અશ્ક રેશમિયા

Drama Inspirational

3  

અશ્ક રેશમિયા

Drama Inspirational

કાગડો

કાગડો

6 mins
14.9K


એક હતું પંખી.

માથું, ગળું અને પીઠના ભાગે ચમકતો ઘેરો કાળો રંગ ધરાવતું તથા ગરદન નીચે અને છાતીના ભાગે હલ્કો રાખોડી કથ્થાઇ રંગવાળું પંખી. વળી, પાંખ, પૂંછડી અને પગે કાળા રંગનું.

નામ એનું કાગડો. ઘર-આંગણાનું એ પંખી.

આ કાગડો ગામ આખાનો એંઠવાડ ખાઈ-ખાઈને કંટાળી ગયો હતો.

એક દિવસ આ કાગડાને માંસ ખાવાનું મન થયું!

એ તો શેરીએ-શેરીએ અને ગલીએ-ગલીએ ભમી આવ્યો પણ માંસનું ક્યાંય ઠેકાણું પડ્યું નહી.

બિચારો કાગડો! થાક્યો, હાર્યો ને હેઠે બેઠો.

માંસ ખાવાની ઈચ્છાથી એણે શાકાહારી એઠવાડ ખાવાનું બંધ કરી દીધું. ખાધા વિના એનું શ્યામ શરીર વધારે શ્યામ થવા આવ્યું. દિવસે ને દિવસે એ નબળો પડતો જતો હતો. એક રાત્રે આકાશના તારલાઓ ગણતાં-ગણતાં કાગડાને એક યુક્તિ સૂઝી આવી!એ રાજીના રેડ બની નાચવા લાગ્યો.

પરોઢ થતાં વેંત એણે પોતાના જાતભાઈઓની જમાત એકઠી કરી લીધી.

પાછલા બે-ત્રણ વરસમાં પહેલીવારની અચાનકની સમાજ ભેગી થવાથી સૌ કાગડાઓ નવું જાણવા આકળ-વિકળ થઈ રહ્યા હતાં. કોઈ કોઈ તો આ નવા ગતકડાંની મોજ માણવા ઊંચા-નીચા થઈ રહ્યાં હતાં. કોઈ વળી અંદરોઅંદર કાનાફૂસી કરી રહ્યાં હતાં.

એટલામાં પૂર્વદિશા તરફથી સૂરજદાદાએ સોનેરી કિરણો રેલાવ્યા. એ તેજ કિરણોમાં નહાઈને માંસભૂખ્યા કાગડાએ જોરથી 'હરિ ઓમ'નો નાદ કર્યો. એ નાદથી સઘળી જમાતમાં સન્નાટો છવાઈ ગયો.

સભામાં થોડીવાર શાંતિ પ્રસરી રહી. પછી બાજુના ગામમાંથી આવેલ કાગડાઓના પ્રમુખે પૂછવા માંડ્યું: 'અરે ઓ વહાલા કાગભાઈ! સવાર-સવારમાં આ શું ગતકડું ઊંભું કર્યુ છે? તારે માથે એવી તો શું આફત આવી પડી કે આમ તારે મળસ્કે આખી સમાજને ભેગી કરવી પડી?'

જવાબમાં ભૂખ્યો કાગડો બે ડાળ નીચે ઊતર્યો અને ટપક ટપ ...આંસુ સારવા માંડ્યો. એના ગળામાં ડૂમો ભરાયો. એ કંઈ બોલી શક્યો નહી.

કાગડાની આવી દશા જોઈને સભામાંના સર્વે કાગડાઓની આંખમાં પણ આંસુ ઊભરાયા. બધાને થયું કે આ ભાઈ પર એવી તો શું મુસીબત આવી પડી કે એ સાવ સાવ દૂબળો પડી ગયો છેે ને આમ રડ્યે જાય છે.

બીજા એક આગેવાને ધીમેથી સવાલ કર્યો: 'અરે ભાઈ !આંસું લૂછ અને તારું દુ:ખ બતાવ. તને કોણે માર્યો? કોણે ધમકાવ્યો? જલદી બતાવ સાલાઓના હાડકાં-પાંસરા એક કરી નાખીએ!'

