માનું ઋણ
માનું ઋણ


મુંબઇ એક્ટર બનવા જતાં તન્મયને થોડાક પૈસાની જરૂર હતી, પણ પૈસા માંગતા તેની જીભ ઉપડતી ન હતી. તેના વિલાયેલા ચહેરા પર ખેંચાયેલું બનાવટી સ્મિત જોતાં જ તેની મા બધુ સમજી ગઈ. સાડા ત્રણ વર્ષથી રસોડામાં ઘઉંના ડબ્બામાં સંતાડેલા ૪,૨૫૦ રૂપિયા દીકરાના હાથમાં પકડાવતા કહ્યું, “મંબઈ જઇને ખૂન-પસીનો એક કરી ખૂબ મહેનત કરજે, બેટા... અને ભૂખ્યો ન રે’તો... નકર તારી માના પેટમો એક દોણોય નહીં પચે... હું કીધું?”
“હા મમ્મી...“
“અન નોમ ડબોવ એવું કોમ કદીયે ના કરતો... ખોટા કોમમો ક લતોમો ફસાતો નઇ...”
તેણે નકારમાં માથું ધૂણાવ્યું.
“દિલ રેડીન કોમ કરજે... અન હિંમત જરાયે ના હારતો... નેનું-મોટું જે કોમ મલ એ રાજી થઈન કરજે... માતાજીની મે’રથી એક દા’ડો તું જરૂર હીરો બને...! મારું દિલ કે સ ક, એક દા’ડ ગોમની દીવાલો પર તારા ફોટુંવાળું રૂપાળું કાગળિયું ચોડ્યું હશે... આખું ગોમ તારા બાપાનું નોમ ગર્વથી લેશે... તારો બધોય સપનો પૂરો થોય એવા દિલથી ઉજળા આશીર્વાદ આલશ તારી મા...! જા... ફતેહ કર...!”
“મા, જીવનભર હું તારું ઋણ નહીં ભૂલું...” ભીના સાદે તન્મયે કહ્યું.
“બેટા, મું તારી મા છું... એ ઋણ તો ચૂકવાય એવું નથ... પણ તારા બાપાનો જીવ ફોહલી ખાતા લોકોનું ઉધાર ચૂકવે તોય ઘણું સ...” એટલું કહીને દીકરાનો ચહેરો બંને હાથની હથેળીમાં લઈ ઓવારણાં ઉતાર્યા.
બાર વર્ષ બાદ એક એવોર્ડ ફંક્શનમાં,
બેસ્ટ લીડિંગ એક્ટર એવોર્ડનું અનાઉન્સિંગ થાય છે...
બેસ્ટ લીડિંગ એક્ટર એવોર્ડ ગોઝ ટુ.... તન્મય રાઠોડ....!! ‘ફોર ગેંગ ઓફ અન્ડર વર્લ્ડ’
તાળીઓના ગડગડાટ સાથે આખું ઓડિયન્સ ગુંજી ઉઠ્યું...!!
છોકરીઓ ચિચિયારીઓ પાડવા લાગી : તન્મય વી લવ યુ....!!
સુટ-બુટમાં તૈયાર થયેલો હેન્ડસમ તન્મય એવોર્ડ રિસીવ કરવા સ્ટેજ પર ગયો.
એવોર્ડ રિસીવ કરી તેણે આદ્ર આંખે હ્રદય પર હથેળી મુકી, આકાશમાં ટમટમતા તારાઓ સામે જોઇ એણે મનમાં કહ્યું : “મા, તે મારા પર કરેલા ઉપકારોનું ઋણ કદાચ આ એવોર્ડ તને સમર્પિત કરી ચૂકવું છું, પણ મારા હ્રદયમાં તે પૂરેલા આ ધબકારાનું ઋણ કેવી રીતે હું ચૂકવીશ, મા...?”
મનમાં અવાજ પડઘાયો : બેટા, મું તારી મા છું... એ ઋણ તો ચૂકવાય એવું નથ...
તેણે એવોર્ડ આકાશ તરફ ઊંચો કરીને કહ્યું, “ધીસ એવોર્ડ ઈઝ ફોર માય મોમ... થેંક્યું ફોર એવરીથિંગ...” કહીને ફ્લાઇંગ કિસ આકાશ તરફ અને ઓડિયન્સ તરફ છોડી....
* * *