nayana Shah

Comedy

3  

nayana Shah

Comedy

માથાભારે મંજુ

માથાભારે મંજુ

4 mins
138


મંજુ જે સોસાયટીમાં રહેતી હતી એ સોસાયટી ગર્ભશ્રીમંતોની હતી. અને એમાંય મંજુ સિવાય કોઈ છોકરી જ ન હતી. તેથી જ મંજુ નાનપણથી બધા છોકરાઓ જોડે જ રમીને મોટી થઈ હતી. જયારે છોકરાંઓ કરાટેના કલાસમાં જતાં તો મંજુ પણ એમની સાથે કરાટેના કલાસમાં જવા લાગી. એને મન કંઈ છોકરાં કે છોકરીનો ભેદ હતો જ નહીં. એમની સાથે જ ગિલ્લી દંડા, ભમરડો, ક્રિકેટ રમતી.

કોલેજમાં પણ એ પોતે જ કાર ડ્રાઈવ કરીને જતી. દેખાવમાં તો સુંદર હતી જ અને બિન્દાસ પણ હતી.

શરૂઆતમાં કોલેજમાં મંજુ આકર્ષણનો વિષય બની ગઈ હતી. દરેક યુવક એને પોતાની બનાવવા પ્રયત્ન કરતો. એ માટે મંજુ જોડે આત્મિયતા કેળવવા પ્રયત્ન કરતો. પરંતુ મર્યાદા બહાર જાય ત્યારે એ કરાટેના અભ્યાસનો ભરપૂર ઉપયોગ કરતી. ચોપ કે પંચનો ઉપયોગ કરી મવાલીઓને બેભાન કરી દેતી. જયારે કોઈ રસ્તા વચ્ચે પરેશાન કરે તો એ કીક મારી એને ભોંયભેગો કરી દેતી. બસ, ત્યારબાદ તેનું નામ" મંજુ માથાભારે "પડી ગયું હતું. એ કયારેક કહેતી, "હજી તો મેં કરાટેનો જ પ્રયોગ કર્યો છે. એમાં સામેની વ્યક્તિને અડવાનું જ ના હોય પણ હું જુડોનો પ્રયોગ કરુ તો એને ઉંચકીને પછાડું. ઠીક છે હાલ તો કરાટેથી જ કામ પતે છે.

લગ્ન બાદ ટૂંક સમયમાં જ એને માથાનો દુઃખાવો થવા માંડ્યો.એનો પતિ તો ઘણી વાર કહેતો કે, " તને માથાભારે કહે છે એનો અર્થ એવો કે તારુ માથું હમેશાં ભારે રહે. કોલેજમાં બધા તને એટલેજ માથાભારે કહેતાં હશે."

શરૂઆતમાં તો સામાન્ય દુઃખાવો માનતા હતાં. પરંતુ ડોકટરો એ કહ્યું કે, "આ ક્લાસિક પ્રકારનું માઈગ્રેન છે. જયારે તકલીફ પડે ત્યારે દવા લઈ સૂઈ જવાનું. " ઘરની દરેક વ્યક્તિ એના માથાના દુ:ખાવાથી કંટાળી ગઈ હતી.

ત્યારબાદ જ મંજુ પર બધા જાતજાતના પ્રયોગો કરવા લાગ્યા. જો કે મંજુ પણ કંટાળી ગઈ હતી તેથી તો એ દરેકની વાત માનતી.બાજુમાં રહેતા ગંગાબાએ કહ્યું, "મંજુ, અમારા વખતમાં માથું દુ:ખે તો સૂઈ ના રહીએ આ સોસાયટીના નાકે પેલો કંદોઈ છે એને ત્યાંથી સવારમાં ઉતરતી જલેબી ખઈ લેવાની ગમે તેવો દુઃખાવો મટી જાય."

ત્યારબાદ મહિના સુધી ગરમ જલેબી ખાધી. પરિણામ સ્વરૂપ કફ થઈ ગયો, કંદોઈની આવક વધતી રહી પણ મંજુનો માથા નો દુઃખાવો યથાવત રહ્યો.

