purvi patel pk

Tragedy

4  

purvi patel pk

Tragedy

સોહાગણ

સોહાગણ

2 mins
436


ન્યાતનું મોભાદાર નામ એટલે સંપતરાય પારેખ. તેમના એકના એક દીકરાની વહુ. સ્વભાવે સાવ નરમ. સંસ્કારી તો એવી કે ઘરમાં સૌનો પડ્યો બોલ ઝીલે. સાસુ-સસરાની સેવાને પોતાનું અહોભાગ્ય માને. પતિદેવની ચાકરીમાં ખડેપગે હાજર. સામાન્ય ઘરની દીકરી આજે એક સાધન સંપન્ન ઘરની વહુ હતી, તેના કારણે સમાજમાં લોકો તેને ખૂબ જ નસીબદાર ગણતાં.

હકીકતમાં ઘરની ઊંચી ચાર દિવાલોની અંદર કોઈને ઝાંકવાની પરવાનગી નહોતી. ઘરની વાતો અભેદ્ય દીવાલોની બહાર પગ કરી ન જાય, તેની પણ પૂરી તકેદારી રાખવામાં આવતી. પતિદેવ માત્ર પોતાની જરૂરિયાતો પૂરી કરવા પૂરતો તેને પત્નીનો દરજ્જો આપતા. ઘરમાં કોઈને કંઈ પણ જરૂર હોય, વહુરાણી હાજર ..પણ વહુની જરૂરિયાતનો ખ્યાલ રાખનાર કોઈ નહોતું. પોતે વહુરાણી હતી કે, નોકરાણી એ તે ક્યારેય સમજી નહોતી શકી.

આજે કદાચ તેનો દિવસ હતો. ઘરના દરેક સભ્યોનું ધ્યાન તેના પર જ હતું. સૌની નજર તેના પર જ કેન્દ્રિત હતી. લાલ-સફેદ પાનેતરમાં તે ખૂબ શોભી રહી હતી. હાથમાં લાલ-લીલી બંગડીઓ, કપાળે મોટો લાલ ચાંદલો. હોઠો પર લગાડેલી લાલ લિપસ્ટિક તેના ગોરા વાનને ઓર નિખારી રહી હતી. ગળામાં ચક ચક થતું મંગળસૂત્ર તેના સધવા હોવાની ચાડી ખાતું હતું. મોગરાની સેરમાં વળ ખાતાં કેશ, ને ગુલાબના ફૂલોનો મઘમઘાટ. આજે તો સોળે શણગાર સજ્યાં હતાં. કાયમ કોઈના સાથ-સંગાથ માટે તરસતી, આજે લોકો તેને ઘેરીને બેઠાં હતાં. પાસ-પડોશની સ્ત્રીઓ અંદરોઅંદર ધીમો ગણગણાટ કરી રહી હતી. 

"બિચારી, આ કંઈ જવાની ઉંમર હતી ?"

"હા, નહીં તો શું ? આવા મોટા ઘરમાં તો હજી કેટલાય ઓરતાં પુરા થયાં હોત ?"

"તોય ભલા માણહ, જુઓ ને ! નસીબદાર કે'વાય હો ! આજેય ઠાઠ તો જુઓ ! શણગાર સજીને સોહાગણ જ ગઈ !"

"હા, ભાગ્યશાળી તો ઘણી હોં !"

કેશવના ગળે ડૂમો ભરાઈ ગયો. તેની પથરાયેલી આંખો દીકરીને એકટક જોઈ રહી. તે કશું કહેવા-કરવાની હાલતમાં નહોતો. ત્યાં તો તેની બાજુમાં બેઠેલી, રડી રડીને થાકેલી કાંતા અચાનક ચીસ પાડી ઊઠી.

 "હા, મારી દીકરી સોહાગણ ગઈ....પણ, તેણે આખી જિંદગી વિધવાની જેમ વીતાવી તેનું શું ? 

શું આને નસીબ કહેવાય ?

શું તે ખરેખર ભાગ્યશાળી કહેવાય ?"


Rate this content
Log in

Similar gujarati story from Tragedy