ખુશી
ખુશી
ગોહિલવાડ પંથકમાં મહત્તમ પારામાં આંશિક ઉતાર-ચડાવ વચ્ચે ભાવનગર શહેરમાં તાપની આણ મહદ્અંશે યથાવત રહી હતી, આજે ભાવનગર ૪૪.૮૦ ડિગ્રીએ રાજ્યનું સર્વાધિક ગરમ મથક બનતાં આખોય વિસ્તાર તાપના તાંડવથી અકળાઈ ઊઠયો હતો. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પવનની વધેલી ગતિના કારણે રાત્રે પારો ગગડવાનો હતો. પરંતુ હાલ "લૂ" ઓકતા વાયરાએ ગરમીમાં કોઈ રાહત આપી નહોતી.
શહેર બહાર આવેલા મુક્તિધામનો બની બેઠેલો રખેવાળ "અરજણ ઠૂમમરીયો",તેની એંશી વરસની "માં, “ભૂરી”,તેની બાઈડી "નર્મદા" અને તેઓની દસ વરસ ની છોડી “ખુશી” સાથે સ્મશાનમાં આવેલા ભોલેનાથના મંદિરની પડાળીયે બોરડીના સૂકા ડાળાંથી બનાવેલ ખોરડામાં મોજથી રહેતો રહેતો.
માથે ચોમાસુ આવતું હતું, માટે અરજણ આજે સવારથીજ આવી કાળજાળ ગરમીમાં લાકડા કાપવા ગયેલો. અરજણને વધુ કાંઈ ખબર નહતી, પણ જ્યારથી સમજણો થયો ત્યારથી, તે અહીં ભોલેનાથના દરબારના શરણમાં હતો. અહી તેને વર્ષો વિતી ગયા હતા. ક્યારેક નવરાશના સમયે તેને પોતાના ઉપર ચીડ ચડતી, પણ તે શું કરે ? અરજણ ભણેલો હતો નહીં,પણ જિંદગીના આટાપાટાથી તે વાકેફ હતો. તે જાણતો હતો કે તે સમશાનનું રખોપું કરતો હતો, એટલે લોકો તેનાથી દૂર રહેતા, અને ખપ પૂરતી વાત કરી રસ્તો પકડતા. સ્મશાનમાં અંતિમક્રિયા માટે આવતા ડાઘુઓ દ્વારા મળતી રકમથી તેના કુટુંબનું ગુજરાન ચાલતું, ક્યારેક કોઈ મરણ ન હોય ત્યારે મુશ્કેલી પડતી .
આજે ખોરડાની બહાર ખાટ ઉપર ખાંસતી તેની માં “ભૂરી”, ધીમા અવાજે નિસાસો નાખતી, હે ભોલે આ પંદરમો દહાડો છે કોઈ મહાણે ફરક્યું નથી, જરા દયા તો કરો ! અમારો સંસાર કેમ હાલશે ?, ખોરડામાં અરજણની વહુ “નર્મદા” તેની દીકરી “ખુશી ”ના વાળ ઓળી અને સ્કૂલે મોકલવાની તૈયારી કરતી હતી....
"ખુશી "ને સ્કૂલે મજા આવતી, નવા રમકડાં અને પંખાવાળા રૂમમાં ગમતું. સ્કૂલની દુનિયા તેને અજાયબ લાગતી, બપોરે રિશેષમાં સ્કૂલનાં દરવાજાની બહાર નાસ્તાના ખૂમચા વાળો ઊભો રહેતો તે ભગવાન જેવો લાગતો, તેના ખૂમચાના નાસ્તા વિવિધતા ભર્યા ન હતા, સિંગ, ચણા,બાફેલા બટાટા,મસાલેદાર મઠ, જેવી નિર્દોષ વસ્તુઓ તે રિશેષ દરમ્યાન છાપાના ચોરસ કાપેલા કાગળમા આપતો. તેના મીઠું ચઢાવીને શેકેલા કડક ખારા ચણા એક સસ્તી અને સ્વાદિષ્ઠ વાનગી હતી, થોડાક પૈસામાં ખોબો ભરાઈ જતો, સુખી ક્યારેક આ ચણા ખાતી.
આજે,સ્કૂલની બહાર એક નવો નાસ્તાની લારી વાળો આવ્યો હતો, તેની લારીમાં ગરમા ગરમ જલેબી બનતી હતી. આજે સ્કૂલના છોકરાઓ તેને વીંટરાઈ ગયા હતા. ઘણા છોકરાઓના ઘેરથી તેમના વાલી-વડીલ તેડવા આવેલા, છોકરાઓની માંગ સંતોષાતી હોઈ જલેબીવાળા ને આજે તડાકો પડેલો હતો.
છોકરાઓના જુંડ માં “ખુશી ” ખભે દફ્તર રાખી તેના ક્લાસના વિદ્યાર્થીઓને જલેબીની લહેજત માણતા જોતી હતી, તેની પાસે જલેબીના પૈસા નહતા અને જલેબી ખાઈ રહેલાઓને ગરમાગરમ જલેબીનો રસાસ્વાદ માણતા જોઈ ને વાલી વર્ગ પ્રસન્ન થતો હતો..

“ખુશી ” મધ્યાન ભોજનમાં” જે કઈ મળતું તેનાથી તે ખુશ રહેતી. આજે મહિનાનો છેલ્લો દિવસ હતો અને સ્કૂલમાં વહેલી છૂટ્ટી મળી હતી અને સ્કૂલમાથી કઈ ખાવાનું મળેલું ન હતું, અને તેમાંય નવો નાસ્તાવારો જલેબી લઈ આવ્યો હતો અને આવી રસભરી જલેબી તેના ક્લાસના કેટલાકને ખાતા જોઈ તેના મોમાં પાણી આવતું હતું, કોઈ મને વિવેક ખાતર પણ આપશે, તેવી આશાથી એ તે થોડો સમય ત્યાં ઊભી રહી, પણ કોઈએ જલેબી આપી નહીં કે પૂછ્યું પણ નહીં, એટલે તે સીધી ઘેર દોડી આવી.
ઘેર આવતા જોયું તો તેની માં કપડાં સુકવતી હતી, તેણે દફ્તરનો ખોરડામાં ઘા કરી,સીધી તેની "માં" પાસે ગઈ, અને બોલી "માં" મને પચીસ પૈસા આપ.. "નર્મદા" એ સાભળ્યું ના સાભળ્યું કર્યું,, “ખુશી ”નો ગુસ્સો હવે આજે સાતમે આસમાને હતો, તે તેની દાદી “ભૂરી”બા પાસે પહોચી અને પૈસા માંગ્યા, "ભૂરી" બા બોલ્યા પૈસા મારી પાસે ક્યાંથી હોય દીકરા ?, તે તારી માં, કે તારા દાદુ પાસે હોય. પણ બેસ મારી પાસે. તારી "માં" ને કહું છું,તે તને જરૂર આપશે. અને "ભૂરી"બાએ, નર્મદાને બૂમ પડી બોલાવી. “ભૂરી”બા નો સાદ પડતાં, નર્મદા આવી, અને સુખીને તતડાવતા અવાજે પૂછ્યું,કેમ જોઈએ છે તારે પૈસા ?,
“ખુશી ”એ કહ્યું મારે જલેબી ખાવી છે "માં", "નર્મદા"એ નિસાસો નાખતા કહ્યું, ના દીકરી આપણાંથી જલેબી ના ખવાય, મારી પાસે પૈસા નથી, તું જોતી નથી કેટલાય દિવસથી કોઈ સ્મશાનમાં અંતિમક્રિયા માટે આવ્યું નથી. પછી કોઈ વાર તને પૈસા આપીશ. તું મારી સારી દીકરી છે, અને સારી દીકરી કદી આડાઈ ના કરે. ચલ આપણે ખાઈ લઈએ.
