ખુશીનું દવાખાનું - ૩
ખુશીનું દવાખાનું - ૩
રાજ તેને વાંચીને તેના ખાનામાં મૂકી દે છે અને ત્યાં જ દીપિકા પણ બધા દર્દીની તપાસ કરીને આવી જાય છે. એકદમ ઈસ્ત્રી કરેલ યુનિફોર્મ, હાથના કાંડા પર એક નાની અમથી ઘડિયાળ, ધારદાર આંખો, વાળ બાંધેલા અને એમાંથી એક લટ છૂટી પડેલી તેના કાન પાછળ, કાનમાં નાની બુટી અને હોઠ પર હંમેશાં રહેતી આછી એવી લિપસ્ટિક અને સાથે સાથે કોઈ ને પણ પીગળાવી દે તેવું કાતિલ સ્માઈલ.
"આ લ્યો આટલી વસ્તુ તમે લેતા આવો પેલાં, આપણે જલ્દીથી ખુશીને બાટલા ચડાવા પડશે." રાજ દીપિકાને એક ચિઠ્ઠી આપતા કહે છે.
"ડોકટર સાહેબ મારી દીકરીને શું થયું છે...?" વધુ ચિંતામાં આવતા લક્ષમણ પૂછે છે.
"જુવો લક્ષમણ ભાઈ ખુશને ડેન્ગ્યુ થઈ ગયો છે. હું મારી પૂરી કોશિશ કરીશ કારણ કે તેને ઘણા સમય થઈ ગયો છે. આ તાવ આવ્યો એને એટલે હું ખાસ કહી નહિ શકું. ભગવાન પર તમે ભરોસો રાખો." રાજ લક્ષમણને હિંમત આપતા કહે છે. ચાલો આપણે ખુશી પાસે જઈએ.
રાજ ત્યાં પહોંચે છે તે પહેલાં જ દીપિકા પહોંચી ગઇ હોય છે. ખુશી પણ ઉઠી ગઈ હતી. આંખો નાની એવી હતી એનું આખું શરીર ગરમ કોલસો લાગતું હતું, ઉભી થવાની પણ શક્તિ રહી ન હતી, એના નાના હાથમાં એક નાની ઢીંગલી હતી અને તે તેની સાથે રમી રહી હતી અને દીપિકા તેની સાથે વાતો કરી રહી હતી જેથી તેને બીક ના લાગે. રાજને આવતા જોઈ તે તેની નાની આંખોને ઉપર કરે છે અને તે નાનું એવું એક સ્મિત રાજ તરફ ફેંકે છે.
"ચાલ ખુશી હવે આ ઢીંગલીને અહીં તારી બાજુમાં સુવડાવી દે હો..." દીપિકા સ્મિત આપતા ખુશીને કહે છે.
"હા, પછી તમે મને ચોકલેટ આપશોને...?" એક મીઠા અવાજે ખુશી બોલે છે.
"હા આપીશ ચાલ સુઈ જા તો જ આપીશ." અને ફરી એક બીજી કોયલ બોલી ઉઠે છે.
રાજ પેલા તેને ચેક કરે છે એટલે ફરી ખુશી તેને નીરખી નીરખીને જોયા કરે છે રાજ તેના તરફ સ્મિત આપે છે, ત્યાં તો ખુશી તેના તરફ જીફ કાઢીને તેના મમ્મીના ખોળામાં માથું નાખી દે છે અને બધા હસી પડે છે.
"તમે બાટલો ચડાવી શકો છે " રાજ દીપિકાને કહે છે.
"ચાલ તો ખુશી તારો હાથ તો બતાવ મને કેટલા નાના નાના છે." દીપિકા તેનો હાથ પકડતાં બોલે છે.
ખુશી તેને હાથ આપે છે હજુ તે કંઈપણ વિચારે તે પહેલાં જ દીપિકા તેની નસ ગોતીને તેને સોય નાખી દે છે. આખા દવાખાનામાં ખુશીના રોવાનો અવાજ આવી રહ્યો હોય છે.
દીપિકા બાટલો ચડાવી દે છે અને બોલે છે, "જો જો ખુશી કંઈ નથી થયું કીડી બટકું ભરી ગઈ છે જો અને તારે ચોકલેટ જોઈએ છે ને !" ખુશી હીબકાં ભરતી ભરતી શાંત થાય છે અને દીપિકા તેને એક ચોકલેટ આપે છે.
"તમે કહેતા કેમ નય કે આપણી દીકરી ને શું થયું છે એને કોની નજર લાગી ગઈ છે કાય ખબર જ નથી પડતી." રમાબેન તેના પતિને પૂછે છે અને લક્ષમણ ઘણા ઊંડા વિચારોમાંથી બહાર આવે છે .
ક્રમશઃ
