અતૂટ દોસ્તી
અતૂટ દોસ્તી
"કાશ જીવનમાં બસ એક આવો દોસ્ત મળી જાય, તો જિંદગી સફળ થઈ જાય.”
મને બંધ કરવાની સાથે સમરિધે ઠંડો શ્વાસ લીધો અને મને પોતાની બેગ માં મૂકી દીધી. એણે મનમાં વિચાર્યું,
“આજે લાયબ્રેરી જઈને આ પુસ્તક ફરી રિન્યુ કરાવી લાવીશ.”
તમે મૂંઝવણમાં મુકાઈ જાઓ એ પહેલા હું તમને મારો પરિચય આપી દઉં. હું એક પુસ્તક છું અને મારું નામ છે – “અતૂટ દોસ્તી”. મારા લેખકે મને વીસ વર્ષ પહેલાં રચી હતી અને હવે તો કદાચ તે પરલોક સિધાવી ગયા હશે. મને લખતી વખતે એને પણ નહીં ખબર હોય કે એની રચનાને, અટલે કે મને, અટલી વધારે પ્રસિદ્ધિ મળશે. આમ તો હું ફક્ત દોઢસો પાનાની પુસ્તક છું અને એક વાર્તાના રૂપમાં લખાણી છું. બે દોસ્તોની કથા છે. જન્મથી લઈને મરણ સુધી. એમનાં જીવનના ઉતાર ચડાવ, ગેરસમજ, ઝઘડા અને અતૂટ મિત્રતા.
મને પોતાને મારા ઉપર ઘણો ગર્વ છે, શા માટે ? તો આ સાંભળો. હું ફરતા રામ છું. મારા ઘરમાં ઓછો અને બીજાના ઘરમાં વધુ રહું છું. મારુ ઘર, અટલે કે લાયબ્રેરીની અભરાઈ. હજી તો માંડ મને એક જણ મૂકે, ત્યાં તરત બીજો ઝાપટ મારે. મને ક્યારેય મારા ઘરમાં સુખતી બેસવા જ ન આપે. પાછા અંદરોઅંદર બોલતા જાય,
“અરે મસ્ત બુક છે. મે બે વાર વાંચી છે. તમે પણ જરૂર એન્જોય કરશો.” તો તો સામેવાળો મને નીચે મૂકે જ શેનો ?
જેટલી વાર હું લાયબ્રેરીની બહાર ગયો છું, એટલી વાર જુદા જુદા લોકો મને ભટકાણા. કોઈ મને સાવચેતીથી રાખે અને મને વાંચતી વખતે પણ પ્રેમથી, કાળજી રાખીને વાચે. અને કોઈ બીજા એવા જેને મારી કાંઈ પડી નો હોય. જેમ તેમ ફેંકે, મારા પાના વાળી નાખે, કે પછી મારી અંદર લીટાં લિસોટા કરે. કેટલાકે તો મારી ઝેરોક્સ કોપી પણ બનાવી લીધી છે. મારા ઉપર એટલા હાથ ફરી ચુક્યા છે, કે લાયબ્રેરીના માલિકે મારું ત્રણ વાર બાઈન્ડિંગ કરાવવું પડ્યું. મને એક વાતનો અત્યંત સંતોષ અને આનંદ છે. મને ફક્ત લોકો એ વાંચી નથી, પણ ઘણાના જીવનમાં પરિવર્તન પણ આવ્યા છે. જેમાં થી, બે ઘટનાઓ એવી છે, જે હું ક્યારે નહીં ભૂલું.
એક છોકરી મને વાંચ્યા પછી આત્મહત્યા કરતા અટકી ગઈ હતી. એણે એની બહેનપણીને ગળે લગાવતા કહ્યું હતું,
“આ પુસ્તક માટે ખુબ ખુબ આભાર. તે મને નવું જીવન દાન આપ્યું.”
બીજી વખત એક છોકરાએ મને વાંચ્યા પછી એના વર્ષોથી અબોલા રાખેલા મિત્રને ફોન કરીને કહ્યું,
“કેમ છે યાર ? ચાલને બધું પાછલુ ભૂલીને નવી શરૂઆત કરીએ.”
આ લાયબ્રેરીમાં મને ઘણા વર્ષ થઈ ગયા, કેટલા ? એ તો મને પણ યાદ નથી. લાયબ્રેરીની બીજી પુસ્તકો, મારા બીજા મિત્રો મને ખુબ મિસ કરે અને ઘણી વાર કટાક્ષમાં મશ્કરી કરે,
“હાં બાપા, તું તો ઘણો મોંઘો. તારી સાથે વાત કરવા માટે એપોઇન્ટમેન્ટ લેવી પડશે.”
મારા અવચેતનમાં એક આભાસ છે કે હવે મારો અંતિમ સમય આવી ગયો છે. હવે મારી હાલત એટલી ખરાબ છે કે બાઈડીંગ પણ થાય એમ નથી. બસ થોડા દિવસમાં હું કોઈક ભંગાર વાળાના થેલામાં મળીશ.