કેવું રહેશે ? - સચેત પેરેંટિંગ
કેવું રહેશે ? - સચેત પેરેંટિંગ
મુખી બેચરદાસ પટેલની સલાહથી જામનદાસે ગામમાં જાળવી રાખેલું મેડાબંઘી મકાન અત્યારે ખરે ટાક્ણે કામ લાગી ગયુંં હતું. જમનાદાસ ખાધે પીધે સુખી, પરંતુ તેઓએ તનતોડ મહેનત કરી એકના એક દીકરા સુરેશને ભણાવી એંજિનિયર બનાવેલ તેથી બચતને નામે મોટું મીંડું હતું. સુરેશને સરકારી નોકરી મળી, અને તે હવે તેની પત્ની અને બાળકી સાથે શહેરમાં સરકારી બંગલામાં રહેતો હતો. અને શરૂમાં કમળાબા અને જમનદાસ સુરેશને ત્યાં રહેવા ગયેલા. ત્યારે સુરેશની વહુએ ગામનું મકાન વેચવા દબાણ કરેલ, પરંતુ બેચરમુખીની સલાહ માની જમનદાસે મકાન વેચેલું નહીં. શહેરમાં થોડાક જ સમયમાં દિનેશની વહુને સુરેશના માં- બાપ ઘરના "ડસ્ટ બિન" લાગતા હતા. અંતે એક દિવસ જમનદાસના સંયમનો બંધ તૂટ્યો, અને કમળાબાને લઈ પાછા પોતાના ગામે આવી ગયા.....
....સુરેશ નાનો હતો ત્યારે તે મોસાળમાં મામાને ત્યાં જઈને વેકેશનની મોજ માણતો. અને તે વખતે તેના મામાના ગામડામાં તેનું એ વેકેશન ક્યારે વીતી જતું ખબર જ પડતી નહીં ! આજના સમયમાં સુરેશને ક્યારેક એવું થઈ આવે કે ફરીથી તેના બાળપણમાં દિવસો પાછા આવી જાય તો કેવું સારું ? આજે, તો એની પત્ની દેખા-દેખીમા તેની છોકરી સારિકાને વેકેશન પડે એટલે, તરતજ, સારિકાને એકસ્ટ્રા ક્લાસ શરૂ કરાવી દે છે, સુરેશ આજે પણ માનતો હતો કે વેકેશન એ બાળકોનો સમય છે, આ દિવસો છોકરાઓને તેમના બાળપણનાં સમયને માણવાનો છે. ત્યારે સુલોચના તેની પત્ની તેનાથી જુદી વિચારધારા ધરાવતી હતી. "કીટી પાર્ટીની તેની અન્ય બહેનપણીઓમાં 'વટ' પાડવામાં, સારિકાની 'વાટ' કાઢી નાખવા બેઠી હતી. અને સારિકાને તેના સ્વપનમાં ઢાળવા માંગતી હતી. અને તેનું સારિકાના કુમળા માણસ ઉપર કેવળ પરીક્ષા લક્ષી સફળતા માટે દબાણ રહેતું હતું.
સુરેશે સુલોચનાનો કેવળ પરીક્ષા લક્ષી વિકાસના આગ્રહનો વિરોધ કરતાં પૂછ્યું હતું, સુલોચના ચાલને આ વખતે વેકેશનમાં સારિકાને લઈ આપણાં ગામ જઈ આવીએ તો "કેવું રહેશે" ? જેથી કરીને સારિકા પણ તેના બાળપણના સંભાળણાનું ભાથું બાંધી શકે. સુરેશ દ્રઢ પણે માનતો હતો કે વેકેશન માત્ર બાળકો માટે જ નહીં પણ, બધાને લાગુ પડે છે કારણ કે, ભાગ દોડ અને સ્ટ્રેસના આ સમયમાં એક બીજાની સાથે અને કુદરતના ખોળે રહીને આનંદ માણવાથી એકંદરે કાર્યદક્ષતા વધતી હોય છે.
પણ સુલોચના એકની બે ના થઈ. અરે સુરેશના માંડ માંડ મે તારા જૂના ડસ્ટ-બિન જેવા માં બાપથી કેડો મુકાવ્યો છે, અને સારિકા પણ મુશ્કેલીથી બાને ભૂલી શકી છે, મારે હવે કોઈ પ્રીત વધારવી નથી કે સારિકાને તેનું વેકેશન ગામડે જઈ વેડફવા દેવાની નથી.તારે બાપને મની ઓર્ડર કરવો હોય તો કરી શકે છે. ના સુલુ તેની જરૂર નથી તેઓ સ્વમાની છે.
સુલોચના, ના-મક્કર જતાં આખરે સુરેશે, એક ચાલ ચાલી, સુલોચનાને કહ્યું કે. "ભલે સુલોચના, તું કહે તેમ સારિકાને "કોટા" શહેરમાં મહિનાની વેકેશન ક્રેશ બેચમાં એડમિટ કરાવું છું". "પણ મારે કંપનીના કામે પંદર એક દિવસ ટુર ઉપર જવાનું છે, એટલે તારે તેટલો સમય અહી એકલા રહેવું પડશે"..
સારિકા બિચારી બાળકી, આમેય આખા વરસ દરમ્યાન સ્કૂલ ઉપરાત છ કલાકના ટ્યૂશન, અઢળક બદામ અને શંખ પૂશ્પિની બોટલોનો સતત મારો ચલાવ્યા પછી પણ તેની એનુયલ પ્રોગ્રેસ બૂકમાં પૂરા ૨૭ ટકા માર્ક સાથે તેને સાતમા ધોરણમાં રી- ટેસ્ટ ક્લિયર કરવાની શરતે ચડાવવામાં આવેલી હતી, ત્યારે સુરેશ ચેતી ગયેલો, કે સારિકાને અભ્યાસથી વધારે મોકળાશની જરૂર છે. રિટેસ્ટ ક્લિયર કરાવવાના બોજ અને નારાજગી સાથે, સુરેશે કોટા શહેરમાં ચાલતા કોચિંગ ક્લાસની પિક અપ વાનમાં સારિકાને ચઢાવી ત્યારે, સારિકાએ માત્ર રડવાનું બાકી રાખેલું હતું.
બીજા જ દિવસે ઓફિસના ડાઈવરને લઈ, સમીર ટુરના બહાને ઘેરથી ગાડી લઈ કોટા શહેરના કોચિંગ ક્લાસમાં પહોચ્યો અને ખોટુ બહાનું કાઢી સારિકાને ક્લાસમાંથી પંદર દિવસ માટે ઉઠાવી લીધી અને તેની ગાડીના ડ્રાઈવર સાથે તેઓ ઉપાડ્યા ગામ.સુરેશે રસ્તામાં સારિકાને કહ્યું, બેટા તે કદીય નહીં માણી હોય તેવી તને હું મજા કરાવીશ. આપણે બા દાદા પાસે ગામ જઈએ છીએ. 'હું પણ તારી સાથે ફરીથી બાળક બની મજા કરવાનું સપનું સેવું છું.' જે મારે તારી સાથે જોવું છે.
સારિકાને તેની મમ્મી સુલોચનાના કરેલા બ્રેઈન વોશથી તેના પપ્પાની વાતોની કોઈ અસર નહતી, તેને ગામ જવા મુદ્દલ ઈચ્છા નહતી, તે માનતી હતી, કે પપ્પાના ગામડે જવું તેના કરતાં તો કોટાના કોચિંગ ક્લાસ સારા, કમ સે કમ ક્લાસના કલાકો પછીની મોકળાશ તો ખરી. આમ વિચાર કરતી રહી અને પપ્પાનું ગામ આવી ગયું.
સારિકા હજુ ગાડીમાંજ હતી તેના માટે ગાડીની બહારના દ્રશ્યો તેની સમજ બહારના હતા અહી તેના પપ્પાના ગામને કુદરતે ખોબલે ખોબલે સૌંદર્ય આપ્યું હતું. તેને અહીંથી સુંદર પર્વતો, ખળખળ વહેતી નદી, કલબલાટ કરતાં ઉડતા પંખી, સાંજનો સૂરજ અને લીલાછમ જંગલોનો ઘણો સુંદર વ્યુ જોયો. અને તે તેના ક્લાસ અને શહેર બધુ ભૂલી આ કુદરતનું સૌંદર્ય જોવામાં લીન થઈ ગઈ.
સુરેશના "માં", કમળાબા,તેઓના દીકરા અને પૌત્રી સારિકાને જોઈ રાજીના રેડ થઈ ગયા, સુરેશને ઉપલા મેડે મોકલ્યો અને તેના ડ્રાઈવરને ઓસરીમાં રૂમ ખોલી આપ્યો. એટલામાં જમનાદાસ આવ્યા, ભેંસના ગમાણ બાહર સુરેશની ગાડી જોઈ ઘુંવા પુંવા થતાં ગુસ્સે થયા અને તેઓએ માત્ર હાંકોટા પડવાના બાકી રાખેલ. પણ કમળાબા લાગણીવાળા, તેમણે જામનદાસને ઠંડા પડ્યા, અને બોલ્યા, "ગુસ્સો થૂંકી નાખો, થોડા લાજો, આ માથે આવેલી સફેદીની લાજ તો રાખો, સુરેશ ગમે તેમ આપણો છોકરો છે",
"એમ ડાંગ મારે પાણી થોડા નોખા થાય", તે "તો છોરું છે, કોઈ વાર કછોરુ થાય પણ ખરું !!, તો આપણે પણ તેની ભેળા કછોરુ થવાનું ?" "એના જેવુ થવું તે ક્યાંયની સજ્જનતા" અને "તમે સુરેશને કાઢી મુકશો !!, તો જરા જુવો, તેની સાથે નાનકી આવી છે, તે તમારી શું છાપ લઈને જશે ?"
સમયસરના કમળાબાએ કરેલ ટકોરાએ, જમનાદાસ તરત ટાઢા પડ્યા અને સુરેશ તેના છોકરી સારિકાને મળવા ઉપરના માળે ગયા. તે રાત્રે જમ્યા પછી બધા મોડે સુધી વાતો કરતાં રહ્યા, અને કમળાબાએ સારિકાને તેના પપ્પાના બાળપણના તોફાનો વિષે વાતો કરી અને સારિકાને પોતાની સાથે વાર્તા કહેતા સૂઈ ગયા. બીજે દિવસે સવારે સુરેશ તેની દીકરી સારિકાને લઈ તેના મિત્ર કરસનને ઘેર ગયો અને તેની દીકરી મંજુની સાથે સારિકાની ઓળખાણ કરવી કહ્યું તે સારિકાને તેઓના રોકાણ દરમ્યાન કંપની આપે. મંજુએ સારિકાને ગામમાં લઈ જઈ તેની અન્ય બહેનપનીઓ સાથે પરિચય કરાવ્યો અને તેમની સાથે ખેતરે લઈ ગઈ.
પહેલા બે દિવસ સારિકા અતડી રહી હતી, પણ પછીના દિવસોમાં તે મંજુ અને ગામની બીજી સાથે હળી મળી ગઈ હતી. સાવ સાદી ગ્રામ્ય રમતો સારિકા એકધારી અને કલાકો સુધી ગામમાં રમતી રહેતી. મોડી સાંજે કમળાબાને રોજ સારિકાને શોધવા ગામમાં જવું પડતું અને સારિકા જ્યારે તેના ધૂળથી ખરડાયેલ કપડાં અને મેલા પગ લઈને ઘરમાં આવતી અને ફાનસના અજવાળાથી ઘરની દીવાલ ઉપર પડતા તેના લાંબા પડછાયાને જોતી, ત્યારે તેને રોજ લાગતું કે હવે તે મોટી થઈ છે 'વાઉં.' કરી ચીયર બોલી ઊઠતી. હવે રાત્રે પણ સારિકાને તેની બહેનપણીઓના સપના આવતા એ ગવલી શું કરતી હશે ?, જેના આંગણામાં આજે પકડ દાવની નવી રમત રમ્યા હતા. પેલી સુરેખાની લેંગી કેવી કાંટામાં ભરાઈને ફાટી ગઈ હતી....!
પંદરમાં દિવસે જ્યારે સુરેશે, સારિકાને તેની બહેનપણીઓ સાથે સેલફી લેતી જોઈ ત્યારે, સંતોષ હતો કે તેણે સારિકાને તેની સાથે વેકેશનમાં પોતાના ગામ લઈ આવવા, કોટાના કોચિંગ ક્લાસમાં બ્રેક પડાવ્યો તેમાં કોઈ ભૂલ નથી કરી.
સુરેશે પાછા શહેર જતી વખતે કમળાબા અને જમનદાસને પગે પડ્યો ત્યારે કઠણ કાળજાના જમનદાસ અને તેમના મિત્ર બેચરમુખીની આંખો છૂપું રડતી હતી. અને એવુજ કંઈ સારિકાનું હતું. સારિકાનું મન તો ગામ છોડવાં માનતું નહતું, પણ પરીક્ષા ક્લિયર કરવાનું ભારણ હોઈ, સારિકાએ મન દ્રઢ કરી, આવતા વેકશનમાં ફરી આવવાના મંજુ, કમળાબા તથા દાદાને કોલ આપી બાકીના પંદર દિવસના કોચિંગ ક્લાસ ભરવા કોટા પરત ગઈ.
એક મહિના પછી સારિકાનું રિટેસ્ટનું રિઝલ્ટ આવ્યું ત્યારે, તેના ક્લાસ ટીચર અને સ્કૂલના પ્રિન્સિપાલ છક રહી ગયા. સારિકાએ રિટેસ્ટની પરીક્ષામાં રેગ્યુલર એન્યુઅલ પરીક્ષામાં પહેલો નંબર લાવનાર કરતાં પણ વધારે માર્ક લાવી પરીક્ષા ક્લિયર કરી હતી. પ્રિન્સિપાલ સુલોચનાના અને તેના વેળા સરના "સચેત પેરેંટિંગ" વખાણ કરતાં થાકતા નહતા, ત્યારે સુલોચના કોણી ઠપકારી સુરેશને કહેતી હતી, જોયું, તમારું માનીને આપણે ગામડે ગયા હોત તો સારિકા પરીક્ષામાં શું ઉકાળી શકી હોત !
સુરેશ તે વખતે સારિકાની સામે જોતાં મંદ હાસ્ય સાથે બોલ્યો, "યુ આર ઓલવેઝ રાઈટ સુલોચના".
સુલોચના આપણી વહાલી દીકરી સારિકાના મન ઉપર આપણાં "સચેત પેરેંટિંગ"ની યાદ હંમેશ તાજી રહે તેમજ તેના બ્રિલીયંટ એચિવમેન્ટને એન્જોય કરવા સીધા હોટેલ જઈએ તો તે "કેવું રહેશે ?".
