ગજરાજ
ગજરાજ
આશરે દસેક વર્ષ પહેલાની વાત છે. મારી શાળામાં ગજેન્દ્રસિંહ નામે એક વિદ્યાર્થી ધોરણ:૭ માં ભણતો હતો. નામ પ્રમાણે જ દેખાવ. શાળામાં સૌથી ઊંચો ને પડછંદ કાયા કોઈને લાગે નહિ કે આ સાતમું ભણતો હશે. તેનો ઘાટ ને દેખાવ પણ પહાડી લાગે. રૂઆબ પણ એવો જાણે માંતેલા ગજરાજની માફક ભલભલા તેનાથી ડરે શાળામાં શિક્ષકોથી પણ ન ડરે. કોઈ તેને કંઈ કહે નહીં ને તે અંકુશ વગરના ગજરાજ -હાથીની માફક ગામમાં ફર્યા કરે. માં નાનપણમાં એકલો મુકીને ઈશ્વર ના ઘરે જતી રહેલી ને બાપા ગામના સરપંચ એટલે ગામ આખામાં રૂઆબ કરતો ફરે. ગામમાં ને શાળામાં તેનો ભારે ત્રાસ કોઈની વસ્તુ લઈ લેવી કોઈને કામ કરાવવું, ધમકાવવું, દાદાગીરી કરવી ને માતેલા, નિરંકુશ ગજરાજની માફક જ ગામ અને નિશાળમાં ફર્યા કરવું.
શાળા એ હાજર થયા ને અઠવાડિયું થયું હશે ને એક દિવસ મેં એક છોકરાને મોકલ્યો કે જા તો ગજેન્દ્ર ને બોલાવી લાવ તો છોકરો બોલ્યો ટીચર એ નહિ આવે એ નિશાળનો દાદો છે કોઈના બાપનું ય માને નહિ. મેં કહ્યુ બોલાવી તો જો ને તે છોકરો બોલાવવા ગયો ને તે આવ્યો પણ ખરો ! મેં તેને કહ્યું બેસ મારે કામ છે. તે કહે કામ હોય એ બોલો મારે જવું છે. મે તેને બેસાડી ને કહ્યું તારૂં નામ શું છે ? બેટા તેને કહ્યું ગજેન્દ્રસિંહ મેં કહ્યું વાહ ! કેવું સરસ નામ છે ગજેન્દ્ર એટલે કે ગજરાજ તારે તો રાજાની જેમ રહેવું જોઈએ શું આમ લુખાઓની માફક ફર્યા કરે છે. કોઈને ગમે નહિ આવું બધાને ગમે તેવું વર્તન રાખ પછી જો રાજાની જેમ બધા તારૂં માનશે. શાળાને ગામમાં તારૂં માન વધી જશે શાળામાં તું સૌથી મોટો છે બધાને મદદ કરે ને શાળાનું ધ્યાન રાખે તો સાચે ગજરાજ બની જાય એકવાર વિચાર કર દાદાગીરીથી કંઈ સારૂ ન થવાય. હું તને મારો દીકરો ગણીને શીખામણ આપું છું તું માનીશ તો મને ગમશે પછી તારી મરજી.
મને એમ કે તે કંઈ માનશે નહિ પણ ખબર નહિ મારા શબ્દો જાદુ કરી ગયા. સોમવારે નિશાળ ખુલી ત્યાં તો બગીચો, મેદાન, ઓસરી બધું જ વાળેલુ ને બધા લાઈનબંધ ધોરણવાર પ્રાર્થનામાં જતા હતા. મને ખુબ નવાઈ લાગી. પછી તો અમારી શાળાની રોનક જ બદલાય ગઈ. કોઈપણ કામ હોય ગજરાજ બધા સાથે મળીને ખુબ સરસ રીતે એકાંતમાં પૂર્ણ કરે. ખરેખર એ છોકરો એકદમ બદલાઈ ગયો જ્યારે આઠમા ધોરણની વિદાય હતી ત્યારે ગજરાજનું ખાસ સન્માન કરવામાં આવ્યું ને આખી નિશાળના બાળકો ને શિક્ષકો પણ રડી પડ્યા. કેમકે નિશાળની લગભગ જવાબદારી નિભાવતો. પાણી પાવું, સફાઈ, કાર્યક્રમની તૈયારી લગભગ બધું જ કામ.
સાચે જ એ ગજરાજ બની ગયો. અમારી શાળા માટે.
