amita shukla

Drama Inspirational Others

4.0  

amita shukla

Drama Inspirational Others

મેઘધનુષ

મેઘધનુષ

2 mins
235


સિંદૂરી સૂર્યનાં કિરણો રત્નાકરને આલિંગન આપતાં સ્નેહથી ભેટી રહ્યાં હતાં. રોજ આ સમયે આર્યા જલપરી ક્રીડા કરતી હોય એમ સાગરમાં મહાલતી. દરિયામાં મોજા સાથે ડૂબકી મારવી ને સપાટી પર આવવું એને મન ખેલ હતો.

આદિ રોજ દૂર કાળા ખડક પર બેસીને નિહાળતો. માઉથઓર્ગન પર ધૂન છેડતો રહેતો. દરિયો એને ગમતો પણ કિનારા પર બેસીને મનભરીને માણતો. આર્યાને જોવી, દિલનાં આનંદને ધૂનમાં વણી લેવા અને ગીત લલકારવા.

આર્યા પણ આદિને રોજ જોતી. એની ધૂનો અને મોજાંનું સંગીત એનામાં નવી ચેતના ભરતું. કેટલાક દિવસોથી આ ક્રમ ચાલતો હતો. બંનેએ ક્યારેય એકબીજા સાથે વાત કરી નહતી.

નજરોના જામ રોજ ટકરાતાં, રોજ રોજ બેહોશ થતાં. નજરોથી નજરોમાં વાતો નાં ખૂટતી, તો બોલનું શું કામ વજન કરવું ?

મહેરામણનાં દીવાના બંને, પોતાની રીતે માણતાં. આદિને ડૂબતા સૂર્યનાં સિંદુરીમાં આર્યા જોવી ખુબ ગમતી. ભીના ભીના વાળની લટોમાંથી ટપકતી બુંદો જાણે કિનારો મોતી સમો દીસતો. પ્રત્યેકમાં દેખાતું આર્યાનું પ્રતિબિંબ, કિનારો આર્યામય ભાસતો. મધુર તાન છેડતો, વ્હાલમ આવોને આવોને....

લાગણીનાં બંધનમાં બંધાયા હતાં, બેખબર ! ધીરે ધીરે પ્રેમ પ્રાંગરી રહ્યો હતો, અજાણ ! મૌનની દીવાલ તોડવી હતી, કોણ કરે !

આર્યા દરિયામાં રોજ પાણી સાથે વ્હાલ કરી આંખમાં, દિલમાં, વાળમાં આદિ માટે ભરી લાવતી અને દૂરથી જ આદિને ભીંજવતી. આર્યાની મૂક મસ્તી આદિ મહેસૂસ કરતો ને વ્હાલનાં વરસાદમાં ભીંજાતો. બંનેનાં દિલ પ્યારના મોસમમાં છલકાતાં હતાં ત્યારે..

એક સાંજે કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાઈ ગયું. સૂર્યનો સૂર્યાસ્ત થઈ ગયો એમજ, કોઈ સિંદુરી કિરણો વગર. દરિયા કિનારે આદિ અને આર્યા જ હતા. મૌનનો સેતુ કદાચ વરસતા વરસાદમાં બોલતો થાય ?

વીજળીના તેજ લીસોટા બંનેનાં દિલની આરપાર ઉતર્યા, વાદળોનાં ગડગડાટનાં પડઘમ દિલની ધડકનમાં વધ્યા, વાદળોનાં ટકરાવામાં નજરોથી નજરો ટકરાઈ, મેઘના ફૂવારામાં ભીંજાવા સાથે, બાંહો પસારી બંનેએ, દિલને એકબીજામાં ભીંજાવા. વરસાદમાં પલળ્યાં તનથી, પ્રેમનાં વરસાદમાં અનરાધાર ભીંજાયા મનથી. વરસાદની રીમઝીમ બૌછારે દિલ કર્યા મદહોશ, પહેલાં પ્યારની, પહેલી મુલાકાત, પહેલાં વરસાદમાં, પહેલો અહેસાસ, પહેલી સંગત, પહેલું આલિંગન, પહેલો સ્પર્શ બન્યો જિંદગીનો છેલ્લો, બારેમાસ વરસાદમાં ભીંજાયા જનમોજનમ.

સિંદુરી કિરણોમાં નીરખતો રોજ આદિ, ઉજાસ ફેલાયો જાણે, રત્નાકરને આલિંગવા સૂર્યાસ્ત તો થવો જ પડે, આભ અને અવનીના મિલનથી ખુશ, આદિ અને આર્યાનાં જીવનમાં રંગ ભરવા સાત રંગ લઈને મેઘધનુષ પણ હરખથી આકાશમાં છવાયું. પ્રેમને સપ્તરંગી બનાવવા મેઘધનુષની સાક્ષીમાં મોસમનાં દરેક વરસાદમાં તન અને મનથી ભીંજાવાની કસમ લીધી. પ્રકૃતિએ પણ આશીર્વાદ વરસાવતા અમી છાંટણા કર્યા.


Rate this content
Log in

Similar gujarati story from Drama