લીબરેશન
લીબરેશન
હતી એ સાંજ અલગ લાલીમાને અડકવા તત્પર
હથેળીમાં થઈ ગઈ લાલ આજ એ અધૂરી સાંજમાં.
આજ ખૂબ સુંદર લાગે છે આ દરિયો અને એથી વધારે સુંદર લાગે છે અહીં વિતેલા સમયની યાદોને આ રેતી પર આવતી ઓટ જેમ સાથે લઈ જવાની રીત. એક સમય હતો જ્યારે કિરણ સાથે બેસીને ભવિષ્ય માટે અગણિત લાગણીઓ સાથે સપનાં વિચાર્યા હતા. એની આંખોમાં ખુદના ચહેરાની સુંદરતા જોઈ હતી. મારી હડપચી ઊંચી કરી એ કહેતો તારો આ તલ મારા પ્રેમનું પ્રતીક છે. એટલે હું પૂછતી એમ ? કઈ રીતે ? અને એ કહેતો જયારે તે મારા પ્રેમનો સ્વીકાર કર્યો હતો ત્યારથી જ આ તલ અહીં થયો અને હું હસવા લાગતી. રોજનો ક્ર્મ બની ગયો હતો એક કલાક માટે અહીં ઢળતી સાંજે મળવાનું અને મળ્યા પછી એક બીજાને અનિમેષ બની જોયા કરવું અને જ્યારે પોતાના ઘરે જવાનો સમય થાય અને કિરણ ભવિષ્ય માટે જોયેલા સપનાંઓની વાત કરવા લાગી જાય અને એ વાત સાંભળવામાં ક્યારે રાતનું આગમન થઈ જાય એ ખબર જ ના રહેતી. આજ એ બધું યાદ કરી એક રોમાંચ અને ખુદ પર હસવું આવે છે.
ખબર હતી કે તે પરણેલો હતો અને હું સિંગલ. આજ પણ યાદ છે એ દિવસ જ્યારે તે પહેલી વખત મેં એને
જોયો હતો તે અમારી ઑફિસમાં આસિસ્ટન્ટ મેનેજર પોસ્ટ પર નિમણૂક થયો હતો,દેખાવ સામાન્ય પરંતુ હાઈટ ઊંચી, કસેલો બાંધો અને એક ઓફિસરને શોભે એવી વાક છટા અને પહેરવેશ. એને જોઈને એક ક્ષણ માટે જ હૃદય ધબકારો ચૂકી ગયો એવું લાગ્યું અને એક દિવસ તેણે મને તેની ઓફિસમાં કામ માટે બોલાવી હતી અને કહ્યું મિસ મિષા તમે આ ઇમેઇલ બરાબર કરી મને ફોરવર્ડ કરી દો. એવા ઘણા નાના નાના કામ માટે તે મને બોલાવતો અને મને એની સાથે વાત કરવી ગમવા લાગી હતી મનોમન ઇચ્છતી કે આજ ફરી એની ઓફિસમાં બોલાવે. હવે તો અમે રોજ ઓફીસ પછી અહીં દરિયા કિનારે આવી મળતાં થયા હતા અને એક દિવસ જિંદગીનો મોટો નિર્ણય લીધો જે કોઈ સ્ત્રી લગ્ન પહેલાં એ પગલું ના ભરે કિરણની વાતમાં આવી બધી મર્યાદા ઓળંગી ગયા. હવે આ પણ રોજિંદા જીવનમાં સામાન્ય બની ગયું હતું પરંતુ એક દિવસ ખબર પડી કે કિરણ દેશ છોડીને હમેશાં માટે જતો રહ્યો છે ત્યારે આઘાત લાગ્યો હતો કારણ કે મારા અસ્તિત્વનું નામશેષ કરી એના પ્રેમનું બીજનું રોપણ થયું હતું એ બીજનું છોડ બની વિકાસ થશે તો ?
પરંતુ આજ ફરી એકવાર નિર્ણય લીધો હતો એ બીજ નામશેષ કરી દેવું અને મુક્તિ મેળવી લેવી.