Prashant Subhashchandra Salunke

Comedy Inspirational

4  

Prashant Subhashchandra Salunke

Comedy Inspirational

મારો પરિવાર

મારો પરિવાર

6 mins
284


લગભગ પચ્ચીસેક વર્ષ પહેલા મારી સાથે થયેલ દુર્ઘટનાની વાત આજે મારે તારી સાથે કરવાની છે. આ બંદાને હજુ લાયસન્સ મળ્યું નહોતું; પરંતુ પિતાજીએ નવી બાઈક છોડાવેલી હોવાથી આ પાર્ટી ફૂલ ફોર્મમાં હતી. થર્ટીનથી લઈને નાઈનટીન સુધીની આ ઊંમર ખૂબ ખતરનાક હોય છે. યુવાનીના ઉંબરે પહોંચેલા દરેક લબરમૂછિયાના મસ્તિષ્કમાં તે ટીન ટીન કરતી રહે છે. સમસ્યા એ છે કે, ઉંમરના આ તબક્કાઓમાં તરુણવર્ગ પોતાને મોટો થઇ ગયેલો સમજે છે. જયારે તેના પરિવારજનો હજી તેને નાનું બાળક સમજી અવગણે છે. હવે મનની આ કશમકશને ‘એજ ડીફરન્સ’નું સોહામણું નામ આપી આવા તરુણો પરિવારજનો સામે જંગ છેડી દેતા હોય છે. પરિવારજનો દ્વારા લેવાતી કાળજી તેમના માટે બંધનરૂપ થઇ જાય છે. અને તેમના સલાહ સૂચનો મ્હેણાં ટોણા જેવા લાગવા માંડે છે.

તરુણવયે મારી સાથે પણ કંઈક આવું જ થયું હતું. મારા મોટાભાઈ અને પિતાજી મને બાઈક ચલાવવા આપતા જ નહોતા. મોટાભાઈનું લાઇસેંસ નવું નવું તૈયાર થઈને આવ્યું હતું; એટલે તેમને બાઈક ચલાવતા જોઈ મારો જીવ બળતો. ‘જે મોટોભાઈ કરે તે નાનાભાઈએ કરવું જ જોઈએ’ સદીયો જુના આ રિવાજને હું કેવી રીતે તોડી શકું ?

બાઈક ચલાવવા માટે હું પણ યોગ્ય સમયની રાહ જોવા લાગ્યો. અને આખરે એક રવિવારે મને મોકો મળી ગયો. મારા મોટાભાઈ ટ્યુશન ક્લાસમાં ભણવા ગયા હતા. અને મારા દાદાને છોડી; ઘરના બીજા સદસ્યો ઉનાળાની એ બપોરે મીઠી નીંદરને માણી રહ્યા હતા. આ તકનો લાભ લઇ હું બિલ્લીપગે અલમારી પાસે ગયો અને તેમાં મુકેલી બાઈકની ચાવી કાઢી ચુપચાપ ગજવામાં સરકાવી દીધી. ‘દોસ્તને મળવા જઉં છું’ દાદાને આવું બહાનું બતાવી હું ઘરમાંથી બહાર નીકળી આવ્યો. મારા દાદાને ઝાઝી પંચાત કરવાની આદત નહોતી એ વાત મારા તરફેણમાં રહી હતી. ઘરનું કોઈ સદસ્ય જાગી ન જાય એટલે હું બાઈકને ધકેલીને મારા ઘરથી થોડેક દુરના અંતરે લઇ આવ્યો. હવે તેના પર સવાર થઇ મેં કિક મારી દીધી. એંજીનના ધબકારે મારા હૈયાના ધબકારા વધારી દીધા હતા. મને હજુપણ વિશ્વાસ થઇ રહ્યો નહોતો કે હું મારા પિતાજીની બાઈકની ઉઠાંતરી કરવામાં સફળ થયો હતો. પરંતુ બીજી જ ક્ષણે મારી સફળતાને પડોશીઓની નજર ન લાગી જાય એ બીકે મેં બાઈકને ત્યાંથી ભગાવી દીધી હતી. મારા જેવા તરુણના હાથમાં બાઈક આવે એટલે તેનું મન પવન સાથે વાતો કરવાનું થાય એ સાહજિક જ છે. વળી માર્ગમાં આડા આવતા દરેક વાહનને ‘મેં ઝુકેગા નહીં’ના જોશથી જ તેઓ સદીઓથી ઓવરટેક કરતા આવ્યા છે.

