Vrajlal Sapovadia

Comedy Children

4  

Vrajlal Sapovadia

Comedy Children

જીભની ઉત્ક્રાંતિ

જીભની ઉત્ક્રાંતિ

3 mins
224


અત્યારનાં જુવાન તો ઠીક પ્રૌઢ લોકોને પણ કહેવામાં આવે કે ઉત્ક્રાંતિના હજારો વરસ પહેલા માણસની જીભ સ્વાદ ચાખવા, સાચું બોલવા અને ગીત ગાવા માટે થતી હતી તો એમને આ વાત માનવામાં નથી આવતી. પણ આ બિલકુલ સાચી વાત છે અને વૈજ્ઞાનિકોએ પ્રમાણ સાથે સિદ્ધ કરી બતાવ્યું છે કે એક સમયે માણસની જીભ સ્વાદ ચાખવા, સાચું બોલવા અને ગીત ગાવા માટે થતી હતી.

તો પછી સ્વાભાવિક પ્રશ્ન થાય કે જીભ હવે કેમ સ્વાદ ચાખવા, સાચું બોલવા અને ગીત ગાવાનું કામ નથી કરતી. ઉત્ક્રાંતિવાદીઓએ આ વિષય ઉપર પ્રયોગશાળામાં ખુબ સંશોધન કર્યું છે. તેમના મતે ઔદ્યોગિક ક્રાંતિ પછી બઝારમાં પીઝા, પાસ્તા અને બરિટો લોકપ્રિય થયા પછી, સ્વાદ ચાખવાની જરૂરત જ નાબૂદ થઇ જતાં, કાળક્રમે સ્વાદેન્દ્રિયો આપમેળે નષ્ટ થઇ ગઈ. સ્વાદની જરૂરત નાબૂદ થતા, બાળકોની જીભ જન્મ સમયથી જ કુદરતે સ્વાદેન્દ્રિય વગર સ્થાપિત કરવા માંડી. ધીમે ધીમે જીભ પહેલા કરતા થોડી લાંબી થઇ ગઈ. બીજા વિશ્વ યુદ્ધ વખતે ગોબેલ્સ એન્ડ હિટલરની જોડીએ નવી થિયરી આપી કે એકનું એક જુઠ જૂઠ સો વખત બોલો એટલે એ સત્ય થઇ જાય. અને ખરેખર એવું બનવા પણ લાગ્યું. અમેરિકાએ નાગાઈ કરી નાગાસીકા હિરોશિમા ઉપર હીરા જેવો રૂપાળો ચમકતો ને નાનકડો અણું બૉમ્બ ફેંક્યો ત્યારથી લોકોની સાચું બોલવાની ઇન્દ્રિયો હવામાં ઓગળી ગઈ. બાળકો સાચું બોલવાની ઇન્દ્રિય વગર જન્મવા લાગ્યા, જો કે તેમની જીભ હજી થોડી વધારે લાંબી થઇ. એ પછી તો વૈશ્વિકરણ, ઉદારીકરણ, ઇલેકટ્રોનિક કમ ઈન્ટરનેટ ક્રાંતિ અને ડી.જે. ના કાર્યક્રમોની ભરમાર ચાલુ થઇ. કાન ફાડી નાખે એવા ડી. જે. ના સંગીત વચ્ચે કોઈને ગીત સંભળાતું જ ન હોવાથી ગાવાની જરૂરત નાબૂદ થઇ ગઈ. 

આવી અજોડ ક્રાંતિ બાદ, હવે જીભ ખૂબ જ લાંબી અને મજબૂત થઇ ગઈ અને જીભમાં જબરજસ્ત ઉત્ક્રાંતિ થઇ. માનવ ઇતિહાસમાં જીભની નવી ઉત્ક્રાંતિમાં એને સમાંતર કોઈ જોટો જડે એમ નથી. વૈજ્ઞાનિકોએ એને "tongueni-hypermenia diarrhea obsequiousness" એવું લાબું લચક નામ આપ્યું. જોકે ભાષાવિદોએ ગુજરાતીમાં એનો સરળ એવો અર્થ 'ચાટુકારિતા' કર્યો. સેલ્સ મેન, માર્કેટિંગ નિષ્ણાત, પત્રકારો, સમાજ સેવકો અને વિવેચકો પોતાની જીભ-કલાથી પોતાની જીભ 10-20 ફુટ લાંબી કરી વાંકા વળ્યાં વગર કોઈના પણ પગના તળિયા ચાટી શકે છે. કેટલાક લોકોને જન્મ-જાત આવી જીભ મળવા માંડી, પણ બધા કાંઈ એવા નસીબદાર નથી હોતા, તેવા લોકો માટે તાલીમશાળાઓ ખુલવા માંડી. 6 ઇંચ જીબને 25-30 ફુટ લાંબી કરી શકાય તેવા સોફ્ટવેર વિકસ્યા. નોકરીની ભરતીમાં પરીક્ષાઓ નીકળી ગઈ. શારીરિક કસોટીમાં ફક્ત જીભનું માપ લઇ ઉમેદવારો પસંદ કરવાની નવી પદ્ધતિ વિકસી. આમ પરીક્ષા અને ઈન્ટરવ્યું પાછળ થતો અઢળક ખર્ચ બચી ગયો. આ નાણાં જીભ ઔદ્યોગિક વસાહતો અને જીભના વિકાસના નવા રસ્તા શોધવાના સંશોધનો ઉપર વાપરી શકાય તે માટે જેન્ડર બજેટ, ઝીરો બેઇઝડ બજેટની જેમ ટંગ બજેટ અને તળિયા-ચાટ બજેટ જેવા નવા કન્સેપટ અમલમાં આવવા લાગ્યા.  

જોકે જીભમાં પહેલેથી જ હાડકા ન હોવાથી એનું લચીલાપણું એવું ને એવું જ રહ્યું છે એ બાબત વૈજ્ઞાનિકોને અચંબામાં નાખી દ્યે છે. આ વિષય ઉપર યુરોપ અને અમેરિકામાં સંશોધન ચાલુ છે. ગ્રીસ, જ્યાં જગતમાં ઉત્ક્રાંતિની શરૂઆત થયાનું માનવામાં વાવે છે એના એથન્સ શહેરમાં પહેલાના સમયની જીભનું એક મ્યુઝિયમ ઉભું કરવામાં આવ્યું છે જેથી ભવિષ્યની પેઢીને ખ્યાલ આવે કે એક સમયમાં જીભ સ્વાદ, સાચું બોલવા અને ગાવા માટે ઉપયોગમાં આવતી હતી. આ મ્યુઝિયમની મુલાકાત લેવાની ઈચ્છા હોય તેમને એથન્સ આવવા જવાની ટિકિટ, રહેવા જમવાની વ્યવસ્થા મફત કરવામાં આવી છે. જોકે ચાટુકારિતાનો પી. એચ. ડી. લેવલનો કોર્સ કરનાર ઉમેદવારને જ આ લાભ મળે છે. 


Rate this content
Log in

Similar gujarati story from Comedy