Rahul Makwana

Drama Tragedy Fantasy

3  

Rahul Makwana

Drama Tragedy Fantasy

માવઠું

માવઠું

6 mins
388


અવધેશ આજે ખૂબ જ ખુશ હતો, કારણ કે પોતાની કોલેજ લાઈફ પુરી કર્યા બાદ આજે તે જોબ માટે પહેલીવાર ઈન્ટરવ્યૂ આપવાં માટે જઈ રહ્યો હતો. આપણાં સમાજનાં દરેક યુવકની મહેચ્છા હોય છે કે પોતે અભ્યાસ પૂર્ણ કરીને કોઈ સારી એવી જોબ મેળવે અને પોતાનાં માતા પિતાને સારી રીતે સાચવી શકે, પોતાનાં અને પરિવારનાં સપનાઓ પૂર્ણ કરી શકે. અવધેશે પણ આવું જ એક સપનું જોયેલ હતું.

અવધેશને જે કંપનીમાં ઈન્ટરવ્યૂ આપવાનું હતું તે કંપની તેનાં ગામથી 200 કિ.મી દૂર આવેલ હતી, આથી અવધેશ પોતાનાં જરૂરી પ્રમાણપત્રો લઈને અને કાગળો એક ફાઈલમાં યાદી કરીને પોતાની બેગમાં રાખી દે છે.

એ જ દિવસે સવારે 

સમય : સવારનાં 10 કલાક.

સ્થળ : અવધેશનું ઘર.

અવધેશ નાસ્તો કરીને ઈન્ટરવ્યૂ આપવાં માટે તેનાં પિતા વિનુભાઈ અને માતા શિલ્પાબેનનાં આશીર્વાદ માટે નમન કરે છે. 

"બેટા ! ભગવાન તારી તમામ ઈચ્છાઓ અને મનોકામનાઓ પુર્ણ કરે એવાં અમારા તને આશીર્વાદ." શિલ્પાબેન અને વિનુભાઈ અવધેશને આશીર્વાદ આપતાં આપતાં બોલે છે.

"હા ! બેટા હવે ખેતીમાં પણ પહેલાં જેવી કમાણી નથી રહી...આપણી જેવાં ખેડૂતો આકરા તાપમાં પરસેવે નાહીને અને તનતોડ મહેનત કરીને ધાન્ય, શાકભાજી કે ફળો વાવે છે. જ્યારે તે માર્કેટયાર્ડમાં વહેંચવા માટે જાય છે ત્યારે અરાજીમાં એ પાકની એટલી નીચે બોલી લગાવવામાં આવે છે કે તેનાં કરતાં વાવણી કરી જ ના હોત તો સારું થયું હોત એવું લાગે છે...એનાં કરતાં તો આ નોકરી સાત દરજે સારી..!" વિનુભાઈ અવધેશને પોતાની વ્યથા જણાવતાં જણાવતાં નિસાસો નાખીને બોલે છે.

"હા ! પપ્પા મે પણ આ નોકરીના ઈન્ટરવ્યૂ માટે તનતોડ મહેનત કરી છે, અને મને આશા છે કે આ નોકરી મને સો ટકા મળી જ જશે." અવધેશ પોતાનો મક્કમ ઈરાદો જણાવતાં બોલે છે.

"સરસ બેટા ! અમે તો એમાં જ રાજી છીએ...દુનિયાનાં એવાં કયાં મા બાપ હશે કે જે પોતાનાં સંતાનની પ્રગતિ જોઈને ભલા ખુશ ના થાય ?" સરોજબેન આંખોમાં હરખનાં આંસુ સાથે અવધેશને સામે જોઈને બોલે છે.

ત્યારબાદ આ બાજુ અવધેશ બસ સ્ટેશન તરફ જાવાં માટે રિક્ષામાં બેસીને પોતાનાં ઘરેથી નીકળે છે, જ્યારે બીજી બાજુએ વિનુભાઈ પોતાનું "CD 100" જૂનું પણ જાજરમાન બાઈક લઈને પોતાનાં ખેતરે જવાં માટે નીકળે છે.

