કોરોના -ચિંતા નહીં ચિંતન કરો
કોરોના -ચિંતા નહીં ચિંતન કરો
"મારાં દુઃખોની કોઈ દવા ન કરોમારામાંથી મને જુદા ન કરો
માનવ છો ખુમારી ના ખિસ્સા ખાલી ન કરો
ક્ષણમા એ ઘડી ના ફેસલા ન કરો."
સમગ્ર વિશ્વ આજે જ્યારે અવિરત અને અથાગ રીતે જેની સામે લડી રહ્યું છે તે કોરોના અને જેની કાગડોળે રાહ જોવાઈ રહી હતી તે કોરોનાની વેક્સિન હવે કુદરતની જાણે કોઈ અમૂલ્ય ભેટ હોય એ સ્વરૂપે આપણી સામે આવી ગઈ છે. ત્યારે આ જગતના બારણે કોરોનાને ટકોરા મારતો અટકાવવા આ વેક્સિન એક પ્રાણરૂપ બનીને આવી છે. આખાયે વિશ્વે કોઈ એક વસ્તુ માટે એકસાથે ઝંખના કરી હોય તો કદાચ આ પ્રથમ ઘટના છે. વેક્સિનનું નામ આવે ને હૃદય અને કાન બંને ચમકી જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે કોરોનાથી માનવ સમાજ પર શું અસર થઈ છે, તે વાતની તો કલ્પના પણ ન કરી શકાય ? વરસના વહાણા વાયા પણ કોરોના ના ઘાતક પ્રહારો હજી ઘટના નથી ત્યારે કોરોના વાયરસ વેક્સિન માનવ સમાજ માટે જીવાદોરી બની રહેશે. વેક્સિન તો શોધાઈ ગઈ પણ સમાજમાં પ્રવેશેલા કોરોના થી પણ ઘાતક એવા વાયરસ હતાશા, ગુસ્સો ,સંઘર્ષ , બેકારી, પીડા, વ્યથા આ બધા વાયરસનું શું ? શું આ બધા વાયરસ સામે લડી શકે તેવી કોઈ વેક્સિન શોધાય છે ?
દેશ અને દુનિયાના સમાજશાસ્ત્રીઓ અને મનોચિકિત્સકો નું કહેવું છે કે કોરોના એ માનવ સમાજ પર ખૂબ જ ઘેરી અસર કરી છે. લોકોની માનસિકતામાં ઘણો જ બદલાવ આવ્યો છે.કોરોના ની જેટલા લોકો પર અસર થઈ છે તેના કરતા વધુ લોકો પર માનસિક અસર થઈ છે. હતાશા, નિરાશા, ઉદાસી, નારાજગી, ગુસ્સો અને બીજી કેટલી બધી નેગેટિવ અસર એ આપણા સૌમાં આવી છે. ભાગ્યે જ કોઈ એવા લોકો હશે કે જેમને કોરોના ને કારણે કોઈ જ અસર ન થઈ હોય. કોરોનાની વેક્સિન આવી પરંતુ માનવ સમાજ પર ઘાતક એવા આ બધા વાયરસનું શું ? આ બધી નેગેટિવ અસરોને દૂર કરવાની કોઈ જ વેક્સિન આવશે નહીં, આ બધા ઘાતક વાયરસ ને આપણે પોતે જ હટાવવા પડશે. એની રસી તો આપણે પોતાને જ શોધવી પડશે.મનોબળને મજબૂત અને મકકમ બનાવી ને, આપણે પોતે જ આપણા ખુદના ડોક્ટર બનવું પડશે. પોતે જ પોતાનું મોટીવેટર બનવું પડશે. પરિસ્થિતિ બદલવા માટે આપણે ખુદે જ ઊભા થવું પડશે.
આપણે સૌ જાણીએ છીએ કે સૌથી કફોડી હાલત એ લોકોની થઈ છે કે જેમણે પોતાના સ્વજનને ગુમાવ્યા છે અને બીજા એ કે જેમણે પોતાની નોકરી ગુમાવી છે કે બિઝનેસમાં ફટકો પડયો છે .કોરોના ના કારણે તેમની માનસિક હાલત તો ખૂબ જ ભયંકર થઈ ગઈ હશે .સ્વજન બીમાર હોય આપણે તેનું ધ્યાન રાખી ન શકયા, તેમને મળવા ના જઈ શકયા, દવાખાનામાં એકલા ક્યારેક સ્વજનનદમ તોડયો હોય, અંતિમવિદાય લીધા પછી ઘરે લાવી ન શક્યા હોય, અંત સમયે સરખું મોઢું પણ જોવા ન મળ્યું હોય આ વેદના માણસને અંદરથી કોતરી ને મારી રહી હોય છે. આ ઉપરાંત જે ને કોરોના થયો હોય હોસ્પિટલમાં કે ઘરના રૂમમાં સાવ એકલા એ દિવસો પસાર કર્યા હોય તે પણ કંઈ ઓછા ખતરનાક નથી હોતા.
