માઇક્રોફિક્શન 1
માઇક્રોફિક્શન 1


રાજના મનમાં આજે બહુ મોટા વાવાઝોડા ઉમટી રહ્યા હતાં. કોઈ ચિંતામાં હતો. કોઈ ઊંડી વિચારણા કરી રહ્યો હોય એવું લાગતું હતું. કોફી પણ ઠરીને કોલ્ડ કોફી થવા આવી હતી. મથામણ કંઈક વધુ જ ચાલતી હતી કે એની આસપાસ શું થઈ રહ્યું છે એનું એને ધ્યાન પણ ન હતું. " હવે રાહ નથી જોવી, બહુ થઈ ગયું, આજે તો કહી જ દેવું છે. કેટલો સમય આમ ને આમ જ વાત રાખી મૂકીશ " મનમાં ને મનમાં બબડયો ને ત્યાં જ એની સામે એક છોકરી આવી ને પૂછ્યા વગર જ બેસી ગઈ. " જો રાજ તારે તો આવવું જ પડશે આ લે કંકોત્રી મારા લગ્નની, ને ખબર છે છોકરો ફોરેનર છે, બહુ જ હેન્ડસમ છે. " એ બોલી ને રાજ એને જોતો જ રહ્યો ત્યાં ફરી એ બોલી " આવીશને...? આમ કેમ જોવે છે તારે તો આવવું જ પડશે " ત્યાં તેણીની કોફી આવી ગઈ. રાજનાં પણ બધા જ વાવાઝોડાઓ વિખાઇ ને શાંત થઈ ગયાં.