 હાલ અવધેશ, વિનુભાઈ અને શિલ્પાબેન ખૂબ જ ખુશ હતાં, પરંતુ તેને એ બાબતનો જરાપણ અંદાજો ન હતો કે તેઓની આ ખુશીને કાળ કે કુદરતની એવી લપડાક લાગવાની છે, કે જેથી તેઓનાં આ બધાં સપનાઓ પળભરમાં વેર વિખેર થઈ જશે. 

એ જ દિવસે.

સ્થળ : જે.કે.ફાયનાન્સ કંપની.

સમય : સાંજનાં 4 : 45 કલાક.

અવધેશ હાંફળો ફાફળો થતાં થતાં જે.કે.ફાયનાન્સ કંપની ખાતે આવી પહોંચે છે. અને ત્યાં બહાર ખુરશી પર બેસેલાં સિક્યુરિટી ગાર્ડને ઈન્ટરવ્યૂમાં માટેનો કોલ લેટર બતાવતાં પૂછે છે.

"કાકા ! મને આજે ઈન્ટરવ્યૂ આપવાં માટે બોલાવેલો છે, આ માટે મારે કોને મળવાનું થશે ?" અવધેશ બેચીની ભરેલાં અવાજે સિક્યુરિટી ગાર્ડને પૂછે છે.

  આથી સિક્યુરિટી ગાર્ડ અવધેશની સામે પોતાની નજર ઊંચી કરીને જોવે છે. અવધેશની સામે જોઈને તેને થોડું અજુગતું લાગ્યું, કારણ કે અવધેશનાં કપડાં હજુય થોડા ભીના હતાં, તેનાં વાળ અસ્તવ્યસ્ત હતાં, ઈનશર્ટ કરેલું હતું તેમાંથી એકબાજુનો શર્ટ બહાર આવીને જાણે અવધેશની વ્યથાની ચાડી ખાઈ રહી હોય તેવું લાગી રહ્યું હતું. તેનાં બ્લેક રંગનાં સૂઝમાં ભીની માટી કે કિચડે જાણે પોતાનું એકચક્રીય આદિપત્ય જમાવી દીધું હોય તેવું માલુમ પડી રહ્યું હતું. અવધેશ એક તો એકદમ સામાન્ય ઉપરાંત ગામડામાં આવતો હોવાને લીધે સિક્યુરિટી ગાર્ડ પણ પોતાનાં પોતાનો અણગમો વ્યક્ત કરે છે.

"જી ! બેટા તું 10 મિનિટ મોડો પડ્યો. આ જોબ માટેનાં ઈન્ટરવ્યૂ પૂર્ણ થઈ ગયાં છે, અને આ જોબ માટે જે ઉમેદવારોને પસંદ કરવામાં આવેલ હતાં તેઓને એપોઈન્ટમેન્ટ લેટર પણ આપી દેવામાં આવ્યો છે. છતાંપણ જો તારે વધુ માહિતી જોઈતી હોય તો સામે રોનક સર કે જે એચ.આર.મેનેજર (હ્યુમન રિસોર્સ મેનેજર) તેમને મળી લો, એ તમને વધુ માહિતી આપી શકશે." સિક્યુરિટી ગાર્ડ અંતે માનવતા દર્શાવતા, રોનકસર તરફ ઈશારો કરીને અવધેશને જણાવે છે.

  આથી અવધેશ એકદમ ઝડપથી રોનકસર જે ટેબલે બેસેલાં હતાં, ત્યાં જાય છે, અને પોતાને આ જોબ માટે રાખવાં માટે આજીજી કરતાં જણાવે છે કે,

"સાહેબ ! મારા માટે આ જોબ ખૂબ જ મહત્વની છે, હું દૂર ગામડેથી આવતો હોવાથી મારે આજે અહીં પહોંચવામાં મોડું થઈ ગયું છે, અને એમાં પણ વિધિની વક્રતા કે મારા નબળા નસીબ જે ગણો તે આજે ધોધમાર વરસાદ પણ આવ્યો. જેને લીધે મારી બસ ખરાબ થઈ જતાં એકાદ કલાક જેટલો સમય વ્યર્થ થઈ ગયો આથી મારી અહીં પહોંચવામાં મોડું થઈ ગયું." અવધેશ રોનકસરને પોતાની આપવીતી જણાવતાં બોલે છે.

"સી ! અવધેશ તારી સાથે જ કાંઈ ઘટનાં ઘટી તે બદલ મને પણ દુઃખ થાય છે, પરંતુ આ એક પ્રાઈવેટ કંપની છે, જેમાં "લાગણી" કરતાં "આઉટપુટ"ને વધુ પ્રાદાનય આપવામાં આવે છે. રહી વાત તારા ઈન્ટરવ્યૂની તો તને જે જોબ માટે કોલ લેટર મોકલવામાં આવેલ હતો, તે ઈન્ટરવ્યૂ હાલ જ પુરા થયાં છે. એમાં જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવેલ છે, તેમને મે મારા હાથે જ "એપોઈન્ટમેન્ટ" લેટર આપેલાં છે, માટે હવે કાંઈ થઈ શકે તેમ નથી." રોનકસર અવધેશને વાસ્તવિકતા જણાવતાં જણાવતાં બોલે છે.

જેવી રીતે કોઈ રાજા મહાયુદ્ધમાં જીતની એકદમ નજીક જ હોય, જીત તેનાથી માત્ર બે જ કદમ દૂર હોય, અને અચાનક એકાએક જ તેની કારમી પરાજય થવાથી તે રાજા જેવી વ્યથા કે દુઃખ અનુભવે, હાલ અવધેશની પણ એવી જ હાલત હતી. તેનાં મનમાં વસવસો, હતાશા અને નિરાશા પોતાનું આધિપત્ય જમાવી રહ્યાં હતાં તેનાં મનમાં અનેક પ્રશ્નો જેવાં કે, "મારી સાથે જ આવું શાં માટે બન્યું હશે ? આજે જ કમોસમી વરસાદ પડવા પાછળ કુદરત શું ઈચ્છતું હશે ? જો વરસાદ ના પડ્યો હોત તો મને જોબ મળી ગઈ હોત. શુ હું ઘરેથી વધુ વહેલો નીકળ્યો હોત તો મને આ જોબ મળી ગઈ હોત ? હવે હું ઘરે શુ મોઢું બતાવીશ ? મારા માતાપિતા પર શું વીતશે ? - ઉદભવી રહ્યાં હતાં.

એવામાં અવધેશ જે.કે.ફાયનાન્સ કંપનીમાંથી બહાર નીકળી બસ સ્ટેશન તરફ જવાં માટે રિક્ષામાં બેસે છે, અને ત્યાંથી પોતાનાં ગામ તરફ આવતી બસમાં બેસી જાય છે, આખા રસ્તે અવધેનનાં મનમાં અવારનવાર પેલાં પ્રશ્નો અવધેશને સતાવી રહ્યાં હતાં. એવામાં અવધેશ પોતાનાં ગામ આવી પહોચે છે, અને ત્યાંથી રીક્ષા ભાડે કરીને પોતાનાં ઘરે આવી પહોંચે છે. ઘરે આવીને અવધેશ જોયું તો તેનાં પિતા એકદમ લાચાર અને માયુસ થઈને ખુરશી પર બેસેલાં હતાં, અને નીચે તરફ જોઈને કોઈ ઊંડા વિચારોમાં ખોવાયેલ હતાં, આ જોઈ અવધેશ બે પળ માટે તો હેબતાઈ ગયો, પછી તેને ખ્યાલ આવ્યો કે આજે તો તેનાં ખેતરમાં લણણી કરવાની હતી.

"શું થયું પપ્પા ! શા માટે તમે આટલાં ઉદાસ છો ?" અવધેશ વાતનો દોર પોતાના હાથમાં પકડતાં વિનુભાઈની સામે જોઈને પૂછે છે.

