STORYMIRROR

Nayana Viradiya

Romance Fantasy

4  

Nayana Viradiya

Romance Fantasy

ઝંખના-એક સાચા પ્રેમની ભાગ-2

ઝંખના-એક સાચા પ્રેમની ભાગ-2

6 mins
252

પવન પ્રભાતે જગ કો જગાતે, ભવરે ભી કરતે હૈ ગુંજન,

પંખ પ્રસારે ઉડે પંખીડું, સિંદુરી સિંદુરી હૈ આંગન.

એક સુનહારી રીંગટોન સાથે મોબાઇલનો એલાર્મ વાગ્યો ને એ સફાળી બેઠી થઈ ગઈ.

"આટલું જલદી સવાર ! હજુ હમણાં જ તો સુતી હતી."મનોમન બબડતા એણે એલાર્મ બંધ કર્યો.

બારીના પડદા બહાર ઘોર અંધકાર હતો. માત્ર સ્ટ્રીટ લાઈટનું આછું અજવાળું એ અંધકારને ભેદી રૂમમાં સહેજ પ્રકાશ પાથરી રહ્યુ હતું. સુતી વખતે હંમેશની માફક છુટા કરેલા લાંબા અને એકદમ ઘાટા સુંદર વાળને અંબોડામાં બાંધતા તેને આળસ મા ટોવેલ હાથમાં લીધો ને બગાસા ખાતી એકદમ નીરસતાથી તે બાથરૂમમાં પ્રવેશી.

બાથરૂમના શાવર ચાલુ કરતાની સાથે જ રાતના માંડમાંડ બંધ થયેલા વિચારો ફરી સળવળ્યા. ને એનું મન વિચારોના વંટોળથી ખિન્ન થઈ ગયું. શાવર લેતાં એની આંખ પણ જોડે વહી રહી હતી.અંદરથી રડવાનું મન થતું હતું.પણ એણે મન પર કાબુ રાખી ને જાત ને સંભાળી લીધી.

ફટાફટ સ્નાન પતાવી એ બહાર આવી ને કેપ્રી ટી -શટૅ પહેરી રેડી થઈને ઝડપભેર રૂમ ની બહાર નીકળી. તેની આખી રાત આજે જાણે વિચારો જ વિતી હતી. માંડમાંડ પડખા ફેરવી ફેરવી થાકી ત્યારે જરાક ઝોકું આવ્યું ત્યા તો એલામૅ વાગી ગયો. બદલીના કાગળ હાથમાં આવ્યા ત્યારથી એ ચિંતામાં આવી ગઈ હતી. અનેક વિચારો એને ઘેરી રહ્યા હતા.પણ એ મૌન રીતે બધું સ્વીકારી ને સહજ બની જીવી રહી હતી. પરંતુ આજે એની એ એક વષૅની નોકરીનો ત્યા છેલ્લો દિવસ હતો. કદાચ એટલે જ એ વધારે વિચારે ચડી ગઈ.

નવી જગ્યા ને નવા માહોલમાં એ કેવી રીતે સેટ થશે ? ને એક વષૅથી જે બધા લોકો સાથે એને આત્મીયતા બંધાય ગઈ છે એ બધા ને છોડીને જવું પડશે એનું ખુબ દુઃખ હતુ પણ ? તે હવે કંઈ જ કરી શકે એમ ન હતી. સ્વીકારી લેવું એ જાણે તેના જીવનનો એક ભાગ બની ગયું છે. તેની ઈચ્છા નુ કોઈ જ મહત્વ રહ્યું નથી. રોજની માફક તે યંત્રવત્ ઝડપભેર કામ કરી રહી હતી. આ તેની રોજ ની આદત હતી. આમ તો ખરું કહો તો બધું પરાણે માથે આવતાં એ ટેવાય ગઈ હતી. દિવાલ પર ની ઘડિયાળના કાંટા પણ એની માફક જ ઝડપથી દોડી રહ્યા હતા ને સવારના સવા ચાર(૪:૧૫) વાગવામાં જ હતા. સરખી ઊંઘ ન થવાથી થોડી બેચેની લાગી રહી હતી પણ આ તો રોજ નું થયું.

એણે ઘરનો મેઈન દરવાજો ખોલ્યો ને નવી ઠંડી હવા શ્વાસમાં ભરી એણે જરાક ઊંડો શ્વાસ લીધો. રોજની માફક શેરીમાં બે -ચાર ચક્કર લગાવ્યા પણ આજે વોકિંગ માં બહુ મજા ન આવી. એણે વધુ ચાલવાનું માંડી વાળીને એ ઘરમાં આવી. શેરી આખી સુનકાર હતી. એકદમ શાહી મકાનોની આ સોસાયટીના મેઈન ગેઈટની પાસે ચોકીદાર બેઠો હતો એટલે ડર જેવું તો કંઈ હતું નહી.

રોજ તો તે શેરીમાં દસ બાર ચક્કર લગાવતી પણ આજે બે-ત્રણ ચક્કર લગાવી એ ઘરમાં આવી ગઈ. દિવસે ઝગમગાટ કરતા ને વૈભવી લાગતા બધા જ ઘર અત્યારે અંધકારમાં ભેંકાર લાગી રહ્યા હતા. બધા લોકો મસ્ત મજાની નિંદર માણી રહ્યા હતા‌. શેરી બહાર કુતરા પણ લપાઈને કોઈક ઓથે આરામ ફરમાવી રહ્યા હતા. વાતાવરણ એકદમ શાંત હતું. પંખીઓ પણ હજુ માળામાં તેના બચ્ચા સાથે નિરાંતે સુતા હતા. આછેરી ઠંડક સાથે પવન વાતાવરણને સવાર તરફ લઈ જઈ રહ્યો હતો. બધે જ નિરવ શાંતિ હતી. ફકત એની અંદર જ અશાંતિ હતી. બહુ જ એકલતા અનુભવતી હતી એ.

તેણે ઝડપભેર ઘરમાં પ્રવેશી રસોડામાં જઈ નાસ્તો ને ટીફીનની વાનગીઓ બનાવવા માંડી‌. ફિલ્ટર ચાલુ કરી પાણીનુ માટલું ભરાવા મુક્યું ને ફરી વિચારોના વમળમાં અટવાય કે માટલું છલકાય ગયું એની પણ એને ખબર ન રહી. થોડીવારે એ સ્વસ્થ ને સજાગ થઇ. ને ફરી કામમાં લાગી ગઈ.કપડા એકઠા કરી વોશિંગ મશીનમાં નાખ્યા. વચ્ચે વચ્ચે ઝાપટ- ઝૂપટનું કામ પણ ચાલુ જ હતું. ફળિયું ધોયું ઘરની સાફ સફાઈ ને રસોઈમાં જ ઘડિયાળમાં કાંટો ૫:૩૦ ને આંબવા જઈ રહ્યો હતો. બહાર આછેરો અજવાસ પથરાય રહ્યો હતો.

થોડી ચહલ પહલ ને પંખી ઓનો કલરવ સવારના સ્વાગતની તૈયારી કરી રહ્યા હતા. ઘરનું બધું જ કામ આટોપી એણે નાસ્તો ટેબલ પર ગોઠવ્યો ને ફટાફટ સીડીના પગથિયાં ચડી. રૂમમાં  જઈને તેને બેડ પર આરામથી આળોટતા પ્રથમને જગાડ્યો. પોતે ફરી શાવર લેવા બાથરૂમમાં જતી રહી નાહી ને ફટાફટ બહાર આવી.પણ આ શું ? પ્રથમ તો હજુ પણ ઊંઘતો હતો તેણે ફરી તેને જગાડ્યો. પ્રથમ બગાસાં ખાતો આળસ મરડી બેઠો થયો ને પરાણે બાથરૂમ તરફ ગયો. વરસાદી ગરમી ને ઘરકામમાં એ પરસેવાથી નીતરી ગઈ હતી. ફરીવારના સ્નાન બાદ તેને થોડું સારૂ લાગ્યું.

આમ તો આ રોજ નું જ હતું. પ્રથમ એટલે કે એમના પતિદેવ રોજે બે ચાર વખત જગાડે ત્યારે જ જાગે. એકદમ નિરાંતે નાહીને તૈયાર થાય ને એનાથી ઉલ્ટુ એ ખુબ જ ઉતાવળી. ઘડિયાળ તરફ નજર કરી એ ફટાફટ તૈયાર થવા લાગી.    એણે કોટન ની આસમાની બ્લુ સાડી ને બ્લેક બ્લાઉઝ કબાટમાંથી કાઢ્યા ને એકદમ સ્ટાઈલમાં તેને સાડી પહેરી સાડીમાં તે એકદમ અલગ જ લાગી રહી હતી.જોનાર ને તરત જ મોહીત કરી દે એવું એનું રૂપ હતું.સાડી તેના પર ખુબ જ ઉઠાવ આપતી હતી.

સવારે ઉતાવળે એમ જ અંબોડો વાળી દીધેલા વાળને સરસ રીતે ચોટલામાં ગુંથાયા ત્યારે તેનુ રૂપ નીખરી આવ્યું. પાંચ ફુટને પાંચ ઈંચ લાંબી,સહેજ ભરાવદાર પણ મધ્યમ પાતળો બાંધો, ઘંઉવણૉ રંગ, નમણુંનાક ને એકદમ તેજસ્વી ને હરણી જેવી આંખોને અણિયાળી આઈબ્રો, કમરથી નીચે સુધીના લાંબાને એકદમ સિલ્કી ને સહેજ બ્રાઉન જેવા તેના વાળ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા.નાનકડી બિંદીં ને સહેજ સેંથીમાં સિંદુર લગાવી તેને તેનો શણગાર પૂણૅ કયોૅ.

ત્યા જ બાથરૂમમાંથી પ્રથમ એ અવાજ કયોૅ,

"નિત્યા મારો ટોવેલ લાવ ને પ્લીઝ...,

ને હા મારા કપડા પણ રેડી કર બકા લેટ થઇ ગયું છે."

