STORYMIRROR

Sapana Vijapura

Romance Others

3  

Sapana Vijapura

Romance Others

મૌન

મૌન

5 mins
565


આરતી પોતાના પ્રેમને બીજાનો થતા જોઈ રહી હતી ! કોઈને ખબર ના પડે એ રીતે એણે પોતાની આંખો લૂંછી નાખી. અજય.. મારો અજય આજ પારકો થતો હતો. કેટલાં વરસોનો પ્રેમ હતો બન્ને વચ્ચે યાદ પણ નથી. બન્નેને કહેવામાં આવ્યું હતું કે તમે બન્ને એક દિવસ પતિ પત્ની બનશો અને હા તે દિવસથી એ અજયને પોતાનો પતિ માનતી હતી. ઘરનાં બધાંએ સ્વીકારી પણ લીધું હતું. અજય પણ એનો ખૂબ ખયાલ રાખતો. એનાં માટે જલેબી લઈ આવતો તો ક્યારેક ચણીના બોર અને ક્યારેક પાડોશીના બંગલામાંથી ગુલાબ ચોરી એનાં વાળમાં ગુથી દેતો. અને એ પણ અજયનું ખૂબ ધ્યાન રાખતી. અજય માટે સજતી સંવરતી. અને હા અજયની ભાવતી ખીર પણ બનાવતી. ક્યારેક અજય એના ગાલ પર ટપલી મારતો તો શરમથી લાલ લાલ થઈ જતી.

પણ આજથી અજય એનો ના હતો. અને એ પણ આજ અજયને પોતાની સગી બહેનને સોંપી રહી હતી. "હવે વર કન્યાને મંગળસૂત્ર પહેરાવે" ગોર મહારાજનો અવાજ સંભળાયો." અને આરતી ઝબકીને જાગી ગઈ ! હા, ખરેખર અજય હવે પરાયો હતો.

એને એ દિવસ યાદ આવી ગયો જ્યારે પપ્પાની તબિયત ખૂબ લથડી ગઈ હતી. ઘરમાં પૈસાની ખૂબ તંગી રહેતી હતી. નાની બહેન અને નાનો ભાઈ સ્કૂલમાં જતા હતાં. અને પોતાનું કોલેજનું પહેલું વરસ હતું. એ ફકત અઢાર વરસની હતી અને અભ્યાસ છોડવો પડ્યો. પપ્પાએ દૂરના એક સગા સાથે એને દિલ્હી મોક્લી આપી હતી. સગાની પત્ની બીમાર છે કહી એ આરતીને સાથે લઈ ગયા. અને મહીને દસ હજાર રૂપિયા મોક્લશે એમ કહી એને લઈ ગયાં. આરતી મનસુખ કાકાની પત્ની સેવામાં લાગી ગઈ. મનસુખ કાકા સ્વભાવના સારા હતાં પણ કાકી ખૂબ કર્કશા હતી. પણ આરતી એમની ખૂબ સેવા કરતી. વળી પપ્પાની કથળેલી હાલત પણ યાદ આવતી. દવાદારૂના પૈસા ભાઈ બહેનના અભ્યાસના પૈસા ઘર ખર્ચના પૈસા એને સહન કર્યા વગર છૂટકો જ ન હતો. અપમાનિત દશામાં પણ એ કાકાને ત્યાં પડી રહી હતી, કે પોતાના ઘરવાળાનું બરાબર પેટ ભરાય.

આરતી પપ્પાને પૈસા મોક્લતી રહી. અને ઘર ચાલતું રહ્યુ. અને એક દિવસ મનસુખ કાકાએ નક્કી કર્યુ કે કાકીને બતાવવા અમેરિકા લઈ જશે. કાકાએ આરતીને ઘરે પાછાં જવા સમજાવી. અને એ પાછી પણ આવી. પણ ઘરમાં તો લોકોને એના પૈસાની એટલી આદત પડી ગયેલી અને પપ્પાની નોકરી પણ ગયેલી અને ઘરમાં બેસી ગયેલા. ભાઈ અને બહેન પૈસા ઉડાડવામાં પાવરધા થઈ ગયેલા. મા પણ જાણે એની હાજરીથી ચીડાતી હતી. ઘરમાં એની જરૂર ન હતી. જરૂર હતી તો બસ એનાં પૈસાની.

પોતાની થતી અવગણના એ સમજી ગઈ. આ ઘરમાં એનું સ્થાન નથી. એ ફરી દિલ્હી ગઈ. ત્યાં ચાર વરસનાં ગાળામાં ઘણી ઓળખાણ થયેલી. એ મિસ માધવી પાસે ગઈ જે એક એન.જી.ઓ ચલાવતી હતી. ત્યાં જઈ આરતી એ વિનંતી કરી કે એને કોઈ કામ આપે. મિસ માધવીએ એને મેનેજરનું કામ આપ્યું. એ ખૂબ મહેનતી છોકરી હતી. મિસ માધવીએ એની કોલેજ પણ ચાલું કરાવી આપી. આરતી ભણતી પણ અને મેનેજરની જવાબદારી પણ ઉપાડતી. ઘરે પૈસા પણ મોક્લતી. ધીર ધીરે એ એટલી હોશિયાર થઈ ગઈ કે મિસ માધવીની તબિયત બરાબર રહેતીના હોવાથી લગભગ એન.જી.ઓની બધી જવાબદારી આરતી પર આવી ગઈ. એરકન્ડિશન્ડ ઓફીસ મળી ગઈ અને કેટલી બધી અનાથ છોકરીઓની એ 'મા' બની ગઈ !