વળી, વચ્ચેથી કોઈએ ત્રીજો સવાલ કર્યો: 'કાગડાઓની જમાત શું મરી ગઈ છે કે તને કોઈ આમ ધમકાવી શકે? તારી મુંજવણ ઝટ કહે એટલે સેકંડમાં જ ઉકેલ લાવી દઉં!'

વળી, ચોથાએ ઉમેર્યુ: 'અરે ભાઈ...! તારી ભૂંડી હાલતનું કારણ બતાવ. આખી જમાત તારી પડખે છે ભાઈ..!'

આ સાંભળીને સભામાંના સૌએ 'હા બતાવ...હા બતાવ ..'કહીને રદિયો આપ્યો.આ સઘળા સવાલો દરમિયાન માંસનો શોખીન બનેલો કાગડો ચૂપ હતો. છેલ્લે જ્યારે સૌએ હા ....હા....બતાવ એમ કહીને હમદર્દી બતાવી ત્યારે એ હાથ જોડીને ઊભો થયો. આંખો બંધ કરીને ઈશ્વર સ્મરણ કરી બોલ્યો, 'ભાઈઓ મારે માંસ ખાવું છે!'

'માંસ વિના મારી આ હાલત થઈ છે. આટલું સાંભળતાં જ સભામાંના બધા કાગડાઓએ દાંત કાઢ્યા! સભામાં હા...હોકારો મચી ગયો. કોઈ મશ્કરી કરવા લાગ્યા તો વળી કોઈ હસવા લાગ્યા.

આ ઘોંઘાટ વચ્ચે કાગડાએ મરણચીસ પાડી. થોડીવારે સભામાં ભરી શાંતિ છવાઈ.

ઘડીવાર રહીને એક ખૂણામાંથી ધીમો પણ મશ્કરીભર્યો સૂર ઊઠ્યો: 'અલ્યા ભાઈ! માંસ તો આમારે પણ ખાવું છે, અમે પણ માંસ વિનાના ટળવળીએ છીએ પણ તારી માફક ગાંડા નથી કાઢતા. માંસ વિના તો કંઈ મરાતું હશે! અરે વળી, માંસ આરોગીને તો આપણા, ઘણાં ભાઈઓએ જાન ગુમાવી દીધા છે. ઘણા દવાખાનામાં છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે. ઘણાએક પાગલ બની ગયા છે પાગલ...! ને તને વળી માંસ ખાવાનો ગાંડો ચસકો લાગ્યો છે!

આ સાંભળીને ગામડામાંથી આવેલ એક ઘરડા કાગડાએ પૂછ્યું: 'અલ્યા ભાઈ...! માંસ ખાવાથી વળી કેમ કરીને મોતને અને પાગલને શરણ થયા છે?'

પેલા કાગડાએ ઉકળાટમાં ઉત્તર વાળ્યો, 'આ માનવજાતિ આપણી દુશ્મન બની બેઠી છે. આપણી જાતિને માનવીઓએ ભયમાં મૂકી દીધી છે ભયમાં!'

'એ વળી કેવી રીતે?' અચરજથી ભવાં ચડાવતાં ગામડાવાળાએ પૂછ્યું.

ઉકળાટભર્યો કાગડો વધું ગરમ થઈને બોલ્યો: 'અરે ભાઈ....! આ માનવજાતિ આપણને ખતરામાં મૂકી રહી છે ખતરામાં?એણે બધી જ બાજુએ પ્રદૂષણ....પ્રદૂષણ.....ને પ્રદૂષણ કરી મૂક્યું છે! એ પ્રદૂષણથી અનાજ બગડ્યું, અનાજથી ખોરાક બગડ્યો ને ખોરાકથી એમના પ્રાણીઓ બિમાર પડવા લાગ્યા! અને એ બિમાર પ્રાણીઓને સાજા કરવા ઝેરીલી દવા ખવડાવી.'

