STORYMIRROR

SHAMIM MERCHANT

Inspirational Children

4  

SHAMIM MERCHANT

Inspirational Children

એક બાળકનો વિશ્વાસ

એક બાળકનો વિશ્વાસ

5 mins
393

ઝાંખા પ્રકાશની ચમક સાથે, મોહિતના રૂમમાંથી એક હળવો અવાજ આવી રહ્યો હતો, જાણે ટાયર ઘસાઈ રહ્યા હોય અને કાર એકબીજા સાથે અથડાઈ રહી હોય. જગમાં પાણી ભરવા કિચનમાં જતી વખતે, મેઘાની નજર હોલમાં પૂર્વજોની ઊંચી લોલક ઘડિયાળ ઉપર પડી. તેના અંક અડધી રાતના ૨.૦૦ વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. આ નિશાચર કલાકે તેનો તેર વર્ષનો પુત્ર શું કરી રહ્યો હતો ? તરસ ભૂલી જતા, મેઘા ધીમેથી તેના પુત્રના રૂમમાં દાખલ થઈ.

ટેબલ લેમ્પના પ્રકાશમાં તેનો ચહેરો દેખાયો, તે ટેન્શનમાં લાગી રહ્યો હતો. તેણે રિમોટ કન્ટ્રોલ ટાઈટ પકડી રાખ્યો હતો અને સંપૂર્ણ ધ્યાન મોનિટર પર હતું. એક ઊંડો નિસાસો ભરતા મેઘાએ આંખો ફેરવી અને સોકેટમાંથી પ્લગ કાઢી નાખ્યો. સ્ક્રીન પર અચાનક અંધારું જોઈને, મોહિતના મોઢેથી પ્રાણીની જેમ એક ઘોંઘાટી ગર્જના ફાટી નીકળી અને તેણે જોયસ્ટિક્ ફેંકી દીધી. એકાએક તેને રૂમમાં તેની મમ્મીની હાજરીનો અહેસાસ થયો. તરત જ તેનો ગુસ્સો ભય અને દોષમાં પરિવર્તિત થઈ ગયો. મેઘાએ તેના પુત્ર સામે આંખ કાઢી. "આ વિશે આપણે સવારે વાત કરીશું." રિમોટ કંટ્રોલ પોતાની સાથે લઈ, તે રૂમની બહાર નીકળી ગઈ.

તેનો પતિ ક્રુઝ પર કામ કરતો હતો અને વર્ષમાં માત્ર એક જ વાર આવી શકતો. મેઘા ​​તેની વૃદ્ધ સાસુ સાથે રહેતી હતી અને તેમના પુત્રને એકલા હાથે ઉછેરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી હતી. નવું એકસ બોક્સ મોહિતને તેની તાજેતરની મુલાકાત વખતે તેના પિતાએ આપેલી ભેટ હતી. પરંતુ તે એક વળગાડમાં પરિવર્તિત થઈ રહ્યું હતું, જેના લીધે મોહિતની રુચિ અને ધ્યાન ભણતર અને અન્ય પ્રવૃત્તિઓમાંથી ભટકાઈ રહ્યું હતું અને મેઘાને આ વાત બિલકુલ અસ્વીકાર્ય હતી.

નાસ્તો કર્યા પછી મેઘાએ તેને ડાઈનિંગ ટેબલ પર બેસાડ્યો અને મોહિતને ખાતરી હતી કે મમ્મીનું પ્રવચન તેના પર સુનામીની જેમ ત્રાટકશે. તેની દાદી પાર્વતી પણ ત્યાં હતી અને તેને બમણો ઠપકો મળવાનો ભય હતો.

“મોહિત, આ વિડિયો ગેમએ તને ઘેલો કરી નાખ્યો છે. તું પહેલા કેટલો અભ્યાસી હતો અને હવે જો.”

“મમ્મી, ગઈ કાલ માટે સોરી. પણ મારું વેકેશન ચાલી રહ્યું છે.”

"તેનો અર્થ એ નથી કે તું દિવસ-રાત રમત રમવામાં તારો બધો સમય નષ્ટ કરીશ."

