purvi patel pk

Tragedy

4  

purvi patel pk

Tragedy

એકલતાના સાથી

એકલતાના સાથી

3 mins
323


નિવૃત્તિને તો હજી ઘણી વાર છે. ખાલી ઘર તેને ખાવા દોડતું. ઑફિસેથી ઘરે જતાં રોજ તેના પગ આનાકાની કરતાં. પાંત્રીસની ઉંમરે પહોંચતાં સુધીમાં તો કીર્તન અને એકલતા બંને એકબીજાના પર્યાય બની ગયેલાં. કેટલીય કોશિશો કરી કે, સુકેશીને સંતોષ આપી શકે પરંતુ તેની આશા, અપેક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓના ભાર નીચે કચડાતો કીર્તન માંડ માંડ શ્વાસ લઈ શકતો.

સુકેશીનો સ્વભાવ એકદમ સ્વચ્છંદી, ઉડાઉ અને કરડાકીવાળો. અરેંજ મેરેજ હતાં. લગ્નજીવન શરૂ તો કર્યું, પણ ખાસ ફાવ્યું નહીં એટલે બસ એક સમજણપૂર્વકના અબોલા. મનમેળ વગર બીજું બધું રાબેતા મુજબ ચાલતું. પરિવારની જવાબદારી અને પત્નીની શારીરિક-માનસિક તમામ પ્રકારની જરૂરિયાતો કીર્તન કશી પણ ફરિયાદ વિના પૂરી કરતો રહ્યો. 

આમને આમ લગ્નના ચાર વર્ષ વીતી ગયાં. પહેલી વારનો ગર્ભ ત્રીજા મહિને પડી ગયેલો. આમ પણ સુકેશીને સંતાન જોઈતું નહોતું. કારણ 'તેનું ફિગર ખરાબ થઈ જાય'. કીર્તનનું કશું ઉપજે એમ નહોતું. તેના માતા પિતા પણ સુકેશીના સ્વભાવને વર્તીને ગમ ખાઈ જતા. કહેવા ખાતર સુખી પરિવાર, પરંતુ અંદરખાને કીર્તનની એકલતા અને મા-બાપના પૌત્ર-પૌત્રી રમાડવાના અધૂરા અરમાન ઘરની ચાર દીવાલોમાં ઘૂંટાઈ રહ્યાં હતાં. સુકેશીના સ્વભાવને કારણે કીર્તન તેના સંબંધીઓ અને મિત્રોથી પણ દૂર થઈ ગયો. જીવન સાવ નિરસ બની ગયું. 

એકવાર કીર્તનને વિચાર આવ્યો કે, તે તેના માતાપિતા માટે બીજું તો કશું કરી શકે એમ નથી તો લાવને એમને તીર્થયાત્રા કરાવી આવું. તેની આવક સારી હતી. આમેય આ બધું સુકેશીના સ્વભાવથી વિરૂદ્ધ હતું. સુકેશીને કીર્તન કે તેના માતાપિતા કોણ ક્યાં છે, શું કરે તે બધા સાથે કોઈ નિસ્બત નહોતી. તેને તો તેના ખર્ચના રૂપિયા મળી જાય એટલે બસ ! ઓફિસમાંથી રજા ના મળવાના કારણે તેણે તેના માતા-પિતાને ફોઈ-ફુઆ સાથે તીર્થ યાત્રાએ મોકલવા પડ્યાં. કાળનું કરવું તે, તીર્થયાત્રાએથી પાછા ફરતાં રોડ અકસ્માતમાં કીર્તનના માતાપિતા બંને મૃત્યુ પામ્યાં.

થોડા દિવસ માટે તો કીર્તન દિગ્મૂઢ થઈ ગયો. સાવ સૂનમૂન થઈ ગયેલો કીર્તન યંત્રવત્ ઓફિસે જાય, કામ કરે અને ઘરે આવે. બસ, આઠથી સાતની વચ્ચે તે જીવતી લાશની જેમ જીવતો. કીર્તનને તો જાણે હૈયું કોરું ને આંખે કાયમી શ્રાવણ વસી ગયો.

સુકેશીને એકલી અને અલ્લડ જિંદગી કોઠે પડી ગઈ હતી. પછી તો તેણે કીર્તનની થોડી ઘણી પરવા કરતી હતી તે પણ બંધ કરી દીધી. રસોઈ માટે પણ એક બાઈ રાખી લીધી હતી. બધી રીતે નિરાશ થઈ ગયેલા કીર્તને જિંદગી સાથે સમાધાન કરી લીધું. હવે બંને એક છત નીચે અજનબીઓની જેમ રહેતાં હતાં.

એકવાર સુકેશી તેની સહેલીઓ સાથે બે દિવસ માટે શહેરની બહાર ગઈ હતી. કીર્તનને નોકરીએ છુટીને ઘેર જવાની ઈચ્છા નહોતી. તેણે બાઈક સોસાયટીના નાકે આવેલા ગાર્ડન પાસે પાર્ક કરી, તે અંદર એક બાંકડા પર જઈને બેઠો. નજીકમાં જ કેટલાંક બાળકો રમી રહ્યાં હતાં. થોડી થોડી વારે બોલ તેની પાસે આવતો અને છોકરાઓ તેની પાસેથી બોલ માંગતાં. થોડી જ વારમાં બધું જ ભૂલીને કીર્તન ક્યારે એ બાળકોની સાથે રમવા લાગ્યો તેને પોતાને પણ ખબર ના પડી. બીજા બાંકડે બેસીને એક સજ્જન બધું જોઈ રહ્યાં હતાં. થોડીવાર પછી તેમણે ખિસ્સામાંથી એક વ્હિસલ કાઢીને વગાડી અને બધા બાળકો તરત જ રમવાનું મૂકી ખૂબ જ સભ્યતાથી તેમની પાસે આવી ઊભા રહી ગયા. કીર્તનને આશ્ચર્ય થયું. ત્યાં પેલા ભાઈએ ફોડ પાડ્યો. 

"આ મારા બાળકો છે. હું એક અનાથાશ્રમ ચલાવું છું. દર શનીવારે હું આ બાળકોને ક્યાંકને ક્યાંક બહાર લઈ જાઉં. તમને બાળકો ગમતાં લાગે છે, ખૂબ સારી રીતે તમે બાળકો જોડે ભળી ગયેલા, એટલે અનુમાન લગાવ્યું."

"હમમ.. હા...હા..." 

કીર્તન વધુ કશું બોલી ના શક્યો. 

"આ મારો ફોન નંબર છે. ક્યારેક કંઈ...." પેલા ભાઈએ કાર્ડ આપતાં ટૂંકમાં પતાવ્યું. 

કીર્તને કાર્ડ ખીસ્સામાં મૂકી ઘર તરફ પ્રયાણ કર્યું. 

આજે ઘણા વર્ષો પછી તે સહજતાથી શ્વાસ લઈ રહ્યો હતો. કદાચ પોતાને થોડો હલકો અનુભવી રહ્યો હતો. 

બીજા દિવસથી ફરી એ જ આઠથી સાતની નોકરી ને એ જ રોજનીશી. પણ, હવે કીર્તન શનિવારની રાહ જોતો. દર શનિવારે તે પેલા નંબર પર ફોન કરી બાળકોને ક્યાં લઈ જવાના છે તે જાણી લેતો અને ત્યાં પહોંચી જતો. તે બાળકો માટે ચોકલેટ, તો ક્યારેક ગિફ્ટ, ને ક્યારેક આઈસ્ક્રીમ પણ ખવડાવતો. ક્યારેક તો અડધી રજા લઈ તે અનાથાશ્રમ પણ પહોંચી જતો.

જીવન જીવવાનો તેણે આ અનોખો રસ્તો શોધી કાઢ્યો. આ અનાથ બાળકો અને તે એકબીજાની એકલતાના સાથી બની ગયા.

હવે કીર્તનના હૈયામાં અનહદ પ્રેમ છે અને આંખોમાં લાગણીનો દરિયો ઘૂઘવે છે. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy