કરુણ ઘટના
કરુણ ઘટના
મનોજભાઈ વૃદ્ધાશ્રમના બાંકડે બેસી પોતાનો ભૂતકાળ વાગોળી રહ્યા હતા. કેવું સુંદર અને હર્યું ભર્યું જીવન હતું એનું ! પ્રેમાળ પત્ની હતી, ઉદાર મા બાપ હતા. બસ ખુશીથી જીવન વિતાવતા હતા. ધંધો પણ ધમધોકાર ચાલતો હતો. સમાજમાં ખૂબ ઊંચું નામ હતું. બસ એક શેર માટીની ખોટ હતી.
પતિ પત્ની એ નિર્ણય લીધો કે અનાથાશ્રમથી એક બાળક ગોદ લઈએ, અને બંને એ સ્મિતને પસંદ કર્યો. સ્મિત ગોળમટોળ ચહેરો અને કોઈપણને વ્હાલો લાગે એવો હતો. બંને ખૂબ કાળજી પૂર્વક સ્મિતનો ઉછેર કરે છે. અને દુનિયાના તમામ સુખો એને આપે છે.
સ્મિતનાં લગ્ન પણ ખૂબ ધામધૂમથી એની પસંદની કન્યા સાથે કરે છે અને બધા ખૂબ ખુશ હોય છે. મનોજભાઈના માતા પિતા એક એક્સિડન્ટમાં મૃત્યુ પામે છે.અને પત્ની પણ ટુંકી માંદગીમાં સ્વર્ગે સિધાવી જાય છે. મનોજભાઈને ખૂબ આઘાત લાગે છે. અને સ્મિતને પોતાનો કારોબાર સોંપી એ નિવૃત્ત થઈ જાય છે. પણ સ્મિતની પત્નીને મનોજભાઈની હાજરી ઘરમાં ગમતી નથી. અને સ્મિતને વારંવાર મનોજભાઈને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવા માટે દબાણ કરે છે. અને બધી પ્રોપર્ટી પોતાના નામે કરાવી લે છે.
અને પત્નીના વારંવાર દબાણથી સ્મિત પોતાના પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. મનોજભાઈ વિચારે છે કે જેની સાથે મારે કોઈ સંબંધ નહોતો એને મારો પોતાનો બનાવી જિંદગીની તમામ મૂડી ખરચી નાખી એને જ મને દગો આપ્યો. ભૂતકાળ વાગોળતા વાગોળતા એની આંખમાંથી અશ્રુઓ સરી પડે છે. અને ઈશ્વરને સવાલ કરે છે શું આ મારી ભલાઈનો બદલો છે ?