મેઘાએ આ વિશે ઘણું વિચાર્યું હતું અને તે ઈચ્છતી હતી કે તેનો દીકરો પોતાનો સમય અન્ય બાબતોમાં રચનાત્મક રીતે ફાળવે, પરંતુ સ્વેચ્છાએ, જોર જબરદસ્તી સાથે નહીં. તેણે બોલવાનું શરૂ કર્યું, "હું ઈચ્છું છું કે તું આ રજાઓનો ઉપયોગ નવું કૌશલ્ય અથવા રમત શીખવામાં વાપરે, જેમ કે ગિટાર વગાડવું, અથવા સ્કેટિંગ, બેડમિન્ટન, જે તને ગમે, તારી પસંદગીનું."

કિશોર અવસ્થામાં જેમ કોઈપણ બાળકની પ્રતિક્રિયા હોય, એવી રીતે મોહિતે મોઢું બગાડ્યું અને પાર્વતીએ તેના ખભા પર હાથ મૂક્યો. “બેટા, તને નથી લાગતું કે મમ્મી તારા ફાયદા માટે કહે છે ?" મોહિતે ચૂપચાપ હામી ભરતા માથું હલાવ્યું.

તેના પુત્રને પ્રોત્સાહિત કરવા માટે, મેઘાએ એક પ્રેરક યોજના બનાવી હતી. "ઠીક છે, એક કામ કરીએ. જો આ બે મહિનામાં તું કોઈ ક્રેશ કોર્સ કરીશ અને વિડિયો ગેમને બિલકુલ હાથ નહીં લગાડીશ, તો જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે હું તને ૧૦૦૦/- રૂપિયા આપીશ. તેને તું જોઈએ તેમ તારી મરજીથી વાપરજે."

મોહિત આશ્ચર્યચકિત થઈ ગયો. તેને કોઈ હાથખરચી પણ આપવામાં નહોતી આવતી, અને હવે ૧૦૦૦/- રૂપિયા ? ! તે તેની મમ્મી સામે શંકાસ્પદ રીતે તાકી રહ્યો. "શું તમે ગંભીર છો કે આ કોઈ પ્રકારની ચાલાકી છે, ફક્ત મને વિડીયો ગેમ્સથી દૂર રાખવા માટે ?"

મેઘાએ ઝડપથી જવાબ આપ્યો, "અલબત્ત હું ગંભીર છું."

તે એક મોટી રકમ હતી અને મોહિતનો આ તકને અવગણવાનો કોઈ ઈરાદો નહોતો. તેણે હમણાંથી જ મનોમન સૂચિ બનાવવાનું શરૂ કર્યું કે તે રોકડ ઈનામ કેવી રીતે ખર્ચ કરશે. 

મોહિતે કહ્યું, “અતિ ઉત્તમ ! હું ઘણા સમયથી 3D એનિમેશન શીખવા માંગુ છું. દિવસ દરમિયાન હું તે કરીશ અને સાંજે મારા મિત્ર વિહાન સાથે સ્કેટિંગ ક્લાસ માટે જઈશ.” 

તેણે વધુ ઉત્સાહથી કહ્યું, "અને મમ્મી તમે મને જૂનના પહેલા અઠવાડિયામાં ૧૦૦૦/- રૂપિયા આપશો, બરાબર ?"

“બરાબર. પણ... વિડીયો ગેમ્સ ઝીરો, સમજ્યો ?"

"પ્રોમિસ ! થેંક યું મમ્મી." મોહિત ખુશીની સાથે ઉછળી પડ્યો અને પૂછપરછ કરવા માટે બહારે જતો રહ્યો.

મેઘાએ રાહતનો શ્વાસ લીધો અને સાસુની બાજુની ખુરશી પર બેસી ગઈ. આ ઉચ્ચારણથી પાર્વતી અચંબિત થઈ ગઈ હતી, જો કે તેણે તેના પૌત્રની સામે મૌન રહેવાનું પસંદ કર્યું. તેમ છતાં, તેના ગયા પછી, તે પુત્રવધૂ તરફ ફરી અને ધીમેથી પૂછ્યું, “મેઘા, આપણે મોહિતને કોઈ પરચૂરણ પૈસા પણ નથી આપતા, પરંતુ તે એને ૧૦૦૦/- રૂપિયા આપવાનું વચન આપી દીધું. તને ખબર છે ને કે તું શું કરી રહી છે ?"

