ખૂની કોણ
ખૂની કોણ
પોલીસ સ્ટેશનની ફોનની રિંગ વાગી. એક ઘડીની નવરાશ નહીં મળતી હોવાથી, કમને પોલીસ ઈન્સ્પેકટર પટેલ સાહેબે ફોન ઉપાડ્યો.
"શું છે ?"
"મેઘદૂત બંગલામાંથી હું રવજી બોલું છું. સાહેબ, અહીં એક ખૂન થઈ ગયું છે; તમે જલ્દી આવો."
"હું ત્યાં આવવા નીકળું છું. તમે લોકો ક્યાંય આઘાપાછા ન થતા, કે ત્યાંની કોઈ પણ ચીજને હાથ ન લગાડતા."
પટેલ સાહેબ ડોક્ટર, ફોટોગ્રાફર અને ફોરેન્સિક ટીમને લઈને મેઘદૂત બંગલે પહોંચ્યા, રૂમનું નિરીક્ષણ કર્યું. ફોટોગ્રાફર ફોટા પાડવા લાગ્યો. કૌશિકની છાતીમાં ચાર ઈંચનું તીર ઘૂસી ગયું હતું. પ્રથમ નજરે એ કૌશિકનું ખૂન હતું. તીર બહારથી આવ્યું હોય એવું પરિસ્થિતિનાં નિરીક્ષણ ઉપરથી લાગતું હતું. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીઘી. ફોરેન્સિક અને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી ખૂન કેવી રીતે થયું એ જાણી ન શકાય.
પટેલ સાહેબે કૌશિકનાં ચારેય મિત્રોને બોલાવ્યા; "તમારો કાંઈ પણ છૂપાવ્યા વગર, વિગતથી પરિચય આપો."
"હું, રમેશ, મારે હોલસેલ ગારમેન્ટનો મોલ છે."
"હું, અરજણ, મારે મેડિકલ સ્ટોર છે."
"હું, વિક્રમ, મારે બધા જ પ્રકારનાં ખાદ્યતેલની હોલસેલ દુકાન છે."
"હું, દિપક, મારે ઈલેક્ટ્રોનિક્સ રમકડાંની દુકાન છે."
"તમે ચારેય કૌશિકને ક્યારથી ઓળખો છો ? કૌશિકને કોઈની સાથે પ્રેમ, લફરૂ એવું કાંઈ હતું ? એક જ છોકરીને તમારામાંથી કોઈ અને કૌશિક પ્રેમ કરતા હો અને કૌશિકને રસ્તામાંથી હટાવવાનું ષડયંત્ર રચ્યું હોય; જે હોય તે જલ્દી બોલો. કાંઈ છૂપાવશો તો પાછળથી પસ્તાવું પડશે."
રમેશે કહ્યું, "સાહેબ અમે પાંચેય સ્કૂલથી મિત્રો છીએ, કૌશિક સીધો અને સરળ હતો. તેને કોઈની સાથે શુંં પ્રેમ થાય ? બહુ શરમાળ હતો. અમારા વચ્ચે કોઈ છોકરી હતી જ નહીં. અમે અમારામાં મસ્ત રહેતા હતા."
"ઠીક છે, ઠીક છે, તમે ચારેય તમારા પુરા નામ, સરનામા, નંબર લખાવી દો. તમારું લેખિત સ્ટેટમેન્ટ આપી દો. પોલીસની રજા સિવાય શહેર છોડશો નહીં. પોલીસ થાણે બોલાવું ત્યારે આવી જજો. નહીંતર આ દંડો તમારો સગો નહીં થાય."
પટેલ સાહેબ પાસે ફોરેન્સીક રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયા. રિપોર્ટ વાંચી પટેલ સાહેબ ચક્રાવે ચડી ગયા. ફોરેન્સિક રિપોર્ટ પ્રમાણે ઘરમાં બધેજ; ઘરનાં અને ચારેય મિત્રોનાં આંગળાની છાપ હતી. બહારના કોઈની છાપ નહોતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે કૌશિકને લગભગ દસેક ફૂટનાં અંતરેથી કાતિલ ઝેર વાળુ તીર મારવામાં આવ્યું હતું, જેથી તીર વાગે પછી કૌશિકનું મૃત્યુ તુરત જ થઈ જાય. પાંચેય મિત્રોની કોલ વિગત તપાસવામાં આવી. તેમાંથી પણ કાંઈ વિગત કે દિશા ન મળી. પટેલ સાહેબ વિચારમાં પડી ગયા. કેસ ઈન્ટરેસ્ટિંગ અને પેચીદો છે.