સારી જમાત આ નવી ઊભી થયેલી વાતને સરવા કાને સાંભળી રહી હતી. કાગડાએ આગળ વધાર્યું: 'એ દવા ખાધેલા પ્રાણીઓ મરણને શરણ થયા ને એ દવાનું ઝેર એમના શરીરમાં રહ્યું. હવે એ પ્રાણીઓનું માંસ આપણા ભાઈઓએ આરોગ્યું એટલે એ પણ બિચારા ઝેરની અસરથી મરણ પામ્યા. અને ઘણા મરણપથારીએ છે. 'આટલું બોલીને એ કાગડાએ માણસજાતને ધિક્કારી કાઢી.

આટલું સાંભળ્યું ના સાંભળ્યું ને બધા કાગડાઓએ મનોમન હવેથી માંસ ન ખાવાનું નક્કી કર્યું.

એટલીવારમાં તો માંસ ભૂખ્યા કાગડાએ જમાતને પોકાર કર્યો: 'ભાઈઓ....! મે માંસ ખાવાની પ્રતિગ્ના લીધી છે! હું ભલે ભૂખ્યો રહીશ પણ એંઠવાડ અને શાકાહાર તો નહી ખાઉં...નહી ખાઉં ને નહી જ ખાઉં..! આવું બોલીને એ બોર બોર આંસુઓ સારવા લાગ્યો.

એ જોઈ કાગડાના પ્રમુખ ઊભા થયા અને કહ્યું: 'તો ભાઈ, હવે અમે તને શું મદદ કરી શકીએ?'

'મદદ એટલી જ કે મને ગમે ત્યાંથી માંસ લાવી આપો. નહી તો મારા પ્રાણ નીકળી જશે.'

અલ્યા પણ તે હાલ સાંભળ્યું નહી કે માંસ ખાવાથી આપણા ઘણાખરા ભાઈઓના અકાળ અવસાન થયેલ છે! ને તું હજી જીદ છોડતો નથી!'

'મારે માંસ ખાવું જ છે! ગમે તે કરો.' કાગડાએ તો બૂમરાણ મચાવી દીધી. એ ક્રોધમાં આવી ગયો. ને જેમતેમ બોલવા લાગ્યો.એ બોલ્યો: 'મે તમને બધાને તમારી સલાહ લેવા નથી તેડાવ્યા, મારે તો માંસ જોઈએ છે માંસ.તમે માંસ ન લાવી શકતા હો તો ચાલ્યા જાઓ, ચાલ્યા જાઓ. હવે મારે તમારી કોઈ જ જરૂર નથી. જાઓ...જાઓ...જાઓ...'

કાગડો પૂરું બોલી રહે એટલીવારમાં તો આખી જમાત પોતપોતાને વતન જવા રવાના થઈ ગઈ.

માંસ ભૂખ્યો કાગડો હવે એકલો પડ્યો. રડવા લાગ્યો. પોતાની સમાજને ભૂંડું બોલીને કાઢી નાખ્યા એનું દુખ થયું, પણ હવે શું? અફસોસથી શું વળવાનું હતું!અચાનક ભાંગી પડેલ કાગડામાં થોડીવારે હિંમત આવી.

એણે જાતે જ મનને સાંત્વના આપવા માંડી. એ આનંદિત થઈ સ્વગત બોલ્યો, 'ભલે મારી સમાજે મને છોડ્યો પણ હવે હું પોતે જ મારી જાતનો ભેરું થઈશ. હું એકલો ક્યાં છું! મારી જાત, મારો વિશ્વાસ-શ્રધ્ધા તો મારી સાથે છે ને! હવે હું મારી જાતે જ મારો ખોરાક શોધી લઈશ. અને જીવન હર્યુંભર્યું જીવી લઈશ. આવું વિચારીને એ નાચવા લાગ્યો.

આમ, કાગડાએ પોતાની જાતે વિશ્વાસ, શ્રધ્ધા અને હિંમતના જોરે એકલાએ જ જીવન જીવવાનું નક્કી કર્યું.

એ ભૂખે ભાંગી પડ્યો હતો. છેલ્લા દિવસો વીતી રહ્યા હતાં.

એક સવારે એ દાતણપાણી કરી રહ્યો હતો એવામાં અચાનક એને એક નવી જ યુક્તિ સૂઝી આવી. એ તો ઉપડ્યો જંગલ તરફ!

