Nilang Rindani

Comedy

4  

Nilang Rindani

Comedy

કહાની સેલ્ફી કી

કહાની સેલ્ફી કી

5 mins
485


આ લેખ લખવાની જ્યારે સ્ફુરણા થઈ ત્યારે ઘણો જ અવઢવમાં હતો કે લેખનું શીર્ષક શું આપવું.. મગજના તાર ઝણઝણી ઉઠયા ત્યારે આ એકદમ સહેલું લાગતું શીર્ષક સૂઝ્યું. .ખેર...હવે આ લેખ લખવાની સ્ફુરણા ક્યાંથી થઈ..તો થયું એવું કે કોઈક સામાજિક જવાબદારીના ભાગ રૂપે અમારે એક ગુજરાતી હોટેલમાં જમવા જવાનું થયું. મહેમાનો ગુજરાત બહારથી આવ્યા હતા એટલે તેમને ગુજરાતી થાળી જમવાના અભરખા હોય તે સ્વાભાવિક છે, એટલે અમારા વિસ્તારની એક અતિ પ્રખ્યાત ગુજરાતી રેસ્ટોરન્ટમાં તેઓ ને જમવા લઈ ગયા. .હું મારા એકાદ લેખમાં મારી કુટેવ સ્વીકારી ચૂક્યો છું કે જ્યારથી લેખન કાર્ય નો પ્રારંભ કર્યો છે ત્યારથી મારી આંખોની શ્રવણ શક્તિનો અચાનક જ વિકાસ થયો છે.. એટલે સ્વભાવ અનુસાર મારા ડોળા આમતેમ દોડવા લાગ્યા. હવે આમા તકલીફ એવી થાય છે કે મારા શ્રીમતીજી ને ગેરસમજ થઈ જાય છે. એમને એવું થાય છે કે હું મારા લોચન થકી "ચક્ષુ લીલા" આચરી રહ્યો છું, પરંતુ એવું કઈં છે નહીં અને હું મારી વકીલાત ઘણી વખત અસફળતા પૂર્વક કરી ચૂક્યો છું. .વાચકોએ આની ખાસ નોંધ લેવી.

શનિવાર સાંજનો સમય હતો. લગભગ ૮ વાગ્યે એટલે ભીડ પણ ઘણી હતી રેસ્ટોરન્ટમાં. અગાઉ થી નોંધાવ્યું નહોતું એટલે અડધા કલાકનું "થોભો" આવ્યું. બસ. .ખરી સમસ્યાનો પ્રારંભ હવે થયો. અમે ઊભા હતા અને સામે છેડે સહેજે ૧૦-૧૨ જણા નું કુટુંબ જમી ને આવ્યું અને ત્યાં ઊભું રહ્યું. .થોડો કલબલાટ ચાલ્યો. .અડધી એમની વાતો ઉપર થી ખબર પડી કે ઉપર રેસ્ટોરન્ટમાં થાળીમાં શું પિરસાવવા નું છે.. .મારું મગજ અહીં જ છટકે. અરે પામર મનુષ્યો. તમે જમીને આવ્યા પરંતુ તેમાં થાળીની વાનગીઓનો ઢંઢેરો શું કામ પીટો છો ? તરત જ મારા શ્રીમતીજી ઉવાચ. ."લ્યો ત્યારે. તારે તો મજા. અત્યારે પણ રીંગણ નું શાક, અને જોજે, મરચાં ના ભજીયા બહુ નહીં ખાતો".. થઈ રહ્યું ? શ્રીમતીજી નો વટહુકમ જાહેર થઈ ગયો. મને એમ થયું કે સામે ની બાજુ એ ઉભેલ જે બહેન ઢંઢેરો પીટી રહ્યા હતા તેમના મોઢામાં એકસાથે ૪૦-૫૦ મરચાં ના ભજીયા ઠુસુ. ખેર, જવા દો એ વાત.. હવે એ કુટુંબમાં ૪-૫ યુવાન કન્યાઓ પણ હતી. બધી જ જાણે કે અહીં જમીને સીધા યશરાજ સ્ટુડિયોમાં જવાનું હોય તેમ તૈયાર થઈ હતી. એમાંથી એક કન્યા એ પોતાનો મોબાઇલ કાઢ્યો. . અરે કાઢ્યો તો કાઢ્યો, પરંતુ જેવો મોબાઈલ કાઢ્યો કે તરત જ તે કુટુંબ નો પુરુષવર્ગ અને સ્ત્રીવર્ગમાં જાણે કે કોઈ દેવી દેવતા એ પ્રવેશ કર્યો હોય તેમ હાંફળા ફાંફળા થઈ ગયા...બધા જ ગોરધનો પોતપોતાની સંગીનીઓની પાછળ લટુડાપટુડા થઈ ને તેમની પાછળ ગોઠવાઈ ગયા. હવે ગોઠવાઈ ગયા ત્યાં સુધી વાંધો નહોતો, પરંતુ તે પછીની જે ચેષ્ટાઓ થઈ તે ખૂબ જ હાસ્યાસ્પદ હતી. એક ગોરધન તો જાણે એમનું પાત્ર ભાગી જવાનું હોય તેમ પકડી ને ઊભા રહી ગયા. એવું લાગતું હતું કે પોલીસ કોઈ ગુન્હેગાર ને પકડીને ઊભી છે. બીજો તો એનાથી પણ ૪ ચાસણી ચઢે એવો હતો. . પોતાની સંગિની ના ખભા ઉપર પોતાનું આખું વજન જ મૂકી દીધું હોય તેમ પેલા બેનના પગ જાણે ઘૂંટણથી વળી ગયા. હજી જો થોડું વધારે વજન મૂક્યું હોત તો પેલા બેન ધબાય નમઃ થાત. મને આ આખા પ્રદર્શનમાં ખૂબ જ રસ પડ્યો. હું પણ એકીટશે આ બધો સેલ્ફી ખેલ નિહાળી રહ્યો હતો. .આગળ વધીએ.. હવે ત્રીજો જે ગોરધન હતો તે વધારે પડતો હોંશિલો હતો... તેણે પોતાનું માથું તેની સંગિનીના ખભા ઉપર જેમ તેમ કરી ને ગોઠવી તો દીધું પરંતુ એ ગોઠવણ પ્રક્રિયા દરમિયાન એ ગોરધન ની બરછટ દાઢી જોરથી પેલા બેન ના ખભા ઉપર વાગી હશે, એટલે પેલા બેને તો સામો પ્રચંડ પ્રતિકાર કર્યો. .મોટી ત્રાડ નાખી એમણે તો. "શું સમજ્યા વગર વાંદરવેડા કરો છો ? મારો ખભો તોડી નાખ્યો, આઘા જાવ હવે...". પેલો ગોરધન છોભીલો પડી ગયો પરંતુ એક મૂરખ ને છાજે એવું હસી ને ફરી પાછું પોતાનું વાળ વિહોણું મસ્તક પેલી વીરાંગનાના ખભા ઉપર ધીરેથી ગોઠવ્યું. .હવે મને દૂરથી એવું લાગતું હતું કે જો રાવણ ને બે જ માથા હોત તો રાવણ કેવો લાગત. બસ, પેલો ગોરધન કંઇક એવો જ લાગી રહ્યો હતો. પરંતુ હજી આટલે થી પેલો ગોરધન અટકે તો એ ગોરધન શેનો ? તેમણે તો ભાઈ. ધીરે થી પોતાનું માથું વાંકું કરી ને તેની સંગિનીની આંખોમાં જોવાનો નિરર્થક પ્રયાસ કર્યો. પેલા બેન પણ કઈં ઓછા નહોતા. . તેમણે પણ પોતાનું તેલયુક્ત માથું ગોરધનની સમક્ષ ફેરવ્યું. ખૂબ જ રોમાંચક ક્ષણ થવા જઈ રહી હતી ત્યાં ફરી પાછી એક દુર્ઘટના સર્જાઈ ગઈ. આ માથાં ફેરવવાની પ્રક્રિયામાં ગોરધન અને તેની સંગિનીનું નાક જોર થી ટકરાયું. હવે ગોરધનનો ચિત્કાર સંભળાયો. પેલા બેનના નાકની ચુંક પેલા ગોરધનના નાક ને છોલી નાખી.. હું મારું હસવું રોકી ના શક્યો. બીજો કોઈ દિવસ હોત અને જો હસ્યો હોત તો પેલા લોકો એ મને ધિબેડી નાખ્યો હોત. પણ ભલું થાજો આ મુખ લંગોટ (માસ્ક) નું કે મારું હાસ્ય તેમની નજરમાં ના આવ્યું. .જેમતેમ કરી ને પેલો ગોરધન અને તેની ગોરધની સ્વસ્થ થયા. અને ફરી પાછું જેમ હેંગર ઉપર કપડાં લટકાવે તેમ ખભા ઉપર માથાએ આસન જમાવ્યું.. ફરી પાછું એકબીજાની સમક્ષ જોઈ ને દાંત કાઢી ને હાસ્ય ને ફેંક્યું (વેર્યું નથી લખતો). હવે ભગવાન જાણે, એ બન્ને ને એકબીજાના દાંતમાં શું દેખાતું હશે. હવે વારો હતો એ કુટુંબ ની કન્યાઓનો.

