જીવલી અઘોરી
જીવલી અઘોરી


'...ના મારે કંઈ એવા સપનાઓના મહેલ નથી ચણવા, જે સપના જ કહેવાય. કોઈના કુળના દિવા હોલવીને મારી ઝુંપડીના મહેલમાં અજવાળા નથી જોઈતા.અરે ! તું વિચારતો ખરા તેનો આત્મા ?'
'...શું ? આત્મા ? તું કયા આત્માની વાત કરે છે ? કયા ?' (અટકીને દેવલો ફરી બોલ્યો) 'અરે જેના સેકન્ડના પા ભાગનાએ લાખો ભાગના સમય માત્રથીએ દૂર થતાજ આપણી આખીએ આ દુનિયા લૂંટાઈ જાય છે. આપણા અસ્તિત્વનું પંચમહાભૂતમાં એજ ઘડીએ વિસર્જન થઈ જાય છે. સ્વજનો, કુટુંબીઓ, મિત્રો, શત્રુઓ સૌની માયા-મૂડી ક્યાંય ઓઝળ થઈ જાય છે. સૌ રડે છે બાર દાહડા અને પછી જમે છે ખુશાલીના લાડવા કે "હાશ ! આત્મા સદ્-ગતિ પામીને નવું ખોરડું ધારણ કરશે".આજથી આપણા અંજર પાણી અહીંયા આ આત્મા સંગથી પુરા અને તેને મળશે સદ્ અવતાર !.'
'પણ,દેવ... તું એક પળ વિચારતો ખરા ! આવા કાળા કરતૂત સમા મેલી વિદ્યાના નુસખા આપણા આત્માને તો જીવતે જીવ દોજખ આપશે ને ?'
'પણ,ને બણ..જીવલી હું અત્યારે કંઈ સાંભળવા નથી માંગતો. તું ; તું ક્યાં ઓછું દોજખ જીવી છે ? તેની પડછાઈ બનીને ? અને તે મેલીવિદ્યાનો અઘોરી સમો તને એક ઘડીના પા ભાગમાં ભરખી ગયો. હા તું ત્યારે તેના વશમાં હતી તે હું જાણું છું. પણ,અત્યારે તો તેના માટે તું.'
'..કોરા કાગળ પર ઢોળાયેલી શાહીના ધબ્બા સમી તેના જીવતરમાં તું તેને લાગે છે. દીવાલે બ્લેક એન્ડ વ્હાઈટ કાગળમાં તારા આત્માને તે ટીંગાડવા માંગે છે. તારા પવિત્ર આત્મા પર કાળી શાહીના દાગ ભરવા માંગે છે તે !(દેવલો એકી શ્વાસે બોલી ગયો)
જીવલી સુખી સમુદ્રની લહેરોનાં અતિતમાં ગરકાવ થઈ ગઈ. સોનેરી સોણલા સાચેજ ફળ્યા હોય તેમ તે તેને પામીને હરખાતી હતી. પણ, ખરેખર તો જીવલી નહીં પણ તે જીવલીને પામીને હરખાતો હતો. અને પોતાની માયાવી વિદ્યાના અક્ષરો કોઈ છુંદણાવાળાના હાથે તેની ગોરી કલાઈ પર ચિતરાવીને જીવલીને પોતાના ઘરની પણીહારણ બનાવી દીધી હતી.
પણ વિધીની વક્રતા કહો કે જીવલીના નસીબના સારા નરસા કર્મોનું ફળ...અને વાસનાનો કીડો બનીને ઠેરઠેર શરીર ચૂંથતા તે અઘોરીનો થોડા સમયમાં જીવલીમાંથી રસ ઉતરી ગયો. ફરી ગામની ભાણકી એવી તેનાથી ચારેક વરહ નાની રૂપલી પર તેના ડોળા ભમવા લાગ્યા. ગામ હંધુએ જીવલીને ટકોરે ચેતવા માટે સમજાવા લાગ્યું. પણ,જીવલી તો ઓરઘોર હતી. અને હોયજ ને ! અઘોરીની કાળી કરતૂતોના પડળ જો પડેલાં હતા ! પણ, ધરાયેલો અઘોરી જીવલીથી હવે છૂટવા માંગતો હતો અને ત્રણેક મહિનાનો ભારે પગ લઈને ફરતી જીવલીના મોઢે એક અઘોરી અંધારી સમી રાતે ડૂચો મારીને અવાજ દબાવીને વશીકરણનું ત્રોફણૂ કાચથી સાવ લોહિયાળ કરી મૂક્યું. વશીકરણનું ભૂત ઉતરતાજ જીવલી અઘોરીને જોઈને ડરી ગઈ. અને, અને તે જીવ લઈને ભાગી લંગોટીયા સખા દેવલા જોડે. ડઘાઈ ગયેલી જીવલીને પ્રેમથી સંભાળીને દેવલાએ આખી રાત એની પડખે બેસીને સઘળી બિના કહી વર્ણવી. અને સધિયારો આપ્યો.
"જીવલી... ઓ જીવલી...?...
'હંહ...' કરતાં જીવલી અતીતના સમુદ્રમાંથી ડોક્યું કાઢીને બ્હાર આવી.
'તું ક્યાં આમ થાંભલીની જેમ જડ થઈને ખોવાઈ જાય છે ?'
(અટકીને) 'તું તારા આ મનુનું તો કંઈક વિચાર. ચારેક વરહનો થઈ ગયો. કોણ તેને બાપનું નામ આપશે ? અને એટલેજ હું તને તે અઘોરીના કુળવંશ શાંન્તનુંને થોડા દહાડામાંજ ઠેકાણે પાડી દેવાનું કહું છું અને તે સંધિએ જવાબદારી મારી. બસ તારી ફક્ત હા જોઈએ.'
'પણ,દેવલા (બાળપણમાં જે નામે બોલાવતી હતી તે નામેજ બોલતા જીવલીએ કહ્યું) દેવલા,મારો આત્મા કોઈ કોરા કાગળ સમા આત્માને રોળવા નથી માંગતો, મારા જીવતરના પાના કોઈ માસૂમના રક્તશાહીથી નથી રંગવા. અને એક અમાસની રાતે જીવલી અઘોરી બની ! જીવતરના પાના યૌવન લોહીની શાહીથી રંગાઈ ગયા...અને સવાર પડતાંજ સરકારી દફતરે જઈ જીવલી-દેવલો ન્યાયદેવીની સાક્ષીએ એક થઈ ગયા અને ઘર ભણી વળ્યાં.
ગામની ભાગોળે ઠાઠડી સામે આવતી જોઈ દેવલો બોલ્યો, 'જીવલી મે સાભળ્યું છે કે ઠાઠડીના શુકન બહુ સારા કહેવાય. કેમ કે, તે આત્મા પોતે નવી જીંદગીમાં ડગલાં ભરે છે અને સામે મળતા લોકને પણ નવલી જીંદગીના આશીર્વાદ આપે છે.' જીવલી સહેજ મરકી.
'રામ બોલો ભાઈ રામ'ની ધૂન નજીક આવતાજ દેવલે ઊંચી ડોક કરી. દેહ જોઈનેજ તેનાથી ધ્રાસકે બોલાઈ જવાયું ..
'..જીવલી ઓ જીવલી આતો આત્મારામનો આત્મા !