“ના”... માં મારે તો આજેજ જલેબી ખાવી છે. “નાની માસુમ દીકરીને આજે રીતસર ની આડાઈએ ચડેલી જોઈ, નર્મદાએ એક થપાટ ઠપકારી, “મા”નું આવું વરવું સ્વરૂપ જોઈ, તે હેબતાઈ ગઈ, અને દાદીને પડખે ભરાઈ ડૂશકા લેતી સૂઈ ગઈ...
મોડી સાંજે "અરજણ" લાકડાની લારી લઈને આવ્યો, સાથે કોઈના ઘેરથી સીધું આવેલું તે પહેલા "નર્મદા"ને આપ્યું, અને બોલ્યો.. એ હું આવ્યો.. આ લારી ખાલી કરી ને, "અરજણ" લારી ખાલી કરી હાથ પગ ધોઈ જમવા બેઠો, દરરોજના ક્રમ પ્રમાણે “તેની દીકરીને ન જોતાં તેણે નર્મદાને પૂછ્યું, હે "નરમદા" આપણી "ખુશી" ક્યાં ? તેણે જમી લીધુ?
ના "અરજણ" તારી લાડલીને તો આજે જલેબી ખાવી છે, બોલ હું ક્યાથી લાવું ? આ નિશાળવારા પણ ભારે કરે છે, નવા નવા નાસ્તાવારા ને ઊભા રાખવાજ ના જોઈયે.
ના "અરજણ" તે નથી જમી, તે બા ની પાસે છે. "અરજણ" ઊભો થયો, ખુશી તેને વહાલી હતી, તેને તે દુ:ખી જોઈ શકતો નહીં, "ખુશી,"ભૂરીબા" પાસે સૂતેલી હતી, તેને ઉઠાડીને લઈ આવ્યો. બોલ્યો ઉઠ દીકરી જો હું શું લાવ્યો છું ? "ખુશી" આજે જલેબીના મીઠા ગૂચળામાં ગૂંચવાયેલી હતી, તે આંખ ખોલતા બોલી, દાદુ, મને ખબર હતી, તું જલેબી લાવીશજ, મારા માટે, લાવ આજે બધ્ધી જલેબી હું જ ખાવાની છું.
અરજણ સમસમી ગયો, એક નજર ભોલેનાથ ઉપર નાખી, અને તરતજ તેના માથે હાથ ફેરવી બોલ્યો, “ખુશી ” આજે જલેબી વારો નીકળી ગયો છે, કાલે મારાથી પૈસા લેતી જજે અને તું જલેબી ખાજે ! ખુશીની ચકોર નજરે "અરજણ"ની વિવશતા છૂપી ના રહી, અને મુંગે મોઢે તેના દાદુ સાથે ખિચડી ખાવા બેસી ગઈ.
જમ્યા પછી અરજણ આખા દિવસનો થાક ઊતારતો આડો પડ્યો હતો અને નર્મદા પાણી ભરતી હતી ત્યારે ખુશી ભોલેનાથના દરબારે હાથ જોડી કોઈ પ્રાર્થના કરી રહી હતી.
કલાક એક પછી સ્મશાનના દરવાજે કઈ ચલપહલ થતી હોય તેમ લાગ્યું, અને તે જોતા "અરજણે" ઉપરણું ચડાવ્યું, અને જોયું તો ડાઘુઓ આવતા હતા......
બીજે દિવસે સાંજે ખુશી ઘેર આવી ત્યારે તેણે દફ્તરમાંથી જલેબીનું પડીકું કાઢી અને ખોલ્યું, અને તેણે બૂમ પાડી... એ... દાદુ ચાલ, જલ્દી આવ, ઓ માં ક્યાં છે તું ?, ઓ ભુરીબા જલ્દી થી આવો, હું જલેબી લાવી છું.
નાની ખુશી ને ખુશ થતાં,ભોલેનાથના દરબાર સામે જોતો "અરજણ, “ભાવનગરનો” છે...કે,,,,“ભાન"વગરનો” તેની ખબર "નર્મદા"ને નહતી પડતી.
