Lalit Parikh

Drama Thriller

3  

Lalit Parikh

Drama Thriller

કેમ છે?

કેમ છે?

4 mins
7.3K



મોટું વિશાળ ફિઝિયોથેરપી સેન્ટર. હું મારી પત્નીને આવેલ સ્ટ્રોકના કારણે, તેને દરરોજ, અમારા ઘરે આવી અમને હેન્ડીકેપ્ડ બસમાં લિફ્ટથી, બસ ની અંદર લઇ જઈ, તેનું વોકર ચાર સાંકળથી લોક કરી અને તેને સીટ -બેલ્ટ પહેરાવી ડ્રાઈવર મને તેની બાજુમાં બેસાડી ફરી પાછો તેની ડ્રાઈવર સીટ પર બેસી સહુ કોઈને તેમના ગંતવ્ય સ્થળે પહોંચાડવા બસ ચલાવતો.

અમને અમારા ફિઝિયોથેરપી સેન્ટર પર ઉતારે. ત્યાં આપમેળે દ્વાર ખુલી જાય અને અમને ઓફિસમાંથી મોટા વિશાળ થેરપી સેન્ટરમાં લઇ જાય અને ત્યાં જુદા જુદા પ્રકારની થેરપી લેનાર-કરાવનારને જોઈ થોડું સારું લાગે, થોડી હિંમત આવે, કૈંક આત્મવિશ્વાસ આવે અને મારી પત્ની પોતાની રોજની થેરપિસ્ટને તાબે થઇ થોડું મોઢું બગાડી બોલે: "હવે એક કલાકની કસરતો શરૂ. આના કરતા તો મોત આવે તો સારું! આઈ ડોન્ટ લાઈક ધિસ ડેઈલી સ્લો ડેથ.”

હું અને તેની થેરપિસ્ટ તેને સમજાવી-બુઝાવી, તેનું મનોબળ વધારી તેની કસરતો શરૂ કરાવીએ અને પછી હું મારા માટે મૂકેલી ખુરસી પર બેસી તેને મારી નજરથી અને મારા મનથી તેને જરૂરી કસરતો કરતા રહેવા માટેનું તેનું મનોબળ વધે, વધતું રહે તેના માટે મનોમન પ્રાર્થના કરતો રહું. આ અમારો રોજનો નિયમિત નિત્યક્રમ.

આજે અમે જોયું તો એક, નેવું વર્ષને લગભગ પાર કરી ચૂકેલ વૃદ્ધા વ્હીલ ચેરમાં આવી. તેના મોઢા પર એક પ્રકારનું આંખે વળગી જાય એવું મનમોહક મધુર મધુર સ્મિત હતું અને જયારે તેને ઊંચકી તેને કસરતો કરાવવા માટે એક મશીન સાથે તેના પગો જોડી દીધા ત્યારે જ અમને સમજાયું કે તેના બેઉ પગ કપાયેલા હોવાથી કૃત્રિમ લાકડાના પગોથી જ તેને કસરત કરતા રહી, બનાવટી પગોની ઘૂંટણના ઉપરના ભાગો સાથે જોડવાની, તેમની સાથે એજસ્ટ કરવાની સખત અને સતત કોશિશ કરવાનો અભ્યાસ કરવાનો હતો. તેની સામે જોઈ મેં સહજ સહાનુભૂતિ સાથે પૂછ્યું: "કેમ છે?” તો તેનો સસ્મિત વદને મળેલો ઉત્તર મને અને મારી મનથી દુ:ખી દુ:ખી રહેતી પત્નીને નિરુત્તર કરી દે એવો અદ્ભુત, અનેરો અને અભૂતપૂર્વ હતો.

તે હસતા મોઢે બોલી: "ઘણું સરસ છે. બેઉ પગોનું એમ્પ્યુટેશન થયું ત્યારે પણ પગ કપાયા પહેલાનું દુઃખદર્દ દૂર થતા જેટલું સારું લાગેલું તેના કરતાય અત્યારે ઘણું ઘણું વધારે સારું લાગે છે. ગઈકાલ કરતા આજનો દિવસ વધુ સારો, વધુ સુખદાયક અને વિશેષ આનંદભર્યો છે કારણ કે આજના વૈજ્ઞાનિક યુગે મારા માટે કેટકેટલી નવી સગવડો ઊભી કરી દીધી છે. હું આ મશીનનો એક પુરજો પણ બનાવવા સમર્થ નથી; પણ મને તદ્દન અસમર્થ બની ગયેલ અપંગને ચાલતી કરી શકનારી આજની અનુપમ વૈજ્ઞાનિક વ્યવસ્થા જે બની છે તે જોઈ-જાણી ખુશી જ ખુશી થાય છે. હું તો માનું છું કે દર રોજ નવો દિવસ આપણને નવો જન્મ આપે છે, નવી આશા આપે છે, નવી શક્તિ આપે છે, નવો ઉત્સાહ અને ઉમંગ આપે છે અને એટલે જ મને જયારે કોઈ પૂછે કે “કેમ છે?- કેમ છો?” તો મારાથી પોતમેળે જ, સહજ સ્વાભાવિક રૂપે જ, અનાયાસ જ કહેવાઈ જાય છે: ”આજનો દિવસ ગઈકાલ કરતા ઘણો ઘણો સારો છે, ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. સુખ અને આનંદથી જ મન- તન બેઉ સ્વસ્થ રહે છે તેસત્ય હું સમજી શકી છું, આત્મસાત કરી શકી છું.

“દુ:ખ અને સુખ બેઉ તો કેવળમાત્ર સાનુકૂળ-પ્રતિકૂળ અનુભવો જ છે. પ્રતિકૂળ અનુભવોને સાનુકૂળ અનુભવોમાં બદલવામાં જ, દુઃખને સુખમાં બદલવાની ચાવી મનમાં છુપાયેલી છે. એ ચાવી શોધી કાઢનાર, એ ચાવીનો સાચો અને સમયસર ઉપયોગ કરનાર ક્યારેય દુ:ખી, નિરાશ કે હતાશ નથી થતો. તેનામાં આત્મશક્તિ સતત વધતી જ રહે છે, તેનો સંતોષ- આધારિત આનંદનો ગ્રાફ ઊંચો ને ઊંચો જ વધ્યા કરે છે. એક જ તત્વ અને એક જ સત્ય સમજાવતું ‘મહાવાક્ય’ પકડીને હું ચાલુ છું -પગ નથી તો મનથી જ સહી-, કે ખુશ રહીને ચાલનાર માટે, ગઈકાલ કરતા આજ વધુ સુખદાયી હોય છે, આનંદદાયક હોય છે, પ્રસન્નતાપૂર્ણ હોય છે. મનુષ્ય શરીરથી નહિ, મનથી જીવે છે, મનથી જ સુખ-દુખ માણે છે. સુખ કે દુઃખમાં કોને અપનાવવું તે આપણા મનની ચાવીમાં છુપાયેલું છે. માટે મનની સહજ શક્તિને જ મારી સહનશક્તિ બનાવી હું ખુશ ખુશ રહું છું. કોઈએ બહુ સારી અને ઊંચી વાત કહી છે કે ખુશ તો દુનિયામાં કોઈ હોતું જ નથી. પણ ખુશ રહેવાની આદત પાડવી તે તો આપણા હાથમાં જ છે. વર્તમાનમાં રહેનાર ભૂતકાળ કરતા વધુ સુખી હોય છે, એ સનાતન સત્ય છે, કારણ કે તે હજી જીવતો છે, મર્યો નથી અને ભવિષ્યના સુખદ સુખદ સપનાઓ જોવાનો સાચો અધિકારી છે. માટે મને કોઈ જયારે પણ પૂછે છે કે “કેમ છો? કે કેમ છે?” તો હું ખુશી ખુશી એમ જ કહું છું, જે સત્ય છે, હકીકત છે કે “હું ગઈકાલ કરતા ઘણી ઘણી જ વધારે સુખી છું. આજ તો મારો પુનર્જન્મ છે, આજે હું મને જીવતી – જાગતી જોઉં છું, સૂર્યનો પ્રકાશ, પવનનો સ્પર્શ, અન્ન-જળનો આનંદ અને સતત પ્રસન્નતાનો એહસાસ અનુભવું છું. ન હું દુ:ખી છું, ન હું હેરાન-પરેશાન છું કે ન હું અપંગ પણ છું. વિજ્ઞાન ‘પંગુ લંઘયતે ગિરિમ’ની ગરિમાને ચરિતાર્થ કરે છે, સાર્થક કરે છે, પુરવાર કરે છે. પોતાના દુખડા રોનાર તો “કેમ છે ?”ના જવાબમાં પોતાની દુઃખભરી રામકહાણી સંભળાવે છે એ તો પોતાને અને તેથી પણ વધુ તો પોતાને પૂછનારને દુ:ખી દુ:ખી કરી મૂકે છે. ”કેમ છે? કે કેમ છો?” નો ઉત્તર એક જ હોઈ શકે અને કેવળ- માત્ર એક જ હોવો જોઈએ કે “હું ગઈકાલ કરતા આજે વધુ અને સંપૂર્ણ સુખી છું,ખુશ છું, સ્વસ્થ -એટલે કે સ્વમાં સ્થિર છું.”

એ વૃદ્ધાનો આવો સકારાત્મક અભિગમ જોઈ-જાણી હું તો ખુશ થયો જ થયો; પણ સાથે મારી પત્નીની પણ મનની આંખો ખુલી ગઈ અને તેના બગડેલા મોઢા પર સુંદર સ્મિત શોભવા લાગી ગયું.

તેની થેરપી પૂરી થયા પછી જયારે મેં કાયમની જેમ પૂછ્યું કે “કેમ છે?” તો તે સસ્મિત વદને બોલી ઊઠી કે : “ગઈકાલ કરતા ઘણું સારું છે.”

એ સાંભળીને મને, તેને અને પેલા વૃદ્ધા બહેનને તો સારું લાગ્યું જ લાગ્યું; પણ સાથે સાથે થેરપી હોલમાં સહુ કોઈને પણ, સારું જ સારું લાગ્યું, કારણ કે સારું તો સારું જ લાગવાનું ને?

(સત્ય કથા) (સમાપ્ત)


Rate this content
Log in

Similar gujarati story from Drama