ખરેખર !
ખરેખર !


હમેશા વર્તમાનમાં જીવનારી સલોની આજે કેમ થોડી ઉદાસ જણાઈ. બાકી ઉદાસી તેની પાસે ફરકવાની હિમત ન કરતી. લગભગ ૨૦ વર્ષથી એક શાળામાં શિક્ષિકા હતી. ગણિત અને વિજ્ઞાન તેના ગમતા વિષયો. છેલ્લ પાંચ વર્ષથી શાળાના આચાર્ય તેને સમજાવી રહ્યા હતા.
‘સલોની જો તમે આચાર્યનું પદ સ્વિકારવા તૈયાર હો તો હવે મારે નિવૃત્ત થવું છે.' પહેલા પણ આ વાત આચાર્ય તેને કહી ચૂક્યા હતા. સલોનીને કેમ આચાર્ય પદ સ્વીકારી જવાબદારી વધારવાની કોઈ તમન્ના ન હતી. ભર જુવાનીમાં મુંબઈ જેવું શહેર છોડી વાપી આવીને વસી હતી. ડીગ્રી અને અનુભવ હતો એટલે શાળામાં નોકરી મળતા વાર ન લાગી.
મુંબઈની પેદાશ હોવાને કારણે તેની પ્રતિભા સામેવાળાને આંજવા માટે પૂરતી હતી. સલોની ચાલાક હતી. મુંબઈમાં લોકો શું વિચારશે તેની પરવા ન કરતી. નવું ગામ અને નવી નોકરી લોકોને વાત કરવાનો મોકો આપે તો તે સલોની ન કહેવાય. કામ પૂરતું બોલવાનુ. ઘર ખૂબ સુંદર લીધું હતું. સગવડ પણ બધી હતી. સાંજ પડ્યે બાગના હિંચકા પર બેસી ઝૂલે અને મણીમા ચા બનાવીને આપે તેની લિજ્જત માણે.
નવા ઘરમાં રહેવા આવ્યા પછીના અઠવાડિયે એક ડોશીમાએ બારણું ઠોક્યું હતું. સલોનીને ખબર પડી દીકરા વહુએ માને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. એણે બરાબર તેમની સાથે વાત કરી. પોતે એકલી હતી. આવા મા સમાન મણીમાને ઘરમાં રહેવા એક ઓરડી કાઢી આપી. સલોનીના પ્રેમાળ સ્વભાવને કારણે મણીમા તેને દીકરી જેટલું વહાલ કરતા. સલોનીને પણ મણીમાને કારણે ખૂબ નિરાંત થઈ.
મહિના પછી પગાર આપવા ગઈ તો, ‘બેટા મને દીકરી નથી. તું મારી દીકરી. મા, દીકરી પાસેથી પૈસા ન લે.' સલોનીને ખૂબ નવાઈ લાગી. મણીમા માટે બેંકમાં ખાતું ખોલાવ્યું. તેમના પૈસા જમા કરતી. જેમ સલોનીની નોકરી જૂની તેમ મણીમા પણ તેને ત્યાં વર્ષોથી રહેતા. સલોનીએ કપડાં અને વાસણ માટે એક છુટ્ટી બાઈ પણ રાખી લીધી હતી. મણીમા રસોઈ કરે અને કપડાંની ગડી કરે.
ઘરમાં માનું સ્થાન શોભાવતા. સલોનીના માતા નાની ઉમરમા વિદાય થતાં, અપરમાના રાજમાં મોટી થઈ હતી. મા, ખૂબ સારી હતી. સલોનીને હમેશા લાગે તેને અપરમા પોતાના બાળકો જેટલો પ્રેમ નથી કરતી. હવે આ વહેમની કોઈ દવા ન હતી. સલોનીને મણીમા મળવાથી એ ખોટ પૂરી પડી.
મણીમાના છોકરો અને વહુ પોતાની ભૂલ સમજાતા માફી માગવા આવ્યા. પાછા ફરવા ખૂબ સમજાવ્યા. મણીમા એકના બે ન થયા. તેમની કૂખે પણ દીકરી અવતરી ન હતી. બન્ને જણના ઓરતા પૂરા થયા. મણીમાની તબિયત જરા નરમ ગરમ થાય તો સલોની ઘર ગજવી મૂકે.
કુદરતને ત્યાં દેર છે અંધેર નથી.
સલોની વાપી કેમ આવી હતી એ મણીમા જાણતા ન હતા. એક વખત પ્રયાસ આદર્યો પણ સલોની તેમના ખોળામાં માથુ મૂકી રડી પડી. મણીમા તેને દુઃખી જોઈ ન શક્યા અને વાત પડતી મૂકી. કદી ફરી એ વાત છેડી નહી. બન્ને જણાનું જીવન એકધારું ચાલતું હતું.
કોણ જાણે કેમ આજે સવારથી સલોની ઘરમાં આંટા મારતી હતી. તેના મુખ પર ચિંતાની વાદળી મણીમાએ જોઈ પણ કશું પૂછવાની હિમત જતાવી ન શક્યા. સાંજે નોકરી પરથી આવી ને ખાવું નથી કહી પલંગ પર લંબાવ્યું.
રાતના ૯ વાગે ઉઠી,’મણીમા ભૂખ લાગી છે, આજે રાતના શું બનાવ્યું હતું’? ગરમ, તાજી મેથીની ભાજીના મુઠિયા બનાવ્યા છે. દુધ સાથે લાવું, ખાઈશ બેટા’? ‘હા,મા કકડીને ભૂખ લાગી છે.' મણીમા ગરમ દુધ અને મુઠિયા લઈને આ્વ્યા . થોડું ખાવાનું પેટમાં ગયા પછી સલોની પોતાની મેળે બોલી, ‘મા આજે મારા પતિ વીસ વર્ષ પછી મને તેડવા આવ્યા.'
મારી અપરમાની ભંભેરણીથી મને ખોટું આળ ચડાવી ઘરમાંથી નિકળ કહીને કાઢી મૂકી હતી. આટલા વર્ષો પછી તેમને હું નિર્દોષ લાગી. તેડવા મારી શાળા પર આવ્યા. મેં સાફ કહ્યું, ‘મારી મણીમા મારી સાથે આવશે, જો મંજૂર હોય તો હું આવીશ !’
તેમને મારા પર અપાર પ્રેમ છે. હજુ બીજા લગ્ન પણ નથી કર્યા. 'મા, તમે નહી માનો તેમને મારા પર ખૂબ પ્રેમ હતો. અમને બાળક ન થયા તેનું દુઃખ કદી કર્યું ન હતું. સાગર અને હું એકમેકને ખૂબ ચાહતા. મારી માથી જોવાયું નહી કે ‘સલોની આટલી બધી સુખી’? અમારો સંસાર ખારો કરીને મને ખબર નથી તેઓ શું પામ્યા. પથ્થર પર પાણી ટપક્યા કરે તો ત્યાં નાનો ખાડો નજર આવે. સાગર મારી માની વાતમાં કઈ રીતે ફસાયા અને અમારી વચ્ચે તિરાડ પડી. સાગર મારો પ્રથમ પ્યાર હતો. એક શબ્દ બોલ્યા વગર હું ઘર બહાર નિકળી ગઈ.'
આજે સવારે હું વર્ગ લેતી હતી ત્યાં બારીમાંથી દેખાયા. શાળાના આચાર્યને કહી બાકીના દિવસની છુટ્ટી લઈ અમે વાતે વળગ્યા. ખાવાનું પણ ભાન ન રહ્યું. ૨૦ વર્ષની વાતો ભેગી થઈ હતી. મને જોઈને તેમની આંખોમાં મેં ચમક જોઈ. મનમાં થયું હજુ સાગરે મારો પ્રેમ અકબંધ રાખ્યો છે.'
મેં પણ તેની સાથે પેટ છૂટી બધી વાત કરી. ‘હું તારી છું, તેની ખાત્રી આપી.' અંતે તમારી વાત કર્યા વગર મારાથી ન રહેવાયુ. મા તમે મને પેટની દીકરી કરતાં વધુ વહાલ આપી મને સાચવી. તમને કદાચ લાગતું હશે મેં તમને સહારો આપ્યો, કદી એવું ન ધારશો મા.'
‘જ્યાં હું ત્યાં તમે!'
મણીમા જમીન પર ફસડાઈ પડ્યા. ઉદગાર નિકળી ગયો,‘ખરેખર..!'