"આ તો તમારૂં રોજનું છે. પેલા ઊઠવામાં સમજે નહી પછી આપણને પણ દોડાવે." નિત્યા જરાકનાક ફુલાવતા  બોલી :

ત્યા જનાહી ને બહાર આવતા જ,

 "હા હો એ વાત સાચી, રાની સાહેબા તમારા રાજમાં જલસા છે. "પ્રથમ માથાના ભીના વાળનું પાણી તેના પર ઉડાડતો બોલ્યો.

"અચ્છા, બટર ન લગાવો અત્યાર અત્યારમાં રાની સાહેબા તો ખાલી કહેવાના. સાડીનો પાલવ સરખો કરતા સહેજ છણકાથી તે બોલી; "ને હવે જલ્દી તૈયાર થઇ નીચે આવો મહારાજા પ્રથમ પરીખ નહીંતર મારે લેટ થશે. "

"જેવી આપની આજ્ઞા રાની સાહેબા."

"આમ પણ આજે તારે હવે આટલા વહેલા જવાનો છેલ્લો દિવસ.....પછી તો નિરાંત....જલસા જ જલસા..." મસ્તી કરતા પ્રથમે કહ્યુ;

પ્રથમની આ મસ્તીનો કોઈ જ પ્રત્યુતર આપ્યા વિના જ એ નીચે જતી રહી. સાસુ સસરા પણ રેડી થઈ ને આવી ગયા હતા.તે ઝડપથી ચાનાસ્તો પીરસવામાં લાગી ગઈ. તેની અંદર તો હજુ પણ વિચારોનુ વંટોળ ફરી રહ્યું હતું પરંતુ બહાર એ યંત્રવત્ રૂટીન કામ કરી રહી હતી. નાસ્તો કરવાની એની આજે ઇચ્છા નહોતી ને કોઈએ તેને આગ્રહ પણ ન કયોૅ. ટીફીન અને પાણી ની બોટલ તૈયાર ને બેગ લઈ તે નિકળવા જતી હતી ત્યા જ પ્રથમ આવ્યો.

"તારા બદલીના હુકમ રાખ્યા ને બેગમાં ? આજે બધું ત્યા જરૂર પડશે ને હા, લાસ્ટ પે સટીૅ પણ લખાવી લેજે એટલે ફરી ત્યા ધક્કો ન ખાવો લેવા." પગથિયાં ઉતરતા એ બોલી ગયો;

"હા લીધું " કહી એણે ફરી એકવાર બેગ ચેક કયુૅ.

ડાઈનીંગ ટેબલ પર ગોઠવાય ગયેલ પ્રથમને  તેણે ફટાફટ તેને ચાનાસ્તો આપી દીધો‌. મંદિરમાં સહેજ માથું નમાવી

"હું જાઉં છું" કહી  ; એ ઘરે ની બહાર નીકળી. એક્ટિવા પર બેઠી ત્યા જ તેના ફોનની રીંગ વાગી બેગમાંથી ફોન કાઢતા પહેલા એક નજર કાંડા પર બાંધેલ સ્માટૅ વોચમાં કરી

"ઓહ નો"  છ (૬:૦૦)ને પાંચ મિનિટ." મનોમન બબડી ને ફોન ઉપાડયો.

"હેલ્લો લાગણી, ક્યારે આવે છે ?" ફોનમાં સામેથી અવાજ આવ્યો;

"બસ નીકળું જ છું" હેલી બકા તું ચાર રસ્તે આવી જા સ્ટોપ પર નહીંતર લેટ થઇ જશે." તે ઝડપભેર બોલી ગઈ.

"હા, ત્યા જ છું મેડમ હવે જલ્દી પધારો ટ્રેન છુટી જશે નહીંતર.." હેલીએ મસ્તી સાથે કહ્યું

"ઓકે" કહીને નિત્યા એ ફોનને બેગમાં સરકાવીને ઝડપથી એકટીવા ચાલુ કરીને સ્પીડમાં ચલાવ્યુ.

શું વિચારશે હેલી ?એને બિચારી ને પણ તો મારી બદલીની કંઈ જ ખબર નથી. શું વિતશે એની પર ? કેવું રિએક્ટ કરશે ?

એક પછી એક વિચાર તેના મનમાં અથડાવા લાગ્યા ત્યા જ ચાર રસ્તા આવતા જ સામે રાહ જોઈ રહેલી હેલીને જોતા જ નિત્યા એ એના વિચાર સાથે એક્ટિવા ને ત્યાં જ સ્ટોપ કયૉ.

( આટલી વહેલી ક્યાં જાય છે નિત્યા ? હેલી કોણ છે ?  હેલી નિત્યાને લાગણી કહી ને કેમ સંબોધી રહી હતી ?પ્રથમ કેવો છે ?શું કરે છે ? બંનેના સંબંધ કેવા છે ? ઘણા બધા સવાલો છે...બધાના જવાબ પણ છે જ એ માટે વાંચતા રહો આગળ નો ભાગ. ઝંખના - એક સાચા પ્રેમની....)

ક્રમશ:                                              


Rate this content
Log in

Similar gujarati story from Romance