ્રીમતીજી એ આભારવિધિ પૂર્ણ કરી પેલી સ્વરૂપવાન મહિલા સાથે અને મને રીતસરનો ઢસડી ને ઘરે લઈ આવ્યા.
હું મારા પોતાના જ ઘરમા ગભરાટનો માર્યો પ્રવેશ્યો. ખબર નહીં શું થશે શું નહીંની અટકળો કરતો કરતો કોઈ અજાણ્યો આગંતુક કોઈ ના ઘરમાં પ્રવેશે તેમ પ્રવેશ્યો. "આંખ છે કે બટન ટાંક્યા છે ? ખાડો કે ખાબોચિયું દેખાતું નથી ? તમને તો મઝા પડી ગઈ હશે, નહીં ? આવું હોય તો તો રોજ પડું, એવું થતું હતું ને તને ?" શ્રીમતીજી ના ઉપરોક્ત પૂછાયેલા પ્રશ્નો બધા જ ફરજીયાત હોવા છતાં કોઈ ઠોઠ વિદ્યાર્થી તેની ઉત્તરવહી કોરી કાટ મૂકી ને આવે તેવી મારી હાલત થઈ ગઈ. આવી વિલક્ષણ પરિસ્થિતિમાં મૌન એજ યોગ્ય ઈલાજ છે તેમ માની ને હું મોઢું સિવી ને બેસી રહ્યો. .પરંતુ હજી તો બાકી હતું. "હવે આ કપડાં મ્યુઝિયમમાં મૂકવાના છે કે પછી ધોવાના છે ? જો ધોવાના હોય તો બહાર વરંડામાં જા અને ડોલમાં સાબુ નો પાવડર નાંખી ને ધોઈ નાંખ. તારા આવા નખરા ના ઢસરડા હું નથી કરવાની"..શ્રીમતીજી એ આખરી વાર કર્યો છે તેવું મને પાછલા અનુભવ ઉપરથી લાગ્યું અને હું પણ જાણે કોઈ અધમ કૃત્ય કરી ને આવ્યો હોઉં તેમ બહાર વરંડામાં તે થોડી જ ચાલેલી પરીકથાની સાક્ષી સમા કપડાં ધોવા બેસી ગયો.
ઉપરોક્ત લેખમાં શક્ય એટલી બધી જ આપવીતી વર્ણવી છે, તેથી લાગતા વળગતાઓ એ મને ફોન કરી ને વધુ તકલીફ પહોંચાડવી નહીં.
