purvi patel pk

Fantasy Inspirational

4  

purvi patel pk

Fantasy Inspirational

કાલ્પનિક ચક્રવ્યૂહ

કાલ્પનિક ચક્રવ્યૂહ

3 mins
223


કાવેરીને વીસમું બેઠું. યુવાનીના ઉંબરે પગ મુકતાં જ કોડભરી કન્યાની જેમ સપનાંના રાજકુમાર સાથે જીવન પસાર કરવાના રથ પર સવાર અરીસામાં પોતાના જ પ્રતિબિંબને જોઈ જોઈને તે શરમાવા લાગી હતી. સુંદર કદ-કાઠી અને નમણો નાક નકશો હોવાથી સગપણ થવામાં જરાયે અગવડ ના પડી. ઘરમાં બધા ખુશ હતાં. સગપણના પાંચ મહિના પછી લગ્ન નક્કી થયાં.

વૈભવીએ દીકરીને બધું જ શીખવ્યું હતું, જેથી કાવેરીને તેના સાસરે અઘરું ના લાગે. હા, શીખવતી વખતે કે સલાહ-સૂચનો આપતી વખતે વૈભવી સાસુ-સસરા, જેઠ-જેઠાણી કે નણંદ વિશે કાવેરીને ટોકવાનું ચૂકતી નહિ. ધ્યાન રાખજે, 'સાસુને ગુસ્સો આવે એવા કામ ન કરતી. જેઠાણીને રિસાવાનો મોકો ન જ અપાય. નણંદને તો હાથ પર જ રાખવાની, પિયરમાં બધું ચાલે, સાસરામાં આ બધું નહિ ચાલશે' વગેરે વગેરે. 

બહેનપણીઓના મોઢે પણ મોટાભાગે આવી જ વાતો સાંભળતી કાવેરીના મનમાં સાસરિયાંઓ પ્રત્યે એક અલગ જ છબી બની ગયેલી. જેમ જેમ લગ્નનો દિવસ નજીક આવતો ગયો તેમ તેમ એક છૂપો ડર તેના મનમાં વધતો રહ્યો. શેખર સાથે તે ફોન પર વાતો કરતી ત્યારે ઘરના સભ્યો વિષે જાણવા પ્રયત્ન કરતી પરંતુ, શેખર પોતાની વાતોમાં જ તેને ઉલ્ઝાવી દેતો. 

આખરે લગ્નનો દિવસ આવી ગયો. કાવેરીએ પ્રિયતમને પામવાની ખુશી, પિયર છૂટવાનું દુઃખ અને સાસરામાં બધાં સાથે કેવી રીતે એડજેસ્ટ થવાશે તેવા ડરની મિશ્રિત લાગણીઓ સાથે ગૃહ પ્રવેશ કર્યો. બધાંનો ઉમંગ આંખે વળગતો હતો. કાવેરીના મનમાં કલ્પના અને હકીકત બંને દ્ર્શ્યો વિરોધાભાસ ઊભો કરી રહ્યાં હતાં. વિચારોમાં ગરકાવ સુહાગની સેજ પર બેઠેલી કાવેરીને શેખરે પોતાની બાહોમાં સમાવી લઈ બધું ભુલાવી દીધું. 

સવારે બહારથી કંઇક આવજો સંભળાતાં કાવેરી સફાળી બેઠી થઇ. શેખર હજી ભર ઊંઘમાં હતો. ઘડિયાળમાં સાત વાગી ગયા હતાં. તેના મનમાં ફાળ પડી કે, પહેલાં જ દિવસે સાસુમાની નારાજગી. ઓહ ! હવે કેમ કરીને બહાર જાઉં ? તેણે શેખરને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો.

"એય શેખર, સાંભળો ને ! ઊઠો ને. મને મોડું થઈ ગયું છે. બહાર બધા ઉઠી ગયા છે. હવે મને બહાર જતાં ડર લાગે છે. શેખર.... ઉઠોને !"

"હુંઉંઉં...અરે ! એમાં ડરવાનું શું છે? તું તારે જા. કોઈ કંઈ નહિ કહે."

શેખર ફરી પડખું ફરી સૂઈ ગયો. કાવેરીએ ખૂબ જ ઝડપથી નાહી લીધું. તૈયાર થઈને તે ડરતાં ડરતાં બહાર નીકળી. રસોડામાં જેઠાણી અને સાસુમા નાસ્તાની તૈયારી કરતાં હતાં.

કાવેરીએ સાસુમાને પગે લાગી જય શ્રી કૃષ્ણ કહ્યું.

"અરે વહુ બેટા! કેમ આટલી જલ્દી ઉઠી ગઈ ? કાલનો આખા દિવસનો થાક હશે. આરામથી ઉઠાય ને !" સાસુમાએ વ્હાલથી ઓવારણાં લેતાં કહ્યું.

કાવેરી તો નવાઈ પામી ગઈ. 

"મમ્મી, કાલથી હું સમયસર ઉઠી જઈશ. ચા-નાસ્તો બધું હું..."

"ઓહોહો ! ભાભી પહેલે દિવસથી જ સાસુજીને મસ્કા.. હમમ !..." નણંદે મસ્તી કરી.

"શિખા, બસ હં. તારી શેતાની કાલથી. ભાભીને ઘરમાં બધું સમજવામાં મદદ કર. ને, વહુ બેટા ! થોડા દિવસ બધું જાણી લે, સમજી લે પછી બધું તારું જ છે. તારું ઘર ને તારી જ જવાબદારી. તારે અને રેશમા વહુએ મળી સમજીને બે બહેનોની જેમ રહેવાનું અને આ ઘર સંભાળવાનું છે, સમજી."

"ઓ ભાભી ! ક્યાં ખોવાઈ ગયાં ? ભાઈના ખ્યાલોમાં !" શિખાએ હળવેકથી કાવેરીની કમરમાં ચીમટી ભરી. રસોડાના દરવાજે ઉભો શેખર કાવેરીને જોઈ મલકાઈ રહ્યો અને કાવેરી તો જાણે કલ્પનામાં અજાણતાં જ રચાઈ ગયેલા ચક્રવ્યૂહનું પીંજરું તોડી હળવી ફૂલ થઇ લાગણીઓના ગગનમાં ઊંચે ઊંચે ઊડવા લાગી.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy