Bharat Thacker

Inspirational Romance Tragedy

4  

Bharat Thacker

Inspirational Romance Tragedy

કાકીંડો

કાકીંડો

4 mins
14K


સરોવરના કીનારે બેઠેલી મીના એકલી યંત્રવત પથ્થરો ફેંક્યા કરતી હતી. તળાવમાં ઉઠતા વમળો અને મનમાં ઉઠતા તરંગોનો કોઇ મેળ પડતો ન હતો. તળાવના વમળો થોડેક સુધી પ્રસરીને શાંત થઇ જતા હતા. એના હાથમાં એક મોટો પથ્થર આવ્યો ને એનાથી ઊઠેલું વમળ છેક કીનારે આવી સમાપ્ત થયું.

તોફાનની જેમ જિંદગીમાં આવેલા ઓચીંતા ફેરફારોને તે સમજી શકતી ન હતી અને વિચારોના વમળમાં અટવાયે જતી હતી. કેવા ફેરફારો તેણે જોઇ લીધા જિંદગીના છેલ્લા ત્રણ-ચાર મહીનાઓમાં. પ્રસંગોની ગતિ સાથે જાણે કે તે અનાયાસે ઢસડાયે જતી હતી. હજી પંદર દિવસ પણ નહોતા થયા તેના બીજા લગ્નને. તેના વિચારોમાં પ્રથમ સાથી મહેશના ખ્યાલ છુટતા ન હતા.

કેટલી સરસ રીતે તેનું જીવન ચાલ્યે જતું હતું મહેશ સાથે. જિંદગીનું એક વરસ મસ્ત પવનની જેમ પસાર થઇ ગયું. પોતે એક કળી હતી અને મહેશને પામીને ફુલ જેવી થઇ ગઇ હતી. મહેશ પણ ખૂબજ ખુશ હતો. લગ્ન પછી તેમનું જોડું એક આદર્શ યુગલ ગણાતું. બન્ને એક બીજાના પર્યાય જેવા બની ગયા. મીના તો કહેતી, "મહેશ તને મેળવી લીધા પછી તો ભગવાન પાસે કાંઇ માંગવાની ઇચ્છા પણ નથી થતી."

પરંતુ, એ ખુશી એ પ્યાર કેટલી જલ્દી નફરતમાં બદલી ગયા. પ્યારા લાગતા મહેશનું વર્તન એકાએક બદલાઇ ગયું. જાણે કે તે મહેશ જ ન હોય. પ્યારનો રંગ એક વરસમાં જ ઉતરી ગયો. હવે તે કોઇ દિવસ સમયસર ઘેર આવતો નહીં. મોડી રાત સુધી બહાર ભટકતો. નાની નાની વાતોમાં ઝઘડાઓ કરતો. આવેલા ફેરફારો મીના માટે અકલ્પ્ય હતા. ઘરની અંદર ત્રાસનું વાતાવરણ થઇ ગયું હતું. આ ફેરફારો શેના લીધે થયા છે તે જાણવાના પ્રત્યન કર્યા ત્યારે, મહેશ અને બહુચર્ચીત હેમાના સંબંધો ઉજાગર થયા. મીનામાંથી તો જાણે જિંદગીનું નૂર નીકળી ગયું. વધતી જતી તંગ પરિસ્થિતીમાં, મહેશે કરેલ છુટાછેડાની માંગણી તેણે સ્વીકારી લીધી.

ઓચીંતા છુટાછેડાની જેમ તેના જીવનમાં બીજો જીવનસાથી પણ અચાનક આવી ગયો. એક લાગણી-સભર અને સારો જીવન સાથી – નરેશ. બધું એટલી જલ્દી થયું કે મીનાને પોતાને કાંઇ સમજાતું ન હતું. તેને સમાચાર મલ્યા તે પ્રમાણે, છુટાછેડા પછી મહેશ ખૂબ માંદો રહેતો.

વિચારોમાં અટવાયેલ મીનાને નરેશ ક્યારે આવીને તેની પાસે બેસી ગયો તેનો પણ ખ્યાલ ન રહ્યો. નરેશે તેનો હાથ પ્રેમથી પોતાના હાથમાં લઇ એક કાગળ આપતા કહ્યું, ‘મીના, એક દુઃખદ સમાચાર છે. મહેશનું અવસાન થયું છે. મીનાના મુખમાંથી અનાયાસે શબ્દો નીકળી ગયાઃ પ્રુથ્વી પરથી ભાર ઓછો થયો.

