લઘુવાર્તા " બાપ ! "
લઘુવાર્તા " બાપ ! "
બાપુજી નવરાત્રી આવી ગઈ હવે તો મારા માટે ડ્રેસ લાવો!
તમે જુઓ તો ખરા કાલનો હજી પહેલો દિવસ જ ગરબાનો ગયો છે. અને કેવો જામ્યો જોરદાર! અને હા મારી બહેનપણી બધીઓના જાતજાતના ને ભાત ભાત વાળા હીરાજડિત ડ્રેસ પહેરેલા. બાપુ જી! એમના પપ્પાએ તો એમની લાડકી દીકરીઓ માટે ડ્રેસ લાવી આપ્યા .. મને પણ લાવી આપો ને. તમે રોજ જ્યારે પણ નવરાત્રી આવે એટલે એમ જ કહો કે કે હું લાવી આપીશ પણ જુઓને એમ કહેતા કહેતા કેટલીએ નવરાત્રી આવી ને ગઈ. અને હા ડ્રેસના ક્યાં વધારે રૂપિયા છે માત્ર એક હજાર રૂપિયા જ છે! એક હજારમાં તો મસ્ત ડ્રેસ મળી જાય. દિકરી રીટાએ બાપુજી ને અર્ધભીની આંખે આ બધું કહ્યું. પણ દીકરીને મનમાં પહેલીથી જ વિશ્વાસ હતો કે નહીં જ લાવવાના હું ગમે તેટલું રડીશ, જમવાનું નહિ ખાઉં છતાંયે મારા બાપુજી નહિ જ લાવે.
રીટા રાત પડે ને ગરબો જોવા જતી. ત્યારે એકી ટશે બધાનો ડ્રેસ જોયા કરતી. અને મનમાં કહેતી કે આહા...કેટલો મસ્ત સુંદર ડ્રેસ છે કાશ હું પણ એવો ડ્રેસ પહેરીને નાચતી હોત. મજા પડી જાત મજા! પછી ફરી એની નજર બાપ પર મંડાતી. એ ચૂપ રહેતી. એને કહેવાની ઈચ્છા થતી પણ એ માંડી વાળતી. અને ગરીબ ભાવે બસ ગરબા જોયા કરતી. અને પછી ૧૧ વાગે એ બાપુજી સાથે ઘરે જતી. રાત પડતી ત્યારે સપનાઓમાં પણ એને જાતજાતના ડ્રેસ ના જ આવે. એવું લાગે કે આજે તો બાપુજી એ મને સુંદર ડ્રેસ લાવી આપ્યો. ખૂબ રાજી થઈ ને ગરબે ઘુમવા જતી.અને ત્યાં જ તો સવાર પડી જતી.
બાપ બિચારો આ બધી વાતોમાં મૌન જ રહેતો. એને ખબર હતી કે આપણી જોડે ક્યાં પૈસા પડ્યા છે માંડ દિવસો પસાર કરીએ છીએ. પણ આ વાત બિચારી દીકરી ના સમજે. નાની છે મારી ઢીંગલી. થોડા ઘણા પૈસા બાપે દીકરીના લગ્ન માટે સાચવ્યા હતા. પણ એ પણ કયારેક ક્યારેક સાજા માંદામાં વપરાઈ જતા. બહુ ભીડ ભોગવીને દીકરીને બાપ મોટો કરી રહ્યો હતો. અને એમ કરતાં કરતાં નવરાત્રીના દિવસો પણ પુરા થઈ ગયા.
અચાનક અડધી રાતે એક ઘટના બને છે. દીકરી અચાનક જોર જોરથી રડવા લાગે છે. એને સખત પેટમાં દુખાવો ઉપડ્યો હતો. આજુ બાજુના પડોશી સારા હતા એટલે પશાભાઈની મદદે દોડી આવ્યા.અને નજીકના દવાખાને દીકરીને લઈ ગયા. દીકરી ને શાંતિ તો થઈ ગઈ. પણ બાપને ચિંતા સતાવતી હતી. કારણ કે આવું બે ત્રણ વાર થયેલું. પશાભાઈ એ કોઈ મોટા દવાખાને જઈ ને ચેકઅપ કરાવવાનું વિચાર્યું. સવાર પડતા એ દવાખાને પહોંચી ગયા. ડોક્ટરે દીકરીનું નિદાન કર્યું. અને પશાભાઈને એક બાજુ બોલાવી ને કહ્યું કે તમારી દીકરીનું ઓપરેશન કરવું પડશે. આ સાંભળતા જ પશાભાઈ હચમચી ગયા. શું કરે? બાપ જો ને હતા. પણ પાછા પુત્રીનો વિચાર કરતા પશાભાઈ એ રામનું નામ લીધું અને પોતાની જાતને સંભાળી. અને ડોક્ટરને પૂછ્યું કે વાત શું છે? જવાબ આપતાં ડોક્ટરે કહ્યું કે કશું ચિંતા જેવું તો નથી પણ દીકરીને એપંડી છે. એને ઓપરેશન કોઈ પણ ભોગે તમારે કરાવવું પડશે. કારણ કે વધારે સમય કાઢશો તો એ વધારે અસર કરશે અને દીકરી માટે આ જોખમ લેવા જેવું છે.
પશાભાઈ એ હા કહી ડૉક્ટરને. ત્યાર બાદ દીકરીનું હેમખેમ ઓપરેશન થઈ ગયું. દિકરી ના ચહેરા પર ખુશી રમતી જોઈ ને બાપ ને હાશ થઈ. આજ બાપને હાશકારો થયો. આજે દીકરી દવાખાનેથી ઘરે જશે. આમ સમય ધીરે ધીરે વીતવા લાગ્યો. અને ફરી નવરાત્રીના દિવસો આવી ને ઉભા રહ્યા. દીકરીને પછી એ જ ઈચ્છા ફરી જાગી. આગળના વર્ષે જયારે રિટા બીમાર પડી હતી એજ વાત ફરી યાદ કરતા દીકરીએ બાપુજી ને પોતાના નિર્દોષ ભર્યા ભાવે બોલી ઊઠી, "બાપુજી, કેમ ના પાડો છો? ખાલી હજાર રૂપિયા જ તો છે ડ્રેશના. તમે હજાર રૂપિયા માટે પણ ના પાડો છો તમને યાદ છે ને હું જ્યારે બીમાર પડી'તી ત્યારે તમે દસ હજાર રૂપિયા ડોક્ટરને ઓપરેશન માટે આપી દીધેલા!
બાપ આ બધું સાંભળી આખરે મૌન જ રહ્યો. અને મનમાં 'બિચારી દીકરી અણસમજ છે. બેટા એ દસ હજાર તો એટલે આપ્યા કારણ કે હું તારો બાપ છું' આટલું કહેતા કહેતા તો બાપની આંખો ભરાઈ ગઈ. અને એ જોતાં જ દીકરી દોડીને બાપના ગળે એવી રીતે વળગી પડી કે જાણે દીકરી બાપના આંસુઓ સમજી ગઈ હતી..