આ ઉપરાંત ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવી છે ધંધા-રોજગાર ભાંગી પડ્યા છે ત્યારે તે લોકોની હાલત ખૂબ જ કફોડી બની છે એક સર્વેક્ષણ મુજબ એવું જાણવા મળ્યું છે કે કોરોના ને કારણે મહિલાઓની હાલત સૌથી વધુ કફોડી થઈ છે અને સૌથી વધુ નોકરી પણ મહિલાઓએ ગુમાવી છે આ બધી અસરોમાંથી બહાર નીકળતા ખૂબ જ વાર લાગે. સાઈકિયાટ્રિકોનું તો કહેવું છે કે તમે જેટલી વહેલી તકે આમાંથી બહાર નીકળશો કેટલું તમારા હિતમાં છે. એના માટે જરૂરી છે કે જે ગયું તે વિષે બહુ વિચાર ન કરીએ. વિચારોને નવી દિશા આપી કંઈક ગમતું કામ કરીએ.અને ખાસ પરિવાર અને સંબંધો સ્વસ્થ રાખી સ્વજનોને સતત પડખે ઉભા રહી સાંત્વના આપી એ અને ખુદ પણ આવતીકાલ સારી જશે એ આશા ક્યારેય ન છોડીએ.
કોરોના કાળમાં આપણે શારીરિક સ્વાસ્થ્ય બાબતે સજાગ બન્યા છીએ પરંતુ તેની સાથે સાથે માનસિક સ્વસ્થતા માટે પણ સજાગ રહેવું પડશે. હસવાનું થોડુંક વધારીએ આ સમયમાં સંબંધોમાં ડિસ્ટન્સ આવી ગયા ના કિસ્સાઓ ખૂબ જોવા મળ્યા છે. આ અંતરને આપણે ઘટાડીએ.
ડિપ્રેશન એકાદ-બે નેગેટિવ વિચારોથી કંઈ નથી આવતું નકારાત્મક વિચારો સતત સતાવ્યા કરે એ પછી માણસ ધીરે ધીરે હતાશામાં ગરકાવ થાય છે, પરંતુ આપણે જો પહેલાથી જ સતર્ક રહીએ. નબળા વિચારોથી બચીએ. સતત હેપીનેસ માટેના પ્રયાસો ચાલુ રાખીએ આપણી આસપાસ અને આપણા સંપર્કમાં રહેતા દરેક લોકોને ખુશ રાખવાનો પ્રયત્ન કરીએ અને સૌથી પહેલાં તો આપણે ખુદ ખુશ રહેવા માટે તત્પર બનીએ.
કોરોના કાળમાં દરેક ઉંમરની વ્યક્તિ ને પોતાના માનસિક પ્રશ્નો ઊભા થયા છે. નાના બાળકો પણ ઘરમાં ને ઘરમાં પુરાઈ રહીને મહિનાઓથી શાળા શિક્ષણ ને શિક્ષકોથી દૂર રહીને ઘણાં ગંભીર રીતે ઘવાયા છે. કોરોના ભલે ન થયો હોય તોપણ કોઈ વ્યક્તિ તેની અસરમાંથી મુક્ત નથી. આ બધું નાછૂટકે સ્વીકારવું પડ્યું છે. તહેવારો ઉજવી શકાય એમ નથી સગા સંબંધીઓ, મિત્રો ભાગ્યે જ મળે છે. માણસ જાણે માણસથી દૂર થઈ ગયો હોય તેવું ક્યારેક લાગે છે.
ઘણા લોકો તો એવું પૂછતા પણ ફરે છે કે તમને શરદી ઉધરસ તો નથી ને તમને તાવ તો નથી આવતો ને તમને શ્વાસ લેવામાં કોઈ તકલીફ નથી પડી ને તો તમારા જેવું સુખી કોઈ નથી. બસ કોઈને કાંઈ બહાને હસતા રહીએ પછી ભલેને એ વોટ્સએપ ઉપર આવેલો કોઈ જોક હોય કે ટીવી સીરીયલનો ડાયલોગ હોય બસ હસવાનું બહાનું શોધતા રહીએ મનને સતત પ્રસન્નને એકટીવ રાખીએ. એકબીજાની સાથે ઊભા રહી એ, સહકારને સદાચારને થોડોક વધારે જીવનમાં વાવીએ. જિંદગીમાં ચડાવ-ઉતાર તો આવતા જ રહે બસ અડગ મનથી દ્રઢ મનોબળથી આ કઠણ કેડી પર ચાલતા રહીએ.
એટલે જ કહેવાયું છે ને કે "અડગ મન ના મુસાફર ને હિમાલય પણ નહીં નડતો." તો આ કોરોના શું કરી શકવાનો ?
"લડતા રહી એ હસતા રહીએ
જીવન નૈયા ને સ્નેહે હકાંવતા રહીએ
માનવ છીએ એમ કંઈ ન ડરતા રહીએ
ખુમારી એ અડગ બની મહેકતા રહીએ."
