કેટલું સુંદર..?
કેટલું સુંદર..?


ખૂટે ભલે રાતો પણ, વાતો આ ખૂટે નહિં,
વાતો એવી તારી મારી...
ચાલતી રહે આ રાત, ચાલતી રહે સદા,
મીઠી મીઠી વાતો વાળી...
ચાંદ ને કહો આજે, આથમે નહીં...
કાળું પોતાની જ મસ્તીમાં આ ફિલ્મી ગીત ગણગણી રહ્યો હતો ને અચાનક ઘૂઘરીનો અવાજ આવતા જ ચૂપ થઈ ગયો.
"શું...!!! શું બોલ્યો તું આ...?? સરસ જ છે ફરીથી બોલ ને!!" પોતાની સાથે રહેલી ઘૂઘરી બાંધેલી સ્ટિકને બાજુમાં મૂકી અને કાળું ની પાસે બેસતાં પૂનમે કહ્યું.
"બે ગાંડી... પૂનમડી, હું કઈ બોલી ન'તો રહ્યો... ગાઈ રહ્યો હતો. આને ગાવાનું કહેવાય ગાવાનું..."
"અચ્છા, એમ!! પૂનમે હળવું સ્મિત રેલ્યું.
"હા, પાગલ. આ એક નવી ગુજરાતી ફિલ્મનું ગીત છે. હમણાં જ આવ્યું છે પણ તને ના ખબર હોય ને!! તું ક્યાં ગુજરાતી ગીતો સાંભળે છે! ને મને ગમે એ તો તને ક્યાંથી ગમે નહીં...!" કાળું એ મોઢું બગાડ્યું.
" હા એજ ને! આમ પણ મને આ આજકાલના હિન્દી કે ગુજરાતી એકેય ગીતો નથી ગમતાં." પૂનમ હસી રહી.
ચાંદ ને કહો....
કાળું એ ફરી ગીત ગાવાનું ચાલુ જ કર્યું ત્યાં પૂનમ બોલી...
" કાળું... હું શું કહું છું તને, આ ચાંદ, આ રાત આ બધું દેખાવે કેટલું સુંદર હશે નહિં!!"
"હા પૂનમ, બહુ જ સુંદર હશે. તારા અને મારા જેટલું સુંદર. મારુ નામ કાળું છે તો રાત મારા જેટલી અને તારું નામ પૂનમ છે તો ચાંદ તારા જેટલો સુંદર હશે..."
"ચાંદ મારા જેટલો સુંદર હશે ??" પૂનમે આકાશ તરફ નજર કરતા પૂછ્યું.
કાળું એ પૂનમની તરફ માથું ઘુમાવતા ધીમેથી કહ્યું, "હા..."
"હા ને !? તો ચાલ મને પણ શીખવ... મારે પણ ગાવું છે આ ગીત" પૂનમે થોડા ખચકાટ સાથે કહ્યું.
"હે...એમ!!!, સારું ચાલ પહેલા સાંભળ, પછી આપણે જોડે જોડે ગાઈશું. લે આ ફોન એમાં ઉપરની સ્વીચ બે વાર પ્રેસ કર, છેલ્લેથી બીજા નંબરે છે આ ગીત..."
અંધજન મંડળના પ્રાંગણમાં કારતકી પૂનમે ખીલેલા ચાંદના સાનિધ્યમાં બંને આંખોથી દિવ્યાંગ એવા કાળું અને પૂનમ બેઠા બેઠા આ ગીત સાંભળી રહ્યા.
ખૂટે ભલે રાતો પણ, વાતો આ ખૂટે નહિં,
વાતો એવી તારી મારી, .....ચાંદ ને કહો આજે, આથમે નહીં !