મનુષ્યનો મિત્ર મોબાઈલ
મનુષ્યનો મિત્ર મોબાઈલ
બાકી એકાંતને એકલતામાં બદલાઈ જતા વાર ના લાગે !
તમે મોબાઈલમાં ડૂબેલા હોવ તો તમે જાણ્યે-અજાણ્યે બીજાને અવગણો છો, સામેવાળું મોબાઈલમાં હોય તો તે તમને અવગણે છે અને તમે બંને મોબાઈલ હોવ તો જોડે હોવા છતાં'ય તમે બે એકલા ! માઈલોના માઈલો દૂર બેઠેલા સાથે કનેક્ટેડ અને બાજુમાં બેઠેલા સાથે ડિસ્કનેક્ટેડ !
કોવિડની પહેલી બે લહેરોમાં બચી ગયેલા મારા એક ડોક્ટર મિત્રને ત્રીજી લહેરે ઝપેટમાં લઈ લીધા. મેં એને ખબર પૂછવા ફોન કર્યો. એણે મને કહ્યું 'લક્ષણો તો ખાસ કંઈ ભારે નથી પરંતુ અશક્તિ અને કશું કરવાનું મન નથી થતું' પછી થોડીવાર અટકીને એ બોલ્યો મને સૌથી અઘરું શું લાગે છે કહું ? !' મારા જવાબની રાહ જોયા વગર જ એણે કહ્યું 'રૂમમાં આખો દિવસ એકલા રહેવું એ ! ત્રણ દિવસમાં હું એકલા રહેવાથી વધુ બીમાર થઈ ગયો છું. લોકો એકાંત માણવાની વાતો કરતા હોય છે પણ તમે બે દા'ડા રહો એટલે ખબર પડે કે એ બધી ખાલી વાતો જ છે. એકલતા તમને બીમાર પાડી દે'
'એકાંત માણવા માટે શરીર અને મન સ્વસ્થ હોવું જરૂરી છે, બાકી એકાંતને એકલતામાં બદલાઈ જતા વાર ના લાગે. તારી અકળામણ એકલતા ઉપરાંત બંધિયારપણાને કારણે પણ છે' મેં એની વાતનો પ્રતિભાવ આપ્યો. પછી અમારી વચ્ચ ખાસ્સી વાતો થઈ પણ એમાં એકલતાનો એણે જુદી જુદી રીતે ઉલ્લેખ કર્યો. એકલતા વ્યક્તિઓને કેટલી પીડી શકે એ કોઈ મનોચિકિત્સકને સમજાવવી પડે એવી બાબત નથી, અનેક લોકોની એકલતાના તે એક માત્ર સાક્ષી હોય છે. કોવીડમાં ક્વોરેન્ટાઈન થવાનો ભય મોટાભાગની વ્યક્તિઓમાં જોવા મળે છે તેની પાછળ એકલતા અને બંધિયારપણું બંને જવાબદાર છે.
હમણાં જ એક આદતે ચઢી ગયેલી એક યુવતીએ મને કહ્યું કે મારા ઘરમાં બાર સભ્યો છે પણ બધા પોતાના કામમાં બીઝી અને જ્યારે કામ ના કરતા હોય ત્યારે મોબાઈલમાં બીઝી ! કોઈ એકબીજા સાથે વાત કરવા નવરું જ નહીં પછી મેં પણ મારી એકલતાનો ઉપાય શોધી કાઢ્યો. કોઈને સમય નથી આપવો અને મને જે સમય આપે છે તેને જે જોઈએ એ હું આપું છું, એમાં હવે આ લોકોની દખલગીરી હું કેમ ચલાવી લઉં ? ! એના આ વેધક સવાલે મને ક્ષણભર માટે મૂંઝવી કાઢ્યો ! વાસ્તવમાં તો એકલતા અનુભવવા એકલા હોવું જરૂરી નથી ભરી ભીડમાં પણ એકલતા લાગી શકે ! એકલતા શારીરિક રીતે હાજર પણ માનસિક રીતે ગેરહાજર વ્યક્તિઓની વચ્ચે પણ એટલી જ અથવા કદાચ વધુ તીવ્રતાથી અનુભવાઈ શકે છે.
જો કોઈની'ય સાથે વાસ્તવમાં જોડાઈ ના શકીએ અથવા કોઈને'ય આપણી પડી ના હોય તો માણસોની વચ્ચે પણ એકાકીપણું આપણને ઘેરી વળતું હોય છે. એમાં'ય મોબાઈલ અને સોશિયલ મીડિયાએ તો આપણે ભરી ભીડ વચ્ચે એકલા પાડી દીધા છે, તમે જો મોબાઈલમાં વ્યસ્ત હોવ તો સ્વેચ્છાએ અને સામેવાળો જો મોબાઈલમાં વ્યસ્ત હોય તો અનિચ્છાએ તમે એકલા પડી જાવ છો. તમે મોબાઈલમાં ડૂબેલા હોવ તો તમે જાણ્યે-અજાણ્યે બીજાને અવગણો છો, સામેવાળું મોબાઈલમાં હોય તો તે તમને અવગણે છે અને તમે બંને મોબાઈલ હોવ તો જોડે હોવા છતાં'ય તમે બે એકલા ! માઈલોના માઈલો દૂર બેઠેલા સાથે કનેક્ટેડ અને બાજુમાં બેઠેલા સાથે ડિસ્કનેક્ટેડ ! લો ને અત્યારની જ વાત કરું, હું આ લખી રહ્યો છું ત્યારે મારા ક્લિનિકની બારીમાં દેખાતા, બસસ્ટેન્ડની બેન્ચ ઉપર ત્રણ છોકરાઓ બેઠેલા છે, ત્રણે'ય પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત. આમ તો એકબીજાની સાથે, પણ વાસ્તવમાં એકલા છે, સરવાળે એકલતા અનુભવવાના !
મઝાની વાત તો એ છે કે ઘણા બધાની તો એકલતાનો ઉપાય જ આ મોબાઈલ અને સોશિયલ મીડિયા હશે. તેના થકી જ તે પોતાને વ્યસ્ત રાખતા હશે અને તેમનો સમય વ્યતીત થતો હશે. એમાં'ય ખાસ કરીને ઓછી વસ્તી ધરાવતા દેશોમાં તો ખાસ. આપણે ત્યાં પણ ઘણા નિવૃત્તો અને બેકારો, બંને, મોબાઈલ અને સોશિયલ મીડિયાને કારણે પોતે ઘણા વ્યસ્ત હોવાની ભ્રમણામાં જીવતા હશે. અમારા કુટુંબના એક વડીલ તો આ પ્રવૃત્તિમાં એટલા વ્યસ્ત રહે છે કે એમને યમરાજ લેવા આવશે તો કહી દેશે કે હાલ સમય નથી પછી આવજે ! એકપણ પોસ્ટ જોવાની રહી જાય તો જાણે મોટું કામ બાકી રહી ગયું હોય તેમ રઘવાયા થઈ જાય. ઘરના એમની આ પ્રવૃત્તિથી અકળાય તો કહે છે કે હું તો હાલ મૂકી દઉં, ચાલો તમે મારી જોડે વાતો કરવા બેસો જેથી મારો સમય જાય. એમની આ વાત સાંભળતા જ બધા સભ્યો આઘા-પાછા થઈ જાય છે, બોલો ! બધો ખેલ વ્યસ્તતાથી વળગણ અને વળગણથી વ્યસ્તન સુધીનો છે.
સમજાય તો વાત સરળ છતાં ગંભીર છે, એકલતા કે એકાકીપણું આવનારા સમયની મહામારી છે, પાંખી વસ્તી ધરાવતા દેશોમાં પણ અને ભારે ભરચક દેશોમાં પણ ! ક્યાંક અનિચ્છાએ અને ક્યાંક સ્વેચ્છાએ બધા મોડા-વહેલા એકલતા તરફ ધસી રહ્યા છે. એમાં મઝાનો પેરાડૉક્સ જુઓ કે એને દૂર કરવા પાછા આપણે ટેકનોલોજીનો સહારો લેવાના, રોબોટ સાથે વાતો કરવાના અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ભરોસે જીવવાના ! કારણ અને મારણ એક સરખું ! જરા પોતીકી કુદરતી બુદ્ધિ વાપરવાની વાત છે, તમને તમારા ફોન સાથે બાંધી રાખવાનો ધંધાદારીઓનો ખેલ છે, આવનારા સમયમાં એમાંથી જ દુનિયાની મોટાભાગની ઉપજ થવાની છે. તમને એકલા પણ એ જ પાડશે અને તેનો ઉકેલ પણ એ જ આપશે, બસ તમારે એને છોડવાનો નહીં. આ બંધનમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય છે, બસ નાનકડો એક સંકલ્પ - જ્યાં સુધી એકચ્યુઅલ જીવંત સંપર્કની તક છે ત્યાં સુધી વર્ચ્યુઅલ સંપર્ક હોલ્ડ પર રાખવો પરંતુ કમનસીબે આપણે ઉલટું કરતા હોઈએ છીએ !
મોબાઈલ અને સોશિયલ મીડિયા વૃદ્ધોની એકલતા ભાંગે છે અને યુવાનોને એકલા પાડે છે !
