kant shashi

Romance

4  

kant shashi

Romance

મને જ લઈ જા ને

મને જ લઈ જા ને

8 mins
437


હું એક વેબસાઈટ પર કવિતાવાળા કેટલાક ‘બ્લોગ’ વાંચતો હતો. મને એક કવિતા ખૂબ ગમી. તે ખૂબ સરસ શબ્દોમાં, પ્રભાવશાળી કવિતા હતી. મેં ટિપ્પણીઓમાં મારી પ્રશંસા લખી. થોડા દિવસો પછી મને મારા મેઈલબોક્સમાં એક મેઈલ મળ્યો જેમાં મને જાણ કરવામાં આવી કે કોઈએ મારી ટિપ્પણી સામે ટિપ્પણી લખી છે. મેં ફરીથી બ્લોગ ખોલ્યો અને ટિપ્પણી જોઈ. તે વ્યક્તિનો જવાબ હતો જેણે કવિતા અપલોડ કરી હતી. મને તે વ્યક્તિ વિશે વધુ જાણવાની રુચિ હતી, તેથી મેં પ્રોફાઈલ ચકાસી લીધી.

પરિચયની માત્ર થોડીક લાઈનો હતી. નામ: નફીસા, ઉંમર 22, નિવાસ લાહોર, પાકિસ્તાન, સરકારી કચેરીમાં નોકરી. નફીસાએ તેના જવાબમાં લખ્યું હતું કે તે કવિતાની લેખક નથી. તેણે કોઈની કવિતા મૂકી હતી, કારણ કે તેને પણ તે ખૂબ ગમી હતી. તે કવિનું નામ પણ જાણતી ન હતી. તેણે લખ્યું હતું, ‘જો કોઈ કવિતાના શબ્દો આપણા હૃદયને સ્પર્શે તો તે શું ફરક પડે કોણ કવિ છે ..’ એવું લાગે છે કે તેણે મારી ટિપ્પણીઓ વાંચતી વખતે મારી પ્રોફાઈલ જોઈ હતી. તેણે આગળ લખ્યું હતું, ‘સર, એવું લાગે છે કે તમે પણ મારી જેમ કવિતાના પ્રેમી છો. શું હું તમને ક્યારેક મેલ લખી શકું છું ?

આ સાથે, અમે વાતચીત (ચેટ) શરૂ થઈ. તેને ગમતી કાવ્યપંક્તિઓ તે મને લખે, હું જે કઈ લખું તેના પર તેના વિચારો જણાવે, અને એમ આ ગોષ્ઠિની સાથે પરિચયનું વર્તુળ પણ મોટું થતું જાય. નફીસા એના પાત્રોમાં જે કોઈ કવિતાઓ, સુવાક્યો, કે એવું જે કઈ લખી મોકલે તેમાં વિષાદ ડોકાતો હોય. તે જીવનને નિરાશાથી જોતી હોય એવું લાગે. 22 વર્ષની ઉગતી જુવાનીમાં જે ઉત્સાહ, ઉમંગ અને સ્વપ્નો હોવા જોઈએ તેને બદલે નિરાશા જ દેખાય.

એકવાર મેં તેને લખ્યું, "તારું શહેર તો જિન્દાદિલાને લાહોર તરીકે પ્રસિદ્ધ છે. એટલે ત્યાંના લોકો તો જિંદાદિલ જ હોય. તારી વાતોમાં તો હંમેશા નિરાશા જ કેમ દેખાય છે ?"

"એવું કાંઈ નથી, તમારો વહેમ છે." એવું લખીને તેણે એનો ઉત્તર ટાળી દીધો હતો.

છતાં ટૂકડે ટૂકડે તેણે પોતાની, પોતાના કુટુંબની વગેરે માહિતી આપી દીધી હતી. વારંવાર તે લખતી, "તમારા પત્રો વાંચીને મનને ગજબનું સુકુન મળે છે." મને લાગતું હતું કે તેની ઈચ્છા તો દિલ ખોલીને વાત કહેવાની છે, પણ તે કહેવાની હિંમત ચાલતી ના હોવાથી આડકતરી રીતે વાતો દ્વારા તેની મૂંઝવણનો અણસાર આપી આપી રહી હતી. એક વાર મેં પૂછ્યું હતું, "લાગે છે કે તારા મન ઉપર કોઈ આઘાત કે નિરાશાની ઊંડી અસર છે. શું કોઈના પ્રેમમાં પડી છે ?"

તેણે પછીના પત્રમાં તો એ પ્રશ્નની અવગણના કરી હતી, પણ પછીના બેત્રણ પત્રોમાં તેણે ધીરે ધીરે પોતાની મૂંઝવણ વ્યક્ત કરી દીધી. તેણે એ પણ લખ્યું કે મારી મૂંઝવણ મારી ખાસ સહેલીઓને પણ નથી જણાવી.

તેની વાત કાંઈક આવી હતી. તે જયારે કોલેજમાં એમ.એ. ના છેલ્લા વરસમાં હતી ત્યારે તેના વર્ગનો એક યુવાન તેને ગમવા લાગ્યો હતો. તે પણ તેના તરફ આકર્ષાયો હતો. યુવાને તો તેની લાગણી વ્યક્ત પણ કરી હતી, પણ તેણે એ લાગણીનો પ્રતિભાવ આપ્યો ન હતો. પેલા યુવાને તો તેની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ પણ મૂકી દીધી હતો, જે તેણે નકારી કાઢ્યો હતો. થોડા જ સમયમાં અભ્યાસ પૂરો થયો. બંને છૂટા પડી ગયા, ત્યારે તેને અહેસાસ થયો કે તે ખરેખર પેલા યુવાનને ચાહતી હતી. પણ તે તો કોલેજ છોડી દૂર ચાલી ગયો હતો અને થોડા જ સમયમાં તેનું વેવિશાળ પણ થઈ ગયું હતું. પોતાના આ સંકોચશીલ વર્તન માટે તે સંપૂર્ણ રીતે પોતાની જાતને જવાબદાર માનતી હતી.

મેં તેને પૂછ્યું હતું કે જો તને તે ખરેખર ગમતો હતો તો તેને નકારવાનું કારણ તેના કુટુંબીજનોનો ડર હતો કે કેમ ? નફીસા થોડો સમય તો નિરુત્તર રહી હતી. ત્યાર બાદ તેણે ખુલાસો કર્યો હતો, જે જાણીને મને પણ થોડો આઘાત લાગ્યો હતો.

તેના વિવાહ તે સત્તર વર્ષની હતી ત્યારે જ તેની ફોઈના દીકરા સલીમ સાથે થઈ ગયા હતા. તે છોકરો નહોતો દેખાવડો કે નહોતો ભણેલો. દશમાં ધોરણ સુધી ભણીને તેણે વાયરમૅનનો કે એવો કોઈ કોર્સ કર્યો હતો, પણ કોઈ કામ ધંધો કરતો નહોતો. આ ઉપરાંત તે નફીસાથી ઉંમરમાં બે વરસ નાનો હતો. તે લોકો લાહોરથી દૂર ગામડામાં રહેતા હતા, જ્યાં તેમનો ધંધો અને ખેતી હતા.

નફીસા ઘરમાં ત્રણ બહેનોમાં સૌથી મોટી હતી. નફીસાના પપ્પા તેની ફોઈ (જેના છોકરા સાથે તેના વિવાહ થયા હતા) કરતા નાના હતા, ઓછા પૈસાવાળા હતા એટલે ફોઈથી થોડા દબાયેલા પણ ખરા ! 'આવા સંજોગોમાં હું શું કરું ?' તેણે લખ્યું હતું. તેના પપ્પાની ઈચ્છા પણ નફીસા સાથે આટલી અસમાનતા ધરાવતા સલીમ સાથે, તે સગી બહેનનો દીકરો હોવા છતાં, પરણાવવાની નહોતી. નફીસાની મમ્મી દિલથી તો નફીસાની ફિકર કરતી હતી પણ કૌટુંબિક ક્લેશના ડરથી ચૂપ જ રહેતી હતી.

એક દિવસ ઘરમાં આ અંગે વાત થઈ ત્યારે તેના પપ્પાએ સલીમ સાથેના વિવાહ ફોક કરવાની ઈચ્છાનો ઉલ્લેખ કર્યો, ત્યાં તો મોટો ઝઘડો થયો હતો. નફીસાની દાદીએ તો ઘરમાં તેના પપ્પા-મમ્મીની સાથે વાત કરવાનું પણ બંધ કરીદીધું હતું. દાદીને તેની દીકરી અને તેનું કુટુંબ તો વહાલું હતું જ, પણ સાથે તેની દીકરીના કુટુંબની સંપત્તિની માલિકણ કોઈ બહારની છોકરી આવીને બને તેના કરતાં ખુદ તેમની પૌત્રી બને તેમાં વધારે રસ હતો.

નફીસાની આ બધી વાત જાણીને મને ખરેખર આઘાત લાગ્યો હતો. તેના આ સંજોગો જાણ્યા બાદ તેને તેના મનના માણિગરને આપેલા જાકારાને હું સમજી શક્યો હતો. સંજોગોએ તેને ઘણી વહેલી પુખ્ત (mature) બનાવી દીધી હતી. સ્વપ્નો જોવાની અને તેમાં મહાલવાની ઉંમરે જીવનને ઉદાસીનતાથી જોવાની તેને ફરજ પડી હતી. તે લખતી હતી, "મેં મારા ભવિષ્ય વિષે વિચારવાનું છોડી દીધું છે. અલ્લાહ જે પરિસ્થિતિનું મારે માટે સર્જન કરશે તેને અપનાવવાનું મેં મનોમન નક્કી કરી લીધું છે. હવે દિલને બહેલાવે તેવી કોઈ વાતથી પણ ખુશ થવાને બદલે મારામાં ઉદાસીનતા ફેલાઈ રહે છે. "

તેની શાદી ક્યારે છે, શાદી પછી નોકરી ચાલુ રાખવા માટે સલીમ સાથે લાહોરમાં ઘર રાખીને રહી શકાય કે કેમ એવું મેં તેને પૂછ્યું હતું. તેણે લખ્યું હતું, "શાદીને તો હજુ બે વરસ લાગી શકે એવું મારા ઘરના કહે છે, જયારે મારા ફોઈ તો હજુ પાંચ વર્ષ રાહ જોવાનું કહે છે. એક રીતે તો મારે માટે સ્વતંત્રતાપૂર્વક શ્વાસ લેવા માટે એટલો લાંબો સમય છે એમ કહી શકાય,પણ ભાવિની અનિશ્ચિતતા જેટલી વધુ લંબાય છે તેમ, મને લાગે છે કે હું તૂટતી જાઉં છું."

"એ દરમિયાન કોઈ સારો - તારે લાયક અને તને ગમે એવો છોકરો તારા પરિચયમાં આવે તો તારા વિવાહ ફોક કરી તેવા છોકરા સાથે શાદી કરવાનો વિચાર કરી શકે ખરી ?" એવું મેં લખ્યું ત્યારે ઉત્તરમાં તેણે જણાવ્યું હતું કે "અંકલ હું મનથી એટલી બધી તૂટી ગઈ છું કે હવે કોઈ યુવાન તરફ આશાભરી નજરે જોઈ શકતી નથી. એવો કોઈ યુવાન મારી નજીક આવવાનો પ્રયત્ન કરે, કે મારા પપ્પા મારી સમક્ષ દૂરના પરિચિતોમાંથી કોઈ છોકરાનો ઉલ્લેખ કરે ત્યારે, મારી નજર સમક્ષ તેની સાથે જ સલીમનો ચહેરો ઉપસી આવે છે અને હું નિરાશ થઈ જાઉં છું, પાછી પડી જાઉં છું."

હું તેને સલાહ, સાંત્વન આપવા અને તેની ચિંતામાં ભાગીદાર થવા સિવાય કોઈ ભૂમિકા ભજવી શકતો નહોતો. ધીરે ધીરે અમારો પત્ર-વ્યવહાર ફરી એ વાતો છોડી કાવ્યો અને અન્ય વાતો તરફ વળ્યો હતો, મારો પ્રયત્ન તેની ઉદાસી, ભલે થોડાક સમય માટે, દૂર કરવાનો હતો. ક્યારેક એના લગ્નની વાતો નીકળી જાય તો પણ તેમાં કાંઈ નવું ન હોવાથી તે વધુ લંબાતી નહોતી. અમારા પત્રો વચ્ચેનો સમયગાળો પણ વધતો જતો હતો, કોઈ નવી વાત ન હોવાથી પત્રો પણ નાના થતા જતા હતા.

પછી તો તેના પત્રો આવતા જ બંધ થઈ ગયા. બે-ત્રણ પત્રો લખ્યા, પણ તેના ઉત્તર ન મળ્યા એટલે મેં માની લીધું કે તેના લગ્ન સલીમ સાથે થઈ ગયા હશે. કારણ કે લગ્ન પછી તેને નોકરી છોડવાની હતી અને ઈન્ટરનેટ માટે તે તેની ઓફિસના કમ્પ્યુટરનો કરતી હતી, જે ગામડામાં સલીમના ઘરે નહોતું. મને તેને માટે ખૂબ દુઃખ થયું. મને ખાતરી હતી કે તેવી પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડવા જેટલી માનસિક પરિપકવતા તેણે અગાઉથી જ કેળવી લીધી હતી. એક વાર તેણે લખ્યું હતું, "શાદી કરીને ગામડે રહેવા ગયા પછી મારે ઘરના લોકો માટે રસોઈ બનાવવી, પતિની તનથી સેવા કરવી (મન તો ક્યાંથી લાવું ? અને ધન પણ ક્યાં મારું છે ?) છોકરા પેદા કરીને મોટા કરવા અને સામાજિક પ્રસંગોએ સારા સારા કપડાં અને ઘરેણાં પહેરી, બનાવટી હાસ્ય મોં પર લાવીને, મ્હાલવા જેવા એટલા બધા કામો રહેશે કે મને બીજું કાંઈ યાદ કરીને આનંદ કે અફસોસ કરવાનો સમય જ નહીં મળે. મારુ વિશ્વ મારા ઘરસંસારમાં જ સમેટાઈ જશે. એકવીસમી સદીમાંથી હું સીધી ઓગણીસમી સદીમાં પહોંચી જઈશ - એચ.જી.વેલ્સના ટાઈમ મશીન વિના..!

પછી તો નફીસા મારી સ્મૃતિમાંથી પણ ઝાંખી થવા લાગી. જો કે ક્યારેક સારું વાંચતી વખતે તેની યાદ આવી જતી ખરી. એવામાં એક દિવસ મારા મેલબોક્સમાં તેનો મેલ આવ્યો. તેનું ઈમેઈલ આઈડી મને બરાબર યાદ હતું એટલે હું ઝડપથી ઉત્સુકતાપૂર્વક તે ખોલીને વાંચવા મંડ્યો.

'અંકલ, ઘણા સમયે આપને લખું છું તે બાદલ ખૂબ દિલગીર છું. માનુ છું કે તમે મારી શાદી સલીમ સાથે થઈ ગયાની કલ્પના કરીને મારા ઉત્તરની આશા છોડી દીધી હશે. તમારી દુઆ અને અલ્લાહની મહેરબાનીથી મારા જીવનનો રાહ એકાએક જ બદલાઈ ગયો.આપણે વિમાનમાં બેસીને ધરતીથી ઉપર જઈએ, પછી નીચે નજર કરીએ ત્યારે આપણને લાગે છે કે જેને નીચે મૂકીને આવ્યા છીએ તે દુનિયા તો કેટલી નાની છે ? મેં પણ વિમાનની પાંખે બેસીને, જેને હું વિશ્વ માનતી હતી તે ગામડાની અને લાહોરની દુનિયાને નાની બનતી જોઈ લીધી છે. હા, હું ઊડીને અમેરિકા આવી ગઈ છું. બધું એટલું અચાનક બની ગયું અને હું એવી વ્યસ્ત બની ગઈ કે મેલ જોવાનો કે મોકલવાનો સમય જ ન રહ્યો. તમને તો હું સુખદ આશ્રર્ય પણ આપવા માંગતી હતી. ખુશ છો ને તમે ? મેં સદા તમને, તમારી શાણી અને વ્યવહારુ વાતોને યાદ કરી છે, યાદ રાખી છે. મારા પિતા બાદ તમે મારા વડીલ તરીકે સલાહકારની મહત્વની ભૂમિકા ભજવી છે. તમે મારી નિરાશાના દિવસોમાં મારું મનોબળ જાળવી રાખ્યું છે અને મારામાં આશાની જ્યોત સદા જલતી રાખી છે.

"મારા સ્વભાવથી વિરુદ્ધ, ઘર અને સમાજની સામે થઈને, એક વખતના મારા શાળાજીવનના સહાધ્યાયી અને મિત્ર એવા જુનેદ સાથે શાદી કરીને હું અમેરિકા આવી ગઈ છું. એ રજાઓમાં લાહોર આવ્યો હતો, શાદી કરવા માટે જ આવ્યો હતો. એક શોપિંગ મોલમાં મુલાકાત થઈ. જૂના સ્મરણો તાજા થયા, જૂની-નવી વાતો થઈ. અને.. અંકલ, તમારી પ્રેરેલી હિંમતના પ્રતાપે મેં જાણે મજાકમાં કહેતી હોઉં એવા ટોનમાં કહી જ નાખ્યું, "શાદી કરવા આવ્યો છે તો મને જ લઈ જા ને....!"

અને, અંકલ, પછી તો, હવે તો, મારા બધા વિષાદ ઓગળી ગયા...!" 

(અર્ધ સત્ય, અર્ધ કલ્પના)


Rate this content
Log in

Similar gujarati story from Romance