"બસ જો બેટા.. આજે એકાએક આવેલ કમોસમી માવઠાએ આપણાં પાકની પથારી ફેરવી દીધી..સોના સમાન મોંઘેરો પાક માટીમાં ભળી ગયો." વિનુભાઈ લાચારી સાથે પોતાની ઉદાસીનું કારણ જણાવતાં અવધેશને જણાવે છે.

"એ બધું તો ઠીક છે..તારો ઈન્ટરવ્યૂ કેવો રહ્યો ? તને જોબ મળી ગઈ ?" વિનુભાઈ મૂળ વાત ફેરવતાં અવધેશની સામે જોઈને પૂછે છે.

  જ્યારે આ બાજુ અવધેશ એકપણ શબ્દ બોલ્યાં વગર જ આંખોમાં આંસુ સાથે તેનાં પિતાને હીબકાં ભરતાં ભરતાં ગળે ભેટી પડે છે. 

"પપ્પા ! જેવી રીતે કમોસમી વરસાદનાં માવઠાએ આપણાં સોના સમાન પાકને માટીમાં ભેળવી દીધો, તેવી જ રીતે એ જ વરસાદે મારા વર્ષોથી જોયેલાં સપનાંઓ પર પળભરમાં પાણી ફેરવી દીધું… વરસાદને લીધે હું ઈન્ટરવ્યૂ માટે મોડો પડ્યો હોવાથી ઈન્ટરવ્યૂ પુરા થઈ ગયાં હતાં, અને મારે જે જોબ માટે ઈન્ટરવ્યૂ આપવાનું હતું તેનાં માટે બીજા ઉમેદવારોની પસંદગી થઈ ગયેલ હતી." અવધેશ વિનુભાઈને પોતાની આપવીતી જણાવતાં બોલે છે.

  ત્યારબાદ અવધેશ અને વિનુભાઈ ફરી એકબીજાને ગળે ભેટી પડે છે. જે દ્રશ્ય સારા સારા હિંમતવાન વ્યક્તિને પણ ક્ષણવાર પીગળાવી દે તેવું હતું.

"કોઈ વાંધો નહીં બેટા ! ભગવાને તારા નસીબમાં આનાથી પણ વધુ સારી નોકરી લખેલ હશે, માટે જરાપણ ચિંતા ના કરીશ." અવધેશની પીઠને થબથબાવતા વિનુભાઈ બોલે છે.

ત્યારબાદ તે બધાં જમવા માટે બેસે છે ને, ભોજન લીધાં બાદ તેઓ એકબીજા સાથે વાતોચિતો કરે છે, અને એક નવી આશાની કિરણ કે એક નવી સવાર તેઓનાં પરિવારમાં ચોક્કસ આવશે જ આ વિચાર સાથે સૂઈ જાય છે.

હાલની યુવાપેઢી એકદમ માયકાંગલી અને કંગાળ થઈ ગઈ છે, તો તે પાછળનું એક કારણ એ પણ છે કે હાલની યુવા પેઢી પશ્ચિમ દેશોની સંસ્કૃતિનું આક્રમણ અને ભણવા અને નોકરી માટે માતા પિતાથી તેઓનું દૂર થવું...જો હાલનો યુવક પોતાના માતા પિતા સાથે રહેતો હોય તો "વિનુભાઈનું વરસાદને લીધે સર્વસ્વ લૂંટાઈ ગયું હોવાં છતાંય અવધેશની પીઠ થબાવીને કહ્યું કે "બેટા તું જરાય ચિંતા ના કરતો." બસ આજની યુવા પેઢીને આવા જ સ્પોર્ટ કે આશ્વાસનની જરૂર છે. જ્યારે આપણા સમાજના યુવકો કે માતાપિતા આ વાસ્તવિકતા સમજશે ત્યારે આપણા સમાજમાં "આપઘાત" ના કેસ આપોઆપ જ ઘટી જશે.


Rate this content
Log in

Similar gujarati story from Drama