મારી ડાયરીનું આ પૃષ્ઠ જે કોઈ વાંચી રહ્યા છે તે તમામને બે હાથ જોડીને વિનંતી કે આજ પછી વાહનને ખૂબ કાળજીપૂર્વક ચલાવજો. વળી એ વાત ચોક્કસપણે ધ્યાનમાં લેવી કે, હું મારા એક પગ પર પાટો આવ્યા બાદ તમને આ સલાહ આપી રહ્યો છું.

હું મારી બાઈક મારા મિત્રના ઘર તરફ દોડાવી રહ્યો હતો. મારી યોજના તેને પાછળ બેસાડીને એક આંટો ખવડાવવાની હતી. આખરે દોસ્ત પર રૂવાબ પાડવાની આ સોનેરી તક હું હાથમાંથી કેવી રીતે જવા દઉં ? લગાનનું “હા બોલો હા... બોલો યાર હા...”નું ગીત મનમાં લલકારતો હું મારી બાઈકને આગળ વધારી રહ્યો હતો. એ વખતે મોબાઈલ કે આઈપોડમાં ગીતો સાંભળી શકાય તેવી ક્યાં કોઈ સુવિધા હતી. જોકે હું ગાઈ રહેલ ગીતની ધૂન ભલે ફાસ્ટ હોય પરંતુ મારી બાઈકની સ્પીડ ખૂબ ધીમી હતી. અહં મારી સાવચેતીના અહીં વખાણ કરવાની કોઈ જરૂર નથી; એ દિવસે ટ્રાફિક ઘણો હોવાથી હું મજબુરીવશ મારી બાઈકને ધીમેથી હાંકી રહ્યો હતો.

સડકનો એક અનેરો નિયમ છે. આપણે ગમે તેટલી કાળજી લઈએ તો પણ સામેવાળાની લાપરવાહી આપણને નડી જતી હોય છે; એ દિવસે મને પણ નડી ! એક કારે અચાનક આવીને પાછળથી ટક્કર મારી અને મારી બાઈકની સ્પીડ વધારવામાં મદદરૂપ બની. મેં ઘબરાઈને બ્રેક મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ મારા પગ બ્રેક સુધી પહોંચ્યા જ નહીં. આ ઘડીએ મારા પિતાજી અને મોટાભાઈ મને બાઈક ચલાવવા કેમ આપતા નહોતા એ હકીકતનું મને ભાન થયું. પરંતુ અબ પસ્તાયે ક્યાં ફાયદા જબ ચિડિયા ચુગ ગઈ ખેત. ઓચિંતામાં વાગેલી ટક્કરથી હું હેબતાઈ ગયો અને બાઈક પરનું મારું સંતુલન ખોઈ બેઠો. મેં બાઈકને કાબુમાં લાવવાની ઘણી કોશિશ કરી પરંતુ એ દિવસે મારું નસીબ ખરાબ હતું. હું બાઈક સાથે ગડથોલિયું ખાઈ સડક પર ગબડી પડ્યો.

આ જોઈ આસપાસના રાહગીરો મારી વહારે દોડી આવ્યા. કોઈકે આવીને મારી બાઈકને ઊઠાવી; તો કોઇકે આવીને મને ટેકો આપ્યો. મારા હાથ અને પગ ખરાબ રીતે છોલાયા હતા. પગ પર મૂઢમારને કારણે મારાથી ઊભું પણ રહી શકાતું નહોતું. પરંતુ એ તકલીફમાં પણ મારી આંખો ટ્રાફિક પોલીસને શોધી રહી. હાશ ! સદનસીબે ટ્રાફિકવાળા આજે હાજર નહોતા. મારું નસીબ એટલુંયે ખરાબ નહોતું. ભીડમાંથી એકજણાએ પાણીની બોટલ મારી આગળ ધરતા; હું તેમાંનું બધું પાણી ગટગટાવી ગયો. મારું આખું શરીર પરસેવે રેબઝેબ થઇ રહ્યું હતું.