હાંફતો-હાંફતો ઊડીને એ જંગલની વચ્ચોવચ્ચ આવેલ સિંહની ગુફા પાસે આવી પહોચ્યો. પોતાની યુક્તિ પ્રમાણે એણે કામ કરવા માંડ્યું.

એનું એક જ કામ. સિંહ ગુફામાંથી બહાર આવવા નીકળે એટલે કૉ...કૉ....કૉ...કરીને બૂમરાણ મચાવી દે! કાગડાનો આ અવાજ સાંભળીને જંગલના પ્રાણીઓ ચેતીને ભાગી જતાં. અને સિંહને શિકાર મળતો બંધ થયો.

આમ ને આમ બે-ચાર દિવસો વીતી ગયા. સિંહ હવે બરાબરનો ભૂખે મરવા લાગ્યો. એને કાગડા પર ગુસ્સો આવ્યો પણ કરે શું?

એક દિવસની બપોરે સિંહ હવાફેર કરવા ગુફાની બહાર આવ્યો. એણે જોયું તો કાગડો એક ઝાડ પર બેઠો-બેઠો આંસુ સારી રહ્યો હતો.

સિંહે એને પૂછ્યું: 'અલ્યા કાગડા...! તું મને શું કામ હેરાન કરે છે? અને તું આમ આંસુ શાને સારે છે?'

કાગડાએ આંસુ લુછીને બે હાથ જોડીને કહ્યું : 'મહારાજ! આપના ગુના બદલ ક્ષમા ચાહું છું. પણ હું ખુદ હેરાન થાઉં છું એટલા માટે આપને હેરાન કરી રહ્યો છું.'

આમ કહીને એ બે ડાળ નીચે ઊતર્યો. ફરી કહેવા માંડ્યું: 'મહારાજ! આપ ચાર દિવસથી ભૂખ્યા છો એટલે ભૂખ્યાની વેદના અનુભવી શકો છો. માટે આપ જ મારી મદદ કરી શકો એમ છો. જો આપ મારી મદદ કરશો તો હું પણ આપનો મદદગાર બનીને આપની સેવા કરતો રહીશ.'

સિંહ બોલ્યો: 'મદદની વાત છોડ ને તારું દુ:ખ જણાવ. અલ્યા, કાગડા જેવો કાગડો થઈને આમ રડે છે શું કામ!'

સાંભળીને કાગડામાં હિંમત આવી. એ કહે: 'મહારાજ! મે આજીવન માંસ ખાવાની પ્રતિગ્ના લીધી છે. પણ મને માંસ મળતું નથી. ને હું મરવા પડ્યો છું.

'અલ્યા, ચાર દિવસથી તારા લીધે મને શિકાર મળતો નથી તે તું જોતો નથી? જો દુબળો તો હું પણ પડવા લાગ્યો છું એ તને દેખાતું નથી શું?'

'મહારાજ! તમે મારી વાત માનશો તો આપણા બંનેનું કામ થશે ને મને તમારી સેવા કરવાનો અવસર મળશે. 'ધ્રુજતો-ધ્રુજતો કાગડો બોલ્યો.

'એ તે કેવી રીતે?'

'પણ મહારાજ...! આપ મારી શરત માનો તો જ કહું!'

'મને તારી શરત મંજુર છે બોલ..'

'મહારાજ! આપની ઉદારીને ધન્ય હો.' કાગડાએ બે હાથ જોડીને આગળ કહ્યું: 'આપ મને રોજ તમારા શિકારમાંથી થોડું માંસ આપો તો હું રોજે-રોજ જ્યાં પ્રાણી બેઠુ હશે ત્યાં જઈને ધીરેથી કાંવ બોલીશ ત્યારે તમારે ત્યાં આવી જવાનું. જીત તમારી ને શિકાર તમારો.'

સિંહએ કાગડાની શરત મંજુર રાખી.

કાગડો રાજીના રેડ બની ગયો. અને નજીકમાં જ બેઠેલ હરણા પાસે જઈને મીઠાશથી બોલ્યો: કાંવ....!

સિંહ ત્યાં આવી પહોચ્યો. શિકાર કર્યો.

બંનેએ ખાધું-પીધું ને મોજ કરી.


Rate this content
Log in

Similar gujarati story from Drama