lina joshichaniyara

Drama Fantasy

5.0  

lina joshichaniyara

Drama Fantasy

જલઅરીસો - એક અસંભવિત દુનિયા

જલઅરીસો - એક અસંભવિત દુનિયા

5 mins
849


"બસ રોહન, બસ. કંટાળી ગઈ છું હું તારાથી, તારી નોકરીઓના બહાનાથી. કેટલી નોકરીઓ બદલાવવી છે તારે? મને લાગે છે કે આપણે આપણા આ સંબંધને અહીં સુધી જ રાખીયે તો સારું રહેશે. કેમ કે હું મારી જિંદગી તારા જેવા નિષ્ફળ અને બેરોજગાર સાથે નથી વિતાવવા માંગતી. આ સંબંધ આગળ વધારવાનો કોઈ જ ફાયદો નથી. તું તારી જિંદગીમાં ખુશ રહે અને હું મારી જિંદગીમાં ખુશ રહુ. આજથી, અત્યારથી જ આપણા રસ્તાઓ અલગ અલગ છે. જીવનમાં મને મળવાની ક્યારેય કોશિશ પણ ના કરીશ અને જો જિંદગી આપણને ક્યાંય મેળવી દે તો પણ આપણે અજાણ્યા બની એકબીજાને જોયા કે મળ્યા વિના આગળ નીકળી જઈશું. મારી આ વાત હંમેશા યાદ રાખજે." કંગનાના આ તીખા શબ્દો રોહનના મગજમાં હથોડાની માફક લાગી રહ્યા હતા.

"રોહન, આજકાલ તારું ધ્યાન ક્યાં હોય છે? કોઈ કામ ઠીકથી નથી કરતો. ગઈકાલની મિટિંગમાં તું શું બકવાસ કરતો હતો? તારું ધ્યાન ક્યાં હતું? તને ખબર છે તારા કારણે આપણે કેટલું નુકસાન થયું છે? જો આવી જ રીતે કામ કરવું હોય તો આ નોકરી મૂકી દે. અમારે તારા જેવા માણસોની કોઈ જરૂર નથી."

"હા, હું પણ જાઉં જ છુ. મારે પણ અહીં કામ નથી કરવું. આ રહ્યો મારો રેઝિગ્નેશન લેટર. ફૂલ એન્ડ ફાઇનલ મારા એકાઉન્ટમાં ઉમેરી દેજો." રોહન ગુસ્સામાં બહાર નીકળી ગયો.

 હતાશા અને નિષ્ફળતા એ રોહન ને બધી જ બાજુએથી ઘેરી લીધો હતો. આજના દિવસના દ્રશ્યો કોઈ ફિલ્મ ચાલી રહી હોય એમ રોહનની આંખ સામેથી પસાર થઇ રહ્યા હતા. હતાશ થઇને રોહન દરિયાકિનારે એકદમ સુમસાન જગ્યા એ બેઠો હતો. જ્યાં દૂર દૂર સુધી કોઈની અવર-જવર ન હતી. આ જિંદગી જ નકામી છે એમ વિચારી રોહન દરિયામાં આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો ત્યાં જ આકાશમાં એક ચમકારો થયો અને એ ઉભો રહી ગયો. રોહનને કોઈ અજાણી શક્તિ જાણે કે પાછો ખેંચી રહી હોય એવું લાગવા લાગ્યું. એ ત્યાંજ બેસી ગયો. બિયરની બોટલ દરિયામાં ફેંકી હજી ઉભો થવા જાય છે ત્યાં જ એક ચળકતી વસ્તુ એ એનું ધ્યાન ખેંચ્યું. એ ચળકતી વસ્તુમાંથી અત્યંત તેજ રોશની નીકળી રહી હતી. ધીરે ધીરે રોહન એક ડર સાથે એ વસ્તુ પાસે ગયો. એ વસ્તુ એ એક અરીસો હતો. હા લંબગોળ અરીસો કે જે સોનાની ઝીણી નક્શીકામવાળી ફ્રેમથી મઢેલો હતો. એકદમ નજીક જઈને રોહને એ અરીસા ને જોયો પરંતુ આ શું? અરીસામાં કાંચની બદલે પ્રવાહી તરંગો હતા. પહેલા તો રોહનને એમ થયું કે કદાચ દરિયાનું પ્રતિબિંબ પડતું હશે. પરંતુ આ કેવી રીતે શક્ય છે? અરીસો તો ચત્તો જમીન ઉપર છે એમાં પ્રતિબિંબ હોય તો પણ આકાશનું પડવું જોઈએ. પ્રવાહી પ્રતિબિંબ કેવી રીતે દેખાઈ શકે? કંઈક તો ગરબડ છે. પહેલા તો રોહનને ડર લાગ્યો પછી એમ થયું કે આમ પણ મારે તો મરવું જ છે તો જોઈ લઉં કે આ શું વસ્તુ છે? એમ વિચારી અરીસો હાથમાં લે છે.

એ અરીસામાંથી આંખો અંજાય જાય એટલો પ્રકાશ નીકળે છે અને જાણે કે એ પ્રકાશ એને પોતાની સાથે અંદર ખેંચતો હોય એવું લાગે છે. રોહન પોતાની આંખો બંધ કરી દે છે. 

રોહન જયારે પોતાની આંખો ખોલે છે ત્યારે દરિયો ગાયબ હતો અને એને પોતાની ચારેબાજુ પાણી જ પાણી દેખાય છે. રોહનને સમજાતું ન હતું કે આ શું થઇ રહ્યું છે. હજી રોહન કંઈ સમજે અને કોઈ ને બૂમ પાડી બોલાવે એ પહેલા જ પાણીમાં હલચલ થઇ અને એવું કંઈક થયું કે જે જોઈને રોહનને પોતાની આંખો ઉપર વિશ્વાસ ન આવ્યો. એને પોતાની આંખો બે-ત્રણવાર ચોળી, પોતાને ચીમટો પણ ભર્યો કે આ સ્વપ્ન તો નથી ને!! પરંતુ ના આ સ્વપ્ન ન હતું ,આ હકીકત હતી.

