purvi patel pk

Children Stories Inspirational

3.6  

purvi patel pk

Children Stories Inspirational

મોન્ટુ મોબાઈલ

મોન્ટુ મોબાઈલ

2 mins
263


'એ મોન્ટુ મોબાઈલ...'

'એ મોન્ટુ મોબાઈલ...'

સોસાયટીના છોકરાઓ મોન્ટુને ખૂબ ચીડવતા હતાં. 

આઠ વર્ષનો મોન્ટુ તેના પપ્પાની દેખાદેખી મિત્રોમાં ફિશિયારી મારવામાં એક્કો. તેના પપ્પાએ તેને બર્થડે ગિફ્ટમાં મોબાઈલ અપાવ્યો. બસ, પછી તો મોન્ટુભાઈ હવામાં ઊડવા લાગ્યા. બધા છોકરાંઓ રમવા માટે ભેગાં થાય, ત્યારે હોશિયારી મારવી એ જ મોન્ટુભાઈનું કામ. બધાં છોકરાઓ તેનાથી ત્રાસી ગયા. ધીમે ધીમે બધાએ તેની સંગત છોડવા માંડી. મોન્ટુને હવે મોબાઈલનું વ્યસન થઈ પડ્યું. મોન્ટુ સ્કૂલ- ટ્યુશન અને સોસાયટીમાં એકલો પડવા લાગ્યો. 

એક વખત મોબાઇલમાં કંઈક સમસ્યા ઊભી થવાથી મોબાઇલ બંધ થઈ ગયો. મોન્ટુને મોબાઈલ વગર કશું પણ સૂઝતું ન હતું. કવિતાને તક મળી, તે વિચારવા લાગી કે, હવે મોન્ટુને કઈ રીતે મોબાઈલ છોડાવવો. મોન્ટુ રડમસ ચહેરે બેઠો હતો. કવિતાએ આવીને તેને કહ્યું, 'જા, બહાર છોકરાંઓ સાથે રમ." 

"પણ મમ્મી, એ બધાં મને રમાડતાં નથી." 

"કેમ નથી રમાડતાં ?"

"મમ્મી, હું અત્યાર સુધી મોબાઈલ જ રમ્યા કરતો હતો એટલે એ બધા હવે મને નથી બોલાવતાં. ને, એ લોકો મને 'મોન્ટુ મોબાઇલ' કહીને ચીડવે છે."

"હમમ... વાત તો સાચી છે ને! બેટા રમવાની ઉંમરે તું મોબાઈલ લઈને ઘરમાં બેસી રહે છે. જોયું, મોબાઇલે તારું કેટલું બધું નુકસાન કર્યું. તું ભણવામાં પાછળ થઈ ગયો, તારા મિત્રો છૂટી ગયાં, તારી આંખ નબળી પડી ગઈ છે, તને આટલી નાની ઉંમરમાં ચશ્માં પણ આવી ગયા. બહાર રમવાથી તારા શરીરને કેવી સરસ કસરત મળતી હતી.

"હા મમ્મી, તારી વાત સાચી છે. મારી આંખો અને ઘણીવાર માથું પણ દુ:ખે છે."

"તો જોયું મોબાઇલથી કેટલું નુકસાન થાય છે. દરેક વસ્તુનો ઉપયોગ કરવા માટે એક ઉંમર હોય, બેટા અને એ વસ્તુ વાપરવા માટેનો પણ એક યોગ્ય સમય હોય. તે તારી નાની ઉંમરમાં જ મોબાઈલને પોતાનો મિત્ર બનાવી દીધો અને તેના કારણે તારા પોતાના મિત્રો તારાથી દૂર થઈ ગયા. શું તને કંઈ થાય કે તારે કોઈની જોડે વાત કરવી હશે તો તું મોબાઈલ જોડે વાત કરશે કે તું તારા કોઈ મિત્રને શોધશે ? એકવાર શાંતિથી વિચારજે બેટા, મોબાઈલ ખોટો છે એવું નથી, પણ મોબાઈલનો સતત ઉપયોગ જે તું કરે છે, તે ખોટો છે."

"હા મમ્મી, મને મારી ભૂલ સમજાય છે. મેં ખોટું કર્યું. હે મમ્મી, મારા મિત્રો હવે મને ક્યારેય નહીં બોલાવે. શું કાયમ એકલો રહી જઈશ ?" મોન્ટુ રડવા લાગ્યો.

"ના બેટા ! એવું નથી. જા, તારા મિત્રોને મળીને માફી માંગી લે અને બધાને કહે, તારી ભૂલ થઈ ગઈ."

હિંમત કરી મોન્ટુ મિત્રો પાસે ગયો ને, બધાને કહ્યું કે, 'એ મારી ભૂલ હતી. તમે જ મારા સાચા મિત્રો છો.' 

પાછળથી મોન્ટુની મમ્મીએ ઈશારો કર્યો એટલે બધા મિત્રો હસી પડ્યાં અને તેને ભેટી પડ્યાં. 


Rate this content
Log in