મીંઢું સ્મિત કરતાં, મેઘાએ પાર્વતીનો હાથ થપથપાવ્યો. "મમ્મી, ચિંતા ન કરો. તે ફકત એક કાલ્પનિક ઉડાન હતી, તેથી મોહિત આ નવા વ્યસનથી છૂટકારો મેળવી શકે. તમને લાગે છે કે હું ખરેખર તેને આટલા પૈસા આપીશ ?"

આ સાંભળીને પાર્વતી સ્તબ્ધ થઈ ગઈ. તેને માનવામાં નહોતું આવતું કે તેની પુત્રવધૂ તેના દીકરાને મૂર્ખ બનાવી રહી હતી. મેઘાએ ટેબલ સાફ કર્યું અને કિચનમાં જવા ઊભી થઈ, ત્યારે પાર્વતીએ તેનો હાથ પકડીને બેસવા કહ્યું. તેની આંખોમાં મૂંઝવણ જોઈને પાર્વતીએ કહ્યું, "બેસ. મારે તારી સાથે વાત કરવી છે."

મેઘા બેસી ગઈ અને પાર્વતીએ તેની પુત્રવધૂને એક અતિશય જરૂરી સલાહ આપી. તેણે શાંતિથી શરૂ કર્યું, "મેઘા, બાળક નાનું હોય છે, ત્યારે રમાડતી વખતે જ્યારે આપણે એને હવામાં ઉછાળીએ તો એ હસે છે. શાં માટે ? કારણ કે તે તમારા પર વિશ્વાસ કરે છે. તેને વિશ્વાસ છે કે તમે તેને પકડી લેશો."

પાર્વતીએ મેઘાનો હાથ પોતાના હાથમાં લીધો અને આગળ કહ્યું, "બાળકોના મોટા થયા પછી પણ માતા-પિતાએ એ જ પ્રકારનો વિશ્વાસ જાળવી રાખવો જોઈએ."

મેઘા હજુ આ માહિતીને પચાવવાનો પ્રયાસ કરે, ત્યાં પાર્વતીએ તેને બીજી મહત્વની સલાહ આપી, "જો હમણા તું આપણા પુત્ર પ્રત્યેની તારી પ્રતિબદ્ધતા પૂરી કરવામાં નિષ્ફળ થઈશ, તો બે ગંભીર નુકસાન થશે. એક, તૂટેલા વિશ્વાસથી તારા દીકરા સાથેના સંબંધમાં પણ તિરાડ પડશે. આ ઉપરાંત, તારી ક્રિયા મોહિતને પણ શીખવશે કે વચન તોડવું કોઈ મોટી વાત નથી. એને એ બાબત ઠીક લાગવા મંડશે. બાળકો આપણા ભાષણથી એટલું નથી શીખતા જેટલું તેઓ આપણને અવલોકન કરીને શીખે છે."

સાસુમાના સમજદારીના શબ્દોએ મેઘાને સ્તબ્ધ કરી દીધી. જો કે તે એક પરિપક્વ સ્ત્રી અને સારી મા હતી, પરંતુ આ નવલ અનુભૂતિ તેના પર સખત અસર કરી ગઈ. એક મોટી ભૂલ કરતા બચાવવા માટે તેણે પાર્વતીનો ખૂબ આભાર માન્યો.

મોહિત માટે ઉનાળાનું વેકેશન અત્યંત ફળદાયી સાબિત થયું. તેણે ન ફકત વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં કોચિંગ મેળવી, પરંતુ કેટલાક નવા મિત્રો પણ બનાવ્યા. તેની સાથે મક્કમ રહેવા અને તેના સમયનો ઉત્પાદક રીતે ઉપયોગ કરવા માટે તે તેની મમ્મીનો આભારી રહ્યો.

"તો બોલો મોહિત સાહેબ, તમે ઈનામની રકમનું શું કરવાનું નક્કી કર્યું છે ?"

મોહિત તેના જવાબ સાથે તૈયાર હતો અને ઉત્સુકતાથી બોલ્યો, "મારે મારું પોતાનું બેંક ખાતું ખોલાવવું છે."

તેનો જવાબ સાંભળીને ઘરની મહિલાઓ ખૂબ ખુશ થઈ. મેઘાએ દીકરાને ગળે લગાડ્યો અને તેની સ્માર્ટનેસ માટે તેની પ્રશંસા કરી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational