STORYMIRROR

Lata Bhatt

Children Inspirational

3  

Lata Bhatt

Children Inspirational

જીવન પાથેય

જીવન પાથેય

4 mins
15.8K


એક હાથમાં ડ્રાયફ્રુટ બરફીનું એક કિલાનું બોક્સ અને બીજા હાથમાં એક મલ્ટીનેશનલ કંપનીનો બાર લાખ રુપિયાના વાર્ષિક પેકેજનો ઓફર લેટર લઇને દીપક મારા ઘરમાં પ્રવેશ્યો. તેના ચહેરા પર જે ખુશી હતી, તેનાથી અનેક ગુણી ખુશી મને થઇ હતી.દિપકે તો સફળતા મેળવી જ હતી પણ હું પણ મારી નજરમાં પ્રથમ ક્રમાંકે પાસ થયો હતો. એ પછી તો દીપકે મારી સાથે ઘણી વાતો કરી ને હું ભૂતકાળમાં ખોવાઇ ગયો. ક્ષણાર્ધમાં એ સવાર મારી આંખ સામે આવી. હજુ તો ઊઠીને બ્રશ કરતો હતો, ત્યાં જ બાએ મને બોલાવ્યો,

"અલ્યા નિરિયા આ શું માંડ્યું છે, છાનોમાનો છોકરા ભણાવ ને"

"કેમ શું થયું "

“આ ગોરાણીમા સવાર સવારમાં આવ્યા હતા કહેતા'તા માસ્તરને કહેજો સખણા રે' આ અમારા દીપકને ભણવાનું ભૂત નો વળગાડે. ભણીને એને કરવું છે શું? આ માસ્તરને લીધે તો એણે કાલે એના બાપુજી સાથે યજમાનને ત્યાં કથા કરાવવા જવાની ય ના પાડી દીધી. જો ફરી વાર માસ્તર મારા છોકરાની અજુબાજુ ય ફરક્યા છે તો સારાવાટ નહીં રે'"

"બા હું સૂતા સૂતા બધુ ય સાંભળતો'તો તુ એની ચિંતા નહીં કર"

"ચિંતા કેમ નો કરૂં આપડે આ ગામમાં રેવાનું છે. નિરું, જેને ભણવું છે એને ભણાવ ને નથી ભણવું એને પડતા મૂક"

"બા, દીપકને ભણવું છે જો એને ગોરબાપા પોતાની સાથે ગોરપદામાં નો જોડ્યો હોત તો દસમા ધોરણમાં સેન્ટરમાં તેનો પહેલો નંબર આવત, એક થોડાક માર્ક માટે તેનો બીજો નંબર આવ્યો, એટલો હોનહાર છોકરો છે ...ને એ બધું તું મારા પર છોડ. ગોરાણીમાને હું સમજાવીશ."

"તો સવારમાં સમજાવવા'તા ને ખોટી મારી એક ક્લાક બગાડી ગોરાણીમાએ"

"બા, ત્યારે ગોરાણીમા ગુસ્સામાં હતા એટલે એને ગુસ્સો ઠાલવી લેવા દીધો. હજી એક બે દિવસ પછી એને સમજાવીશ"

'ને પછી બે એક દિવસ પછી હું તેમને ત્યાં ગયો મને આવતો જોઇને જ ગોરાણીમાએ તેમના ઘરનો દરવાજો બંધ કરી દીધો પણ મારે તો તે ખોલાવવાનો જ હતો ને તેમના દિલનો દરવાજો પણ... એ દિવસે તો વળી ગોરમહારાજ ય ઘેર હતા તેમને સમજાવતા મારે એક કલાક થઇ. બંન્ને એક જ રટણ લઇને બેઠા હતા કે દીપકને અખરે તો આ ગોરપદુ જ સંભાળવાનું છે તો એમાં ભણવાની શું જરુર. ને વળી અહીં આ ગામમાં તો દસ ધોરણ સુધીની જ સ્કૂલ છે આગળ ભણવું હોય તો નજીકના શહેરમાં મોકલવો પડે, એ અમને નો પોસાય".

તેઓ કોઇ પણ સંજોગોમાં દીપકને ભણવા માટે શહેરમાં મોકલવા માગતા નહોતા તેમને દીપકથી નાની બે દિકરીઓ ય હતી ને અંતે મારી એક વાત તેમને ગળે ઉતરી. મેં તેમને પૂછ્યું, "આ ગોરપદુ કરો છો તેમાંથી તમે વરસે કેટલુક કમાઓ છો?"

"એ તો કાંઇ નક્કી થોડું હોય ક્યારેક વધારે તો ક્યારેક ઓછું"

"તો ય આશરે?"

"દોઢેક લાખ ને અનાજ ને સીધું સામાન અલગ"

"હાલો એના પચાસેક હજાર ગણો તો ય બે લાખ ને આ દીપક ભણશે તો વરસે દસેક લાખનું પેકેજ તો એને મળશે જ"

બંનેના મોઢા પહોળા થઇ ગયા. મારી વાત તેમના મગજમાં ઉતરી. મેં આગળ કહ્યું," તમારો છોકરો સાહેબ કહેવાશે, સમાજમાં એનો મોભો હશે, એના લગન માટે માંગુ લઇને આવતા છોકરીઓના માબાપની લાઇન લાગશે અને દીપકના ભણવાના ખર્ચની તમે ચિંતા નહીં કરતા. એ બધી જવાબદારી મારી, એ પછી બન્ને દીપકને અગળ ભણાવવા સંમત થયા.

વેકેશન ખૂલતા પહેલા હું દીપકને લઇનેે શહેરમાં ગયો એક સારી શાળામાં અગિયારમા ધોરણમાં તેને એડમિશન અપાવ્યું. ને ચાર પાંચ ટ્યુશનક્લાસ વાળાને મળ્યો દીપક ભણવામાં તેજસ્વી છે તેથી તમારા ક્લાસનું નામ રોશન કરશે તેમ સમજાવી ખૂબ જ ઓછી ફી નક્કી કરી એક સારા ક્લાસમાં એડમિશન અપાવ્યું.ને તેને કપડા ચોપડા ને જરુરી ચીજવસ્તુઓ અપાવી બ્રાહ્મણ જ્ઞાતિની બોર્ડીંગમાં મૂક્યો.

મારી આ બધી મહેનત લેખે લાગી દીપક મન થઇને ભણવા લાગ્યો. વચ્ચે ગામડે આવે ત્યારે મને અચૂક મળતો. બારમા ધોરણમાં પણ તેને સારા ટકા આવ્યા ને એલ ડી. એન્જીનિયરીંગ કોલેજમાં એડમિશન મળ્યું. બને ત્યાંથી સ્કોલરશીપ અપાવી હું બાકીનો ખર્ચ ભોગવતો ગોરમહારાજ પણ ક્યારેક કોઇ મોટી આવક થાય તો મને આપતા આ ઉપરાંત સીધામાં મળતી ચીજવસ્તું પણ આપી જતા જો કે મારી બાને આ બહું ન ગમતું પણ હું તેમને સમજાવતો કે બા, આપણે એ ચીજ માટે એટલા ઓછા ખરચવા પડશે તો કંઇક બચાવી સારા કામમાં વાપરી શકીશુ.

દીપક મારી મહેનતને લાયક નીવડ્યો દિપકને સફળ થતો જોઇ મને આનંદ થયો હજુ તો અમે વાત કરતા હતા ત્યાં ગોર-ગોરાણી આવી ચડ્યા ને રીતસર મારા પગમાં પડી ગયા. "તમે મારા છોકરાની જીંદગી સુધારી દીધી."

મેં કહ્યું,"અરે દીપક છે જ એટલો હોશિયાર કે અગળ આવત જ હું તો માત્ર નિમિત્ત બન્યો."

દીપકે મને કહ્યું,"તમે મારા માટે જે કર્યું છે તેનો બદલો તો હું આ જનમમાં નહીં વાળી શકું પણ તમે મારા માટે જે આર્થિક ખર્ચ કર્યો છે તે પૂરેપૂરા મારા પગારમાંથી ચૂકવી દઇશ".

મેં કહ્યું, "જો દીપક મેં એવો કોઇ હિસાબ રાખ્યો નથી"

"પણ મેં રાખ્યો છે ને" દીપક આગળ બોલ્યો, "ને હા આ હું અભિમાનથી નથી કહેતો પણ મને એટલું તો કરવા દેજો ને મેં નક્કી કર્યુ છે કે હું પણ છોકરાને ભણાવીશ. એવું કોઇ પણ તમારી નજરમાં હોય તો કહેજો".

દીપક અને ગોર્-ગોરાણીમા ગયા પછી બાએ મારી સામે અહોભાવથી જોઇ કહ્યું "બેટા, તે તો આપણું કુળ ઉજાળ્યું તારા બાપુજીના રસ્તે જ તું ચાલ્યો. આજે એમના ભણાવેલા કેટલાય છોકરાવ મોટા મોટા સાહેબ બની ગ્યા છે."

ને મેં મારી જાતને કહ્યું,"આવા તો કંઇક દીપક તારે પ્રગટાવવાના છે".


Rate this content
Log in

Similar gujarati story from Children