STORYMIRROR

Kiran Purohit

Romance

4  

Kiran Purohit

Romance

જીવનની ઘટમાળ

જીવનની ઘટમાળ

6 mins
337

પરિધિનાં ઘરમાં માણસો ભેગાં થઈ ગયાં હતાં. આજે સવારે જ તેનાં પપ્પાનું મૃત્યુ થયું હતું. તેનાં મામા માસી અને કાકા વગેરે કુટુંબનાં બધાં સ્વજનો આવી ગયાં હતાં.

પરિધિનાં પપ્પાને બ્લડ કેન્સર હતું. છેલ્લા આઠ મહિના તે ખૂબ દુઃખી થતાં હતાં. ઘરમાં કોઈનાથી તેની પીડા જોઈ શકાતી ના હતી. કેન્સરની ઘણી દવા કરાવી પણ કઈ ફેર ના પડ્યો. કાલે રાત્રે બહુ તબિયત બગડી. પરિધિએ ડૉક્ટરને બોલાવ્યા. ડોક્ટરે હજી ઘરમાં પગ મૂક્યો ત્યાં તેનાં પપ્પાએ છેલ્લા શ્વાસ લીધાં, અને મૃત્યુ થયું.

પરિધિ સાવ ભાંગી પડી, તે ખૂબ રડી. માસીએ તેને શાંત પાડી, અને કહ્યું કે તું મોટી છે, તારે તારા નાનાં ભાઈ બહેનને સંભળવાનાં છે. તારાં મમ્મીનું ધ્યાન રાખવાનું છે.

પરિધિને સમજાતું નથી કે મમ્મીને કેમ સંભાળે, તેની મમ્મી તો આઘાતમાં બેભાન થઈ ગઈ હતી. પપ્પાની ક્રિયા સુધી રોકાઈને બધાં જતાં રહ્યાં. પરિધિએ માસીને એકાદ મહિનો રોકાવાનું કહ્યું જેથી તેનાં મમ્મીને એકલું ના લાગે.

પરિધિએ આં વર્ષે જ એમ. બી. એ. પુરૂ કર્યું હતું. તેને બે ત્રણ કંપનીમાં સર્વિસ માટે ઈન્ટરવ્યૂ પણ આપ્યાં છે, કદાચ કોઈ કંપનીમાં સર્વિસ મળી જાય. ઘરની બધી જવાબદારી પરિધિ ઉપર આવી પડી. તેનાં પપ્પા એક કંપનીમાં સર્વિસ કરતાં હતાં. કંપનીમાંથી થોડા પૈસા મળ્યાં હતાં.

પરિધિને વિપ્રો કંપનીમાં સર્વિસ મળી ગઈ.

 પરિધિએ તેનાં મમ્મી અને માસીને કહ્યું “મને સર્વિસ મળી છે. શું કરૂ આજથી જ મારે સર્વિસમાં જવું પડશે.”

માસી : “બેટા સર્વિસ તારા માટે જરૂરી છે. તારા પપ્પાનાં મૃત્યુંને મહિનો થઈ ગયો છે. હવે તારે દુઃખ ભૂલીને કામ તો કરવું પડશેને. જીવનની ઘટમાળમાં સુખ દુઃખ તો આવ્યાં જ કરવાનાં છે. જીવનમાં હિંમત રાખીને દુઃખનો સામનો કરવાનો.

પરિધિનો ભાઈ રોહન કૉલેજનાં ત્રીજા વર્ષમાં હતો અને બહેન બંસરી કોલેજના પહેલાં વર્ષમાં હતી. બંનેની જવાબદારી હવે પરિધિ ઉપર હતી.

પરિધિને સર્વિસનો પહેલો દિવસ હતો, એટલે થોડી ગભરામણ થતી હતી.પરિધિએ સાદો બ્લુ ડ્રેસ પહેર્યો હતો, છતાં તેનું સૌંદર્ય નીખરી ઉઠ્યું હતું. પરિધિ ઊંચી, નમણી અને ગોરી હતી. તે પોતાનું એકટીવા લઈને અને કંપનીમાં જવા નીકળી. તે અડધે રસ્તે પહોંચી, ત્યાં તેનું એકટીવા બંધ થઈ ગયું.

પરિધિને ચિંતા થવા લાગી. આજે સર્વિસને પહેલો દિવસ છે, એટલે સમયસર પહોંચવું જરૂરી છે.

 તેને એક દુકાન આગળ એકટીવા મૂકીને રીક્ષાની રાહ જોવા લાગી. પેસેન્જરથી ભરાયેલી રીક્ષા જ નીકળતી હતી. પરિધિને ખૂબ ચિંતા થવાં લાગી.

એક કાર તેની આગળ આવીને ઉભી રહી.

કારમાં બેસેલા યુવાને કહ્યું “ તમને વાંધો ના હોય તો બેસી જાઓ ”

પરિધિ : “ના હું રીક્ષામાં જતી રહીશ.”

યુવાન : “મેડમ અહીંથી તમને જલ્દી રીક્ષા નહી મળે તમારે જ્યાં જવું હોય ત્યાં ઉતારી દઈશ.”

પરિધિને મોડું થઈ ગયું હતું, એટલે ના છૂટકે કારમાં બેસી ગઈ. તેને કહ્યું તે કંપનીની બિલ્ડીંગ આગળ કાર ઉભી રહી. પરિધિ તે યુવાનનો આભાર માનીને ઝડપથી તેની કંપનીની ઓફિસમાં ગઈ. ઓફિસનો સ્ટાફ તેનાં માટે સાવ નવો હતો. તે પટાવાળાને પૂછીને પોતાના ટેબલ ઉપર આવી. પરિધિની પાસે આવીને એક છોકરીએ પોતાનો પરિચય આપ્યો. તેનું નામ નેહા શાહ હતું. તેને પણ આજે જ સર્વિસ મળી હતી. પરિધિએ જોયું તો ઓફિસનો સ્ટાફ ઘણો સારો હતો. બધાં સાથે તેણે વાતચીત કરી. પરિધિને જાણવા મળ્યું કે કંપનીનાં મેનેજર ખૂબ કડક સ્વભાવનાં છે. કોઈની નાની ભૂલ પણ ચલાવી લેતા નથી.

થોડીવાર થઈ એટલે પરિધિને પટાવાળાએ કહ્યું કે “તમને મેનેજર તેની ચેમ્બરમાં બોલાવે છે.”

પરિધિ થોડી ગભરાઈ ગઈ, એટલે સ્ટાફનાં સમ્રાટ નામનાં યુવાને કહ્યું કે ગભરાવાનું નહી, ફાઈલમાં નવી એન્ટ્રી આવી હોય એટલે તમને બોલાવતાં હશે.

 પરિધિ મેનેજરની ચેમ્બરમાં ગઈ. મેનેજરને જોઈને પરિધિ હેબતાઈ ગઈ. જેની કારમાં તે ઓફિસ સુધી આવી હતી, તે મેનેજર જ હતાં. તે કોઈ ફાઈલ લઈને ઉભા હતાં. છ ફૂટ જેટલી ઉંચાઈ, ઘઉંવર્ણો વાન અને પ્રભાવશાળી ચહેરો, કોઈ પણ પ્રભાવિત થઈ જાય તેવું વ્યક્તિત્વ હતું.

મેનેજર : “ઓહ તમે મિસ પરિધિ શર્મા છો. કાલથી ઑફિસે સમયસર આવજો. સમ્રાટ વર્મા તમને તમારું કામ સમજાવી દેશે.”

પરિધિ : “સોરી સર, કાલથી હું સમયસર આવી જઈશ. ”

પરિધિએ સમ્રાટ પાસે તેનાં કામ બાબતની જાણકારી મેળવી લીધી.

પરિધિએ દુકાનવાળા ભાઈની મદદ લઈને એકટીવા ચાલુ કર્યું. સાંજે ઘરે પહોંચી ત્યારે ખુબ થાકી ગઈ હતી. 

માસી : “પરિધિ સર્વિસનો પહેલો દિવસ કેવો ગયો.”

પરિધિ : “સારો દિવસ ગયો માસી. સ્ટાફનાં માણસો બધાં સારા છે.”

માસી : “હવે કાલે હું જાવું છું. દોઢ મહીનો થઈ ગયો.”

બીજે દિવસે પરિધિનાં માસી પણ જતા રહ્યાં. તેની મમ્મીને થોડા દિવસ એકલું લાગ્યું. પરિધિને ઓફિસનું બધું કામ આવડી ગયું. સમ્રાટ તેને બહુ મદદ કરતો. પરિધિ,નેહા અને સમ્રાટ કંપનીની કેન્ટીનમાં સાથે જમતાં.

સમય તો પાણીનાં રેલાની જેમ વહી જાય છે. પરિધિનાં પપ્પાનું મૃત્યુ થયું તેને એક વર્ષ થઈ ગયું. તેનાં મમ્મીનો આઘાત થોડો ઓછો થયો. રોનકે પણ બેંકની પરીક્ષા આપી હતી. તેમાં પાસ થઈ જતાં, તેને બેંકમાં સર્વિસ મળી ગઈ.

બંસરીને કૉલેજનું છેલ્લું વર્ષ બાકી હતું. રાત્રે બધાં બેઠાં હતાં, ત્યારે પરિધિનાં મમ્મીએ કહ્યું “ બેટા એક છોકરાની જેમ તે ઘરની જવાબદારી સંભાળી લીધી છે. હવે તો રોનકને પણ સર્વિસ મળી ગઈ છે. તારી સગાઈ કરી નાખીએ.”

પરિધિએ હસીને કહ્યું “પહેલા ભાઈનાં લગ્ન કરવાનાં છે.”

પરિધિને સંતોષ હતો કે પોતે પ્રેમથી પોતાના પરિવારની જવાબદારી સારી રીતે સંભાળી શકી. તેને સર્વિસને એક વર્ષ થવા આવ્યું, એટલે તેનો પગાર પણ વધશે.

આજે પરિધિ ઓફિસમાં આવી. એટલે તરત જ સમ્રાટે તેને કહ્યું “પરિધિ આજે સાંજે છૂટીને કોફી પીવા જશું.” 

સમ્રાટ પરિધિને કામમાં બહુ મદદ કરતો. પરિધિને પણ તેનો સ્વભાવ બહુ ગમતો હતો. સમ્રાટને પણ પરિધિ બહુ ગમતી હતી. તેનું સાદગીભર્યું સૌંદર્ય અને ચહેરાની નમણાંશ તેને ખૂબ ગમતાં હતાં. તેને પરિધિ સાથે કૂણી લાગણી થઈ ગઈ હતી, પણ પોતાનાં મનની વાત કહી શકતો ના હતો. 

 સાંજે છૂટીને બંને એક કોફી હોઉસમા કોફી પીવા ગયાં. બંને ઓફિસની અને ઘરની હસીને વાતો કરવાં લાગ્યાં.

સમ્રાટ : “પરિધિ રોજ સાંજે ઘરે જાઉં એટલે મારા મમ્મી મારા લગ્નની જ વાત કરે છે. હવે મારા લગ્નની ઉતાવળ કરે છે.”

પરિધિએ હસીને કહ્યું “તો તારે લગ્ન કરી લેવાં જોઈએ ”

સમ્રાટ : “તારે મજાક કરવી છે. એમ કોઈ અજાણી છોકરી સાથે લગ્ન ના કરી શકાય.”

પરિધિ : “મારા મમ્મી પણ મને લગ્ન કરવાનું કહે છે.”

સમ્રાટ તરત બોલ્યો “પરિધિ આપણે બંને લગ્ન કરી લઈએ તો, આજે મે નક્કી કર્યું હતું કે મારા મનની વાત તને કરવી છે.”

પરિધિને તો આં સાંભળીને નવાઈ લાગી.

પરિધિ : “ઓહ ! મે તો કોઈ દિવસ આવું તારા વિશે વિચાર્યું નથી.”

સમ્રાટે : “પરિધિ તું મને બહુ ગમે છે. હું તને સાચો પ્રેમ કરૂ છું. તું જે નિર્ણય લઈશ તે હું સ્વીકારી લઈશ.”

આમ કહીને સમ્રાટે પરિધિનો હાથ પકડી લીધો.”

જીવનમાં પહેલી વખત કોઈ યુવાને તેની સાથે આવી રીતે વાત કરી એટલે પરિધિનાં ચહેરા ઉપર શરમની લાલિમા છવાઈ ગઈ.

પરિધિ :“ મે લગ્ન વિશે હમણાં કઈ વિચાર્યું નથી. મારા ભાઈ બેનની જવાબદારી છે ”

સમ્રાટ : “ મારે કોઈ ઉતાવળ નથી. હું તારી રાહ જોઈશ.”

 સમ્રાટે પ્રેમથી પરિધિ સામે જોયું. ચાર આંખો એક થઈ. પરિધિ શરમાઈને નીચું જોઈ ગઈ.

 પરિધિને પણ સમ્રાટનાં સાચા પ્રેમનો અહેસાસ થયો. તે પણ તેને પ્રેમ કરવાં લાગી.

એક વર્ષ પછી પરિધિએ રોનકનાં લગ્ન કરી નાખ્યાં. બંસરીનું ભણવાનું પુરૂ થઈ ગયું હતું. તેને એક સ્કૂલમાં સર્વિસ મળી ગઈ. પરિધિને હવે જવાબદારીમાંથી મુક્ત થઈ ગઈ હોય તેવું લાગ્યું. રાત્રે રોનકે અને મમ્મીએ તેનાં લગ્નની વાત કરી.

રોનક :“પરિધિ હવે તારા લગ્ન કરી નાખીએ. બંસરીની ચિંતા નહી કરતી.”

પરિધિ શરમાઈને તેનાં રૂમમાં જતી રહી.

આજે ઓફિસમાં પરિધિ સાથે એવી ઘટના બની કે તેણે ક્યારેય વિચાર્યું ના હતું. મેનેજરે તેને ચેમ્બરમાં બોલાવી. 

મેનેજર : “પરિધિ તું મને બહુ ગમે છે, મારી સાથે લગ્ન કરીશ ? "

પરિધિ :“સોરી સર, હું તમારી લાગણી સમજી શકું છું. પણ હું સમ્રાટને પ્રેમ કરૂ છું.”

મેનેજર : “તેમાં કઈ સોરી કહેવાનું ના હોય. તમને બંનેને મારાં અભિનંદન તમારાં લગ્નમાં મને બોલાવજો”.

પરિધિ :“આભાર સર, તમને તો લગ્નમાં બોલાવવનાં જ હોય ને.”

 આટલું બોલી પરિધિ ચેમ્બરની બહાર જતી રહી.

પટાવાળો સાંભળી ગયો હશે, તેણે ઓફિસમાં બધાંને એવી વાત કરી કે, મેનેજરને પરિધિ સાથે લગ્ન કરવા છે. સમ્રાટે આ વાત સાંભળી, તેની થયું કે પરિધિ હવે મેનેજર સાથે જ લગ્ન કરશે.

સમ્રાટ અને પરિધિ કેન્ટીનમાં મળ્યાં ત્યારે તેનો ઉદાસ ચહેરો જોઈ પરિધિ બધું સમજી ગઈ. તેણે સમ્રાટનો હાથ પકડી લીધો.

પરિધિ : “તે સાંભળેલી વાત ખોટી છે. તને મારા પ્રેમ ઉપર ભરોસો નથી ? સમ્રાટ મારી સાથે લગ્ન કરીશને ?

સમ્રાટ : “હું તો તારી સાથે લગ્ન કરવા તૈયાર જ છું. તું કહે ત્યાં સુધી તારી રાહ જોવા તૈયાર છું.”

 સમ્રાટે પ્રેમથી પરિધિની સામે જોયું વર્ષો પછી જાણે બંને પ્રેમી મળ્યાં નાં હોય, તેમ બંને એકબીજામાં ખોવાઈ ગયાં.

 વડીલોની સંમતિ લઈને જિંદગીની સફર સુહાની બનાવવાં લગ્નબંધનમાં બંધાઈ ગયાં.


Rate this content
Log in

Similar gujarati story from Romance