૪-૫ કન્યાઓ નો સમૂહ હતો...બધી ઓ ઊભી રહી ગઈ, પરંતુ આ શું ? બધી જ ખોડ ખાપણવાળી હતી. દરેક નો એક પગ ઘુટણથી વાંકો હતો. મને ખૂબ આઘાતની લાગણી થઈ આવી. . મેં મારા શ્રીમતીજી ને ઢંઢોળી ને કહ્યું કે જો, સામે ઉભેલી બધી કન્યાઓના પગે ખોડ છે. દરેક ના ઘૂંટણ વળી ગયા છે. .ભગવાન પણ કેવો નિષ્ઠુર છે. ત્યાં તો શ્રીમતીજી મારી સામું જોઈ ને ઉવાચ. "અરે અક્કલ ના ઓથમીર, અત્યારે આવી જ ફૅશન છે".. મને બમણો આઘાત લાગ્યો હવે. પેલી કન્યાઓ ઘૂંટણવાળીને ઊભી એમાં મને અક્કલ ના ઓથમીર નો ઈલ્કાબ પ્રાપ્ત થયો. .ખેર. મેં મારા લોચનો ફરી પાછા કામે લગાડ્યા. .પેલી કન્યાઓ તો એક એક ટાંટિયા વાળીને ઊભી રહી ગઈ, ત્યાં અચાનક દરેક ના મોઢાં વાંકા થઈ ગયા. .એમ સમજો ને કે બતક જેવા થઈ ગયા. .હવે આ બતકાળુ મોઢું કરવાનો તર્ક મારી સમજમાં નહોતો આવતો. ભગવાને આટલું સારું મોઢું આપ્યું હોય તો પણ ઉંદર જેવું મોઢું કેમ કરતા હશે તે તો સ્વયં તે કન્યાઓ જ જાણે. .

માંડ માંડ સેલ્ફી ના ધારાવાહિકનો અંત આવ્યો. . અમારો પણ હવે વારો આવ્યો હતો એટલે અમે પણ ભોજનશાળામાં જવા રવાના થયા. એવી જ આશા સાથે કે ત્યાં કોઈ નવું નજરાણું જોવા ના મળે જેથી મારે "કહાની સેલ્ફી કી રિટર્નસ" ના લખવું પડે.

વાચકો જોગ: ઉપરોક્ત લેખ ફક્ત અને ફક્ત હાસ્ય પ્રેરિત છે. તે કોઈ પણ ગોરધન, ગોરધની, કુટુંબ કે સમુદાય ને અનુલક્ષી ને નથી. બીજી વખત આવું કઈં ધ્યાનમાં આવશે તો મારા ડોળા બીજી જગ્યાએ ફેરવી નાંખીશ.


Rate this content
Log in

Similar gujarati story from Comedy