એવામાં જ એનો ભત્રીજો આવ્યો કહે, "ફોઈ, આ ડોશીવૈદુ બંધ કરો મારી સાથે ચલો. એક જયોતિષ છે હાથ જોઈને ઉપાય કહે, તરત મટી જશે."જ્યોતિષે તો હાથ જોઈને કહી દીધું તમે સૂતી વખતે માથાની ઉપરની બાજુ ચાંદીના ગ્લાસમાં દૂધભરી સવારે પીપળાના ઝાડને ચઢાવી દો. અઠવાડિયામાં માથાનો દુઃખાવો ગાયબ થઈ જશે. પરંતુ એ વખતે રસ્તામાં કોઈ સાથે વાત કરવાની નહિ." પરંતુ મંજુ નો સ્વભાવ વાતોડિયો રસ્તામાં દરેક જણ એને બોલાવે પણ એ બોલે જ નહીં. એવું કરવાથી બેચાર વ્યક્તિ સાથે સંબંધ બગડ્યા પરંતુ માથાનો દુઃખાવો યથાવત. ત્યારબાદ મંજુનો દુઃખાવો દિવસે દિવસે વધતો જતો હતો. તેમ તેમ એને અવનવા સલાહ સૂચનો મળતાં રહેતાં. મંજુ દરેક પ્રયોગ કરતી રહેતી. કોઈ કહે અમુક જગ્યાએ ઘુવડના પગમાંથી ભુંગળી બનાવી કાનમાંથી જીવડાં કાઢે કે માથાનો દુઃખાવો ગાયબ. તો કોઈ કહે અમુક જગ્યાએ એક માણસ બેસે છે એ આંખો માં દવા નાંખે છે લાય બળે પણ માઈગ્રેન ગાયબ. ત્યાં તો લાઈન લાગે છે.

કયારેક મંજુ નો પતિ કહેતો, "મંજુ, આ બધા અખતરા છોડી દે. દવા લઈને સૂઈ રહે. " પરંતુ મંજુ માથાના દુઃખાવાથી કંટાળી ગઈ હતી. એના પતિએ કહ્યું, "હવે તું જાતજાતના પ્રયોગો બંધ કર"

મંજુનો દુઃખાવો વધે જ જતો હતો. આંખો સુજી જાય, ઉલટીઓ થાય, જોનાર ને એની દયા આવે. એવામાં જ ગામડેથી એના દૂર ના કાકા આવ્યા કે જે એમની જાતને પ્રખર જયોતિષ માનતા હતાં. એમને તો કહી દીધું કે, "બેટા, તને ત્રણ શનિવારમાં જ માથાનો દુઃખાવો મટાડી દઈશ. બસ, તારે માત્ર એટલું જ કરવાનું કે ત્રણ શનિવાર સુધી આખલાને શેરડી ખવડાવવાની.

બીજા જ દિવસે શનિવાર હતો. મંજુ એ એના પતિને કહ્યું, " મારી જોડે ભરવાડ વાસ ચલો. "પરંતુ એના પતિએ કહ્યું, " મંજુ, તું આ બધી અંધશ્રદ્ધાથી મુક્ત થઈ જા." ત્યાં જ એનો દીકરો બોલ્યો,"મમ્મી, હું તને લઈ જઈશ."

પહેલાં શનિવારે તો ખાસ વાંધો ના આવ્યો આખલો બાંધેલો હતો તેથી શેરડી સહેલાઈથી ખવડાવીને ઘેર આવ્યા. બીજા શનિવારે ખબર પડી કે એ આખલો વેચી દીધો છે પણ ભરવાડે કહ્યું, "શાકમાર્કેટની પાછળ બગડેલા શાકભાજી નાંખી દેવામાં આવે છે ત્યાં બહુજ ગાયો તથા આખલા મળી રહેશે." મંજુ શેરડીનો સાંઠો લઈને ત્યાં પહોંચી કે ત્યાં ઘણા બધા આખલા હતાં એ તથા એનો પુત્ર ખુશ થઈ ગયા. પરંતુ શાકભાજી ખઈને ધરાઈ ગયેલા આખલાએ એ બાજુ જોયું પણ નહિ. દીકરાએ કહ્યું,"મમ્મી, એના મોં આગળ ધર એ ખઈ જશે."શેરડીનો સાંઠો જોઈ ભડકીને આખલો આગળ દોડ્યો. પણ મંજુના દીકરાએ કહ્યું, "મમ્મી એની પાછળ જાય. એ શેરડી ખાશે જ" મંજુ પણ ઓલિમ્પિકમાં ભાગ લીધો હોય એમ એની પાછળ દોડી.

એક અદ્ભુત દૃશ્ય લોકોને જોવા મળ્યું. સામાન્ય રીતે આખલો માણસ પાછળ દોડે પરંતુ અહીં તો માણસ આખલા પાછળ દોડતો હતો. જોનાર ને તમાશો જોવાની મજા આવી ગઈ હતી. આખરે હાથમાં શેરડીનો સાંઠો લઈ મંજુ ઘેર આવી. મંજુની હાલત જોઇને હસવું કે રડવું એ જ એના પતિને સમજાતું ન હતું.

આખરે પત્ની પાસે જઈને એની પતિએ કહ્યું,"તારા રિપોર્ટ મેં અમેરિકા મોકલેલા. ત્યાં દવા શોધાઈ છે. આપણે બને તેટલા જલ્દી અમેરિકા જઈશું. તારા જાતજાતના પ્રયોગો હવેથી બંધ કરજે" અમેરિકા ફરતાં પણ આવીશું અને તારા નામ સાથે જોડાયેલા માથાભારે શબ્દને વિદાય આપીશું.


Rate this content
Log in

Similar gujarati story from Comedy