જિંદગીભરનો ઉનાળો દીધો.
જિંદગીભરનો ઉનાળો દીધો.


ઉનાળાની ઋતુ એટલે સૂરજ સાથે પ્રણય. જેને કારણે ધરતી ગાઈ ઉઠે, ઝૂમી ઉઠે ઝળહળી ઉઠે. સમસ્ત વાતાવરણ ઝળંહળાં થયેલું વર્તાય. સૂરજ ઉગે પણ વહેલો અને આથમે પણ મોડો. બગીચામાં લટાર મારવાની ત્યારે મઝા આવે જ્યારે સૂરજદાદા ક્ષિતિજેને આલિંગવાની ઉત્કંઠા દાખવતા હોય. જેમ ‘અતિ સર્વત્ર વર્જયેત’. જિંદગીભરનો ઉનાળો કદાચ પોતે પણ પરસેવાથી લદબદ થઈ જાય તો નવાઈ ન પામશો. કિંતુ ઉનાળો આવે અને જ્યારે ધોમ ધખતો તાપ તેમજ ગરમી ૨૪ કલાક આંટા મારે ત્યારે એવી લાગણી જરૂર ફેલાય.
‘અરે, આ જિંદગીભરનો ઉનાળો!‘ દઈ સર્જનહારે કોના પર કોપ વરસાવ્યો છે. હવે એમાં સર્જનહારનો શો દોષ. માનવનો સ્વભાવ છે, ઠંડીમાં ઠુઠવાય તો પણ હેરાન. વરસાદની હેલીમાં પલળે તો પણ કોપે અને ધોમ ધખતા ઉનાળામાં તપે તો તેના દિમાગનો પારો સાતમે આસમાને પહોંચી જાય.
જો ઉનાળો, ચોમાસુ અને શિયાળો ન હોત તો કેવી રીતે ખબર પડત ક્યારે ખેતરમાં બીજ રોપવાના, ક્યારે ઉભા મોલને માણવાનો અને ક્યારે તેને લણવાનો? કાયમનો ન ઉનાળો સારે કે ન ચોમાસુ! કાયમ ઠંડીમાં થર થર ધ્રુજવાનું કોને ગમે? આ તો પેલો સર્જનહાર છે ને તે બધું સમતોલ રાખે છે!
પેલા કિસન અને ગૌરીને જોયા? ધોમ ધખતા ઉનાળામાં આંબાના ઝાડની છાયામાં કેરી ખાઈ રહ્યા છે. ગોટલો તો હાથમાંથી છૂટતો જ નથી. બસ ‘અંબાલાલની દીકરીને બચ્ચીઓ કરતાં ધરાતા જ નથી'. તેમને ક્યાં ઉનાળાની બળબળતી બપોર હેરાન કરે છે. ગૌરીએ પોતાનો બચુ અને કિસને બબલી પાછળ બાંધ્યા છે. વારે વારે જોઈને સંતોષ પામે છે કે બન્ને બચુડાને તાપ તેમ જ ગરમી હેરાન નથી કરતાંને? ગામડા ગામના કિસાન તેમને ન ટાઢ નડે ન શરદી. રૂમઝુમ વરસતો મેહુલિયો તેમને ખૂબ પ્યારો. ઉનાળામાં જ્યારે ઉભો મોલ હરખે ત્યારે તેમનું શેર લોહી ચડે.
આ ઉનાળે પાક તો સારો ઉતર્યો હતો. પણ ગયે વરસે પેલા શાહુકારના થોડા પૈસા બાકી રહ્યા હતા તે આવીને આંગણે ઉભો હતો. ગૌરી ગુસ્સાની મારી લાલ પીળી થઈ રહી હતી. કિસનો બે ચોપડી ભણેલો હતો. તેને થોડો હિસાબ કિતાબ ગણિતમાં ભણ્યો હતો તે યાદ હતું. શાહુકારને મચક દેતો નહી.
શાહુકારને એમ કે આ અભણ કિસાન છે, ઉઠાં ભણાવીને ખળામાંથી બધું અનાજ ઉસેટી જઈશ. કિસન એકનો બે ન થયો. ગૌરી બહુ જાણતી નહી પણ એટલું તો એ પણ સમજતી કે થોડા પૈસા હાટુ આટલું બધું અનાજ લેવાનો શાહુકારને કોઈ હક્ક નથી. શાહુકાર એમ ગાંજ્યો જાય તેવો ન હતો. સાચને આંચ ન આવે એ કિસન જાણતો હતો.
ભલું થજો તેનો લંગોટીયો મિત્ર હમણા ઉનાળામાં કેરીની મઝા માણવા શહેરમાંથી ગામડે આવ્યો હતો. શહેરી દોસ્ત ગોપાલની તો આખી સિકલ બદલાઈ ગઈ હતી. શહેરના હવાપાણીએ તેના રંગ રૂપ ખિલવ્યા હતા. કિસન અને ગૌરી તેના બાળપણના મિત્રો. પ્રેમ એવોને એવો રહ્યો હતો. કિસન અને ગૌરીના ખેતરની ‘ક
ેરી’ની મઝા માણતો.
કિસને, ગોપાલને બોલાવ્યો અને પેટછૂટી વાત કરી. ગોપાલ કહે, ’હું છું ને, તારા એ શાહુકારના બચ્ચાને, પાંદડે પાણી પાઈશ”. ગામડા ગામમાં બાળપણ ગુજર્યું હતું, એ ગોપાલને બરાબર યાદ હતું. શાહુકાર આમ ખુલ્લે આમ લુંટ ચલાવે તે સહન ન થયું. પોતાના મિત્રને તેમજ ગામના બીજા ચારેક કુટુંબને મદદ કરવાનો પાક્કો નિર્ધાર કર્યો. આ ગામનું પાણી પીને મોટો થયો હતો.
કિસને, શાહુકારને આજે ઘરે બોલાવ્યો હતો. ફળિયામાં વડલા હેઠળ ખાટલો ઢાળ્યો, સરસ મજાનું નવી માટલીનું ઠંડુ પાણી પિવડાવ્યું. પોતાની વાડીની કેરી કાપી ખાવા માટે ધરી. કેરીનો સ્વાદ શાહુકારની દાઢમાં રહી ગયો. તેણે પોતાનો નિર્ણય પાકો કર્યો.
‘આજે તો આ બધી કેરી ઘર ભેગી કરવી છે.'
ઉનાળાની ઋતુ અને બળબળતી બપોર, આખા દિલમાં ટાઢક ફેલાવી ગઈ. કિસન અને ગૌરીના ખેતરની કેરીનો સ્વાદ તેના અંગ અંગમાં પ્રસરી ગયો.
શાહુકાર હળવેથી બોલ્યો, ‘ચાલો હવે હિસાબ માંડું.‘ કિસને હા પાડી. ગોપાલ ઘરમાં હતો. બધી વાતો ધ્યાનથી સાંભળતો. કેરી ખાધા પછીનું શાહુકારનું મોઢું જે ખીલી ઉઠ્યું હતું તે તેણે નરી આંખે નિહાળ્યું હતું. શાહુકારના બદ ઈરાદાથી તે વાકેફ હતો. જ્યારે તેણે હિસાબ ચોખ્ખો કર્યો અને આંકડો કિસનને બતાવ્યો ત્યારે, જાણે એરૂ આભડ્યો હોય એમ કિસન કુદયો.
અચાનક બારણા પાછળથી ગોપાલ દેખાયો. શાહુકારને ખબર હતી, ગોપાલ હિસાબ અને કિતાબનો એક્કો છે. જેવો ગોપાલ બહાર આવ્યો તેવી શાહુકારે વાણી દ્વારા બાજી પલટી નાખી.
‘અરે, કિસન ભાઈ તમારી સાથે અવળ ચંડાઈ ન થાય’.
‘તો, બોલો તમને કેટલા પૈસા દેવાના?'
શાહુકાર તો વાઢો તો લોહી ન નિકળે એવો થઈ ગયો.
‘તમે જે સરભરા કરી. મારા બાળકો હાટુ આ બે કેરીના કરંડિયા દીધા તેમાં બધુ આવી ગયું’.
કિસને કહ્યું, "તો લખો, હું સહી કરી આપું. તમે જે બોલ્યા તે અક્ષરસઃ લખો."
ગોપાલ, 'તું સાક્ષીની સહી કર. કાલે ઉઠીને આ શાહુકારનો બચ્ચો ફરી ન જાય.‘
ગૌરી અંદરથી કાચી કેરીનું તાજું સરબત બનાવીને બધા માટે લાવી. બચુ અને બબલી માને ધાવીને હમણાં જરા શાંત થયા હતાં. કિસનાને, ગૌરી પર ખૂબ પ્રેમ એકી હારે બે બાળકો દઈ તેને ખુશ કર્યો હતો.
કોણ કહે છે, ‘જિંદગીભરનો ઉનાળો’ શા માટે ઈશ્વરે બનાવ્યો હશે?’ અરે આ તો ખુલ્લા દિલે પોતાનો પ્રેમ વહેંચી પેલો સાત ઘોડાનો અસવાર લટાર મારવા નિકળ્યો છે. કેરી દ્વારા અમૃતનું પાન કરાવે છે.