રોહને પાણીમાંથી એક આકાર બનતા જોયો. એ આકાર આગળ વધી રહ્યો હતો. એ આકારમાં પાણીના અણુનું સંયોજન એ નરી આંખે જોઈ શકતો હતો. રોહને રસાયણ શાસ્ત્રમાં વાંચેલું હતું કે પાણી એ ૨ હાઇડ્રોજન અને ૧ ઓક્સિજન ના સંયોજનથી બને છે. જેમાં ૨ હાઇડ્રોજન અને ૧ ઓક્સિજન સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે અને ચતુષ્ફલકીય આકારમાં ૧૦૪.૫ ના ખૂણે ગોઠવાયેલા હોય છે. આ સંયોજન નારી આંખે જોવું અસંભવ છે પરંતુ રોહન એ સંયોજનને નરી આંખે જોઈ શકતો હતો. જોતજોતામાં તો એવા અસંખ્ય આકારો ઉત્પન્ન થઇ ગયા. બધા એક જ જગ્યા એકઠા થયા. હવે રોહન ને સમજાતું હતું કે આ જલદુનિયા એટલે કે પાણીની દુનિયા છે અને એ અરીસો કોઈ સામાન્ય અરીસો ન હતો એ તો જળઅરીસો હતો. એ અરીસો જલદુનિયામાં પ્રવેશવા માટેનું ગુપ્તદ્વાર હતો.

એવામાં એક મોટો આકાર ઉદભવ્યો અને સૌથી આગળ પહોંચી ગયો. એવું લાગી રહ્યું હતું કે એ એ બધાનો લીડર હતો અને પાણીના અણુઓની મિટિંગ ચાલી રહી હતી. રોહનને આશ્ચર્ય તો એ વાતનું થતું હતું કે એ પાણીના અણુઓ વચ્ચે નો સંવાદ સ્પષ્ટ રીતે સાંભળી અને સમજી શકતો હતો.

 પાણીના અણુઓનો લીડર બધાને સંબોધીને કહી રહ્યો હતો કે

"પાણી એ પૃથ્વીની સપાટી ઉપર આવેલું સૌથી વધુ માત્રામાં અસ્તિત્વ ધરાવતું સંયોજન છે. પૃથ્વી ગ્રહની સપાટીનો લગભગ ૭૦% હિસ્સો રચે છે. પાણી વિના પૃથ્વી ઉપર જીવન શક્ય જ નથી. પરંતુ આ પૃથ્વી ઉપરના મનુષ્યો એ જે વિકાસ સાધ્યો છે, ઔદ્યોગિકરણ, શહેરીકરણના કારણે વૃક્ષો કાપી જંગલોનો નાશ કરી રહ્યો છે. જેના કારણે જળચક્ર ખોરવાયું છે અને પૃથ્વી પર પાણીનું અસ્તિત્વ ખતરામાં છે. જો સમયસર કોઈ પગલાં ના લેવાયા તો આપણું પૃથ્વી પર અસ્તિત્વ જ નહિ રહે. જો આપણું જ અસ્તિત્વ નહિ રહે તો આ મનુષ્ય કેવી રીતે જીવશે? આ મૂર્ખ મનુષ્ય આ વાત ને ક્યારે સમજશે? જયારે સમજશે ત્યારે તો બહુ જ મોડું થઇ ગયું હશે.પાણીની આટ-આટલી તંગી ભોગવવા છતાં પણ આજનો માનવી પાણીની કિંમત નથી સમજતો. આપણું અસ્તિત્વ જોખમમાં છે. પૃથ્વી પર દરરોજ લગભગ બધી જ જગ્યાએ આપણા અસ્તિત્વ ને કેમ બચાવવું એની મિટિંગો થાય છે. પણ આ આપણા એકલાના હાથની વાત નથી. આમાં મનુષ્યોનો સહયોગ પણ એટલો જ જરૂરી છે."

ફરીથી બધા જ આકાર પાણીના સ્વરૂપમાં ફેરવાય જાય છે. ફરીથી એક ચમકારો થાય છે ને જળ અરીસા મારફત રોહન ફરીથી પોતાની દુનિયામાં આવી જાય છે.

રોહને પોતાની દુનિયામાં આવી શક્ય હોય એટલી જગ્યા એ રૂબરૂ જઈ ને પાણી વિષે જાગૃતતા ફેલાવાનું ચાલુ કર્યું. પોતે વધુ માં વધુ વૃક્ષો વાવ્યા અને લોકો ને પણ એ માટે જાગૃત કર્યા. રોહને પર્યાવરણ ને બચાવવા પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા બનાવી. પ્રધાનમંત્રી ને પત્ર લખી પર્યાવરણ, પાણીને બચાવવાના પ્રયાસો ચાલુ કર્યા. આજે રોહનની સંસ્થા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણને બચાવવાના કર્યો કરે છે જે માટે આજે રોહનનું નામ નોબલ પારિતોષક માટે પણ સૂચવવામાં આવ્યું છે.

એક ચમકારાએ રોહનનું જીવન બદલાવી નાખ્યું. મિત્રો, શું આપણે પણ રોહનના પર્યાવરણને બચાવવાના કાર્યમાં સહભાગી ન થવું જોઈએ? શું આ માટે આપણે કોઈ ચમકારાની જરૂર છે?Rate this content
Log in

Similar gujarati story from Drama