પટેલ સાહેબ મેઘદૂતમાં પાડેલા ફોટાનો અભ્યાસ કરતા હતા. સહસા તેમની નજર એક ફોટો ઉપર અટકી ગઈ. પટેલ સાહેબને કૌશિક બેઠો હતો તેની સામેની દીવાલમાં છિદ્ર જેવું ફોટામાં દેખાણું. જે બરોબર કૌશિક બેઠો હતો તેની સામેની દીવાલમાં હતું. કૌશિકનો ખૂન કેસનો ઉકેલનો રસ્તો મળી જતો લાગ્યો.
પટેલ સાહેબને ફોટામાંથી મળેલ છિદ્ર શેનું હશે.... ?
પટેલ સાહેબ બધા ફોટા લઈને પહોંચ્યા કૌશિકનાં ઘરે. ચારેય મિત્રોને પણ બોલાવી લીધા હતા. ઘરનાં સદસ્યને દીવાનખંડમાં એકઠા કર્યા.
"તમને લોકોને કોઈ ઉપર શક લાગે છે ? કારણ કે બનાવ જે બન્યો તેમાં મને ઘરનું કોઈ સંડોવાયેલું હોય એવું લાગે છે. હું માનું છું કે તમે મારાથી કાંઈ છૂપાવશો નહીં."
ઘરનાં બધાંએ અને ચારેય મિત્રોએ કહ્યું, "અમને સમજાતું નથી કે આ કેવી રીતે થયું, કોઈને ખબર કેવી રીતે પડી કે કૌશિક આ કૅમ્ફર્ટેબલ ચેરમાં બેસે છે, એ તેની પ્રિય જગ્યા છે."
"હું, એટલે જ કહું છું કે ઘરની અંદરની વ્યક્તિનું આ કારસ્તાન છે. હું મારી રીતે તપાસી ગુનેગારને શોધી કાઢીશ. છતાં તમને કાંઈ એવી બાબત યાદ આવે કે જે કૌશિકને સ્પર્શતી હોય તો ચોક્કસ મારો સંપર્ક કરજો."
પટેલ સાહેબ ઊભા થયા અને જે દિશામાંથી તીર આવ્યું હતું તે જગ્યા તપાસવાની શરૂ કરી. તેમના આશ્ચર્ય સાથે એક દીવાલમાં અડધા ઈંચનું ઊંડું છિદ્ર શોધી કાઢ્યું જે બરોબર કૌશિક જે ખુરશી ઉપર બેઠો હતો તેની સામે હતું. છિદ્ર અંદર ઊંડું હોય એવું લાગતું હતું. અંદર શુંં હશે ? એ દેખાતું કે સમજાતું નહોતું. પટેલ સાહેબે ખાલી સળી અંદર નાખી તો ચારેક ઈંચ જેવી અંદર ગઈ. છિદ્ર ખાલી હતું.
પટેલ સાહેબે ઘરનાને પૂછ્યું, "આ છિદ્ર શાના માટે પાડ્યું છે ?" ઘરના સ્તબ્ધ થઈ ગયા. તે લોકોએ પણ આજે જ એ છિદ્ર જોયું હતું.
ઘરનાં પાસે છિદ્ર વિશે માહિતી નહોતી. એનો અર્થ એ થયો કે, આ કામ કોઈ એવી વ્યક્તિનું છે; જેને ઘરનાં બધા સદસ્ય સાથે ઘર જેવો સંબંધ છે અને આવરો જાવરો છે. પટેલ સાહેબનું મગજ કામે લાગી ગયું. ધૂંધળી છબી ગુનેગારની દેખાવા લાગી હતી.
પટેલ સાહેબે પહેલા રમેશને પોલીસ સ્ટેશને બોલાવ્યો. "રમેશ મારે એટલું જ જાણવું છે કે તમે અભ્યાસ કરતા હતા ત્યારે કોઈ છોકરી તને પણ ગમતી હોય અને કૌશિકને પણ ગમતી હોય, બીજા મિત્રોને ખબર ન પડે તેમ મળતા હો. અંતે તેં કૌશિકને વચ્ચેથી હટાવવા માટે કાવતરું કર્યું હોય; જે હકીકત હોય એ મને કહે."
"સાહેબ એક રજની નામની છોકરી હતી તે કૌશિક અને વિક્રમ બંનેને ગમતી હતી. રજની આ બે માંથી કોઈને દાણા નહોતી નાખતી. કૌશિક પ્રત્યે તેનો અહોભાવ અને સોફ્ટ કોર્નર હતો, બસ એટલું જ. બાકી કૌશિક પ્રત્યે પ્રેમ હોય એવું નહોતું લાગતું. સાહેબ આ વાતને તો ઘણો સમય થઈ ગયો. મને નથી લાગતું કે કૌશિકનું ખૂન રજની માટે થયું હોય બસ આથી વિશેષ મને કાઈ ખબર નથી."
પટેલ સાહેબે એક પછી એક કરી અરજણ, દિપકને બોલાવ્યા. રમેશ સાથે જે વાત કરી હતી તે જ વાત અરજણ, દિપકને પૂછી. બંને રમેશ જેમ વિશેષ કાઈ જાણતા નહોતા. હવે વિક્રમનો વારો હતો. પટેલ સાહેબ ખુશ હતા કે ખૂની સુધી લગભગ પહોંચી ગયો છું. "રમેશ, અરજણ અને દિપકે ઘણું, ઘણું કહી દીધું છે, હવે વિક્રમ તારો વારો છે."
"બોલ વિક્રમ તારે શુંં કહેવાનું છે ?"
"મારે, મારે તો કાંઈજ નથી કહેવાનું અરજણ, રમેશ અને દિપકે કહ્યું એ સાચું."
"એ બંને એ એમ કહ્યું કે તું અને કૌશિક; એક તમારી સાથે અભ્યાસ કરતી રજનીનાં પ્રેમમાં હતા."
"ખોટી વાત, કૌશિકને રજની પ્રત્યે એક તરફી પ્રેમ હતો. આ વાત મારી અને કૌશિક સિવાય કોઈ જાણતું નહોતું. કૌશિકે મને કોઈને વાત નહીં કરવાનું મારી પાસેથી વચન લીધું હતું."
"બસ મારે આ જ જાણવું હતું કે કૌશિકનાં ખૂન પાછળ પ્રેમિકા કારણભૂત છે. મેં મારી રીતે માહિતી મેળવી લીધી છે. મારે તારી પાસેથી પુરી વિગત જાણવી છે. તો હવે ફટાફટ તું બોલવા માંડ જેથી મારે દંડાનો ઉપયોગ કરવો ન પડે."
"તો સાંભળો, રમેશ પણ રજનીને પ્રેમ કરતો હતો. રમેશે એક દિવસ રજનીનો સંપર્ક કર્યો. પોતાનો પ્રેમ પ્રદર્શિત કરી કૌશિક સાથે સંબંધ નહીં રાખવાનું દબાણ કર્યું. રજની એ બહુ સમજાવ્યો કે તેને કોઈ સાથે પ્રેમ નથી કે, મિત્રતા નથી. તમે લોકો ખોટા ભ્રમમાં છો. છતાં રમેશે વાત ચાલુ રાખતા રજની એ રમેશને લાફો ચોડી દીધો હતો. અને ચાલી ગઈ હતી. પછી રમેશ, રજનીને મળ્યો કે નહીં એ મને ખબર નથી."
"વિક્રમ, તારે રિમોટથી ચાલતા ઈલેક્ટ્રોનિક્સ રમકડાંની દુકાન છે. રમેશે ક્યારેય એવું જાણવા માગ્યું છે કે, આ રિમોટ કેવી રીતે કામ કરે છે. રમેશને ખબર છે તને રિમોટની ટેકનોલોજી અને રિમોટ કેવી રીતે વર્ક કરે છે તેની જાણકારી છે."
"પટેલ સાહેબ તમને રમેશ ઉપર શક છે ?"
