કલ્પના કે વાસ્તવિકતા ?
કલ્પના કે વાસ્તવિકતા ?
"માયા, સપનાના રંગો ગમે તેટલા આકર્ષક હોય, છેવટે તે કલ્પના જ કહેવાય ! વાસ્તવિકતા છે જીવનના ઉતાર ચડાવ. સૌથી સુશોભિત હોય છે પ્રેમનો રંગ, જે મારો છે તારા માટે. જ્યારે મારા શબ્દોનો અર્થ સમજાય જાય, ત્યારે પાછી આવી જજે. હું તને લેવા નહીં આવું. આ મારો અહંકાર નથી. તું પોતે જઈ રહી છે, અને પાછા આવવું પણ તારો જ નિર્ણય રહેશે. મને જબરજસ્તીનો સાથ નથી જોઈતો. આ જુદાઈને એક બ્રેક સમજ. પાછી આવીશ, તો મને ખુશી થશે. માયા, આ ઘર અને મારા હૃદયના દરવાજા હંમેશા તારા માટે ખુલ્લા રહેશે."
અલગ થયા પછી, આજે છ મહિને પણ, મોહનનો એક એક શબ્દ ખંજરની જેમ દિલમાં ખૂંચે છે. હું સ્વીકારતી નથી, પરંતુ, મને મોહનની ખૂબ યાદ આવે છે.
જ્યારે તે મને જોવા આવ્યો હતો, હું તેને એક નજરમાં ગમી ગઈ હતી. પણ મેં ફક્ત માબાપના દબાણમાં આવીને લગ્ન કર્યા હતા.
તમને હસવું આવશે, પરંતુ, હું અતિશય ફિલ્મી ટાઈપની રોમેન્ટિક છું, અને મોહન ? જવાબદારીઓ સાથે વ્યવહારુ અને વાસ્તવિક માણસ. પરંતુ તે મને અપાર પ્રેમ કરે છે. તેણે મને ખુશ રાખવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ મારી અપેક્ષાઓ આસમાની હતી, અને તે હંમે
શા ઓછો પડતો. હું ક્યારેય સંતુષ્ટ નહોતી, અને રહેતા રહેતા એને પણ નિરાશા થવા લાગી. તે છતાં, મોહન એ ક્યારેય ફરિયાદ ન કરી. આખરે મેં ઘર છોડી દીધું. હવે એની ઉદાસ આંખો ભૂલાઈ નથી ભૂલાતી.
"અગર તને એની આટલી યાદ આવે છે, તો પાછી કેમ નથી જતી ? મને તો એ જ નથી સમજાતું, તે ઘર છોડ્યું જ શા માટે. અફસોસ ! તે મોહન જેવા હીરાની કદર ન કરી."
હું ગુમસુમ મારા રૂમમાં બેઠી રડતી હતી. મમ્મી ઓચિંતાની અંદર આવી અને મારા આંસુ જોઈ ગઈ. તદઉપરાંત, મને બોલવાનો મોકો આપ્યા વગર તરત હોલમાં જતી રહી અને હું ફરી મારા વિચારોના વલયમાં ખોવાઈ ગઈ.
હું ખોટી હતી, પછી આ મિથ્યાભિમાન શા માટે ? જો મોહન મારી સાથે મારા જેવો વ્યવહાર કરે, તો શું હું સહન કરીશ ? બિલકુલ નહીં !
હોળીના એક દિવસ પહેલા હું ઘરે પાછી જતી રહી. બેલ વગાડી. ધ્રુજતું હૃદય મોઢામાં આવી ગયું હતું. દરવાજો ખુલ્યો. લાંબી મૌન મિનિટો પસાર થઈ. અમે એકબીજાને જોઈ રહ્યા.
પછી....
જેટલી મોટી સ્મિત એના મોઢે આવી, એટલી મોટી એણે પોતાની બાંહો ફેલાવી. મારું દિલ નાચી ઉઠ્યું, અને હું મોહનની હૂંફમાં સમાઈ ગઈ.