આસપાસ જામેલી ભીડ પ્રાથમિક ઈલાજ કરવાની સાથે મને વિવિધ પ્રશ્નો પણ પૂછી રહી હતી. હું ઓચિંતા થયેલા અકસ્માતથી એટલો ડઘાઈ ગયો હતો કે મને શું જવાબ આપવો તે સુઝી રહ્યું નહોતું. વણમાંગી સલાહો અને અણગમતા ઉપદેશોથી મારું મગજ ભમવા લાગ્યું હતું. સદનસીબે એ ટોળામાં મારા પડોશી મિત્ર નૈનેશના પિતાજી બિપિનભાઈ કંસારા પણ હાજર હતા. મારો અકસ્માત થયો છે તે જાણી તેઓ ભીડને ધક્કો મારી આગળ આવ્યા. મારું મસ્તિષ્ક સુન્ન થઇ ગયું હતું. શરીરમાં કળતરા થઇ રહ્યા હતા. આવી હાલતમાં બિપિનકાકાને જોઈ મને થોડી રાહત થઇ. આસપાસ ભેગા થયેલા વ્યક્તિઓની મદદ લઈને બિપિનકાકાએ મને તાત્કાલિક નજદીકના દવાખાનામાં ખસેડ્યો. તેમણે મારા ઘરે ફોન કરીને મારા પરિવારજનોને મારા અકસ્માત વિષે જાણ કરી.

અકસ્માતની જાણ થતા જ મારા પરિવારજનો ઘણા ઘબરાઈ ગયા. ગણતરીની મિનિટોમાં જ મારા પિતાજી સુભાષચંદ્ર. માતા સુનંદાબેન અને મોટાભાઈ નિશાંત દવાખાનામાં હાજર થઇ ગયા હતા! મારા પિતાજી તથા મોટાભાઈ ચિંતિત વદને ડોકટરોની પૂછપરછ કરવા લાગ્યા. બિપિનકાકા મારો અકસ્માત કેવી રીતે થયો તેની વિગતવાર માહિતી મારા માતાપિતાને આપી રહ્યા. આ સમયે થોડીવાર પહેલા દેવદૂત બની આવેલા બિપિનકાકામાં હવે મને નારદમુનીની આછીપાતળી ઝલક દેખાઈ આવી. આખરે જયારે તેમણે ત્યાંથી વિદાય લીધી ત્યારે મને હાશકારો થયો હતો.

મારા પગ પર મૂઢમાર વાગ્યો હતો, હાથપગ છોલાયા હતા અને કપાળે થોડી ઈજા થઇ હતી. મારી માતા મારી આવી હાલત જોઈ ચોધાર અશ્રુએ રડી પડી. અને મોટાભાઈ ? તેઓએ રોષે ભરાઈને મને બરાબરનો ખખડાવ્યો. પિતાજી મને બાઈક ચલાવવા બાબત ઠપકો આપી રહ્યા. મારી માતાની આંખો પણ લાલધૂમ થઇ ગઈ હતી.

મારી સારવાર ચાલતી રહી ત્યાં સુધી મારા પરિવારજનો દવાખાનામાં જ લટાર મારતા રહ્યા. ડોકટરએ મારા પગને તપાસ્યો. નર્સે આવીને મને ઈન્જેકશન આપ્યું. ના... ના... ઘોચ્યું. એ તમામ ક્ષણ દરમિયાન મોટાભાઈ દવાખાનામાં ચિંતિત વદને મારી પડખે ઊભા રહ્યા. મારા દાદા અને દાદી પણ રીક્ષા કરીને દવાખાનામાં આવી પહોંચ્યા હતા. મારા પગમાં કોઈ ફેકચર નથી તે સાંભળી મારા કરતા મારા પરિવારજનોને વધુ આનંદ થયો હતો. આખરે નર્સે આવીને મને બાટલો ચઢાવ્યો. જેના કારણે મને લગભગ ત્રણ કલાક સુધી હોસ્પિટલના બિછાને પોઢી રહેવું પડ્યું હતું. એ ત્રણ કલાક દરમિયાન મને મારા પરિવારજનો ઠપકો આપી રહ્યા.

વહાલી ડાયરી, તને ખરેખર કહું ? તો મને ત્યારે તેમના ઠપકાનું જરાયે માઠું લાગ્યું નહોતું. કારણ હું જાણતો હતો કે તેમના એ ઠપકામાં મારા પ્રત્યેની કાળજી અને પ્રેમની લાગણી હતી. મારા પરિવાર સાથેની મારા જીવનની કોઈ શ્રેષ્ઠ ક્ષણ હોય તો તે આ જ હતી. મને આ ક્ષણે એ વાસ્તવિકતાનું ભાન થયું હતું કે, મારા પરિવારજનો મારા ભલા માટે જ મને લડતા હતા. હું જ અમસ્તો તેમની ચિંતાને મારી તકલીફ સમજી રહ્યો હતો! હું અમસ્તો જ એ વિચારી જીવ બાળતો હતો કે મને કોઈ ચાહતું નથી. જયારે હકીકતમાં મને ખૂબ ચાહતો અને મારી કાળજી લેતો હતો મારો પરિવાર.


Rate this content
Log in

Similar gujarati story from Comedy