મોહિની
મોહિની
કૃષ્ણરાયની કૂળવધુ ખૂબ જ સુંદર, જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી, ઉચ્ચ ખાનદાનમાંથી આવેલી અને સાસરે આવ્યા પછી બધાના મન મોહી લેનારી મોહિની બહુ ભણેલી તો ન હતી પણ તેનામાં કોઠાસૂઝ ઘણી હતી.
પિયર અને સાસરું બંને ઉચ્ચ ખાનદાન તેમજ લક્ષ્મી અને સરસ્વતીજીનો મેળ કહો ને કે, સોનામાં સુગંધ ભળી. સાસરું હંમેશા ધમધમતું. મહેમાનોની અવર જવર, દિયર, જેઠ, જેઠાણી, નણંદ બા અને નણંદોઈનો આવરો જાવરો પણ નિયમિત. મોહિની ક્યારેય મૂંઝાઈ નહીં, હસતાં હસતાં બધું પાર પાડી જ દેતી.
કોઈ દિવસ બંને ઘર પર દુઃખના વાદળાં છવાયાં ન હતા. બધાં લોકો સ્વભાવે નમ્ર પણ ઘણાં. પણ કહે છે ને કે બધાં દહાડા એકસરખા જતા નથી.
હવે બન્યું એવું કે બંને પક્ષેથી વડીલોની જાત્રાની ટિકિટ બુક થઈ. બધાં છોકરાઓ સમર કેમ્પમાં ગયા. બાકી રહ્યાં વચેટ ઉંમરનાં લોકો. બધાં થઈને સોળ જણા હતાં.
બધાએ નક્કી કર્યું કે આપણે પણ ક્યાંક બે ચાર દિવસ ફરી આવીએ પણ મોહિની જેનું નામ કહે કે “કોઈકે તો ઘરે રહેવું જ જોઈએ. બધાં આમ ચાલ્યા જઈશું તો ઘર અને ધંધાપાણીનું ધ્યાન કોણ રાખશે ?”
પુરુષોએ કહ્યું કે ચિંતા ન કરો. અમે ઓનલાઈન બિઝનેસ સંભાળી લઈશું છતાં મોહિનીનું મન માનતું જ ન હતું. કચવાતે મને તૈયાર તો થઈ બધાં ગાડીમાં બેસતાં જ હતા ત્યાં અચાનક ઘરમાં આગ ભભૂકી ઊઠી. અરે, મોહિની બધું પડતું મૂકીને ઘરમાં જ ઘૂસી ગઈ. નાના દિયરે ફાયરબ્રિગેડ બોલાવી લીધી અને પાંચ જ મિનિટમાં આવી પણ ગઈ.
તુરંત જ ફાયરબ્રિગેડ કામે લાગી ગઈ અને નુકસાન થતા બચી ગયું. મોહિની ઘરમાં જ હતી એક ફાયર બ્રિગેડના માણસે તેને ઝડપથી બહાર કાઢી અને એમ્બ્યુલન્સ પણ બોલાવી.
બહાર ફરવા જવાનો કાર્યક્રમ કેન્સલ કરીને બધા મોહિની અને ઘરની દેખરેખમાં લાગી ગયા. બરાબર સાતમે દિવસે મોહિનીએ આંખો ખોલી. પહેલો પ્રશ્ન તેણે એ પૂછ્યો કે, "બધાં બરાબર તો છે ને ?"
દરેક મોહિનીને વંદી રહ્યા કારણકે તેણે ઘર, બિઝનેસ અને બધાં લોકોને આબાદ બચાવી લીધા હતા.
