ખેડૂત
ખેડૂત


કરસનભાઈ સાવ નાના ખેડૂત. ગામડામાં સાદગીથી જીવનારા. પરિવારમાં એમના પત્નિ એક દીકરો અને એક દીકરી એમ ચાર સભ્યોનો પરિવાર. બંને બાળકો ગામમાંજ શાળામાં ભણે. કરસનભાઈ અને તેમના પત્નિ ખેતરમાં તનતોડ મહેનત કરે. છતાંય એક સાંધે ત્યા તેર તૂટે એવી પરિસ્થિતિ રહે. ખેતરમાં પાક તૈયાર થાય ત્યાં પૈસાની ખેંચને લીધે ઓછા ભાવે પાક વેચી નાખવો પડે. દર સાલ આવું થાય. વચેટિયા લોકો અને વેપારીઓ ખૂબ રૂપિયા કમાય. પણ પોતાના ભાગે ક્યારેક તો ખર્ચો કરે એટલું પણ ન મળે.! ખૌટમાં જાય. ઘણીવાર ઉગાડેલા શાકભાજીને ફેકી દેવા પડે. કેમકે ભાવ એટલો ઓછો હોય કે ભાડાના પૈસાય ન મળે!
કરસનભાઈ નસીબને દોષ દઈ ફરી મહેનત કરે અને આશા રાખે કે ક્યારેક તો સારું થશે. ભાવ મળશે અને કરજ પુરાશે, પણ એ આશા ઠગારી નીવડે.
અંતે થાકી હારીને જમીન વેચી શહેરમાં ધંધો કરવાનું વિચાર્યું અને શહેરમાં ગયા. ત્યાં ધંધો શરૂ કર્યો. પરંતુ અહીં તો પરિસ્થિતિ વધારે વિકટ બની. ધંધામાં ખૂબ હરિફાઈ ચાલે અને શહેરના ખર્ચા. કોઈ વાતે પૂરું ન પડે. હવે તેને સમજાયું જમીન વેચીને ખૂબ ખોટું કર્યું છે. ધરતી મા ને વેચીને પગ પર કુહાડી મારી છે.
કરસનભાઈ ફરી ગામડે ગયા બીજાની જમીન રાખી આધુનિક ઉપકરણો અને ટેક્નોલોજીનો ઉપયોગ કરી ફરી કામ કરવા લાગ્યા. જેમાં સફળતા મળી. ધીમે ધીમે ફરી જમીન ખરીદી લીધી. અને હવે સુખેથી રહેવા લાગ્યા. પોતાના બાળકો અને ગામના લોકોને પણ સમજાવ્યું કે શહેર તરફની આંધળી દોટ કરતાં ખેતીમાં આધુનીકરણ લાવી ધરતીમાંના ખોળે સુખ છે એવું બીજે ક્યાંય નથી.