"મને તો તમારા બધા ઉપર શક છે. ખુદ કૌશિક ઉપર પણ શક છે. અમારું કામ જ આ છે."
પટેલ સાહેબ વિચારમાં પડી ગયા કે મામલો છે પ્રેમનો પણ કોણ પ્રેમીએ આ કામ કર્યું એ પકડાતું નથી. વળી પાંચેય મિત્રોની કૉલ ડિટેઈલ્સમાં પણ કંઈ સુરાગ મળતો નથી. ખૂની ચાલક છે. કોઈ સુરાગ મળે એવું રહેવા નથી દીધું. કામ ખુબ જ વિચાર માંગી લે એવું છે. ફરીથી બધા પાસા તપાસી જવા પડશે. દીવાલમાં છિદ્ર અને તે પણ અડધા ઈંચ જેટલું પહોળું, પાછું છિદ્ર તો ખાલી છે. રિમોટનું સેન્સર કેવી રીતે કામ કરે છે એ જાણવું પડશે, તો જ છિદ્રનું રહસ્ય સમજાશે.
ઈન્સ્પેક્ટર પટેલ સાહેબને ચારેય મિત્રો સાથે વાત કર્યા પછી એમ લાગ્યું કે, આ લોકો સાથેની વાતથી કોઈ દિશા મળી નહીં. વાત કંઈક જુદા પ્રકારની લાગે છે. એમ લાગે છે કે રજની પાસેથી કંઈક સુરાગ મળે, રજનીનો પતો મેળવવો પડશે.
"રજની, મારે તને થોડા પ્રશ્નો કૌશિકનાં ખૂનનાં અનુસંધાને પૂછવા છે."
"પૂછો, પટેલ સાહેબ. હું જે કંઈ જાણતી હોઈશ એ તમને કહીશ."
"રજની તારી સાથે કૌશિક, રમેશ, દિપક, અરજણ અને વિક્રમ અભ્યાસ કરતા હતા. આ પાંચમાંથી તું કોને ચાહતી હતી કે પ્રેમ કરતી હતી ?"
"સાહેબ, હું પાંચેયમાંથી કોઈને ચાહતી કે પ્રેમ કરતી નહોતી. કૌશિકને મારા પ્રત્યે ખૂબ પ્રેમ હતો. મારી સાથે લગ્ન કરવા આતુર હતો. પણ મને તેના પ્રત્યે સહાધ્યાયી સિવાય કોઈ લાગણી નહોતી. પંદર દિવસ પહેલા મને મળવા આવ્યો હતો. તેણે ખૂબ કાકલૂદી કરી. મેં તેને ધૂતકારીને કાઢી મુક્યો હતો......... મને ખબર પડી કે તેનું ખૂન થઈ ગયું છે. ત્યારે દુઃખ પણ થયું ને આશ્ચર્ય પણ થયું કે કોઈ તેનું ખૂન શુંં કામ કરે. બસ આટલી જ વાત છે."
"તે કૌશિક જેવા સારા છોકરાનો પ્રેમ શુંં કામ ઠુકરાવ્યો ?"
"હું બીજી વ્યક્તિને પ્રેમ કરું છું. પંદર દિવસ પછી અમારા લગ્ન થવાના છે. આ વાત મેં કૌશિકને પણ કરી હતી."
પટેલ સાહેબે કૌશિકનાં બંગલાનાં દીવાનખંડમાં ચારેય મિત્રો અને ફેમિલી મેમ્બર્સને ભેગા કર્યા.
"આજે હું તમને કૌશિકનો ખૂની શોધી આપવાનો છું. એ પહેલાં એક તક આપું છું કે; હું નામ આપું તે પહેલાં, જેણે કૌશિકનું ખૂન કર્યું છે, તે ગુનો કબૂલી લેશે તો ઓછામાં ઓછી સજા થાય તેનું હું ધ્યાન રાખીશ."
દીવાનખંડમાં સોપો પડી ગયો. બધાં એક બીજાની સામે જોતા હતા. બધાંજ દ્વિધામાં હતા કે કોણ હશે ? પટેલ સાહેબે ઓછામાં ઓછી સજા થાય તે ધ્યાન રાખશે તેમ કહ્યું, છતાં કોઈ બોલતું નથી.
