મંઝિલ
મંઝિલ


"માનસી. યોર રિપોર્ટ " નર્સીંગ હોમના કાઉન્ટર પર બેઠેલી છોકરી એ બૂમ પાડતાં, ઉઠીને માનસીએ રિપોર્ટ હાથમાં લીધો -એનું દીલ જોર જોરથી ધડકતું હતું. ખૂણામાં રહેલી એક મોટી ખુરસી પર એ બેસી પડી. ધ્રૂજતા હાથે એણે રિપોર્ટ બહાર કાઢ્યો. ઓહ ! નો. એ પોઝીટીવ હતો. માનસી પ્રેગનન્ટ હતી. અચાનક એણે સખત નબળાઇ-અને કશોક ભય અનુભવતાં આંખ બંધ કરી. બંધ આંખે એ જોતી હતી -નાની આઠ વરસની અર્ધસમજુ -ડરેલી માનસીને. . અને સાથે જ મોડી રાતે દારુ પી ને નશાની હાલતમાં બૂમાબૂમ કરતાં પપ્પા. ને એમની સામે આમ ન કરવા વિનંતી કરતી -કદીક ઝગડા કરતી ને કદીક રડતી મમ્મી ને. આતો એમના ઘરનો રોજનો ક્રમ હતો. જ્યાં સુધી બધો ધંધો ચોપટ કરી,દારુ પી પી ને લીવર ખરાબ થઇ જતાં એના પપ્પા મૃત્યુ ન પામ્યા ત્યાં સુધી. પપ્પા ના ગયાં પછી, નોકરી કરીને એકલે હાથે એની મમ્મી એ એને મોટી કરી પણ. આજ સુધી પેલા ડર અને મૃત્યુનો ઓછાયો જાણે એની સાથે જ હતાં. મન મક્કમ કરી આંખ ખોલતાં એણે વિચાર્યું. ના. કોઇ બીજી માનસીને હું આ રીતે હેરાન થવા આ દુનિયામાં ન જ લાવી શકું. એણે તરતજ ડોક્ટર ને મળી એબોર્શન કરવા ડેટ ને એપોઇન્ટમેન્ટ લઇ લીધી. ઘરે જતાં એણે વિચાર્યું. મીત ને આ વિષે જણાવું? ને તરત જ એના મને જવાબ આપ્યો. આમ પણ તમે બંનેએ છૂટા પડવાનો નિર્ણય લઈ જ લીધો છે. એને તો ફક્ત પોતાના વ્યસનની પડી છે. આ બધાથી એને કશી જ નિસ્બત નથી.
હા! એક સમય હતો જ્યારે મીતને ફક્ત ને ફક્ત માનસીથી નિસ્બત હતી. માનસી-મીત પહેલી વાર મળ્યા ને એક બીજાનાં પ્રેમ માં પડી ગયાં. થોડા વધારે પરિચયે માનસીને સમજાયું કે મીત સારો તો છે પણ એને સતત સ્મોકિંગ કરવાની ટેવ છે. ચેઇન સ્મોકર જ છે. થોડીવાર સિગારેટ વગર રહેવું પડે કે એ ફોકસ ગુમાવી, ગુસ્સે પણ થઈ જાય. વ્યસન નામના રાક્ષસ નો ત્રાસ જોઇ ચૂકેલી માનસી આ વાત થી ડરી ગઇ. એણે મીતને પોતાના ડર વિષે, તમાકુ ને કારણે થતાં રોગો વિષે,પેસીવ સ્મોકિંગ ની ભયાનક અસર જે સાથે રહેનારને પણ રોગી બનાવી દે એ વિષે મીતને દાખલા -દલીલ સાથે માહિતગાર કર્યો. પોતે કોઇ વ્યસની સાથે ન જ રહી શકે એ પણ જણાવ્યું. મીત ને તો હવે માનસી વગર ચાલે એમ જ ન હતું. એણે માનસી ને વચન આપ્યું કે એ સ્મોકિંગ છોડી દેશે. માનસીનો સાથ એને એમ કરવાની હિંમત આપશે. અને એણે માનસીને લગ્ન કરવા મનાવી લીધી.
શરૂ -શરૂ માં મીતે સિગારેટ ઓછી કરવાની થોડીઘણી કોશિષ કરી. એ ઢીલો પડે ત્યારે માનસી કોઈ ડોક્ટર ની દવા કે આયુર્વેદિક નુસખા અજમાવવા કહેતી પણ મીત એની વાત ટાળતો રહ્યો. પછી તો એ માનસીને જ ટાળવા માંડ્યો જેથી બેરોકટોક સિગારેટ ફૂંકી શકાય. સતત સિગારેટ પીવા એ ઓફિસ વર્કનાં ટેન્શન નું બહાનું કાઢતો. હવે તો એ ગુટકા ખાતો પણ થઈ ગયો ને ----"તું મને ટેન્શન આપે છે-નિરાશ કરે છે. એ હતાશા દૂર કરવા જ હું આ ગુટકા તમાકુના રવાડે ચઢી ગયો. "એમ કહી માનસીને જ હડધૂત કરતો થઈ ગયો. બંને વચ્ચે ની ખાઇ ઓળંગી ન શકાય એટલી પહોળી લાગતા બંને એ છૂટા પડવાનું નક્કી જ કર્યુ હતું કે આ રિપોર્ટ.
ઘરે જઇ રિપોર્ટ અને એબોર્શન ના એપોઇન્ટમેન્ટ નો લેટર ડ્રોઅરમાં મૂકી માનસી કામે વળગી. ઓપરેશનને હજી અઠવાડિયા ની વાર હતી.
તબિયત થોડી ઠીક ન હોવાથી મીત આજે ઘરે હતો. માનસી તો ઓફિસે ગઇ હતી એટલે ઘરમાં પણ મોકળાશ હતી. બપોરના તાવ જેવું લાગતા કોઇ દવા શોધવા એણે ડ્રોઅર ખોલ્યું. નર્સીંગ હોમના નામ વાળું કવર જોતાં એણે કૂતુહલવશ એ ખોલ્યું. માનસીનો પ્રેગનન્સી રિપોર્ટ ને એબોર્શન ઓપરેશનનો એપોઇન્ટમેન્ટ લેટર જોતાં જ એ હતપ્રભ થઇ ગયો. એને માનસીના શબ્દો યાદ આવ્યા કે પેસીવ સ્મોકિંગ --સિગારેટનાં ધુમાડા એ પીનાર જેટલું જ, સાથે રહેનારને નુકશાન કરે. નવજાત બાળક ને તો ગૂંગળાવી પણ શકે. ક્યાંય સુધી એ વિચારતો રહ્યો.
ઓફિસમાંથી છૂટી માનસી બહાર આવી કે એની નજર પડી સામે જ ગાડી લઈને ઊભેલા મીત પર. એને વિશ્વાસ ન બેઠો, આવું તો લગ્નજીવનની શરૂઆત માં થતું!! એ ધીમે-ધીમે આગળ વધી. પાસે પહોંચતાં જ મીતે આગળ વધી માનસીના બંને હાથ સજ્જડ પકડી લીધાં ને બોલ્યો" માનસી મારે આપણાં બાળકને જન્મ્યા પહેલાં જ ગૂંગળાવી ને નથી મારવું. વ્યસની તો છું જ પણ મારે હત્યારા નથી બનવું. મારે કારણે, મારા આ વ્યસન ને કારણે --આપણું બાળક આ દુનિયામાં જ ન આવે. એ હું નહીં થવા દઉં. માનસી!! મને માફ કર. આપણાં બાળકની સોગંદ. હું હવે સિગારેટ -ગુટકાથી દૂર જ રહીશ. "
મીતની આંખોમાં રહેલી સચ્ચાઈ જોતાં જ માનસી એને ભેટી પડી ને બોલી" થેંક્યુ મીત. મને ખબર છે કે આ સફર તારે માટે આસાન નહીં હોય. પણ આપણે ત્રણે. તું -હું ને આપણું આ બાળક. સાથે મળી જરુર મંઝિલ સુધી પહોંચીશું.