બેઘર મા
બેઘર મા
સિવિલ હૉસ્પિટલના બાળકોના વૉર્ડમાં હલચલ મચી ગઈ હતી. ફક્ત પાંચ વર્ષની માસૂમ, મંદબુદ્ધિની ભૂમિ નામની છોકરીનાં મા-બાપ ચાર કલાકથી દેખાતાં ન હતાં. વૉર્ડમાં આયા અને સિસ્ટર ચારે તરફ દોડધામ કરી તેના પિતા રાજુભાઈ અને માતા કાન્તાબહેનને શોધી રહ્યાં હતાં પણ તેમનો ક્યાંય પત્તો ન લાગતાં અંતે સિસ્ટરે ફરજ પરના ડૉક્ટરને જાણ કરી. ડૉક્ટરે પણ બધાંને દોડાવી બીજા વૉર્ડમાં, કૅન્ટીનમાં વગેરે જગ્યાએ તપાસ કરી, અંતે કંટાળીને સીએમઓ દ્વારા પોલીસને જાણ કરી.
ભૂમિનાં મા-બાપ તેને છોડીને ક્યાં જતાં રહ્યાં હતાં ? ખરેખર હકીકત શી હતી ?
રાજુભાઈ રિક્ષા ચલાવીને ભારે મહેનત કરીને ગુજરાન ચલાવતા. પરિવારમાં તેમનાં માતા-પિતા અને ત્રણ દીકરીઓનો વસ્તાર હતો. હવે ચોથું બાળક ઈચ્છતા ન હતા. પરંતુ અનાયાસે સાડત્રીસમા વર્ષે તેમનાં પત્ની કાન્તાબહેનને પ્રેગનેન્ટ થયાનો અહેસાસ થયો. બધાં ચિંતામાં પડી ગયાં, પણ તેમનાં વૃદ્ધ સાસુ-સસરાને છેલ્લી આશા હતી કે દીકરો આવે તો સારું, તેથી આ ગર્ભ પાડી નાખવાનું વિચારતાં દંપતીએ દીકરાની આશામાં પ્રેગનન્સી ચાલુ રાખી.
અફસોસ ! નસીબે યારી ન આપી, ચોથી દીકરી આવતાં જ રાજુભાઈ, દાદા-દાદી અને કુટુંબનાં બધાંની આશા ઉપર પાણી ફરી વળ્યું. દીકરીનું નામ પાડયું ભૂમિ. કાન્તાબહેનની મોટી ઉંમરે આવેલી ભૂમિનો દેખાવ બધાં કરતાં જુદો હતો. તેની આંખો ચીના જેવી હતી. નાકની દાંડી પહોળી હતી, કાન નીચે તરફ હતા. તેનો વિકાસ બિલકુલ મંદ હતો. દોઢ વર્ષની થઈ ત્યાં સુધી તે ઊભી રહી શકતી ન હતી કે બીજા સામે જોઈ હસતી ન હતી.
રાજુભાઈ એક કંપાઉંડરના મિત્ર હતા. તેથી ભૂમિને લઈ ડૉ. ત્રિવેદીની સલાહ લેવા આવ્યા. બંનેના ચહેરા નિરાશાજનક હતા.
'ડૉક્ટરસાહેબ, અમારી ભૂમિનું કરવું શું ? હજુ ઊભી રહેતાં પણ શીખી નથી.'
તેને જોતાંવેંત નિદાન સ્પષ્ટ હતું ડાઉન સિન્ડ્રોમ. ડોક્ટરે તેમને સમજાવ્યા કે આ એક જન્મજાત ખામી છે જેમાં તેનાં રંગસૂત્રોની સંખ્યામાં ગરબડ થવાથી શરીરના કોષોમાં એકવીસમા રંગસૂત્રમાં એક વધારે હોય છે, જેની હજી સુધી કોઈ સારવાર જ નથી. બાળકોનો વિકાસ બિલકુલ મંદ હોય છે. જેથી તેની દરેક દૈનિક ક્રિયા માટે મા-બાપે મદદ કરવી પડે છે. આ સાંભળીને રાજુભાઈ અને કાન્તાબહેન બિલકુલ નિરાશ થઈ ગયાં. આવું થવાનું કારણ શું હશે ?' રાજુભાઈએ રડમસ ચહેરે પૂછયું.
ડૉ. ત્રિવેદીએ જવાબ આપ્યો. 'માતાની ઉંમર પાંત્રીસ વર્ષ કરતાં વધારે હોય તો આ રોગ થવાની શક્યતા વધી જાય છે.'
તેની કોઈ સારવાર જ ન હોય તો કરવું શું ? રાજુભાઈ હતાશ થઈ ગયા. તેનાં દાદા-દાદી પણ આ વાત સાંભળીને નિરાશ થઈ ગયાં અને બોલ્યાં, આના કરતા તો પાણો પાક્યો હોત તો સારું હતું, તેનો નિકાલ તો થાત, આનું તો ભવિષ્ય કાંઈ નથી, આપણે માથે પડેલી છે. છેવટે રાજુભાઈ અને દાદા-દાદીએ બહુ મથામણ કરી કોઈ પણ રીતે ભૂમિથી છુટકારો મેળવવાનું નક્કી કર્યું. કાન્તાબહેન ચમકી ગયાં, માનો જીવ આ બાબતે માને જ નહીં ને ? કાન્તાબહેનને ભૂમિને પાંચ વર્ષની કરતાં તો આંખે પાણી આવી ગયાં હતાં. તેનું ખાવું, પીવું, બાથરૂમ, સંડાસ વગેરે દરેકમાં તેમણે મદદ કરવી પડતી. તેનો જીવ આ માસૂમ અબોલ દીકરી સાથે અંગત રીતે જોડાઈ ગયો હતો. મોટી ત્રણ દીકરીઓ નોર્મલ હતી, તેથી તેની કાન્તાબહેનને કોઈ જ ચિંતા નહોતી, પણ આ નાની અબોલ દીકરીમાં તેમનો જીવ ચોંટી ગયો હતો. તેથી તેને તરછોડી દેવામાં એમનો જીવ માનતો જ ન હતો.
બાજુવાળા પાડોશી સુરેશભાઈએ નવો ઉપાય બતાવ્યો. તે બોલ્યા, 'રાજુભાઈ, ભૂમિને સિવિલમાં ખોટું એડ્રેસ લખાવી દાખલ થઈ જાવ અને પછી તેને વૉર્ડમાં જ મૂકીને જતાં રહો. સરકારી નિગરાનીમાં તેનો ઉછેર અને દેખરેખ સારી થશે.'
કાન્તાબહેનનો જીવ ચાલતો ન હતો. આખી રાત ભૂમિને વળગીને રડતાં રહ્યાં. રાજુભાઈએ બહુ સમજાવ્યાં, બધાંએ માંડ માંડ મનાવ્યાં, બીજી ત્રણ છોકરીઓના સારા ભવિષ્ય માટે પણ ભૂમિનો ગૃહનિકાલ જરૂરી હતો.
બીજે દિવસે રાજુભાઈ અને કાન્તાબહેને ખોટું એડ્રેસ લખાવી ભૂમિને દાખલ કરાવી. મંદબુદ્ધિનો ડાઉન સિન્ડ્રોમનો કેસ જોઈ મેડિકલ સ્ટુડન્ટો ખુશ થઈ ગયા. તેમને ક્યાં ખબર હતી કે તેનાં મા-બાપ શું વિચારીને તેને લાવ્યાં છે ?
બાળકોના વૉર્ડમાં ખાટલો મળતાં ભૂમિ તો ખુશ થઈને રમવા લાગી. એકાદ કલાક પછી રાજુભાઈએ આયાને કહ્યું, 'હમણાં ચા-પાણી કરીને આવીએ ત્યાં સુધી ધ્યાન રાખજો.'
બહાર નીકળી પ્લાન મુજબ બંને જણાં રિક્ષામાં બેસી ભાગી છૂટયાં. તેમના ઘર સુધી પહોંચવા બે રિક્ષા કરી, કે જેથી પોલીસ તેમના સુધી પહોંચી જ ન શકે.