ક્ષુબ્ધ નરેશ બોલી ઉઠયો, ‘ના મીના એવું ના બોલીશ. મૃત્યુ અગાઉ એણે જે ચીઠ્ઠી આપણા બે પર લખી છે તે વાંચી જો તને તારા શબ્દો પર પસ્તાવો થશે. પોતાના હાથમાં નરેશે થામેલો કાગળ તેણે વાંચ્યોઃ

પ્રિય મીના અને નરેશ

આમ તો આ પત્ર માત્ર મારે મીનાને જ સંબોધવો હતો. પરંતુ, તમે બન્ને એક જ છો એટલે સંયુકત સંબોધન કર્યુ છે.

મીના, તને યાદ છે છુટાછેડાના પેપર્સમાં સહી કરતી વખતે તે મને કહ્યું હતું કે મારો શો ગુનો છે? તમે લોકો તો કાકીંડા જેવા છો – ગમે ત્યારે રંગ બદલી નાખો.

મીના, ઘણી વખતે જિંદગીમાં માણસનો કશો ગુનો હોતો નથી – કિસ્મતનો ગુનો હોય છે. મારો પણ ગુનો ન હતો. તને યાદ હોય તો આપણા લગ્ન જીવનના છેલ્લા મહીનામાં હું અવારનવાર બિમાર રહેતો. ડોકટર પાસે ચેક અપ કરાવતા એ સાબીત થઇ ગયું કે મને એડ્સ હતું. હું બ્લડ ડોનર રહ્યો છું અને છેલ્લે બ્લડ ડોનેટ કર્યું તે સીરિંજ હતી તે એડ્સના વાઇરસ વારી હતી જેને લીધે મને પણ એડ્સ લાગી ગયો હતો. દુનિયાની કોઇ દવા કે દુવા મને બચાવી શકે તેમ હતી નહીં. આ વાત જો હું તને કહેત તો તું મને છેલ્લે સુધી છોડત નહીં અને મારા પ્રેમમાં તું એટલી પાગલ હતી કે મારા મૃત્યુ પછીની તારી જિંદગી પણ તું મારા પાછળ, મારી યાદમાં બરબાદ કરી નાખત જે મને કોઇ કાળે મંજૂર ન હતું. એટલે મારે ના છુટકે રંગ બદલવો પડ્યો. તારી સાથે નાટક કર્યું, તારા સાથે ઝઘડા કર્યા. મારા હેમા સાથે કોઇ સંબંધ ન હતા – બધું ઉભું કર્યું જેથી તારા દીલમાં મારા માટે નફરત ઊભી થાય અને તું મને ભુલવા અને છોડવા તૈયાર થાય.

મારો અંત તો નક્કી જ છે. આ કાગળ લખવા પાછળનો મારો એટલો જ છે કે મેં જોયું આપણા જીવનમાં બનેલા બનાવોથી તું માત્ર મને જ નહીં, પરંતુ પુરુષ માત્રથી નફરત કરતી થઇ. તારો આ રવૈયો, તારી જિંદગી ખરાબ ના કરે એટલે મારે આ રહસ્યસ્ફૉટ કરવો પડયો છે. જિંદગીમાં સમય ગમે તેવા ઘા રુઝાવી શકે છે. હા, ક્યારેક નિશાની રહી જાય છે રુઝની. તને નરેશ જેવો સમજુ છોકરો મળ્યો તે મારા માટે સૌથી ખુશીની બાબત છે. નરેશ, મીનાને પ્રેમથી સાચવીશ. એની પરિસ્થિતી તું સમજીશ એની મને ખાતરી છે. એના જેવી પ્રેમાળ પત્ની પામવી એ નસીબની વાત છે. – અલવિદા.

લી. તમારા મહેશની પુનીત યાદ

નજીક બેસેલા યુવક - વૃન્દમાંથી કોઇ શાયરી લલકારી રહ્યું હતું કેઃ

રોને કા આલમ તો કુછ ઐસા થા,

કી હમ ઝુમ કર સાવન તક પહુંચે.

દો-ચાર આંસુ હી ઐસે થે,

જો આપકે દામન તક પહુંચે.

ઢળતી સંધ્યામાં મીનાની આંખોથી ઢળેલા આંસુઓ લાલ થઇ ગયા હતા – લોહીના આંસુ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational