સોનાના બટન
સોનાના બટન
"નાનો એવો મારો કબાટ, એમાં ફક્ત ચાર જોડી કપડાં. એને ગોઠવતા કેટલી વાર લાગે ?"
દાદી ખાટલા પર બેઠા બેઠા પૂર્ણિમાને વઢવા લાગ્યા. કબાટનો દરવાજો આડો હતો, એટલે દાદીને ન દેખાયું કે પૂર્ણિમા શું કરી રહી હતી. પૂર્ણિમા જમીન પર કબાટની સામે બેઠી હતી અને દાદીની તિજોરી એના હાથમાં ખુલી હતી. જ્યાં એણે ડોકુ બહાર કાઢ્યું, દાદી ફરી વઢયા, "પાછી બટન જોવા બેસી ગઈ ને ?"
પૂર્ણિમાએ દાદીને ફરી ફોસલાવાનો પ્રયત્ન કર્યો,
"મારી વ્હાલી, મીઠી દાદી, પ્લીઝ ! તમે શું કરશો આ સોનાના બટનનું ? હવે તો કેટલા જુના થઈ ગયા છે. મને આપો ને ?'
દાદીના બે, રજવાડી, મીનાકારી સોનાના બટન, એમના લગ્નની ચોલીના, જે પૂર્ણિમાને ખૂબ જ ગમતા હતા. પણ દાદીએ એના ઉપર ગરુડની નજર રાખી હતી.
"સોનુ એ સોનુ, કેટલું પણ જૂનું થાય, એની કિંમત વધે, ઘટે નહીં, સમજી ?"
"પણ તમે આ બે બટનનું શું કરશો ? વર્ષોથી આમ જ પડ્યા છે."
"મેં એને એક ખાસ કામ માટે સાચવ્યા છે. હવે તારાથી સંતાડીને રાખવા પડશે."
પૂર્ણિમા એ મોઢું બગાડ્યું, કબાટ બંધ કર્યો અને બટનની આશા છોડી દીધી.
એકાદ વર્ષ પછી દાદી પરલોક સિધાવી ગયા અને એના બે વર્ષ પછી પૂર્ણિમાના લગ્ન લેવાયા. ઘરચોળું પહેરી, પૂર્ણિમા અરીસા સામે તૈયાર થઈ રહી હતી, ત્યાં એની મમ્મીએ આવીને કહ્યું, "તારી દાદીની ઈચ્છા હતી કે ફેરા લેતી વખતે, તું આ બુટ્ટી કાનમાં પહેરે."
જ્યારે પૂર્ણિમાએ ડબ્બી ખોલી, તો આશ્ચર્યચકિત રહી ગઈ. આંસુ અને સ્મિત, બંને એક સાથે એના ચહેરા પર હાવી થઈ ગયા.
તો આ હતું દાદીનું ખાસ કામ. રજવાડી, મીનાકારી સોનાના બટનની બનેલી બુટ્ટી, દાદી તરફથી પૂર્ણિમાના લગ્નની ભેટ !