ઘરે પહોંચીને ભૂમિથી છૂટી ગયાનો રાજુભાઈને આનંદ હતો. દાદા-દાદી પણ ખુશ થયાં. પણ માનો જીવ માનતો ન હતો. તેનો જીવ અંદરથી વલોવાઈ રહ્યો હતો. છતાં મા-બાપે પોતાની પાંચ વર્ષની અબુધ બાળકીને અનાથ બનાવી દેવાની વાત તેના મનમાં બેસતી ન હતી. આખા ઘરમાં તેને હસતી-રમતી-પડતી ભૂમિ જ દેખાઈ રહી હતી. તેની પથારી, તેની થાળી, તેનું પાણીનું નાનું પ્યાલું, જાણે બધાં તેની તરફ ફિટકાર વરસાવી રહ્યાં હતાં. બે કલાકમાં તેનો જીવ ઊંચો- નીચો થઈ ગયો.
રાજુભાઈ સામે જોઈ તે રડમસ ચહેરે બોલ્યા.
'ચાલો પાછા સિવિલ, હું તો મારી દીકરીને પાછી લેવા જાઉં છું.'
રાજુભાઈ બગડયા, 'માંડમાંડ તેનાથી પીછો છોડાવેલ છે અને હવે તું પાછી લાવવાનું કહે છે ?' 'હા, તેના વગર મારાથી નહીં જિવાય.' કાન્તાબહેન રડવા જેવાં થઈ ગયાં હતાં.
ભૂમિનાં દાદા-દાદી પણ કાન્તાબહેન ઉપર ખૂબ જ ગુસ્સે થયાં. પહેલાં તેમણે ખૂબ ધમકાવ્યાં. પછીથી ડરાવ્યાં અને કહ્યું, 'હવે તો ચાર કલાક થઈ ગયા. ભૂમિને તો પોલીસને સોંપી દીધી હશે.'
'જે થવાનું હોય તે થાય હું તો તેને લેવા જાઉં છું.' કાન્તાબહેન મક્કમ હતાં. છેવટે તેમને ડરાવવા રાજુભાઈએ છેલ્લો પાસો નાખ્યો, 'જો તું તેને પાછી લાવીશ તો આ ઘરના દરવાજા તારા માટે કાયમ માટે બંધ થઈ જશે.'
પણ માનો જીવ એમ હાથમાં રહે ? હવે તો કાન્તાબહેનના અંતરમાં પ્રાયશ્ચિત્તનું નવું જોશ આવી ગયું હતું. તેમણે તો તરત જ બહાર નીકળી રિક્ષા સિવિલની કરી દીધી.
સિવિલના વૉર્ડમાં બિચારી અબુધ બાળકીનાં મા-બાપ ન દેખાતાં હલચલ મચી ગઈ હતી. બધા જ દર્દીઓ અને સ્ટાફ તેનાં મા-બાપ ઉપર ફિટકાર વરસાવી રહ્યાં હતાં. શાહીબાગ પોલીસ સ્ટેશનથી જમાદાર હરિસીંગ આવી ગયા હતા અને પોલીસ તપાસ ચાલુ હતી.
સાંજે સાડા સાતે સિવિલ પહોંચી જમાદારને રડતાં રડતાં બધી કહાની સંભળાવી પોતાની ભૂમિ પાછી માંગી.
નાદાન ભૂમિ પોતાની માને જોતાં જ વળગી પડી. કાન્તાબહેનની આંખોમાંથી દડદડ આંસુ નીકળી રહ્યાં હતાં.
જમાદાર બાળકીને રઝળતી મૂકવાના ગુના સબબ માતાની ધરપકડ કરવી કે નહીં તેની વિમાસણમાં હતા. કાન્તાબહેનને તો ઘરના દરવાજા કાયમ બંધ થઈ ગયા હતા તેથી જેલમાં જવું પડે કે ફૂટપાથ ઉપર શો ફરક પડતો હતો ? વૉર્ડના તમામ દર્દીઓનાં મા-બાપ જમાદારને વિનંતી કરતાં હતાં, 'મા પાછી તો આવી ગઈ છે, તેને હવે જવા દો.'
અંતે જમાદારે તમામ ર્વોર્ડના તમામ દર્દીઓનાં કહેવાથી જમાદારે કાન્તાબહેનને જવા દીધા.
ક્રમશ :
