મા
મા
માતા નું ગીત એટલે હાલરડું અને શ્લોકા એટલે ગાતું પંખી .....જ્યારથી તેના શરીરે માતૃત્વના આગમનની છડી પોકારી, ત્યારથી તેનું મન હિલોળે ચડયું હતું. પોતાના આવનારા બાળક માટે અનેક ગીત, જોડકણા અને હાલરડા, તે આખો દિવસ ગાતી જ રહેતી, જાણે સાક્ષાત બાલકૃષ્ણ અવતરવાના હોય એમ ગીત, હાલરડાઓ તૈયાર કરતી અને ગાતી રહેતી. બાળકને આવું સંભળાવીને સુવાડીશ, આ ગીતથી ઉઠાડીશ અને આમ ગાતા ગાતા જમાડીશ.
શ્લોકા આખો દિવસ ગાતી અને રોજ નવા ગીતોથી મન નું માળખું સજાવતી અને આખરે એ દિવસ આવી પહોંચ્યો માતૃત્વ મેળવવાની અસહ્ય પીડામાંથી પસાર થઈને જ્યારે નાનકડા બાળકને ખોળામાં મૂકવામાં આવ્યું , ત્યારે શ્લોકા નું રોમ રોમ ગાઇ ઉઠ્યું...પણ આ શું?? બાળક આમ સાવ નિશ્ચેત ! ડોકટર ના ચહેરા પર પર ના ભાવ જોઈને મા નું મન હેબતાઈ ગયું.... "અમે કોશિશ કરી પણ બાળક."....... આગળ ના શબ્દો શ્લોકા સાંભળી જ ન શકી....તેણે પોતાના બાળક ને છાતીસરસું ચાંપ્યું અને રોજે રોજ જે ગીત બાળક ને ઉઠાડવા માટે ગાતી ,તે ગાવા માંડી, બધા આશ્ચર્યથી જોઈ રહ્યા, મા નો અવાજ, સાચા દિલથી ગવાઈ રહેલું ગીત અને આંખોના આંસુ એ અદ્ભુત જાદુઈ અસર કરી... મૃતપ્રાય અવસ્થામાં આવેલું બાળક અચાનક રડવા લાગ્યું....! શરીર નો ઊડી ગયેલો રંગ ફરીથી ગુલાબી થવા લાગ્યો....માનો પ્રેમ જીતી ગયો.
