ખાઉધરુ કોણ?
ખાઉધરુ કોણ?


એકવાર બિરબલ રાજા અકબરના દરબારમાં ગયો. ત્યાં એમણે જોયું કે અકબર બાદશાહ મહારાણી જોડે બેઠા હતાં. બેઠાં બેઠાં તેઓ કેરીનો આસ્વાદ લઇ રહેલાં. બિરબલને આવતાં જોઈ અકબર બાદશાહને મહારાણીની ગમ્મત કરવાનું સુઝ્યું. તેથી તેમણે પોતાની પાસેના બધા ગોટલા અને છાલ મહારાણી પાસે ધીમેથી સેરવી દીધી.
જેવા બિરબલ નજીક આવ્યા કે અકબર બાદશાહ બોલ્યા “પધારો બિરબલ પધારો... લો આ કેરીઓ ચાખો.. ખરેખર કેરીઓ બહું મીઠી છે.” રાણીની પાસે પડેલા એમના અને રાજાએ પોતાના સેરવેલ ગોટલાના ઢગલાં તરફ આંગળી ચિંધતા તેઓ બોલ્યા “જુઓ તમારી રાણી સાહેબે કેટલી બધી કેરીઓ ખાધી છે. આ મહારાણી સામે પડેલા ગોટલાના ઢગલાં તમને દેખાય છે ને ?”
મહારાણી આ સાંભળી ભોંઠા પડ્યા.
બિરબલે હસતામુખે કહ્યું “સાચે જ મહારાજ કેરીઓ ખરેખર ખૂબ મીઠી હશે એટલે જ તો આપે કેરી સાથે તેમની છાલ કે ગોટલા પણ ખાવા ના બાકી નથી રાખ્યા !”