STORYMIRROR

mariyam dhupli

Comedy Thriller

4  

mariyam dhupli

Comedy Thriller

જતન

જતન

3 mins
223

એક મિનિટના સખત પરિશ્રમ પછી મારા મિત્ર અરવિંદે એક અઠવાડિયા પહેલા મેં એને ભેટમાં ધરેલું મારું નવું પ્રકાશિત પુસ્તક ટેબલના ડ્રોવરમાંથી શોધી કાઢ્યું. મારી આગળ ઢબબ કરીને અફળાયેલા પુસ્તક ઉપર એણે એક ભારે હાથ માર્યો અને આછી આછી ધૂળ હવામાં અહીંથી ત્યાં ઊડી. 

" વાહ યાર, શું પુસ્તક લખ્યું છે ! લગભગ પાંચ થી છ વાર વાંચી ચૂક્યો છું. એનો એક એક શબ્દ હવે તો મોઢે થઈ ગયો છે. મેં પડોશમાં રહેતા સાહિલને પણ આપ્યું હતું. યુનિવર્સીટીમાં જાય છે. વાંચવાનો ભારે શોખીન છે. તને મળવા માંગે છે. મેં કહ્યું ઓથર સાહેબ આવશે ત્યારે અપોઈન્ટમેન્ટ લઈ રાખીશ. મારા અન્ય બે ત્રણ મિત્ર પણ વાંચવા લઈ ગયા હતાં. એમને પણ ખુબ ગમ્યું." 

એના ઉત્સાહસભર શબ્દો કરતા મારું ધ્યાન મારા પુસ્તકની હાલત પર વધુ હતું. 

નવા નકોર સફેદ પાના પીળાશ પકડી ચૂક્યાં હતાં. કવર પેજ ઉપર ઘણા બધા ડાઘા એવી રીતે છપાયા હતાં કે પુસ્તકનું શીર્ષક અને કવરપેજ ઉપરનું પ્રિન્ટિંગ માંડ માંડ દેખાઈ રહ્યું હતું. પુસ્તકની અંદર ખાદ્યપદાર્થોએ તેલની છાપ દ્વારા પોતાના નિશાન છોડ્યા હતાં. ઘણી બધી જગ્યાએ પાનાંઓના હેડર અને ફુટર ઉપર પેન્સિલ અને બોલપેન દ્વારા ચિત્રવિચિત્ર આકૃત્તિઓ ઉપસી આવી હતી. મિત્રના કેટલાક જરૂરી કાગળિયાઓ સચકવાની અને સંગ્રહિત કરવાની નિભાવવી પડતી ફરજને કારણે પુસ્તકનું કદ એના મૂળભૂત કદ કરતા બમણું વિસ્તરી ગયું હતું. ખુબજ માંદગીભર્યા શરીર જેવો એનો કાઠો અત્યંત નબળો દેખાઈ રહ્યો હતો. જાણે બધાજ પાના છુટા છુટા નીકળી જવા ક્રાંતિ અને બળવો કરી રહ્યા હતાં. ટાઈટેનિકના ડૂબતા વહાણ જેમ એના બે કટકા થવામાં નામનોજ સમય બચ્યો હતો. પુસ્તકને કોઈ ખોટા સરનામે પહોંચાડવાનો અપરાધભાવ મન ઉપર હાવી થયો. એની દયનિય પરિસ્થિતિએ મારા હૃદયના પચાસ કટકા કરી નાખ્યાં.

થોડા દિવસો પછી હું મારા અન્ય એક મિત્રની મુલાકાત લેવા ગયો. મંથનને પણ મેં અરવિંદ જેવું જ પુસ્તક એજ દિવસે ભેટ ધર્યું હતું જે દિવસે અરવિંદને ભેટ ધર્યું હતું. અરવિંદે કરેલી પુસ્તકની દુર્દશા હજી મન ઉપર તાજા ઘા સમાન ડંખી રહી હતી. 

" મારું પુસ્તક કેમ છે ? " મનનો ઘા અધીરો બન્યો હતો. 

મારા પ્રશ્નનો ઉત્તર આપવા મંથન મને એના બેઠક ખંડ તરફ દોરી ગયો. અતિ વ્યવસ્થિત પુસ્તકની અલમારીમાંથી એણે ધીમે રહી એક ડબ્બો ખોલ્યો. એ ડબ્બામાંથી એક પછી એક પુસ્તક અત્યંત સાચવીને એ બહાર કાઢવા લાગ્યો. દરેક પુસ્તક એને ભેટમાં મળ્યા હતાં. એકેએક પુસ્તકને એણે સ્વતંત્ર કવર ચઢાવ્યા હતાંં અને ત્યારબાદ પ્લાસ્ટિકના લેમિનેશનમાં મઢ્યા હતાં. ધૂળની એક રજ પણ પુસ્તકોને સ્પર્શી શકવા અસમર્થ હતી. દરેક પુસ્તક હાલમાં જ જાણે પ્રિન્ટિંગ પ્રેસમાંથી ગરમાગરમ નીકળ્યા હોય એવા ને એવાજ ચળકતા અને નવાનકોર દેખાઈ રહ્યા હતાં. મારું પુસ્તક પણ એટલું જ સ્વચ્છ અને સુરક્ષિત બહાર નીકળ્યું. લેવાયેલા જતનથી મારું હૈયું મિત્ર ઉપર ગર્વ લઈ રહ્યું. પુસ્તક સાચા સરનામે પહોંચાડવાનો સંતોષ મારી આત્માને અભિભૂત કરી રહ્યો. એ સંતોષ મારા ચહેરાના હાસ્યમાં મારા મિત્ર એ સહજતાથી પકડી પાડ્યો.

" ખુશ ?"

ફરી એકવાર લેમિનેશન અને કવર વ્યવસ્થિત કરી એણે બધા પુસ્તકો એક પછી એક ડબ્બામાં સાવચેતીથી મૂક્યાં અને ડબ્બો વ્યવસ્થિત બંધ કરી સ્વચ્છ, પારદર્શક અલમારીમાં ગોઠવી દીધો. 

" ચ્હા ?" 

મેં ગરદન હલાવી અને મારી માટે ચ્હાની વ્યવસ્થા કરાવવા એ રસોડા તરફ ઉપડ્યો. 

" પુસ્તક ગમ્યું ? " 

અપેક્ષિત જવાબની આશમાં મેં નિરાંતે પૂછ્યું. 

" અરે યાર. વાંચવાનો સમય જ ક્યાં મળે છે. વર્કલોડ જ એટલું હોય છે....." 

બોલતા બોલતા એ રસોડામાં અદ્રશ્ય થયો. મારી નજર ભગ્ન હૈયા જોડે એની પુસ્તકોની અતિ વ્યવસ્થિત અલમારી ઉપર આવી પડી. મારા હૃદયના સો કટકા થઈ ગયા. સરનામું સાવ જ ખોટું હતું. 


Rate this content
Log in

Similar gujarati story from Comedy