નવો દુશ્મન
નવો દુશ્મન
શું આ એજ ડેલો છે ! જયાંથી બે વર્ષ પહેલાં ફૂલહાર, આરતી અને વાજતે ગાજતે મારી વિદાય થઈ હતી ! અમારા ગામનો હું પ્રથમ છોકરો છું, જે સિપાહી બની સરહદ પર દેશ માટે લડવા ગયો હતો. આજે એક જમાનાના ભરચક રહેતાં ડેલા પર સન્નાટો જોઈ મારુ દિલ દ્રવી ગયું.
સ્ટેશન ઉપર ટીસી એ મને વાકેફ કર્યો,
"ધીરજ, ગામમાં કર્ફયુ લાગેલું છે. સંભાળજે."
સાંભળ્યું હતું પણ સરહદ પર એની અસર નહોતી જોઈ. કોવિડ, કોરોના, લૉકડાઉન. જીવનના શબ્દકોશમાં જોડાયેલા નવા ભયાનક શબ્દો. આસપાસ નજર ફેરવી. થોડાઘણા લોકો દેખાય છે, પણ માસ્કમાં ઓળખાતા નથી. બસ આંખોમાં ડર અને ઉદાસી જોઉં છું. આજે દરેક વ્યક્તિ એક નવા દુશ્મન સાથે લડી રહ્યો છે, જેના માટે સિપાહી બનવાની જરૂર નથી.
ઘર તરફ પગ ઉપાડ્યો. મને આભાસ છે, કોઈ ગળે નહીં લાગે. મા મારી આરતી ઉતારશે, પણ ઉલ્લાસવાળી આવ ભગતની આશા રાખવી બેકાર છે. દેશવ્યાપી એ ઘણી ભાવનાઓનો નાશ કરી નાંખ્યો. મનને ચૌદ દિવસના ક્વોરૅન્ટીન માટે તૈયાર કર્યો અને દરવાજો ઠોક્યો.