"તો, સાંભળો કૌશિકનું ખૂન..." બધાં ટેંશનમાં આવી ગયા.... "કૌશિકે પોતેજ કર્યું છે. સામે જે છિદ્ર દેખાય છે તેને આજુબાજુથી ખોદો એટલે એક રિમોટથી ચાલતી ડિવાઈસ મળશે."
પટેલ સાહેબનાં કહેવા પ્રમાણે ખોદતાં સેન્સર સાથે જોડાયેલી સ્પ્રિંગવાળું ડિવાઈસ મળ્યું. જેના આગળનાં ભાગમાં ગ્રીપ હતી, ગ્રીપ પાછળ સ્ટ્રોંગ સ્પ્રિંગ હતી, તેની પાછળ ગ્રીપને ઓપરેટ કરતી રિમોટ કંટ્રોલિંગ ડિવાઈસ હતી. બધાં જ આશ્ચર્ય પામી ગયા.
વિક્રમે પૂછ્યું : "પટેલ સાહેબ, આ ડિવાઈસને કૌશિકનાં ખૂન સાથે શુંં સંબંધ છે ?"
"વિક્રમ તું ભૂલી ગયો કે; રમેશે જ્યારે તને રિમોટ કંટ્રોલથી ચાલતા રમકડામાં રિમોટ કેવી રીતે કામ કરે છે, એ જાણવાની વાત કરી અને જ્યારે તેં રિમોટ, સેન્સર કેવી રીતે કામ કરે છે એ વાતની ચર્ચા કરી; ત્યારે, રમેશ સાથે કૌશિક પણ ત્યાં હતો."
"હા, સાહેબ યાદ આવ્યું. ત્યારે કૌશિકે એમ પણ પૂછ્યું હતું કે, રિમોટની રેન્જ કેટલી હોય છે ?"
કૌશિકની રજની સાથેની મૂલાકાત, રજની દ્વારા ઘોર અપમાન અને તિરસ્કૃત થયા પછી કૌશિકને જીવન જીવવાનો મોહ ઊડી ગયો હતો. તારી પાસેથી જાણકારી મળ્યા પછી તેને આવી ડિવાઈસ બનાવવાનો વિચાર આવ્યો. આ બાબતનું જ્ઞાન ધરાવતો ટેક્નિકલ હેન્ડ અને ઝેર મેળવી લીધું. પછી દીવાલમાં છિદ્ર પડાવી, ઝેર વાળા તીરને ગ્રીપમાં ભરાવી, ડિવાઈસને દીવાલનાં છિદ્રમાં ગોઠવી દીધી. કૌશિક તમને બધાંને બહુ પ્રેમ કરતો હતો એટલે નક્કી કર્યું; ચારેય મિત્રોની હાજરીમાં દુનિયા છોડી દેવી.
"એટલે જ કૌશિકે અમને બધાંને આગ્રહ કરી ચોક્કસ સમયે ભેગા થવાનું ગોઠવ્યું હતું."
"સાહેબ તમને ખબર કેવી રીતે પડી કે, આ યોજના કૌશિકની છે. બીજાની પણ સાઝીશ હોઈ શકે ?"
"દિપક તે યોગ્ય સવાલ પૂછ્યો."
"કૌશિકની લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ સાથે ડોકટરે આ પાવરફુલ રિમોટ મને આપ્યું હતું. એમ કહીને કે, આ રિમોટ કૌશિકની બંધ હથેળીમાં હતું. મેં આ રિમોટ કોણે કૌશિકને વેચ્યુ છે, તેની વિગતની તપાસ કરી તો કૌશિકની આખી યોજના સામે આવી ગઈ. અફસોસ એટલોજ છે કે એક આશાસ્પદ યુવાને પ્રેમભંગ થઈ પોતાની જિંદગી આપી દીધી."
હોલમાં સન્નાટા વચ્ચે ડુસકા સાથે આંસુઓનો ધોધ વહેતો હતો.....કોઈ...એક બીજાને આશ્વાસન આપી શકે એવી સ્થિતિમાં નહોતું.
વહેતી હવા પણ અટકી ગઈ હતી !