>અહીં આ બાજું નાની બહેન સંધ્યા અજયને ચાહવા લાગી હતી. પણ અજય હજુ આરતીની પ્રતીક્ષા કરી રહ્યો હતો.સંધ્યા આરતી વિષે અજયને કાઈ ને કાઈ ચડાવતી રહેતી. કે આરતી તો પૈસાની પાછળ પાગલ થઈ ગઈ છે. એને પૈસા સિવાય કાઈ દેખાતું નથી. ખબર નહીં ત્યાં દિલ્હીમાં કેવા કામ કરે છે કે આટલા બધા પૈસા આવે છે. આવું બધું કહી અજયનાં કાન ભંભેરતી. પુરુષ છે, મનમાં જાત જાતની શંકાઓ આવવા લાગી. અજયે એક દિવસ ફોન ઊઠાવી ફોન કરી નાખ્યો.

"હલો, હું અજય બોલું છું. મિસ આરતી સાથે વાત કરી શકું ?" સામેથી સેક્રેટરીનો એ જવાબ આપ્યો મેમ મિટીંગમાં છે. અજયને ગુસ્સો આવ્યો, એણે કહ્યુ,"હાલને હાલ મિસ આરતીને બોલાવ." સેક્રેટરી એ આરતીને મેસેજ આપ્યો. આરતીને એકદમ ગુસ્સો આવ્યો. એણે સેક્રેટરીને કહ્યુ કે મિસ્ટર અજયને કહો કે બિઝનેસ પર કોલ ના કરે. અજયને આ વાતનું એટલું ખરાબ લાગ્યું કે એણે આરતી સાથે બોલવાનું બંધ કરી નાખ્યું આમ પણ દિલમાં શંકાનો કીડો તો પેસી ગયો હતો.

આરતી હવે સાવ એકલી થઈ ગઈ હતી. ઘરના તો ફક્ત એનાં પૈસાને પ્રેમ કરતા હતાં. હવે અજય પણ એનો ના રહ્યો. એ પોતાને પણ એન.જી.ઓ.ની એક અનાથ છોકરી જ માનવા લાગી હતી. ક્યારેક બાળપણના ખૂબસુરત દિવસોમાં ખોવાઈ જતી. કેવા અલ્લડ દિવસો હતાં. જો અજયને એક દિવસ ના જુએ તો કેટલી બેચેન થઈ જતી. અને ઘરના પણ કેટલાં ચાહતા હતાં. શું થયું હશે ? આ પૈસાએ આ જરૂરિયાતો એ પ્રેમને ઓગાળી નાખ્યો હશે. શું પૈસા વગર બધું નકામું છે, મા, પિતા, ભાઈ, બહેન અરે પોતાનો પ્રેમી પણ બદલાઈ ગયાં. મારે આ પૈસા હવે કોના માટે કમાવા ? જેના માટે કમાવા આવી હતી એ બધાં તો હવે મારા રહ્યા પણ નથી.

માનો કોલ આવ્યો!! "બેટા, અજય સંધ્યા સાથે લગન કરવા માગે છે અને તારી સાથે સગાઈ તોડી નાખવા માગે છે બોલ શું કરું ?" આરતીને લાગ્યું કે એની દુનિયા લૂટાઈ રહી હતી, એ ધીમા સ્વરે બોલી,'તમને ઠીક લાગે તેમ કરો." તો આવતી પુનમે લગ્ન ગોઠવું ?" તું આવીશ ? તું આવે કે ના આવે પણ પાંચ લાખ રૂપિયા મોક્લી આપજે. તો સંધ્યા માટે કપડા દાગીના લઈ લઉં !" આરતીના ગળામાં ડુમા અટવાઈ ગયાં. "સારુ!!" કહી ફોન મૂકી દીધો.

પૈસા મોક્લી આપ્યા. અને લગ્નમાં પણ પહોંચી ગઈ. સંધ્યાની જરાપણ ઈચ્છા ન હતી કે આરતી એનાં લગ્નમાં આવે.

આરતી ભીની આંખે જોઈ રહી ફેરા ફરાઈ ગયાં હતાં. સંધ્યા એના પ્રેમને લઈ વિદાય થઈ ગઈ. અજય આરતીથી નજર ચુરાવતો રહ્યો. જિંદગી ક્યાંથી ક્યાં આવી ગઈ હતી !પપ્પા હજુ પથારીમાં ખાસતા હતાં. મા પૈસા ગણવામાં અને ભાઈ પૈસા ઉડાડવામાં પડ્યો હતો. આરતી શું વિચારે છે, શું ચાહે છે કોઈને વિચારવાનો સમય પણ ન હતો.

આરતી ભારે હૈયે દિલ્હી પાછી આવી. ફરી સુના સુના રસહીન દિવસો પસાર થવાં લાગ્યાં. માંના ફોન આવતાં પણ જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે. સંધ્યા એક બાળકની મા બની ગઈ હતી. પોતાના પ્રેમીના બાળકની મા. પોતાની આલિશાન ઓફીસમાં આરતી બેઠી છે. ઓફીસની ચારે દિવાલ જાણે નજીક આવી રહી છે. પૈસા રૂપી અજગર એનો ભરડો લે છે. સામેની દિવાલ પર એક અનાથ બાળકીનું પિકચર જાણે ખડખડાટ હસી રહ્યું છે !


Rate this content
Log in

Similar gujarati story from Romance